અખો : તત્વજ્ઞાન અને ભક્તિ એ બંનેનું સંમિશ્રણ ધરાવતો કવિ ?
ગુજરાતનાં ભક્ત કવિ અખા નો જન્મ અમદાવાદ પાસે જેતલપુર ગામમાં આશરે સાડા ત્રણસો વર્ષ ઉપર થયો હતો, તે જાતે સોની હતો. તેના જીવનસમયનો નિર્ણય બાહ્ય સાધનોથી થઈ શકે તેમ નથી; પણ તેના ગ્રંથો ઉપરથી જાણવા મળે છે કે તેનો સમય ઇ.સ. -1615 થી 1675 ના અરસામાં હોવો જોઇએ.

તે પોતાની જાતને કવિ કહેડાવતો નથી. પણ તે ‘અખા ભગત’ તરીકે જાણીતો થયો છે. પણ ખરી રીતે જોતાં તે માત્ર ભગત જ નથી, પણ એક ‘અનુભવી’ કે ‘જ્ઞાની’ મહાપુરુષ છે. તેથી તેને જ્ઞાનીભક્ત એ સંજ્ઞા આપી શકાય તેમ છે. તેનાંમાં તત્વજ્ઞાન અને ભક્તિ એ બંનેનું સંમિશ્રણ છે. છતાં તેના ચિત્તનો રંગ કેવળ તત્વજ્ઞાનદર્શક ધોળો ન હતો. તેજ જ માત્ર ભક્તિનો નિદર્શક લાલ પણ ન હતો. તે તો ‘ભગવો કાષાય’ હતો.
અખો જેતલપુરથી અમદાવાદ આવી વસેલો. હજુ પણ ખડિયામાં જે ઓરડામાં તે રહેતો હતો તે ઓરડો ‘અખાના ઓરડા’ તરીકે જાણીતો છે. તેના વંશજો હજુ ય અમદાવાદમાં વસે છે. જેમ હમેશા બને છે તેમ સાધુસંતના રસિયા આખાને કલહપ્રિય પત્ની મળેલી હતી.
અખો વૈરાગ્ય તરફ
અખાને વૈરાગ્ય પ્રાપ્ત થયો હતો તેના કારણરૂપે બે પ્રસંગો બન્યા છે.
જહાંગીર બાદશાહે સ્થાપેલી ટંકશાળમાં તે કામ કરતો હતો, તેય તેની ઉપર શુદ્ધ ચંડિમાં હલકી ધાતુ ભેળવવાનો આરોપ આવેલો. તેને લીધે તેને કાચી જેલમાં પુરાવું પડ્યું હતું. જો કે આખરે તેમાથી અખો છૂટી ગયો પણ આ પ્રસંગની છાપ તેનાથી ભુલાઈ નહીં અને તેને વિરક્તિ પ્રાપ્ત થઈ.
પોતાની બહેન તરીકે માનેલી એક સ્ત્રીને તેને એક વાર સોનાની કંઠી બનાવી આપેલી. મૂળ 300 રૂ ના સોનામાં પોતાનું 100 રૂ. નું સોનું ઉમેરી 400 રૂ.ની કંઠી બનાવી અખો તેની બહેનને આપે છે. પણ ‘સોની તો સહુનું ય ચોરે’ એ માન્યતાથી કંઠીનું વધેલું વજન જોઈ બાઈને વહેમ આવ્યો કે રખેને ભેળસેળથી વજન વધાર્યું હશે. તેણે કંઠી તોડવી તપાસ કરી. પણ તેણે જાણ થઈ કે સૂનું તો શુદ્ધ જ હતું. કંઠી ફરી સંધાવવા અખા પાસે આવી ત્યારે તેણે આ બધી વાતની ખબર પડી. આ વાતની જાણ થયા પછી અખાનું મન સંસારથી ઘણું ખાટું થઈ ગયું.
અખો અને સ્વામી બ્રહમાનંદ
આ પ્રસંગો બન્યા પછી તેણે સંસાર છોડી સાધુસંતોના ટોળામાં ફરવાનું શરૂ કર્યું. સાધુસંતો સાથે તેણે ઘણી તીર્થયાત્રાઓ કરી ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું.
તે વખતે અમૂર્ત બ્રહ્મના તાત્ત્વિક વિચારક સાધુ સંન્યાસીઓ મોટા ભાગે તીર્થયાત્રામાં અગર તો કાશી જેવા પાવનતીર્થમાં રહેતા. તત્ત્વજિજ્ઞાસુ શ્રોતાએ તેમની પાસે નિયમિત રીતે જય તેમના વેદાંતશાસ્ત્રોનાં પ્રવચનો સાંભળતા. આ શ્રોતાઓમાંનો અખો એક હતો. મણિકર્ણિકા ઘાટ ઉપર એક નાના શા મઠમાં નિવાસ કરનાર બ્રહ્માનંદસ્વામિના પ્રવચનો સાંભળવા અખો જતો તેની નિયમિતતાથી, ભક્તિથી અને શ્રવણતત્પરતાથી
પ્રસન્ન થઈ ગુરુએ તેની ઉપર અનુગ્રહ કર્યો. બ્રહ્માનંદની જ્ઞાનદીક્ષા પછી અખાની રહેણીકરણી બદાલાઇ ગઈ અને તેનામાં ખરો હ્રદયપલટો થયો. છતાં અખાના આ ગુરુ વિષે વધારે માહિતી મળતી નથી.
અખાની કૃતિઓ
અખાની કૃતિઓ હિન્દી ભાષામાં છે અને ગુજરાતી ભાષામાં પણ છે. હિન્દી ભાષાની બે કૃતિઓ મળે છે.
(1) સંતપ્રિયા અને (2) બ્રહ્મલીલા. ગુજરાતી ભાષામાં (1) પંચીકરણ (2) ચિત્ત વિચાર- સંવાદ (3) ગુરુશિષ્ય સંવાદ (4) અનુભવબિંદુ (5) અખેગીતા (6) કૈવલ્યગીતા, (7) છૂટક પદો (8) સોરઠા અથવા દુહા અથવા પરજીઆ. કેટલાક લેખકોનાં મંતવ્ય પ્રમાણે (1) પરમપદપ્રાપ્તિ અને (2) પંચદશી તાત્પર્ય. એ ગ્રંથો પણ અખાની જ કૃતિઓ છે.
અખો : ભક્ત કે કવિ ?
અખાને કવિ ગણવો કે ભક્ત ગણવો કે તત્વજ્ઞ ગણવો ? એ બાબતમાં ઘણા મતભેદ પરીક્ષકની વૃતિના ભેદથી હોવા સંભવે છે. ખરી રીતે અખો પોતે પોતાને કવિ ગણાવવાનો દાવો કરતો જ નથી. તો પણ તેનાં પદોમાં અને છપ્પામાં માર્મિક વાણી વડે તે શાંતરસ આગળ તરતો કરી શકે છે. તે કેવળ શુદ્ધ તત્ત્વજ્ઞાની નથી; પરંતુ તેનાં મન ઉપર હરિભક્તિનો ઉંડો સાચો રંગ લાગેલો જણાય છે.
અખાની ભક્તિ નવા વલ્લભીય સંપ્રદાયને અનુસરતી છે પરંતુ જૂના ભાગવત સંપ્રદાયને અનુસરતી નથી. આ કારણથી તે મહારાષ્ટ્રનાં સમકાલીન ભાગવતમતનાં સંત કવિઓ સાથે વિચારમાં ઘણો મળતો આવે છે. એનું બહુશ્રુતપણું ગુજરાતનાં તે સમયનાં કોઈપણ ભક્ત અથવા જ્ઞાની લેખકમાં નથી. શાસ્ત્રનાં સિદ્ધાંતો તે જેવી સરળ રીતિથી દર્શાવી શક્યો છે, તેવી રીતે બીજા કોઈ પછીના લેખકમાં જણાતી નથી. આટલુંછતાં તેનામાં ઉત્તમ કાવ્યશક્તિ નૈસર્ગિકી નથી. તેનામાં ધીરાની કલ્પનાશક્તિ નથી. તેનામાં યોગમાર્ગનાં અણસારા નથી. પ્રિતમની પેઠે તેનામાં શાંત અને શૃંગાર એ બંને રસની જમાવટ કરવાનું સામર્થ્ય નથી. અખાની કવિતામાં સ્વભાવોકિત અને લોકના સામાન્ય અનુભવોનાં દ્રષ્ટાંતો ઘણા છે. દ્રષ્ટાંત અને દ્રષ્ટાંતિક વચ્ચે ‘અને’ શબ્દ મૂકી તે ઉપદેશનો સાર બહુ ત્વરાથી આપી શકે છે. ઉદાહરણ તરીકે :
“અણસમજ્યો જીવ ને બીજું ઝાંખરું,
જ્યાં દેખે ત્યાં વળગે ખરું.”
“પરંતુ સુવર્ણ ને બીજું મન,
તેણે ધોવુંધાવું ન હોય જતન.”
ભક્તિ અને સામાન્ય શૃંગારનો તે વિવકે કરે છે. અને ભક્તિને શૃંગારની છાયામાં અથવા વિષયાનંદમાં તે ઉતારવા દેતો નથી. ભક્તિનું વિકારી રૂપ અટકાવવા સારું તેણે જ્ઞાન અને વૈરાગ્ય ઉપર ભાર મૂક્યો છે. ભક્તિ નામની સુંદર પંખીણીને જ્ઞાન અને વૈરાગ્યની પાંખો ન હોય તો તે ભગવાન પ્રતિ ઉડી શક્તિ નથી.
અખાની ગુરુભક્તિ
અખામાં ગુરુભક્તિ ઊંડી છે, પણ તે માત્ર અનુભવી ગુરુને જ માન આપે છે. વિદ્યાના આડંબરવાળા નવ પ્રકારના મિથ્યાભિમાનીઓથી દસમા શુદ્ધ જ્ઞાનીને ઓળખવાના તે ત્રીસ લક્ષણો જણાવે છે, જે વડે સાચા સંતને જુઠા સાધુઓથી સાધારણ બુધ્ધિવાળા પણ ઓળખી શકે.
વેદાંતશાસ્ત્રની મર્મજ્ઞતા અખામાં જેટલી પ્રાકૃત ભાષામાં આવી છે, તેવી મર્મજ્ઞતા સંસ્કૃત ન્યાયમિશ્ર વેદાંત સાહિત્યમાં મળવી મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે સામાન્ય વેદાંતીઓ પરબ્રહ્મની માયાશક્તિનું વર્ણન કરે છે, પરંતુ તેની ચિતશક્તિ, માયાશક્તિ અને પ્રકૃતિશક્તિનો વિવેક જેવો અખો એ અનુભવ દ્વારા કર્યો છે, તેવો વિવેક સામાન્ય વેદાંતનાં પ્રકરણ ગ્રંથોમાં થયો નથી.
અખાએ પોતાના ગ્રંથોમાં દાદુ, સેના ન્હાવી, કબીર, રામ સોનાર અને ગોવિદ આ સૌનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી મહારાષ્ટ્રમાં જે ભાગવતસંપ્રદાય પ્રચલિત થયો અને જેમાં રામાનંદી સંપ્રદાયનું મહત્વ વિશેષ દેખાય છે, તે જ સંપ્રદાયમાં રહેલા મોટા પુરુષોને અખો સન્માનતો હતો એમ લાગે છે.
ચિત્ત અને વિચાર એ બન્નેની વચ્ચે અખાએ જે પિતાપુત્રનો સંબંધ કલ્પ્યો છે, તે બહુ મનોરંજક છે. આ જ કલ્પના ચિત્તવિચારસંવાદમાં અધિષ્ટાત્રી થએલી છે.
અખા ઉપર તે વૈષ્ણવ ગુરુઓનો નિંદક હોવાનો આરોપ નિરર્થક છે એવો રા. નર્મદાશંકર મહેતાનો સકારણ અભિપ્રાય છે. તેઓ એમ માને છે કે જે પંક્તિઓ ગુરુઓ પર ચાબખા ચલાવતી લાગે છે, તે જ પંક્તિઓના જુદા પાઠ છે અને તે વાત તે સ્પષ્ટ[પણે બતાવી આપે છે.
આજથી ચારસો વર્ષ પહેલાં થયેલ આ મહાન કવિની ચેતનાને વંદન