અજમો, અરડુસી, મેથી, ફૂદીનો, દુધી

Spread the love

અજમો

સંસ્કૃત : पर्णववानी

અંગ્રેજી : Country Borare

હિન્દી : अजवाइन पत्ता

લેટીન : coleus Amboinicus

અજમો બંગાળ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કુંડાઓમાં રોપવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં પાન  અજમાના કંદ વાવવાથી છોડ ઉગે છે.

અજમો તુલસી વર્ગનો છોડ છે. તે અજમાની એક જાત છે. આ છોડ આશરે ૩૦ થી ૫૦ સેમી જેટલો ઊંચો થાય છે. તેના પર તુલસીના પાનથી થોડા મોટા, જાડા ગોદડીયા, કરકરા પાન થાય છે. પાન ને મસળતા તેમાંથી અજમાની વાસ આવે છે.

પાન સ્વાદે પણ અજમાવવા જેવા જ લાગે છે. આ છોડ પર ફળ કે બી આવતા નથી, માત્ર પાન જ થાય છે.અજમાના પાનના ભજીયા ઘણા સ્વાદિષ્ટ બને છે. અજમો તુલસી વર્ગનો છોડ છે. તે અજમાની એક જાત છે. આ છોડ આશરે ૩૦ થી ૫૦ સેમી જેટલો ઊંચો થાય છે. તેના પર તુલસીના પાનથી થોડા મોટા, જાડા ગોદડીયા, કરકરા પાન થાય છે. પાન ને મસળતા તેમાંથી અજમાની વાસ આવે છે.

પાન સ્વાદે પણ અજમાવવા જેવા જ લાગે છે. આ છોડ પર ફળ કે બી આવતા નથી, માત્ર પાન જ થાય છે.અજમાના પાનના ભજીયા ઘણા સ્વાદિષ્ટ બને છે.

અજમાના પાન ઉપયોગ

અજમાથી ગેસ (વાયુ), અજીર્ણ મટે છે.આ માટે જમ્યા પછી  અજમાના પાન ૨ થી ૩ પાન ધોઈને ચાવીને ખાઈ જવાં. પેટમાં કૃમિ પડ્યા હોય કે અપચો થયો હોય તો અજમાના ૨ થી ૩ પાનનો રસ કાઢીને પીવાથી ફાયદો થાય છે. ભમરીનો ડંખ લાગ્યો હોય તો અજમાના પાનનો રસ ડંખ પર વારંવાર લગાડવાથી તેની પીડા દૂર થાય છે. કફ રહેતો હોય તો દરરોજ સવાર-સાંજ  ૨થી ૪ પાન ધોઈને ખાવાથી રાહત થાય છે. અરૂચિ દૂર કરવા દરરોજ ભોજન પહેલા ૨-૩ પાન ચાવીને ખાઈ જવા. ગરમીના દર્દીએ કે પિત્તવાળી વ્યક્તિએ અજમાનો વધુ ઉપયોગ ન કરવો.

શાળાના બગીચામાં આ છોડ ઉગાડવા જેવો છે.

અરડુસી

સંસ્કૃત : वासा

હિન્દી : अडूसा,बाकस

અંગ્રેજી :Malabar nut

અરડૂસી નો છોડ120 થી 300 સેમી ઊંચો હોય છે. તેને અનેક ડાળીઓ હોય છે. છોડ ચોમાસામાં ખાસ ઉગે છે. તેના પાન જામફળીના પાન જેવા ૭થી ૧૦ સેમી લાંબા અને ત્રણ થી પાંચ સેમી પહોળા હોય છે. અરડૂસીને તુલસીની મંજરીની જેમ હારબંધ સફેદ ફૂલ થાય છે. અરડૂસી ધોળી અને કાળી એમ બે જાતની થાય છે.

ઔષધ માટે અરડૂસીનાં તાજાં કે સૂકા પાન, મૂળની છાલ, રસ અને ફૂલ ઉપયોગી છે. સંગ્રહિત પાન અને ફુલ છ માસ સુધી ઉપયોગમાં લઇ શકાય છે.

અરડૂસી ના તાજા લીલા પાન નો રસ કાઢીને ઉપયોગમાં લેવો જોઈએ. વાડકીમાં પાણી લઈ  ૭ થી ૮ પાન નાખી ધીમા તાપે ઉકાળી, ચોળી, ગાળી ને ચાના અડધા કપ જેટલો રસ કાઢી એક જ સમયે પીવો જોઇએ. અરડૂસીનાં પાનને કૂટીને રસ કાઢવા કરતા તેના પાનને ઉકાળીને કે વરાળથી બાફીને કાઢેલો રસ વધુ સુપાચ્ય બને છે. અરડૂસી ના પાનનો રસ તેમાં મધ ઉમેરીને પીવો.

અરડુસી તો દરેક ઘરમાં, મહોલ્લામાં અને ગામમાં હોવી જ જોઈએ. તેની ડાળ કાપીને પણ વાવી શકાય. ઘરમાં કુંડામાં, ફળિયામાં, ઘરની વંડીની બહાર કે અંદર, શાળા જેવી સંસ્થાઓમાં હારબંધ તેને ઉગાડી શકાય.  જેમ પાણી પાશો તેમ તે લીલીછમ રહેશે.

મેથી

સંસ્કૃત : मेथिका, कुंचिका, अश्वबला

હિન્દી : मेथी

અંગ્રેજી  : Fenugreek

મેથી ભારતમાં અનેક પ્રદશોમાં ખેતર વાડીઓમાં વવાય છે. સારા ઝરણવાળી જમીન તેને વધુ માફક આવે છે. મેથી મધ્યમ કે કાળી જમીનમાં, સામાન્ય રીતે ડિસેમ્બર થી માર્ચ સુધીમાં વવાય છે. ગુજરાતમાં – સૌરાષ્ટ્રમાં, મહારાષ્ટ્ર તે સર્વત્ર થાય છે. મેથિનો છોડ 30 સેંથી 60 સેમી જેટલી ઊંચાઈનો થાય છે. તેનાં  પાન નાના. લીલા રંગનાં, આંતરે આવેલાં અને ત્રણ –ત્રણની જોડમાં હોય છે. છોડને 5 થી 10 સેમી લાંબી, 8 થી 10 નાના દાણાવાળી નાની પાતળી શિંગો હોય છે. છોડ પર ફૂલ પત્રકોણમાં પીળા રંગ ડીંટાં  વિનાના થાય છે. જંગલમાં બીજી વગડાઉ કે રાતી મેથી આપમેળે ઊગે છે.

મેથી ભારતીય લોકોની પ્રિય ભાજી છે. ભારતમાં તેમાંથી અનેક ખાદ્યચીજો બનાવીને તેનો ઉપયોગ થાય છે. મેથીની ભાજીનો તેના ભજિયાં- ગોટા, ઢેબરાં, મૂઠિયાં જેવાં ફરસાણ ઉપરાંત તેનો સૂપ કે રસ રૂપે સીધો ઉપયોગ થાય છે. સૂકી મેથી દાળ-શાકના વઘારમાં તથા ઘરગથ્થું ઔષધ તરીકે ખૂબ વપરાય છે.

મેથીની ભાજી તીખી-કડવી, ગરમ, પિત્તવર્ધક, પચવામાં હળવી, મળને અટકાવનાર, હ્રદય માટે હિતકર અને બળપ્રદ છે, તે કફનો તાવ, અરુચિ, વમન, કફદોષ,ખાંસી અને કૃમિનો નાશ કરે છે. સૂકી મેથી (દાણા) કરતાં લીલી મેથી (ભાજી) ઠંડી, પાચનકર્તા, પિત્તશામક, વાયુનાશક તથા સોજો મટાડનારી છે. આજકાલ ડાયાબિટીસને કાબુમાં લેવા માટે મેથી વ્યાપકપણે વપરાય છે.

ફૂદીનો

ફૂદીનો ભારતમાં પ્રાયઃ સર્વત્ર બાગ-બગીચા તથા ઘરઆંગણે વવાય છે. હિમાચલ પ્રદેશ, કાશ્મીર તથા બંગાળમાં તે વધુ પેદા થાય છે. ગુજરાતમાં પણ ફૂદીનો સુરત તરફ વધુ થાય છે. ચીનમાં તે ઘણો થાય છે.

ફૂદીનો તુલસીની જાતનો વર્ષાયુ, કોમળ અને સુગંધિત છોડ છે. તેનાં પાન કોમળ, ઘેરા લીલા રંગનાં હોય છે. પાન કિનારેથી દાંતીદાર  અને તીવ્ર ગંધના હોય છે.  પુષ્પ નાનાં, ફિક્કા રીંગણી રંગનાં, ગુચ્છામાં કે મંજરી રૂપે થાય છે. મંજરીમાં તેનાં સૂક્ષ્મ બી હોય છે. પરંતુ બીથી છોડ થતો નથી. છોડ ઉગાડવા તેની ડાળી જ વવાય છે. વસંતમાં તેને પાન ફૂટે છે. ફૂદીનો ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો ખાસ વાપરે છે. તેની ચટણી કરાય છે.  તે ઔષધીરૂપે પણ વપરાય છે. ફુદીનાની આશા, જંગલી, પર્શિયન, જલીય, નાનપ દેવમંજરી જેવી અનેક જાતો થાય છે.

ફૂદીનો સ્વાદિષ્ટ, તીખો હળવો, રૂચિકર, હ્રદયને હિતકર, પાચક, ઉલટી રોકનાર, કફ કાઢનાર, દુર્ગંધનાશક, પરસેવો લાવનાર છે.

પેટના દર્દો માટે તે ખાસ પ્રસિદ્ધ છે. પેટનાં દર્દો માટે સૂકા ફૂદીનાનાં પાનનો ઉકાળી કરી, તેમાં લીંબુ નિચોવી તથા ખાંડ મેળવી શરબત બનાવીને રોજ પીવું અથવા ફુદીનાના અર્કનાં 3 થી 5 ટીપાં પીવાં. કોલેરા માટે ફુદીનાનો રસ, ડુંગળીના રસ કે લીંબુના રસ સાથે મેળવીને વારંવાર પીવો આઠ દર્દીના શરીરે તે મસડવો. ઠંડીના તાવ માટે ફૂદીનો તથા સૂંઠનો ઉકાળો કરી પીવો. શીળસ માટે ફૂદીનાનાં પાન પાણીમાં વાટી, ગાળી, તેમાં સાકર મેળવીને સવાર-સાંજ પીવું. દરાજ માટે ફુદીનાના રસનો લેપ કરવો.

ફુદીનાની ખારેક, લીંબુ. મરી, મીઠું, જીરું તથા ગોળની પાચક ચટણી પણ બેન છે.

ફૂદીનામાંથી મેંથોલ મળે છે.  

દુધી

Bottle gourd, દુધી

હિન્દી નામ : कद्दू ,लौकी, तुम्बी

અંગ્રેજી નામ : Bottle gourd

દુધી સમગ્ર ભારતમાં થાય છે. ગુજરાતમાં લગભગ બધા જ જિલ્લામાં થાય છે. ગામડાઓમાં,વાડોમાં  ખેતરમાં, વાડીઓમાં તેના વેલા થાય છે. દુધીને ગરમ અને ભેજવાળું હવામાન માફક આવતું હોવાથી ચોમાસામાં અને ઉનાળામાં એમ વર્ષમાં બે વાર તેનો પાક થાય છે. આમ,દુધીનો ઉનાળુ અને ચોમાસુ પાક થાય છે.

દૂધીના વેલા પર સફેદ ફૂલ થાય છે. દુધી(ફળ) 50 થી 60 સેમી જેટલી લાંબી અને 5થી 10 સેમી જેટલા વ્યાસની (ગોળ) થાય છે. તેની છાલ સુવાળી, ચમકતી, અને આછા લીલા રંગની હોય છે. ફળની અંદર સફેદ, કૂણો ,મીઠો ગર્ભ હોય છે. ગર્ભમાં લંબગોળ, સફેદ પોચાં બી હોય છે.કુણી દૂધીમાં બી અલગ દેખાતા નથી, પણ પાકી કે ઘરડી દૂધીમાં બી છુટા પડે તેવા દેખાય છે.

દુધીનાં કાચાં,કુણા ફળો શાક માટે અને મીઠાઈ બનાવવા વપરાય છે. દૂધીનું શાક, હલવો, રાયતું અને તેની છાલનો સંભારો થાય છે. દુધી લોકપ્રિય નિર્દોષ શાક છે.

દૂધી પચાવવામાં હળવી છે. તે રુચિકર્તા, નિદ્રાજનક છે. કફ કાઢે છે; તાવ અને દાહને શાંત કરે છે. દૂધીમાં બદામ નાખેલો હલવો માનસિક દર્દ અને અનિંદ્રામાં ઉપયોગી છે. બાફેલી દૂધીનો રસ કબજિયાત માટે ઉપયોગી છે.

મીઠી તુંબડી કે નઈ નામે પણ દુધી ઓળખાય છે.

આ લેખ શ્રી અશોક શેઠના ‘વસુંધરાની વનસ્પતિ‘ પુસ્તકમાંથી લેવામાં આવેલ છે.

Total Page Visits: 583 - Today Page Visits: 2

1 comments on “અજમો, અરડુસી, મેથી, ફૂદીનો, દુધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!