અભિસાર – ઝવેરચંદ મેઘાણી

Spread the love

મથુરા નગરીના ગઢની રાંગે એક સંન્યાસી સૂતેલા છે. એનું નામ ઉપગુપ્ત.

        શ્રાવણ મહિનાની ઘોર રાત્રિ જામતી હતી. નગરના દીવા પવનને ઝપાટેઝપાટે બુઝાતા હતા. ગામના દરવાજા ધીરેધીરે બંધ થવા લાગ્યા. નગરને કાંગરે દીવા નથી, ઘનઘોર આકાશમાંયે તારા નથી.

        એકાએક એ સૂતેલો સન્યાસી અંધારમાં કેમ ઝબકી ઊઠ્યો? ઝાંઝરના ઝંકાર કરતો એ કોનો મધુર ચરણ એની છાતી સાથે અફળાયો?

        ક્ષમાથી ભરપૂર એ યોગીની આંખો ઉપર એક ગુપ્ત દીવાનું આસમાની અજવાળું પડ્યું. એ કોણ હતું?

        એ તો મથુરાપૂરીની સર્વશ્રેષ્ઠ નટી પેલી વાસવદત્તા : આજ અંધારી રાતે એ કોઈ પ્રિયતમની પાસે જવા નીકળી છે. એના આસમાની ઓઢણાની અંદરની યૌવન તોફાને ચડ્યું છે. અંગ ઉપર આભૂષણો રણઝણી રહેલા છે. મદોન્નત્ત એ રમણી આજે તો વળી વહાલાને ભેટવા સારુ ભાન ભૂલેલી છે. પૂરજોશમાં એ ધસ્યે જાય છે. અચાનક અંધારામાં એના કોમળ પગ સાથે સંન્યાસીનું શરીર અફળાયું. વાસવદત્તા થંભીને ઊભી રહી.

        ઓઢણાના છેડામાં છુપાવેલો ઝીણો દીવો ધરીને એ સુંદરી સાધુના મોં સામે નિહાળી રહી. સુકુમાર ગૌર કાંતિ : નયનોમાં કરુણાના કિરણો ખેલે છે : ઉજ્જવળ લલાટની અંદર જાણે ચંદ્રની શીતળ શાંતિ દ્રવે છે. શાં અલૌકિક રૂપ નીતરતાં હતાં !

        હાય રે, રમણી! તું શું જોઈ રહી છે? શામાં ગરક થઈ ગઈ છે, હે નારી? પગ ઉપાડ, પગ ઉપાડ. રાજમહેલનો નિવાસી કોઈ પ્રેમી તારી વાટ જોતો ઝરૂખામાં ઊભો તલખતો હશે.

        સંન્યાસીનાં ચરણ સ્પર્શીને વાસવદત્તા દીન વચને બોલી : “હે કિશોરકુમાર! અજાણ્યે આપને વાગી ગયું, મને માફ કરશો?”

        કરુણામય કંઠે સાધુ બોલ્યા : “કંઇ ફિકર નહિ, હે માતા ! સુખેથી સિધાવો. તમારે વિલંબ થતો હશે.”

        તો યે આ અભિસારિકા કાં હટતી નથી?

        ફરી વાર એ દીન અવાજે બોલી : “હે તપસ્વી ! આવું સુકોમળ શરીર આ કઠોર ધરતી ઉપર કાં રગદોળો છે?”

        સાધુએ અબોલા રહીને હસ્યા જ કર્યું.

        “મારે ધેર પધારશો? પથારી કરી આપીશ. પધારો, હું પાછી વળું.”

        ‘હે લાવણ્યના પુંજ ! આજે તો જેનો વારો છે તેની પાસે જ જઇ આવો. એક દિવસ મારો પણ વારો આવશે ત્યારે હું વિનાબોલાવ્યો તમારી કુંજમાં ચાલ્યો આવીશ. આજે તો સિધાવો જેનો કોલ દીધો છે તેની પાસે.”

        એટલી વારમાં તો અંધારેલા વાદળાં તૂટી પડ્યા. ઘોર ગર્જના થઈ. એ રમણી કંપી ઊઠી. કોને માલૂમ છે કે ક્યાં સુધી એ કોમલાંગી ભિંજાણી હશે, થરથર કંપી હશે ને રડી હશે! એનો અભિસાર એ રાત્રીએ અધૂરો રહ્યો.

***

        શ્રાવણ મહીનો વીતી ગયો. ત્યાર પછી તો ઘણા યે મહિના આવ્યા ને ગયા. ચૈત્ર માસની સાંજ પડે છે. માર્ગ પરનાં તરુવરોને કૂંપળો ફૂટી છે. રાજાજીના બગીચામાં આજે બોરસલ્લી અને પારિજાતકનાં અપરંપાર ફૂલો મહેકી ઊઠ્યાં છે. મથુરા નગરીના નરનારીઓ આજે મધુવનમાં વસંતોત્સવ કરવા ગયા છે. ચંદ્રનાં એ અજવાળામાં નિર્જન રાજમાર્ગ ઉપર એ કોણ ચાલ્યો જાય છે? એ તો પેલો સંન્યાસી ઉપગુપ્ત.

        દૂર દૂરથી બંસીના સ્વરો આવે છે. માથે વૃક્ષોની ઘટામાં કોયલ ટહુકે છે : સામે ચંદ્ર હસે છે.

        નગર છોડીને તપસ્વી ગઢની રાંગે રાંગે ચાલ્યો. અજવાળું વટાવીને આંબાની અંધારી ઘટામાં પેઠો. એકાએક એના પગ થંભ્યા. એ પગની પાસે શું પડ્યું હતું?

        દુર્ગંધ મારતું એક માનવશરીર : અંગના રોમરોમમાં શીતળાનો દારૂણ રોગ ફુટી નીકળેલો છે. આખો દેહ લોહી-પરુમાં લદબદ થઈ ગેગી ગયો છે.

        ગામના લોકોએ ચેપી રોગમાં પિડાતી કોઈ બિચારી સ્ત્રીને ઘસડીને નગરની બહાર નાખી દીધેલી છે. પાસે બેસીને સંન્યાસીએ એ બીમારનું માથું ઉપાડી ધીરેધીરે પોતાના ખોળામાં ધર્યું. ‘પાણી પાણી’નો પોકાર કરતાં એ બે હોઠ ઉપર શીતળ પાણી રેડયું, કપાળ ઉપર પોતાનો સુકોમળ હાથ મેલીને શાંતિનો મંત્ર ગાયો, ચંદનનો લેપ લઈને એ સડેલા શરીરને અંગે મર્દન કર્યું ને પછી દરદીને મધૂર અવાજે પુછ્યું : “કાંઇ આરામ વળે છે, હે સુંદરી?”      

        “તમે કોણ, રે દયામય ! તમે ક્યાંથી આવ્યા?”

        દુર્બળ અવાજે દર્દીએ પ્રશ્ન કર્યો, એની આંખોમાંથી આંસુની ધારા છૂટી.

        મંદમદ મુખ મલકાવીને સાધુ કહે છે : “ભૂલી ગઈ, વાસવદત્તા? શ્રાવણ માસની એ ઘનઘોર રાત્રીએ આપેલ કોલ શું યાદ નથી આવતો? આજે મારા અભિસારને આ મીઠી રાત્રી આવી છે, વાસવદત્તા!”

        આંબાની ઘટામાંથી મંજરીઓ ઝરી, કોયલ ટહુકી, ચંદ્ર મલકયો, યોગીનો અભિસાર ઉજવાયો.

પુસ્તક : ઘોળી ઘોળી પ્યાલા ભરિયા (ઝવેરચંદ મેઘાણીના સાહિત્યમાંથી ચૂંટેલા કાવ્યો, નવલિકાઓ, લોકગીતો, લોકવાર્તાઓ)

સંપાદક : મહેન્દ્ર મેઘાણી

પ્રાપ્તિસ્થાન

ગુર્જર સાહિત્ય ભવન, રતનપોળ સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ – 380 001

Total Page Visits: 966 - Today Page Visits: 1

1 comments on “અભિસાર – ઝવેરચંદ મેઘાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!