અવ્યક્ત સૌંદર્ય – નિબંધ – કાકાસાહેબ કાલેલકર

અવ્યક્ત સૌંદર્ય
અવ્યક્ત સૌંદર્ય
Spread the love

અવ્યક્ત સૌંદર્ય – નિબંધ – કાકાસાહેબ કાલેલકર

કોઈ પણ દર્શનમાં આકૃતિ, ગતિ, માર્દવ યા કાઠિન્ય, રંગ અને કાંતિનું જ વર્ણન આવવાનું. એની બહારનું કેટલુંય સૌંદર્ય આપણે પ્રતિદિન નજરે જોઈએ છીએ પણ તેનું પૃથ્થકરણ કરી તેની જુદી જુદી છટાઓ માટે સર્વમાન્ય સંજ્ઞાઓ ભાષાએ નક્કી કરેલી ન હોવાથી તેનું વર્ણન આપણે શબ્દોમાં કરી શકતા નથી.

મૂંગાને એકાદ સુંદર સ્વપ્નું આવે તો તે બીજાને શી રીતે જણાવે? તેને તે પોતાની અંદર જ જીરવવું રહ્યું. गूंगे को स्वपनो भयो समुझ समुझ पछताय ।

ચંદ્રે ગઈ રાત્રે ચંદ્રિકાનો વરસાદ વરસાવ્યો હતો, શુક્લપક્ષમાં સંધ્યાનુ ચંદ્રિકામાં થતું રૂપાંતર ઘણું અદભુત – રમ્ય હોય છે. બંને નો ઉલ્લાસ સરખો અને તુલ્યબલ હોવા છતાં સંધ્યાનો સંધિવૈભવ ને ચંદ્રિકાનો આહલાદ કંઇ જુદાં જ હોય છે.  આ બંનેના મિલનના પ્રસંગે તે વૈભવ અને આહલાદ એકત્ર મળવાથી જે ભાવ નિર્માણ થાય છે તેનું કવિઓએ હજુ નામ પાડ્યું નથી, એ તેમનો ગુનો જ કહેવાય.  

રૂપયૌવના યુવતીને પ્રથમ માતૃપદ પ્રાપ્ત થતાં તેના મુખ ઉપર જે વૈભવયુક્ત સ્થિર શાંતિ પથરાયેલી દેખાય છે તે જ છટા પ્રકૃતિદેવીના અંગપ્રત્યંગો ઉપર તે વખતે દેખાય છે. ચંદ્ર આકાશમાંથી આ બધું જોઈ શકતો હશે ખરો ?

સાંજે વાંચવાને ગરકાવ થઇ ગયાને કારણે પ્રાર્થના જરા મોડી થઇ પણ તેથી એક લાભ એ થયો કે ચિત્રા અને સ્વાતિ પણ સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ સાંભળવા માટે ઉપસ્થિત થઇ શકી. ક્ષિતિજ ઉપર બંને એકી વખતે ઊગતી હોય છે તોપણ ચિત્રાનાં પગલાં હળવા અને દૂર દૂર પડવાને કારણે તે ઝડપથી ઉપર ચડે છે. જયારે સ્વાતિ પોતાના તેજના ભારથી અલસગમના હોય એ સ્વાભાવિક જ છે. ચંદ્ર ગઈ કાલ કરતાં આજ કંઇક નજીક આવેલો છે, આવતી કાલે તે ચિત્રાને મંદિરે પહોંચી જશે. સ્વાતિનું લાવણ્ય વધારે; છતાં ચંદ્ર તો ચિત્રાનું જ સાનિધ્ય પસંદ કરે છે. ચિત્રા છે જ એવી નિખાલસ વૃત્તિની.

આજે સવારે આકાશે સર્વત્ર એકરૂપ થવાનું પસંદ કર્યું હતું. વાદળાં તો હતાં જ નહિ પણ નીલવર્ણ સાથે પ્રભાતની જે ગુલાબી છટા જ્યારે કલ્પનાના પ્રાથમિક સ્ફુરણ જેટલી પાતળી આછી હોય છે ત્યારે તે એટલી પારદર્શક હોય છે કે તેમાંથી આકાશનો નીલ વર્ણ સ્પષ્ટપણે દેખાય છે અને આ રંગ પ્રસન્નતા અને વિલાસિતાની વચલી સ્થિતિનો પુરેપુરો દ્યોતક બને છે.  

નાહવાની જગ્યાથી પશ્ચિમ તરફના વાદળાં કેવાં નીલવર્ણ દેખાય છે !અનંત આકાશ અને દૂરવર્તી સનાતન પર્વત બંનેનો રંગ ભૂરો હોય છે. બંનેને એ રંગ શોભી નીકળે છે. પણ આકાશમાંનાં વાદળાં પણ જો તેવો જ રંગ ધારણ કરે તો બધે વિશ્રી ફેલાઈ જશે.

વિશ્વની અનંતતાનો વિચાર કરી પહાડોને પણ ક્ષણજીવી કહેનારો અને પહાડોને આકાશમાંના મેઘોની ઉપમા આપનાર કવિ ક્યાં કોઈએ દીઠો છે ? સંભાળ્યો છે?

ડીન ઇન્જ (Alfred Lord Tennyson?)નાં પુસ્તકમાં આવા કવિની ચાર પંક્તિઓ વાંચવા મળી.

The hills are shadows and they flow,

From form  to form, and nothing stands,

They  melt like mist, the solid lands

Like clouds they shape themselves and go.

Total Page Visits: 42 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!