અહો અહો : શોભિત દેસાઈ – વૈભવી જોષીની કલમે

Shobhit Desai
Shobhit Desai
Spread the love

એક પ્રસ્થાપિત કવિ ને ગઝલકાર તો ખરા જ પણ એમને મુશાયરા માં જયારે એમ કહેતા સાંભળો કે “તાળીઓ પાડો, દાદ આપો દાદ. દાદ આપવા ઉપર ટેક્સ નથી.” ત્યારે આખુંય ઓડિટોરિયમ જોર શોર થી તાળીઓ ના ગગડાટ વચ્ચે ગુંજી ઉઠે. જેમના થી ગઝલવિશ્વને નવી વ્યાખ્યા મળી, એમાં પ્રાણ ફૂંકાયા અને જેમના થકી મુશાયરા ની મહેફિલો માં નવચેતના નો સંચાર થયો એવા શ્રી શોભિત દેસાઈ નો આજે ૬૪ મોં જન્મદિવસ છે. સૌથી પહેલા તો એમને ગઝલપૂર્વક ની શુભેચ્છાઓ..!! ઈશ્વર એમને આમ જ સ્વસ્થ રાખે અને દીર્ઘાયુ થાઓ એવી અભ્યર્થના.


આજે એવા વ્યક્તિ વિશે વાત કરવી છે જે વ્યક્તિ તો એક પણ વ્યક્તિત્વ અનેક તમે જે પણ રૂપ માં એમને માણી શકો. તમારા માટે અઘરું થઇ પડે એ કહેવું કે એ ઉમદા લેખક છે, શાયર છે, ગઝલકાર છે, ગાયક છે કે અભિનેતા છે કે પછી કોઈ મુશાયરા નું સંચાલન કરનારા સારથી છે…અહો અહો થઇ જાય અને છતાંય તમે નક્કી તો ના જ કરી શકો કે કયા રૂપ માં એ શ્રેષ્ઠ છે.
જેટલી પણ વાર એમની સાથે વાત કરું એટલી વાર એમની પાસે કોઈ ને કોઈ સમય અને સંજોગો ને અનુરૂપ શેર કે ગઝલ હાજરાહજૂર જ હોય અને એમાંય એમના અવાજ માં એ શેર સાંભળવો એટલે તો એમ થાય કે ગઝલવિશ્વ તમારી આસપાસ જ છે એવી પ્રતીતિ થઇ આવે. ઘૂંટાયેલો એ અવાજ જયારે કોઈ શેર ફરમાવે ત્યારે ગર્જ્નાસમી વાણી મારા કાનો માં ગુંજી ઉઠે અને મને એમ થાય કે બસ આ અવાજ આમ જ સંભળાતો રહે અટકવો ના જોઈએ. આટઆટલા શેર કે ગઝલો ભાગ્યે જ કોઈને કંઠસ્થ હશે.

સાચા ને સાચું ને ખોટા ને રોકડું પરખાવવું એ એમનો અસલ મિજાજ, કોઈ દંભ કે આડંબર ફાવે નહિ, આટલા પ્રખ્યાત અને પ્રસ્થાપિત ગઝલકાર હોવા છતાંય વ્યક્તિત્વ એકદમ સરળ અને સહજ અને છતાંય આટલા વર્ષે પણ એ જ ખુમારી અકબંધ. આટલું જો તમે નથી જાણી શક્યા તો તમે આ અદના શાયર ને ઓળખો તો છો પણ જાણતા નથી એવું હું ચોક્કસ કહું.


આમ જોવા જઇયે તો એમની ગઝલો પ્રમાણ માં ખુબ ઓછી ગવાઈ છે એટલે ઘણી ખરી ગઝલો બધા સુધી પહોંચી પણ નહિ હોય અને આ વિશે જયારે મેં એક વાર પૂછેલું તો એમણે એવો ચોટદાર શેર સંભળાવેલો એ પણ એમના અસલ ખુમારી ભર્યા અંદાઝ માં,


શાયર છું મારી રીતથી બોલીશ હું ગઝલ,
બુલબુલ તો હું નથી કે ફક્ત કંઠ દાદ લે.


પછી મને કહેલું કે હું કોઈના પણ કંઠ નો મોહતાજ ક્યારેય નથી. મારી ગાવા જેવી ગઝલો હું તરન્નુમ માં સરસ ગાઈ શકું છું એ પછી એમણે કવિઓ માટે ચિંતા પણ વ્યક્ત કરેલી કે જે બધા સ્વરકારો દ્વારા મહેફિલ માં સરસ ગઝલ કે ગીતો ગવાતા હોય છે પણ મૂળ રચનાકાર કે કવિ ના ભાગે કશું જ નથી આવતું. આ ઉપેક્ષિત વલણ ના કારણે જ એમણે એમના ગીતો કે ગઝલો સ્વરબધ્ધ થાય એવો પ્રત્યન ક્યારેય નથી કર્યો જોકે ઘણા બધા ઉત્તમ સ્વરકારો એ એમની ઘણી બધી ગઝલો સ્વરબધ્ધ કરી પણ છે જેમ કે પંકજ ઉધાસ ના અવાજ માં એમની ગઝલ “રૂપ કૈફી હતું” સાંભળો તો નશો ચડ્યા વગર રહે જ નહિ. લોકો એક એક શેર પર વાહ વાહ પોકારી ઉઠે.


એમના નામની આગળ કોઈપણ વિશેષણ મુકો એ વામણુ જ લાગે. કાવ્યપાઠ, વાચિકની સાથોસાથ આંગિક પણ થઈ શકે, એવું એમણે પુરવાર કર્યું છે જયારે શ્રોતાઓ સમક્ષ કાવ્યપાઠ કરે ત્યારે કાવ્યના શબ્દો, એનો ભાવ, મર્મ, અર્થ સ્વરપેટીમાંથી એવી રીતે નીકળે કે શ્રોતાના કર્ણપટલને અને હૃદયને તીરની જેમ વીંધીને આરપાર નીકળી જાય, શ્રોતા નખશિખ આનંદવિભોર બની કરતલઘ્વનિ અને વાહ ! વાહ ! પોકારી ઉઠે. એને સ્થળ, સમય અને અવસ્યનુંભાન ન રહે એ જ કવિ ની કમાલ પણ છે ને ધમાલ પણ છે. એ જયારે મંચ પર આવે એટલે પછી એ મંચ એમનું થયું. મંચ પણ જાણે રાહ જોઈ બેઠું હોય કે હવે મારી ગરિમા પણ વધી અને મેં અગાઉ પણ કીધેલું કે જયારે કોઈ મુશાયરા ના સારથી શોભિત દેસાઈ હોય એટલે પછી એને ‘શોભિતોત્સવ’ જ ગણવો પડે.


સળંગ ૧-૨ કલાક પણ કાર્યક્રમ ચાલવાનો હોય તો એમની એ આગવી છટા અને અંદાજ-એ-બયાન સાંભળવા માં એમનો શ્રોતાગણ એટલો રસ તરબોળ હોય કે પગ છૂટો કરવા ના બહાને પણ કોઈ ને ઉભા થવાનું મન ના થાય. જયારે એમની કવિતા શરુ થાય ત્યારે એ શબ્દો નહિ પણ કોઈ અગમ્ય સંગીત કાનો માં ગુંજતું હોય એવો રસાસ્વાદ તો જેણે માણ્યો હોય એ જ મારી વાત સાથે સહમત થઇ શકે.
મા સરસ્વતી ના તો ચાર હાથ એમના પર અને એ મંચ ઉપર બોલવા ઉભા થાય ત્યારે તો જાણે આખું વાતાવરણ પણ ક્ષણભર થંભી જાય અને એ યાદગાર પળ ને સાક્ષી બનાવી કાયમ ને માટે થીજાવી દે. એમની ગઝલ કદાચ બબ્બે વાર રચાતી હશે એવું મને હંમેશા લાગે જયારે એ લખે અને પછી જયારે એ એનું પઠન કરે. એ સંચાલન કરતા હોય ત્યારે લાગે કે કવિતા કરતા સંચાલન સારું કરે અને કાવ્ય-પઠન કરે ત્યારે લાગે કે ના-ના આ તો કવિતા સારી કરે છે. આવી મીઠી મુંઝવણ તમને સતત સ્પર્શયા કરે…પણ બંને બાબતો બખૂબી નિભાવી જાણે એ પણ હકીકત.


આટલું એમના વિશે જાણ્યા પછી જો એમ કહેવા માં આવે કે એમને બીજું કંઈ પણ બનવું હતું પણ કવિ તો નહોતું જ બનવું તો?? નવાઈ લાગી ને ..!! આ પણ એટલી જ હકીકત છે. પોતે મૂળ તો વડોદરા નજીકના સંખેડા ગામનાં. ૧૯૬૩ ની સાલમાં મુંબઈ રહેવા આવી ગયેલાં. ઇન્ટર કોમર્સ સુધી ગુજરાતી ભાષા ભણવામાં આવતી. એ પછી ભણતરમાં ગુજરાતી ભાષા સાથેનો નાતો તૂટી ગયો. એમની જ્યોતિબેન ઉનડકટ સાથે ની વાતચીત દરમ્યાનના થોડા અંશ જણાવું.
એમણે કહેલું કે ‘જે કવિતાઓ મને વાંચવામાં આવતી હતી એ કવિતાઓની ભાષા બહુ અઘરી હતી. હું તો રૂટિન લેંગ્વેજનો માણસ. હા, હું ખૂબ જ સારો ગાયક અને સ્કૂલ તથા કોલેજની સ્પર્ધાઓમાં મારી બોલવાની સ્ટાઇલના કારણે અનેક ઈનામો જીતી લાવતો. મને પહેલાં તો રાજકારણી થવું હતું. એકદમ બેફિકર લાઈફ જીવતો હતો હું. રાજકારણ બહુ ગંદું છે. ત્યાં ખોટું પણ કરવું પડે. હું તો ખરું કે ખોટું કંઈ યાદ જ ન રાખું. તડને ફડ કહી દેવાવાળો માણસ. એટલે સમજાઈ ગયું કે, રાજકારણમાં આપણું કામ નથી એટલે તરત જ હું ત્યાંથી પરત ફર્યો.
આ સમયગાળામાં મેં બરકત વિરાણીની ગઝલો વાંચી. બસ એ પછી હું કવિતાની દુનિયામાં આવ્યો. મેં જ્યારે કવિતાની દુનિયામાં પગ મૂક્યો ત્યારે મતલબ કે, ૧૯૭૪ ની સાલમાં સોસાયટીમાં આ ફિલ્ડ બહુ નિગ્લેક્ટેડ એક્ટીવિટીની છાપ ધરાવતું હતું. બાય ચોઈસ હું આ દુનિયામાં આવ્યો. શરૂઆતના ગાળામાં હું સરસ નહોતો લખી શકતો. પાંચ શેર લખું તો એમાંથી માંડ બે સારા હોય. ફ્યુચર શું હશે એની ચિંતા કર્યા વગર એક ઝનૂન સાથે હું આ ફિલ્ડમાં આવી ગયો. બરકત વિરાણીને વાંચ્યા પછી હું બહુ વાંચવા લાગ્યો. ભણવામાં સારો હતો અને યાદશક્તિ પણ સરસ. બે વખત કંઈ વાંચું તો એ મોઢે રહી જાય. એ પછી તો બીજું જોઈએ જ શું. પેશન અને મેમરી બંનેએ મારી કરિયરમાં બહુ મહત્ત્તવનો ભાગ ભજવ્યો. આજે હું જે કંઈ છું એ ગઝલ અને કવિતાઓને કારણે છે. ગઝલને લીધે મને કોન્ટેક્સ મળ્યાં, ગઝલને લીધે મને પાંખો મળી. આપણે બધાં ચાલીએ છીએને? પણ હું એવું કહીશ કે, ગઝલને કારણે હું ઉડું છું.”
મંચ ના આ બેતાજ બાદશાહ એ એમના સંસ્મરણો વાગોળતા એમ પણ કહ્યું હતું કે “પહેલી વખત ૧૨ મી ફેબ્રુઆરી, ૧૯૭૬ ના દિવસે જાહેરમાં બોલવાનું હતું ત્યારે મારા ટાંટિયા ધ્રૂજતા હતાં. મારા મિત્ર કૈલાસ પંડિતે મને ચાન્સ આપ્યો. એ દિવસે મેં એકદમ કૃત્રિમ અવાજ અને હાવભાવ સાથે મારી કૃતિ રજૂ કરી હતી. એ પછીના દિવસોમાં મેં બહુ મહેનત કરી. મારા સમકાલીન સંચાલકોને સાંભળ્યા, જોયાં. એમની ક્યાં ક્યાં ભૂલ થાય છે અથવા તો એ લોકો શું બોલે છે અને કેવી રીતે બોલે છે ત્યારે કેટલી અને કેવી દાદ મળે છે તેનો અભ્યાસ કર્યો.


મારે જે-જે નથી કરવાનું એનું લિસ્ટ મારા મનમાં મેં ઘડી નાખ્યું. બસ એ પછી, બાવીસ વર્ષની ઉંમરે ૩૦ નવેમ્બર, ૧૯૭૯ માં જ્યારે પહેલી વખત મેં કાર્યક્રમનું સંચાલન કર્યું ત્યારે હું છવાઈ ગયો હતો. શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે મને પહેલો બ્રેક આપ્યો હતો. સુરેશ જોષીની જનાન્તિકે અને રમેશ પારેખના ઓફબીટ નિબંધોમાંથી કેટલીક વાતો મેં આ કાર્યક્રમમાં મારા એન્કરીંગ દરમિયાન કહી. પ્રેક્ષકોને બહુ ગમી. બધાં જ દિગ્ગજો હતાં પણ વાત મારા સંચાલનની થતી હતી. બસ એ પછી પાછા વળીને નથી જોયું.’


સો-સો કવિતાના બે સંગ્રહો ‘હવા પર લખી શકાય’ અને ‘અંધારની બારાખડી’ પણ એમણે તૈયાર કર્યા. આ બંને કાવ્યસંગ્રહ ઉપરાંત ‘અરે!’ નામનો ગઝલ સંગ્રહ આવેલો, ‘અહમ્ ઓગાળવા આવ્યાં’ અને ‘૧૦૮ બેફામ’, ‘૧૦૮ ર.પા.’, ‘બાઅદબ બામુલાહિજા ઘાયલ’, ‘મરીઝ’ પર સંપાદનો પણ તૈયાર કર્યાં. મેં હંમેશા અનુભવ્યું છે કે તેઓ એવા કવિઓને ચાન્સ આપે છે, પ્રોત્સાહિત કરે છે જેમનામાં આવડત છે પણ એમને મોકાની રાહ છે. નવા કવિઓ ને એ આગળ વધારે છે. એ નવા કવિઓ કે ગઝલકારો ના ઉત્સાહ માં હંમેશા વધારો કરે, માર્ગદર્શન પણ આપે અને જરૂર પડે તો રચના મઠારી પણ આપે. એમની આ વિશાળતા અને વર્તન મને હંમેશા ખુબ પ્રેરણાદાયી લાગે.


એમણે ‘સમકાલીન’ દૈનિકમાં બે વર્ષ સુધી ‘એક ખોબો ઝાકળ’ કૉલમ લખી છે અને હાલ માં પણ મુંબઈ સમાચાર માં આવતી એમની કોલમ ‘આજે આટલું જ’ વાંચવાનું હું જરા પણ ચુકતી નથી. આ લોકડાઉન દરમ્યાન એમણે શોભિત દેસાઈ ફાઉન્ડેશન અને માંગરોળ મલ્ટીમીડીયા લી. ના માધ્યમ થી વરિષ્ઠ અને યુવા ગઝલકારો ને લઇ ‘ચાલીયે પકડી ગઝલ ની આંગળી’ નો જબરદસ્ત ઓનલાઇન મુશાયરા નો અફલાતૂન કાર્યક્રમ રજુ કર્યો હતો જે સહુ એ મન ભરી ને માણ્યો.
ફરી ફરી ને એક વાર ગુજરાતી ગઝલવિશ્વ ના ધરોહર સમા અને શ્રોતાઓ ને સંમોહિત કરનારા એવા શોભિત દેસાઈ ને જન્મદિવસ ની અઢળક શુભેચ્છાઓ પાઠવું છું અને આજે એમના જન્મદિવસે અવાજ ના આ જાદુગર ની એક ક્લિપ વહેતી મુકું છું આશા છે આપ સહુ ને ગમશે..!!

Total Page Visits: 2084 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!