આસન અને યોગ

યોગ અને આસન
આસન
Spread the love

યોગની સાધનાને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એવા આઠ અંગમાં વહેંચવામાં આવી છે. યોગનાં પ્રથમ બે અંગો યમ અને નિયમ છે. ત્રીજું આસન અને ચોથું અંગ પ્રાણાયામ છે.

જો મકાનનો નીચેનો પાયો સુદ્રઢ ન હોય તો ટૂંક સમયમાં જ મકાન પડી જાય. એવી જ રીતે જો તમારે આસનના આધ્યાત્મિક લાભની પૂર્ણ અનુભૂતિ કરવી હોય તો પ્રથમ યમ અને નિયમ નામના બે અંગો સારી રીતે આચરવા જોઇએ.

એવી જ રીતે યોગના સાધકે જો આસન ઉપર પ્રભુત્વ ન મેળવ્યું હોય તો તે યોગાભ્યાસમાં આગળ ન વધી શકીએ. આસનમાં સ્થિર થયા પછી જ પ્રાણાયામનાં લાભોને પ્રાપ્ત કરી શકાય.

આસનના પ્રકાર

આ વિશ્વમાં જેટલા જીવંત પ્રાણીઓ છે તેટલી જ આસનોની સંખ્યા છે. આમ, આ  જગતમાં ચોર્યાસી લાખ યોનીઓ પ્રમાણે ચોર્યાસી લાખ આસનો અસ્તિત્વ ધરાવે છે. આસન એટલે જુદી જુદી પ્રાણીઓની બેસવાની જુદી જુદી રીત.

આસન

84 લાખ આસનોમાં ચોસઠ આસનો શ્રેસ્ઠ છે. અને આ 84 આસનોમાં 32 આસનો માણસજાત માટે ખૂબ જ ઉપયોગી ગણાય છે.

આસનોના બે મોટા વિભાગ પાડી શકાય.

  1. ધ્યાન માટે આસન અને
  2.  તંદુતસ્તી અને તાકાત મેળવવા માટેના આસન.

યોગ શાસ્ત્ર પ્રણામે ધ્યાન માટે ચાર મહત્વના પ્રકાર છે.

  1. પદ્માસન
  2. સિદ્ધાસન
  3. સ્વસ્તિકાસન
  4. સુખાસન

ધ્યાન માટેની મુદ્રાઓ

યમ અને નિયમ

જપ અને ધ્યાન માટે આ આસનો ખૂબ જ સરળ પડે છે. દરરોજનાં ચિંતાયુક્ત જીવનમાંથી તે સ્થિરતા આપે છે. આ આસનોથી પાચનશક્તિ વિકસે છે, ભૂખ લાગે છે. તેમજ તંદુરસ્તી અને સુખ પ્રાપ્ત થાય છે. આનાથી કફ, વાયુ અને પિત્ત સમ પ્રમાણમાં રહે છે. તેનાથી નસો, પગ અને સાથળ મજબૂત બને છે. તેમજ બ્રહચર્યની આરાધના માટે ખૂબ જ ઉત્તમ છે.

स्थिरसुखम् आसनम – જે સ્થિર અને સુખપ્રદ હોય તે આસન છે. આસનથી કોઈ પણ જાતની મુશ્કેલી ન પડવી જોઇએ.   

જ્યારે તમે આ આસનની મુદ્રામાં બેસો ત્યારે એમ વિચારો કે “હું ખડક જેટલો દ્રઢ છુ. મને કોઈ પણ વસ્તુ દગાવી શકે તેમ નથી.” મનને આવી સૂચના દસ-બાર વખત કરો એટલે તરત જ આસન દ્રઢ બનશે.

તમે ધ્યાન માટે ચાર પ્રકારમાંના કોઈ પણ પ્રકારના આસનમાં શરીરના હલચલન સિવાય લાગલગાટ ત્રણ કલાક સુધી બેસી શકવાને શક્તિમાન હોવા જોઇએ. અને આમ થી તો જ તમે આસન પર વિજય પ્રાપ્ત કરી શકો. જો તમે એક કલાક માટે પણ તમાર આસન ઉપર સ્થિર રહી શકો તો તમે મનની એકાગ્રતા મેળવી શકો અને આમ થતાં અનંત શાંતિ અને આત્મિક આનંદ પ્રાપ્ત કરી શકો.

નિયમત અભ્યાસથી એક વર્ષમાં જ તમે સફળતા મેળવી શકશો. અને ધીરે ધીરે ત્રણ કલાક સુધી એક આસને બેસી શકશો. શરૂઆતમાં અડધા કલાકથી શરૂઆત કરો અને આ સમય ધીરે ધીરે વધારતા જાઓ. જો આસન વખતે પગનો સખત દુખાવો થાય તો થોડા સમય બાદ પગ છુટ્ટા રાખી તેને પાંચ મિનિટ માટે મસાજ કરી ફરીથી આસનની મુદ્રામાં બેસી જાઓ. તમે જેમ જેમ પ્રગતિ કરશો તેમ તેમ તમારો દુ:ખાવો મટી જશે અને ઊલટો ખૂબ આનંદ મળશે. સવારે અને સાંજે નિયમિત આસન કરો.

પદ્માસન, સિદ્ધાસન, સ્વસ્તિકાસન કે સુખાસન માંહેના કોઇ પણ એક આસનને વળગી રહો. અને વારંવાર અભ્યાસથી તેમાં સ્થારિતા પ્રાપ્ત કરો. આસનને બદલો નહીં. એક જ આસનને દ્રઢપણે જળોની જેમ વળગી રહો અને ધ્યાન માટે એક આસનથી મળતા બધા લાભોનો વિચાર કરો.

શરીરને કેળવનારા બીજા આસન

આ વિભાગમાં કેટલાંક એવાં આસનો આવે છે કે જે ઊભાં ઊભાં થઈ શકે. આમાં તાડાસન, ત્રિકોણાસન, ગરૂડાસન વગેરેનો સમાવેશ થાય છે. કેટલાંક આસનો બેઠાં બેઠાં કરવામાં આવે છે. આમાં પશ્ચિમોત્તાનાસન, જાનુશીર્ષાસન, પદ્માસન, લોલાસન વગેરેનો સમાવેશ થાય છે. કેટલાક આસન સૂતા સૂતા થાય છે. જેમ કે, ઉત્તાનપાદાસન, પવનમૂકતાસન વગેરે નબળા અને કોમલ માણસો સૂતાં સૂતાં આસન કરી શકે છે, કેટલાક આસન જેવા કે શીર્ષાસન, વૃક્ષાસન, સર્વાંગાસન, વિપરિક્તકરણી મુદ્રા વગેરે આસનો મસ્તક નીચે અને પગ ઊંચે રાખીને કરવામાં આવે છે.

યોગાસન અને શારીરિક કસરતો

સામાન્ય શારીરિક કસરતોથી શરીરના બાહ્ય ભાગોના સ્નાયુઓ વિકસે છે, માણસ પહેલવાન બને છે. શરીરનું બંધારણ સુદ્રઢ બને છે. ત્યારે આસનો શરીરના આંતરિક અવયવોની કસરત છે. યકૃત, અગ્ન્યાશય, હ્રદય, ફેફસાં, મગજ અને શરીરની બીજી કેટલીક અગત્યની ગ્રંથિઓના આરોગ્ય માટે આસન કરવામાં આવે છે. તંદુરસ્તી જાળવવામાં મુખ્ય ભાગ ભજવતી થાઈરોઇડ અને બીજી કેટલીક અગત્યની ગ્રંથિઓને શક્તિશાળી બનાવવામાં આસન અગત્યનો ભાગ ભજાવે છે.

શારીરિક કસરતોથી પ્રાણ બહાર નીકળે છે, જ્યારે આસનથી પ્રાણ શરીરના પ્રત્યેક ભાગમાં સરખી રીતે વહેંચાઈ જાય છે.


આસન એકલી શારીરિક કસરત જ નથી, પરંતુ એથી વિશેષ છે. તેનાથી મન અને લાગણીઓને કાબુમાં રાખી શકાય છે, અને આધ્યાત્મિક લાભ પ્રાપ્ત થાય છે.


મૂલાધાર ચક્રમાં સૂતેલી કુંડલિની નામની શક્તિને આસન જાગૃત કરે છે. સાધકને આ શક્તિ આનંદશક્તિ અન યોગ સમાધિ આપે છે. તમે દરરોજ પાંચસો દંડબેઠક કરો અથવા પાંચ વરસ સુધ પેરેલલ બાર્સની રોજ પચાસ વખત કરસત કરો છતાં પણ તમારી કુંડલિની નામની ગૂઢ શક્તિને જાગૃતિ કરવામાં તે મદદરૂપ નહીં બને. હવે આપને આ બે વસ્તુઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ થયો હશે.


આસન કરવામાં રાતી પાઇનો પણ ખર્ચ નથી. યોગની કસરત માટે તમારે બારબેલ, સ્પ્રિંગ, વજન, મગદળ વગેરે કોઈ પણ સાધનની આવશ્યકતા નથી. વધુમાં વધુ આસન કરવા માટે સાદો અને પોચો એક ધાબળો આવશ્યક છે.

યોગસાન

આસન કોણ કરી શકે?

દશ અથવા બાર વર્ષની ઉમર પછી સામાન્ય રીતે આસન કરી શકાય. 20 કે 30 વર્ષના લોકો બધા આસન સરસ રીતે કરી શકે છે. એક અથવા બે માસના અભ્યાસથી તમારા સ્નાયુઓ અને હાડકાં સ્થિતિસ્થાપક બનશે. અરે ! વૃદ્ધ માણસો પણ આસન કરી શકે છે, જો તમે શારીરિક યોગ્યતા ધરાવતા ન હો તો શીર્ષાસન છોડી દેવું. જો કે ઘણા વૃધ્ધો પણ શીર્ષાસન કરે છે.


સ્ત્રીઓ પણ આસન કરી શકે છે. જો રસ અને ધ્યાનપૂર્વક મહિલાઓ વ્યવસ્થિત રીતે આસનનો અભ્યાસ કરે તો તેમની શક્તિ અને તંદુરસ્તી વિકસે છે, જો માતાઓ તંદુરસ્તી અને મજબૂત હશે તો તેમનાં બાળકો પણ મજબૂત અને તંદુરસ્ત બનશે. યુવાન મહિલાઓ સમગ્ર જગતની જનનીઓ છે.

યોગની કસરતો દ્વારા રોગ નિવારણ

આસનથી સ્નાયુઓ અને કરોડરજ્જુ ચપળ બને છે. માનસિક શક્તિ તથા ફેફસાંની શક્તિ વિકાસ પામે છે. તેનાથી આંતરિક અવયવો મજબૂત બને છે. યોગસાનથી શરીરનાલોહીમાં ઑક્સીજનનું પ્રમાણ વિશેષ લેવાય છે. નસોમાં થતો લોહીનો ભરાવો દૂર કરી શકાય છે. શરીરમાં શક્તિનો સંચાર થાય છે. મજ્જાતંતુ અને કરોડરજ્જુ નવીન શક્તિથી ધબકે છે. સ્મૃતિ સુધરે છે, બુધ્ધિ કુશાગ્ર બને છે અને અંતઃપ્રેરણા વિકાસ પામે છે.

આસનના મહાવરાથી શારીરિક સમતુલા સ્થપાય છે. મન શાંત બને છે.

યોગની કસરતોથી શરીર સ્વસ્થ બને છે. આસનથી રોગો દૂર થયા છે. શરીર હળવું, સુદ્રઢ અને સ્થિર થાય છે. અમુક આસન અમુક રોગ દૂર કરે છે, આ છે આસનનો અદ્વિતીય પ્રભાવ!


અવ્યવસ્થિત મગજ માટે શીર્ષાસન ઉત્તમ છે. તેનાથી મન:શક્તિ વિકસે છે અને બુદ્ધિશક્તિ અને સ્મૃતિશક્તિ ખીલે છે. તેનાથી મગજમાં ઓજસ એકઠું થાય છે. બ્રહ્મચર્ય ઉપાસનામાં તે ઉપયોગી છે. તે ઘણાં રોગમાંથી મુક્તિ આપે છે. લોહીના વિશેષ ભ્રમણ દ્વારા દૃષ્ટિશક્તિ અને શ્રવણશક્તિ સુધરે છે.


સર્વાંગાસનથી થાઈરોઇડ ગ્રંથિ વિકસે છે અને ફેફસાં તથા હ્રદય શક્તિસંપન્ન બને છે.


શીર્ષાસન અને સર્વાંગાસન શરીરમાં શક્તિ સિંચે છે તેમ જ વૃધ્ધત્વ અટકાવે છે. આથી કરોડરજ્જુ ચપળ બને છે. પિચ્યુટરી ગ્રંથીઓ વ્યવસ્થિત અને શક્તિશાળી બને છે.

ફેફસાં, આંખ અને મગજના વિકાસ માટે મત્યાસન અનુકૂળ છે. તે કરોડના ઉપલા ભાગ માટે પણ ફાયદાકારક છે.

ભુજંગાસન, શભલાસન અને ધનુરાસન આંતરડાના હલનચલનને વ્યવસ્થિત કરે છે અને અપચો દૂર કરે છે. પેડુના રોગ પણ દૂર કરી છે. ધનુરાસનથી પેડુને સારું મસાજ થાય છે.

અગ્નિશા ક્રિયા, ઉડિયાનબંધ અને મયૂરાસન પાચનશક્તિ પ્રદીપ્ત કરી ક્ષુધા ઉત્પન્ન કરે છે. અર્ધમત્સ્યેંદ્રાસન પિત્તાશય અને બરોડ માટે ઉપયોગી છે.

તાડાસાન, ત્રિકોણાસન અને ગરૂડાસન શરીરની ઊંચાઈ વધારે છે.

શબાસન મનને તાજગી બક્ષે છે અને પૂર્ણ આરામ આપે છે.

તમારા સ્નાયુઓને મોટા બનાવવા આસન કરવાની જરૂર નથી. કેમ કે સ્નાયુ સારા હોવા એજ તંદુરસ્તીની નિશાની નથી. ગ્રંથિઓને તંદુરસ્ત અને પ્રમાણસર સ્ત્રાવએ સાચી તંદુરસ્તી છે. તેવી જ રીતે જ્ઞાનતંત્ર અને મનની વ્યવસ્થાએ ખરી તંદુરસ્તી છે. આ જ વસ્તુની તમારે આવશ્યકતા છે. યોગાસન અને પ્રાણાયામનો નિયમિત અભ્યાસ તમને સંપૂર્ણપણે આ સર્વ વસ્તુઓ આપશે.

આ લેખ ‘શિવ- આનંદ’ પુસ્તકમાથી લેવામાં આવેલ છે.

પુસ્તકનું નામ : શિવ-આનંદ

લેખક : સ્વામી શિવાનંદ સરસ્વતી

પ્રકાશક : દિવ્ય જીવન સંધ ટ્રસ્ટ, રતનપર, સુરેન્દ્રનગર, ગુજરાત

Total Page Visits: 2420 - Today Page Visits: 2

8 thoughts on “આસન અને યોગ

  1. This article is very useful and informative to keep fit. For optimal health, we must do this. This is a health guide for me.
    Thanks for sharing

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!