ગઝલ કે ગીત એ વારાફરતી પ્હેરે છે
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ?

ઉદયન ઠક્કર મારો પરમ મિત્ર છે એન એક નંબરનો હરીફ પણ. તે વિધાન સાચું હોવા છતાં તેમ કહું તો તેના વિષે ઘણું કહેવાનું રહી જાય. ઉદયનની કવિતાનો હું ચાહક છુ અને ઉદયન મારી કવિતાનો, એમ અમે પરસ્પર ચાહક છીએ તેમ કહું તો ય વાત અધૂરી રહે છે. ઉદયન મુંબઈ રહે છે પણ મુંબઈનો નથી. એક સાચો કચ્છ-જો-માડુ છે.
એક કાઠિયાવાડી કે કચ્છી જે પ્રેમ અને હેતથી મહેમાનગતી કરે તેનાથી ઉદયનની મહેમાનગતી ક્યારેય પણ રતિભાર પણ ઊતરતી જોઇ નથી. ગમે તેમ તો બાપદાદાનું વતન કચ્છ ખરું ને તો એ સંસ્કારલોહીમાં એકરસ થઈ ગયા છે, તે દૂર કાઢવાનું મુંબઈની જશલોક કે લીલાવંતી જેવી મોટી હોસ્પિટલોનું ગજું નથી. વળી, ઉદયન બુદ્ધિમાં કુશાગ્ર, વાણીમાં વ્યવહારકુશળ, વર્તનમાં નમ્ર અને વિવેકી છે. તેની સાથે મેળ થતાં જરા વાર લાગે પણ એકવાર ટ્યુનિંગ આવી જાય પછી તો મિત્રોને દિલથી પ્યાર કરે. – અને સૌથી મોટી વાત, તેને મળીએ ત્યારે તેનામાં એક જીવતો જાગતો કવિ બેઠો છે તેની શીઘ્ર પ્રતીતિ થાય. તેની ‘સેન્સ ઓફ હ્યુમર’ પણ લાજવાબ છે. આ કવિની કવિતા બે સ્તરે સામંતરે ચાલે છે. એક તો પ્રશિષ્ટ કવિતા સાથે એકદંબ તાલ મિલાવીને, રચનાઓ દ્વારા પોતીકી મુદ્રાઓ પાડતો જાય. બીજું પ્રથમ પંકિતના આ કવિ પાસે વ્યંગ બહુ જ ધારદાર છે. આવો હાડોહાડ ખૂંપતો વ્યંગ મને હાલના બહુ ઓછા કવિઓ પાસે દેખાયો છે.
આમ બીજાઓથી ઉફરો છતાં મક્કમતાથી ચાલતો આ કવિ છે. ઉદયનના બે કાવ્યસંગ્રહો છે પહેલો એકાવન કવિતાનો હોવાથી ‘એકાવન’ અને બીજો ‘સેલ્લારા’. આપણી ભાષાના આ ઉત્તમ કવિના બંને ઉત્તમ સંગ્રહો છે જે તમામ ભાવકો-રસિકોએ વાંચવા જોઇએ. ઉદયનની કવિતા વિષે ક્યારેક લંબાણથી વાત કરીશું, આજે આ અફલાતૂન કવિના અફલાતૂન ગદ્ય વિષે વાત કરીએ. આ ગદ્ય પ્રગટ્યું છે, આ કવિ દ્વારા બીજા કવિઓના આસ્વાદના પુસ્તક ‘જુગલબંધી’ દ્વારા.
‘જુગલબંધી’ની પ્રસ્તાવનામાં કવિશ્રી રમેશ પારેખ લખે છે ‘ઉદયન બહુશ્રુત છે, સ્મૃતિબળિયો છે અને કલમનો સ્વામી પણ છે પરંતુ જ્યાં અને જ્યારે કહેવાનું આવે ત્યારે વિવેકપૂર્વક મિતાક્ષરી બની જાય છે ને પોતાની શૈલીને લવચીક બનાવીને એવું કશું સુંદર અને અપૂર્વ કહી નાખે છે કે કાવ્ય, કવિ ને આસ્વાદકને પણ આપણે સલામ કર્યા વગર છૂટકો નહીં. આસ્વાદ લખતાં લખતાં ક્યારેક ઉદયનની ભીતરનો સાચ્ચૂકલો કવિ પ્રબળતાથી કલમ દ્વારા સાદ્ર્શ થઈ આવે છે ત્યારે મજા પડી જાય છે. તે કશુંક એવું લખી છે કે તમને લઘુકાવ્ય માણ્યાની તૃપ્તિ થાય. તો ભાવકો, તમને મારી શુભેચ્છા કે તમે ‘જુગલબંધી’નો સ્વાદ તમારી રીતે પામો અને થોડા વધુ સમૃદ્ધ બનો – જેવી રીતે હું બન્યો છું.”
આપણે ઉદયનની વીજળી જેવી કલમના, હૈયા સોંસરું અજવાળું અજવાળું કરી દેતા, થોડા ચમકારા ઝીલીએ. જુદા જુદા કવિઓનાં કાવ્યોનો આસ્વાદ કરાવતા ઉદયન લખે છે તે હવે બોલ્ડ અક્ષરોમાં આપ્યું છે અને તે ક્યાં કવિના કાવ્યમાં આસ્વાદમાં લખાયું છે તે દર્શવવા કવિનું નામ પંક્તિની આગળ લાલ અક્ષરોમાં મુકેલ છે.
હરીન્દ્ર દવે
ચાખ્યું હોય મધ પણ લાગે કે ફૂલોને ક્યાંક મળ્યા છીએ.
પ્રેમની આંખે જુઓ – બાવળ પણ બોગનવેલ લાગશે.
રાવજી પટેલ
કવિએ જુઓ ચાહી ચાહીને કરી મૂકી માંખીમાંથી મેનકા.
ફૂલ પંક્તિઓ પર પતંગિયાંના ઊડતાં આશ્ચર્યચિહ્નો.
ઉશનસ્
બારી ખોલીએ તેટલી વાર,
ચંદ્રકિરણ ટકોરા મારતા અદ્ધર પાનીએ આ ઊભાં
બર્નાર્ડ શો
પ્રેમ માણસને ગુલાબી ગોગલ્સ પહેરાવે છે.
પ્રેમ મારા-તમારા જેવા માણસને ગૂંજે નવ ગ્રહો સેરવી દઈને પછી પૂછે છે – હાથખર્ચી માટે ઓછા તો નહીં પડે ?
સ્નેહરશ્મિ
ભાવક પર ભરોસો ન હોય તેને હાઈકુના ધંધામાં પડવું નહિ
આખી પરિસ્થિતી કાચના કાચા વાસણ જેવી છે.
બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, એ લોકગીત
દીકરો ને વહુ ‘સમરથ દાદા’, ‘સમરથ જેઠાણી’, ‘સમરથ બાપુ’,
નવાણ ગળાવ્યાં, વગેરે ભલે બોલે, પણ સાચે તો ફક્ત એ બે સમર્થ છે, બાકીનું ગામ નિર્માલ્ય.
કવિ વાવને એક એક પગથિયે અટકી અટકીને આ ભવ્ય પ્રસંગને સ્લો મોશનમાં બતાવે છે.. અભેસંગ અને વાઘેલી વહુ એક એક પગથિયું ઊતરે તેમ તેમ કવિતાની સપાટી ઊંચી ચડે છે.
જયંત પાઠક
ઘણીવાર આપણે પાછળ ન જોવાની શરતે જીવવું પડતું હોય છે.
‘હું તને ભૂલી ગયો છું’ એવા પાટિયાની પાછળ કદાચ ચીતર્યુ હોય,
‘હું તને કેમ ભૂલી શકું?’
નિદા ફાઝલી
સ્વપ્ન સમાય તેવડું આકાશ, પ્રેમ કરાય તેટલો સંસાર,
પૃથ્વીની ભૂમિતિમાં તથ્ય હોય તો બસ આટલું.
અમિન આઝાદ
ચાંદીનો ઢોળ ચડાવેલી રાત ચાલી ગઈ : રાતોરાત !
ગેરાલ્ડ બુલેટ
દરેક મોત પર જિંદગી નિ:શ્વાસ તો નાખે છે,
પણ શ્વાસ રોકી નથી લેતી.
નીતિન મહેતા
હવે તમારે ઝાપટામાં ભીંજાવું છે કે ટીપાં ગણવાં છે?
નીરવ પટેલ
ડેન્ચરની જેમ રેડીમેડ જીભ પહેરનારા કવિઓ ક્યાં નથી હોતા !
પણ અહીં નીરવ પટેલે પોતાની જીભે બોલી બતાવ્યું છે. નાટક અને જિંદગીમાં આટલો ફેર. નાટકમાં અણગમતો અંત બદલી શકાય છે.
ઓક્તાવિયો પાઝ
કાને પડતાંવેંત મોઢેથી વાહ થઈને દદડી પડે એવા વેલ-લ્યુબૃકેટેડ ગીત-ગઝલના તમે બંધાણી.
તમારા મુલકમાં કવિતા લખતા માણસો આસ્વાદ લખી શકે તો આ-સ્વાદનો માણસ કવિતા કેમ નહિ?
મહમદ અલવી
શાયર ક્યાં મૌલવી છે, અલવી છે.
મારા વતી આ વસંતના રસ્તે ચાલી આવોને.
હેમેન શાહ
વૃક્ષ જો પૂર્ણવિરામ હોય તો પંખી ઉદગારચિહ્ન !
ત્રિપગી દોડ સહેલી નથી. એટલે કોઈ સફળ ત્રિપદી લખે ત્યારે કહેવું પડે :થ્રી ચિયર્સ !
એરિક ફીડ
શહેર આખું હવે અનાથાશ્રમ નથી ?
ઘોડિયામાં જ મરી ગયેલી આવતીકાલ.
રેનર મારિયા રિલ્કે
સુંગંધનો ઓટોગ્રાફ મગાય ?
આપણામાં વસતા બિંદુને આપણે પણ ન વસી શકીએ તેવું વિરાટ કરી મૂકે, તે સંગીત.
સુદર્શન ફાકીર
સ્મરણનું સાલિયાણું સચવાય તો ય બસ.
બાળક માટે કશું સાધારણ તો હોતું જ નથી.
મેઘધનુષ તેની લસરપટ્ટી હોય, વાદળ જાસૂસ, ડોશી ડાકણ.
કિરીટ દૂધાત
શિશુની ક્ષણમાળામાં ફૂમતું થઈને હાથવગી રહેતી બા,
યુવાનના સમયપત્રકમાં આવે તો છાપભૂલ ગણાય જાય છે.
વિનોદ જોશી
અર્થશર્કરા ઝાલીને ડગુમગુ ચાલતી શબ્દની પિપીલિકાઓ તો તે આવા આદિમ ઉશ્કેરાટનું વાહન શું કરી શકવાની ? માટે કવિએ નાદથી કામ લીધું – નાડીમાં ધબકે તેવો, ભીલોના ઢોલમાં ધબુકે તેવો, વીર્યસ્ત્રાવના લયમાંથી છટેકે તેવો નાદ ઝીંગોરા હપ્પ ઝીંગોરા હપ.
લાભશંકર ઠાકર
પ્રસ્તુત કાવ્યની ભાષાને પ્રકાશ સામે અધ્ધર ધરશો તો લાભશંકરભાઈનો વૉટરમાર્ક વાંચશે. આ બજારુ માલ નથી. વિશિષ્ટ આયુર્વેદિક જડીબુટ્ટીની જેમ સર્જકે પોતાના અંગત ખરલમાં ઘૂંટી ઘૂંટીને તૈયાર કર્યો છે.
કમલ વોરા
કાગળ કહો તો કાગળ ને ભીંત કહો તો ભીંત.
વાણીનો વાસ લઈ આ દોડ્યો આવે લેખક, બજાણિયો. બે ગજ ઠેકડા ને ત્રણ ગજ ભીંત. ત્રણ ગજનો ઠેકડો તો ચાર ગજ ભીંત.
હરિવંશરાય બચ્ચન
ઢાંકી ઢાંકી પ્રગટ કરવું કાર્ય એ છે કલાનું. કોઈએ કહ્યું છે, પ્રત્યેક પેઢી પોતાના પિતા સાથે ઝગડો કરે છે અને દાદા સાથે દોસ્તી.
ઉદયન ગદ્યમાં ખેડાણ ઓછું કરે છે, આમ તેનામાં રહેલો અફલાતૂન ગદ્યકારને તે અન્યાય કરી રહ્યો છે. કવિતાઓ લખે છે અને જરૂર લખતો રહે, પણ ગુજરાતી ગિરાને તેના ગદ્ય દ્વારા પણ વધુ રળિયાત કરે તેવો અનુરોધ કરું છું.
મનગમતી મહેક
માટીનો ઢેખાળો હુશિયારી બહુ કરતો હતો !
પગ તળે રેલો જરા આવ્યો તો ઢીલો થઈ ગયો.
ઉદયન ઠક્કર
આ લેખના લેખક છે શ્રી હર્ષદ ચંદારાણા
પુસ્તક : મેહકનો અભિષેક