ઉબેણિયા મહાદેવનો યાદગાર પ્રસંગ – ડૉ. જીત જોબનપુત્રા

Spread the love

ઓઝત નદી જૂનાગઢ જિલ્લાની મોટામાં મોટી નદી છે. જેની લંબાઈ લગભગ ૧૫૦ કિ.મી. થવા જાય છે. જો કે સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી ભાદરની લંબાઈ આશરે ૨૦૦ કિ.મી. જેવી છે. ઓઝત જૂનાગઢ જિલ્લાની મોટી નદી હોય અન્ય નાની નદીઓ જેવી કે, આંબાજળ, ઉતાવળી, ધ્રાફડ, પોપટડી, ઝાંઝેશ્રી, ગુડાજલી અને ઉબેણ તેમાં ભળી જાય છે. મધુવંતી અને નોલી જેવી નદીઓ ઓઝતમાં ભળ્યા વગર સીધી સમુદ્રને જઈને મળે છે.


જેમ ઓઝત નદી ભેસાણ તાલુકાના ગોરવિયાળી ગામની સીમમાંથી નીકળે છે તેમ ઉબેણ નદી ભેસાણ તાલુકાના જ રફાળિયાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે. તેની લંબાઈ આશરે ૬૦ કિ.મી.જેવી છે. એક જ ઉચ્ચ પ્રદેશમાંથી આ બંને નદીઓ નીકળે છે. બંનેનાં મથાળનું અંતર પણ દશ- બાર કિ.મી.કરતાં વધું નથી. ઓઝત મોટી છે અને લાંબી છે, જ્યારે તેની સહોદરી ઉબેણ નાની છે. એટલે જ તેને ઓઝતની ‘ઉપ વહેણ’ નદી કહી છે. ‘ઉપ વહેણ’ માંથી જ ‘ઉબેણ’ નામ નિષ્પન્ન થયું છે. ઓઝત તેના મથાળેથી નીકળી ડાબે હાથે મોટા-નાના કોટડા, ખંભાળિયા, થુંબાળા, બેલા, મેવાસા, ગાંઠિલા, શાપુર, કાજલિયાળા, વંથલી થઈ ઘેડમાં પ્રવેશી નવી બંદર પાસે અરબી સમુદ્રને મળે છે. જ્યારે ઉબેણ જમણે હાથે નીકળી ભેસાણ, રાણપુર, ભાટગામ, ચોકી, મજેવડી, વધાવી, ધંધુસર, કોયલી, વંથલી થઈને આખરે તો પોતાની સહોદરી એવી ઓઝતમાં જ મળી જાય છે. ઓઝત તેના ઉદ્ ગમ સ્થાને બુધનાથ મહાદેવના પાય પખાળી વહેવાનો આરંભ કરે છે તો ઉબેણ ઉબેણિયા મહાદેવનાં ચરણ પખાળી શુભારંભ કરે છે. ઓઝત શેણી-વિજાણંદની પ્રેમ કથા તો સંભળાવે છે પણ સાથે જ મા મોગલ અને મા ગોરવીનું મહિમા ગાન પણ કરે છે. ઓઝતને કાંઠે ઘણાં બધાં તીર્થસ્થાનો આવેલાં છે. મોટા કોટડાના મકેશ્વર તો બાથમાં પણ સમાય તેમ નથી. ઝાંઝેશ્રી અને ઓઝતના સંગમ સ્થાને બીલનાથનું બહુ જૂનું મંદિર આવેલું છે. અહીં જ ભૈરવના એક દુર્લભ સ્વરૂપ સ્વર્ણાકર્ષણ ભૈરવની ઉપાસના થાય છે. કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાનું અર્વાચીન સ્થાન પણ અહીં ગાંઠિલામાં છે. આણંદપુરના પ્રાગનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં પ્રાગવડના દૈવી ઝાડ આવેલાં છે તો જૂના નાગણી નેસ કહેવાતા નાગલપુરમાં નાગનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર આપાગીગાના રાતવાસાથી પવિત્ર થયેલું છે. અહીં જ અવધૂત ગિરનારી જોગી બાલગિરિનો ધૂણો પણ આવેલો છે.


ઉબેણ નદી ઉબેણિયા નાગના ટીંબાને સ્પર્શતી પ્રયાણ કરે છે. દેવસ્થાનોને વંદન કરતી મજેવડી આવી પહોંચે છે અને જાગનાથ મહાદેવના જયજયકાર કરે છે. મહાદેવ પર થી જ આ વિસ્તારને કાલીઘેલી લોકભાષામાં મહાદેવડી કે મજેવડી નામ મળ્યું છે. અહીં જ પ્રતાપી સંત શાંતાનંદ બ્રહ્મચારીએ ચૌદ વર્ષ ધૂણો તાપ્યો હતો. પાછળથી તેમણે ગિરનારની જટાશંકરની જગ્યામાં કમળપૂજા કરી ઉબેણના પાણીને સાર્થક કર્યું હતું. અહીંથી આગળ વધતી ઉબેણ કોયલી મઠના ત્રિનેત્રેશ્વર અને વંથલીના જુગ જૂના ગંગનાથના ચરણાર્વિંદમાં સરકતી માત્ર થોડે જ દૂર ઓઝતમાં સમાય જાય છે. ઉબેણિયા મહાદેવની સ્થાપના ભલે વડિયા દરબારે કરેલી હોય, પરંતુ લોકમાનસ તો મહાદેવની કથાને કૃષ્ણના મોટાભાઈ બલરામ સુધી જોડે છે !


માણસ માત્રને પહાડોના પેલે પારને અને નદીઓ ઉદ્ ગમ સ્થાનને જાણવાનું જન્મ જાત આકર્ષણ રહ્યું છે. ઓઝતના મથાળ સુધી તો મેં પરિભ્રમણ કર્યું છે, પણ ઉબેણના ઉચ્ચ પ્રદેશના વિસ્તાર-તડકા પીપળિયા, રફાળિયા,ધારી ગુંદાળી અને ઠેઠ ડમરાળા સુધીના સીમ વિસ્તારને જોવાની ઘણા સમયથી ઈચ્છા હતી. કારણ કે સૌરાષ્ટ્રની બે નામાંકિત નદીઓનાં ઉદ્ ગમ સ્થાનનો આ પવિત્ર પ્રદેશ છે. આખરે હું મારાં અન્ય મિત્રો શ્રી અશોકભાઈ અને યાદવભાઈ સાથે તા. ૦૧/૦૧/૨૦૧૨ના રોજ તે વિસ્તારના પ્રવાસે નીકળી પડ્યો.
અમે જૂનાગઢથી ભેસાણ થઈને તડકા પીપળિયાના કાચા રસ્તેથી ઉબેણિયા મહાદેવ ગયા. શિવાલય નાની એવી ટેકરી પર છે. આજબાજુના સીમ વિસ્તારની શોભા અનુપમ છે.મૂળ તો આ ઉબેણિયા નાગનો ટીંબો હતો. બલરામે હળથી કરેલો કહેવાતો ઉબેણિયો ઘૂનો પણ અહીં છે. દશનામ સાધુઓનો વસવાટ થતાં અહીં અનસૂયા આશ્રમની સ્થાપના થઈ. જગ્યામાં દેવેન્દ્રગિરિજી અને કાર્તિકગિરિજી જેવા સુપાત્ર સંતો થઈ ગયા. તેઓ કદી યાત્રિકોને જમાડ્યા સિવાય કે ચા પાણી પાયા વગર જગ્યામાંથી નીકળવા ન દેતા. આતિથ્ય ભાવનાની આ પરંપરા હજુ આજ સુધી જળવાઈ રહી છે. અમે જઈને ભગવાનના દર્શન કરી ભાવ વિભોર થઈ ગયા. ત્યાં એક મહાત્મા હતા તેમની સાથે થોડીવાર સત્સંગ કર્યો. તેઓ ભણેલા ગણેલા અને અભ્યાસુ લાગતા હતા. પછી જાણવા મળ્યું કે પૂર્વાશ્રમમાં તેઓ કોઈ બેંકમાં સર્વિસ કરતા હતા. આખરે વૈરાગ્ય આવી જતાં ફરતાં ફરતાં અહીં આવી ચડ્યા હતા. મહાત્મા માત્ર અભ્યાસુ જ નહિ તપસ્વી પણ હતા. અમે માત્ર થોડીવાર જ બેઠા. અમારા મિત્ર શ્રી યાદવભાઈને ઘરે જવામાં થોડું મોડું થતું હતું. અમને મહાત્મા કહે, ‘ ચા- પાણી પીધાં વગર નહિ જવા દઉં.’ આમ છતાં મોડું થતું હોવાથી અમે ધરાર ના પાડી અને ઊભા થઈ ગયા. મહાત્માની વાતનો અનાદર થતો હતો પણ કંઈ લાંબું વિચાર્યા વિના અમે જૂનાગઢ જવા માટે નીકળી ગયા. શ્રી યાદવભાઈ તેમના મોટર સાયકલ પર હતા. ઉબેણિયા મહાદેવથી બહાર નીકળતાં મુખ્ય રસ્તા સુધી સાવ સાંકડી ગાળી આવે છે. સામે બીજું વાહન આવે તો તારવવું મુશ્કેલ થઈ પડે. હજુ અમે થોડુંક જ આગળ ચાલ્યા ત્યાં સામે પૂરપાટ એક છકડો રીક્ષા આવી. તે સીધી શ્રી યાદવભાઈના મોટર સાયકલ સાથે અથડાઈ. યાદવભાઈ પડી ગયા. હાથ પગમાં સારું એવું લાગી ગયું. માંડ માંડ તેમને ઊભા કરી ભેસાણ સરકારી દવાખાને લઈ ગયા. દવાખાને ડોક્ટરની વિઝિટ કરી અને પાટાપીંડી કરી. એમાં લગભગ ત્રણેક કલાક ખોટી થયા. જ્યારે અમારી પાસે પાંચ મિનિટનો પણ સમય ન્હોતો ત્યારે અહીં તો સમયની કોઈ કિમત જ ન્હોતી અને ઉપર જતાં વ્યથા અને વ્યાધિ !


પછી થયું કે જો એક બે મિનિટ પણ આઘાપાછી થઈ હોત તો આ અકસ્માતની ક્ષણ નિવારી શકાત. મહાત્માએ ચા-પાણીનું કીધું હતું. જો એટલી ઘડી ખોટી થયા હોત તો પણ આ ક્ષણ આવત નહિ. તેથી આપણામાં એવી માન્યતા છે કે કોઈ આપણને બહાર જતી વખતે કે છેલ્લી ઘડીએ ચા-પાણી કે જમવાનો આગ્રહ કરે તો અનાદર કરવો નહિ. ખાસ કરીને સંતોના આગ્રહનો તો ક્યારેય અનાદર ન કરવો. એની પાછળ રહસ્યમય સંકેતો હોઈ શકે છે. એ રહસ્યો શું હોઈ શકે એ આપણે પ્રારંભે કળી શકતા નથી. જ્યારે ઘટના ઘટિત થાય છે ત્યારે જ સમજમાં આવે છે. જો કે આવું હમેંશા પણ બનતું હોતું નથી પણ સંતોની વાણી કેવા ભાવથી નીકળી જાય છે એ મહત્વનું છે.

Total Page Visits: 398 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!