ધર્મ, અર્થ, કામ, મોક્ષ થી ઉપર છે : ઊંઘ ! – ચંદ્રકાંત બક્ષી

ઊંઘ
ઊંઘ
Spread the love

19મી સદીની ઊંઘ 20મી સદીની ઊંઘ કરતાં જુદી હતી અને 21મી સદીની ઊંઘ કરતાં જુદી હતી અને 21મી સદીની ઊંઘ 20મી સદીની ઊંઘ કરતાં જુદી હશે. કલકત્તાની ઊંઘ અને લંડનની ઊંઘ અને લેનિનગ્રાદની ઊંઘ જુદી છે.

ઊંઘ


કલકત્તામાં શિયાળામાં બપોરના ચાર વાગતાં અંધારું થવા લાગે છે, જ્યારે લંડનમાં રાત્રે નવ સુધી તડકો રહે છે, અને લેનિનગ્રાદની હોટેલ મોસ્કોવ્સ્કાયાની રૂમમાં રાત્રે સાડા અગિયાર વાગે, બધા જ વજનદાર પડદાઓ ખેંચી લીધા પછી પણ, દિવાલો પર તડકાના મોટા ધબ્બાઓ ઊંઘવા દેતા ન હતા એ મારો અનુભવ છે. તદ્દન અંધારું કરીને સૂવાનો આપણો અનુભવ છે. પાશ્ચાત્યનો અનુભવ, મોડી રાત સુધીના તડકાનો, આપણે માટે નવો છે. કેટલીક પ્રજાઓ ગરમીમાં પણ કપડાં પહેરીને સુએ છે, પશ્ચિમમાં કપડાં કાઢીને સૂવાનો રિવાજ છે.

19મી સદીમાં વિદ્યુત ન હતી, માણસની આંખો વાંચીને કે સીવીને, દીવાના પ્રકાશમાં થાકી જતી હતી. દિવસભર ચાલવું પડતું હતું, જિંદગી પરિશ્રમી હતી, ઊંઘ તરત અને વધારે આવી જતી હતી.

20મી સદીમાં બહારની કાર કે સ્કૂટરને અવાજ કરવાનો હક મળી ગયો છે. આકાશમાં હવાઈ જહાજ કે બારી બહારની ઉપનગરી ટ્રેન ખલેલ પહોંચડતાં રહે છે. રેડિયો અને ટી.વી. (આપણાં નહીં, બીજાના) આપણે સાંભળવા માટે સતત વાગતાં રહે છે. લોરીના ટાયરનું કામ કરનાર પાડોશી છે અને નવરાત્રિ અને ગણપતિ મહોત્સવમાં એમ્પ્લિફાયરો આપણા મનોરંજન માટે જ ફૂલ બ્લાસ્ટ વાગી રહ્યાં છે.


19મી સદી કરતાં 20મી સદીનો માણસ ઓછો દૈહિક પરિશ્રમ કરે છે અને વધારે માનસિક શ્રમ કરે છે. ટેન્શન હવે એક સરસ શબ્દ બની ચૂક્યો છે અને સ્લીપીંગ પીલ હવે એક પ્રસાધનને જેમ સ્વીકાર્ય વસ્તુ બની ગઈ છે. તમને કેવી રીતે સૂવડાવી દેવા એ વિષે એક આગવો ઉદ્યોગ ખીલ્યો છે. ઊંઘવાં માટે થોડો ‘યોગા’ જરૂરી છે. તમારા દિવસભરના કામને અંતે મિસ્ટર, તમારા મસલ્સ ટાયર નથી થયા, તમારી નર્વસ ટેન્સ થઈ છે. હવે તમારી ઊંઘવાં માટેની ક્ષણ ભગવાન નહીં. તમે ખુદ પસંદ કરશો.

તમારે ઊંઘનું પૃથક્કરણ કરીને સમજવું પડશે કે ઊંઘ દરમિયાન કેવા કેવા રાસાયણિક ફેરફારો થાય છે. જુઓ… શ્વાસ ધીમો પડશે, મિનિટના સરેરાશ 1માંથી 12 શ્વાસ અને ઉચ્છવાસ આવી જશે. નાડીના ધબકારા 75 છે, હવે સરેરાશ 60 પર આવી જશે. તમારા કલેજામાં જે ગ્યાયસોજેન છે, એ જ બ્લડ શ્યુગર બનીને ઉર્જામાં પરિણમે છે.

તમારી કિડનીઓ રક્તમાંથી મેટાબોલિક વિષ ફિલ્ટર કરવાનું કામ અવિરત કરતી રહે છે. ફક્ત મગજ થાકતું નથી કારણ કે મગજમાં મસલ્સ કે સ્નાયુઓ નથી. સમજ પડી રહી છે ને? તમે ઊંઘી ગયા? ઊંઘ વિષે સમજ્યા વિના જ ઊંઘી ગયા?

કેટલા કલાક ઊંઘવું જોઇએ? આપણે ત્યાં જૂની કહેવાતોનો પાર નથી. ‘પહેલા પ્રહરે ભોગી જાએ, અને બીજા પ્રહરે રોગી જાગે. અને ત્રીજા પ્રહરે ખબર નથી કોણ જાગે (કદાચ તસ્કર કે મિનિસ્ટર છે) અને ચોથા પ્રહરે જોગી જાગે. હું છઠ્ઠા કે સાતમા પ્રહરે જગનારાઓમાં છુ. ઊંઘમાં હલાલ કરી નાંખે તો પણ ન જાગનાર અખંડ ભાગ્યશાળી પુરુષોમાં હું છુ. કેટલાક ચાર કલાકની ઊંઘ પછી ટામેટા જેવા તાજા લાગે છે, કેટલાક સાત કલાકની ઊંઘ પછી વાસી કોળા જેવા સુસ્ત લાગે છે, ઊંઘ વિષે કોઈ સર્વ માન્ય તર્ક કે ત્રાજવું નથી, કહેવાય છે કે દરેક માતા એક કાન ખુલ્લો રાખી ને સૂઈ શકે છે. નાનપણમાં દારેક મમ્મી આપના પછી સાઈ જતી હતી અને આપણાં પહેલાં ઊઠી જતી હતી કારણ કે ભગવાનને દરેક મમ્મી સાથે એક હોટલાઇન હતી.

દરેક મનુષ્ય પડખું ફેરવીને સૂઈ જાય છે. દરેક પક્ષી પગ્ભ્ગ ચાંચ પીંછામાં દબાવીને એક પગ પર ઊભું રહી શકે છે અને સૂઈ શકે છે. કલકત્તાની બસોમાં મે માસની બપોરે દરેક બસનો લગભગ દરેક યાતરું ગમે તે સ્થિતિમાં સૂતો હોય છે, કંડક્ટર રોડ પકડીને ઊભો ઊભો સૂતો હોય છે, માત્ર ડ્રાઈવર જાગૃત હોય છે. બંગદેશની મહાનતાનું મને આ એક સશક્ત કારણ લાગ્યું છે અને એ મે માસની બપોરની બસમાં ડ્રાયવર બસ ચલાવતાં ચલાવતાં ક્યાં પાપને ઘોર સજા રૂપે સૂઈ શકતો નથી, એ રહસ્ય મને હજુ સમજાયું નથી.

સૂવા માટે શવાસન શ્રેષ્ઠ આસન છે. હાથ પગ ફેંકીને, ઇન્દ્રિયોને સંકોચીને, વિચારોને કાઢી મૂકીને, પૃથ્વી પર પડો. બધુ છોડી દો. રિલેક્ષ, રિલેક્ષ. પીઠ સિધ્ધ, હાથ પગ શિથિલ, આંખો બંધ, શબ કે મુદડાની મુદ્રા. શેરબજારના ભાવ તરફ કે વધઘટની પણ ચિંતા નહીં કરવાની, પત્નીની પણ નહીં. પત્નીના પ્રેમીની પણ નહીં. પત્નીના પ્રેમીને પત્નીની પણ નહીં.

ઊંઘ આવવા માટે તો એક માર્ગ, અચૂક માર્ગ, દુનિયાના કોઈ પુસ્તકમાં નહીં મળે, અને આ છે મોડી રાત્રે દિલ્હી દૂરદર્શન જોયું! ભારતીય દૂરદર્શન પર કોઈક જાડી નૃત્યાંગનાને ભારતનાટ્યમ કરતાં જોવી કે ત્રણ ડાઘુઓ જેવા અર્થશાસ્ત્રીઓને રડતા અવાજે આઠમી પંચવર્ષીય યોજના વિષે અભિપ્રાયો આપતા સાંભળવા, એની આંખો પર ઘેરી અસર થાય જ છે. પોપચાં ઝપકે છે, આંખો તારે છે, જીવ ત્રિશંકુની જેમ પૃથ્વી અને આકાશની વચ્ચે ઝૂલે છે, ઊંઘ આવી જાય છે.

એરિસ્ટોટલે કહ્યું હતું કે, ભારે ખોરાક જઠરમાં પડ્યો હોય તો જઠરમાંથી વાયુઓ ઊર્ધ્વગતિ કરે છે અને પૂરા માથાને ઠંડુ કરીને શરીરને નિંદરાના શરણમાં લઈ જાય છે. રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ દૂધ હિતકારી છે. બે પેગ શરાબ પણ મીઠી નિંદ્રા લાવે છે, કેટલાક વિચિત્ર મહાન મનુષ્યો રાત્રે ચા કે કૉફીનું સેવન કરીને ઘસઘસાટ સૂઈ શકે છે એ કક્ષાના સાધકો છે. કેટલાક સમજદાર સ્ત્રી પુરુષો ઊંઘ વિષે વિચાર કરી કરીને સૂઈ શકતા નથી. ઊંઘ એ બુદ્ધિનો વિષય નથી. એ ધર્મ અર્થ કામ મોક્ષથી ઉપર છે.

એરકન્ડિશન્ડ રૂમમાં ઊંઘ વધારે સારી આવી શકે છે. વેલ, એ વિશે બે મત છે : “એક મત એવો છે કે રૂમ બંધ થાય અને એરકન્ડિશન્ડ ચાલુ થાય એટલે બહારના બધા જ અવાજો અંદર આવતા નથી માટે ઊંઘ આવે છે. બીજો અભિમત એવો છે કે જેવુ રૂમનું તાપમાન ઉતરવા માંડે એવું જ મનુષ્યના શરીરનું ઇન્ટરનલ થરોમોમીટર અથવા આંતરિક ઉષ્ણતામાન વધવા માંડે છે અને બે તાપમાનો, બાહ્ય અને ગુહ્ય એવી કુશ્તી કરે છે કે ઊંઘ હરામ થઈ જાય છે.”

અનિદ્રાએ લીધે હજુ સુધી કોઈ મર્યું નથી અને અનિન્દ્રા હોય અને જીવવાની મજા પણ આવતી નથી. અમેરિકા આ બાબતમાં હાથ જોડીને બેસી રહે એવો દેશ નથી. પતિ-પત્ની અથવા સ્ત્રી-પુરુષ સાથે સીગરેટ પી શકે એવી સિગરેટો મળે છે. પુરુષની વાંચવાની બત્તી અને સ્ત્રીની વાંચવાની બત્તી મળે છે. પુરુષ અને સ્ત્રીના કાનમાં દબાવી રાખવાના ઈયર પ્લગ્ઝ જુદા જુદા મળે છે. હજુ સુધી અમેરીકામાં કોઈએ સ્ત્રીનેઆવતાં સ્વપ્નો અને પુરુષને આવતાં સ્વપ્નો માટે જુદી જુદી પિલ્સ કેમ શોધી નથી એ આશ્ચર્યની વાત છે!

ખેર, ઊંઘ જેવી મહત્વની બાબત વિષે આપણે મૂર્ખ કે ઉદાસીન રહેતા આદમી છીએ. એક તેજસ્વી વ્હોરા મિત્ર મને વર્ષો પહેલાં જીવન સુધારી લેવાનો છેલ્લો મૌકો આપાતા કહ્યું હતું કે ‘જિંડગાની ટન ભાગની છે,’ તેમાં એક ભાગ જીંડ છે ! એને સાગ્રહ કહ્યું હતું કે બીજા ભાગની જિન્ડગાની ઢોલિયામાં જાય છે, સમજે કે ? બસ…ટારથી હું ઊંઘ વિશે બઠ્ઠુ સમજી ગયેલ, ઊંઘવાનો ચાન્સ ક્યારેય ખોટો નહીં.’ ગાંધીજી ટાગોર કરતાં વધારે ઊંઘી શકતા હતા. માટે એ રાષ્ટ્રપિતા થયા જ્યારે ટાગોર માત્ર ગુરુદેવ થઈને રહી ગયા. ઊંઘતા આવડયા વિના પિતા ના થવાય, જાગતા રહો તો માત્ર ગુરુ થાઓ. વર્ગમાં ચાલુ લેક્ચરે બગાસાં ખાતો પ્રોફેસર મને હમેશા પરાલૌકિક સિધ્ધપુરૂષ જેવો લાગ્યો છે. વિદ્યાર્થીઓને સુવાડાવી દીધા પહેલા સ્વયં એ દુર્ગમ માર્ગ પર અગ્રસર થવું એ ગુરુત્વ છે.

ઊંઘમાં સ્વપ્નો આવે છે. મારા કવિ મિત્ર અને દર્દે દિલના મરીઝ, ‘શંકર’ અંત વાળા નામધારી ગુજરાતી કવિઓમાં શ્રેષ્ઠ લાભશંકર ઠાકરે એક વાર અનહદનો આનંદ વધારી મૂકે એવી વાત કરી હતી. શંકરશ્રેષ્ઠે કહ્યું હતું કે, નાઇટમેર અથવા દુ:સ્વપ્ન આવે પછી ઝબકીને જાગી જવાનો પણ એક આનંદ છે ! ખરાબ સ્વપ્ન પણ અદભૂતનો અનુભવ છે. કલ્પના બેરોકટોક વિહસી રહે એની મજા છે. સ્વપ્ન એટલા માટે આવે છે કે મનુષ્ય પાગલ ના થઈ જાય.


એક પ્રખ્યાત જોક છે ‘ એક સકાઇટ્રીસ્ટે એક દર્દીને પૂછ્યું : તમે સ્વપ્ન દોષથી પીડાઓ છો? દર્દીએ ઉત્તર આપ્યો : સાહેબ, પીડાતો નથી… મજા આવે છે.!” એટલે મજા શું અને અમજા શું? નિંદ્રાની દેવી આંખો ઉપર જ્યારે ફૂલની છડી ફેરવે છે ત્યારે અથવા દેવી આંખો ઉપર જ્યારે ફૂલની છડી ફેરવે છે ત્યારે અથવા નાદાન શબ્દો બેમાની બની જાય છે. આ પૃથ્વી પર દોષાનંદ નામનો પણ એક આનંદ છે.

ખેર, ઊંઘના આનંદ માટે આપણે ખોટી સદીમાં જીવી રહ્યા છીએ. આ 1991ના વર્ષમાં મધ્ય મૂંબઈમાંજેને ઊંઘવાની મજા જ લૂંટવી છે એને માટે ભાવિ અંધકારમય છે. મુંબઈ કરતાં અમદાવાદની ઊંઘ વધારે ઘસઘસાટ છે. અમદાવાદ,આ ઊંઘવાની અને સવારે મોડા ઉઠવાની જે મજા છે એ મુંબઈમાં નથી. બંને નગરીઓમા ઊંઘવાના પહેલાં પુરુષ એકવચની અનુભવ પછી આ મારું વિધાન છે કે મુંબઇના સુસ્વપ્ન કરતાં અમદાવાદનું દુ:સ્વપ્ન બહેતર છે. ગુજરાતના પ્રવાસન વિભાગે વિજ્ઞાપનો દ્વારા અમદાવાદનું પથારી આ આયામ પ્રકાશમાં લાવવો જોઇએ : અમદાવાદને પથારી તમને બોલાવે છે .. આવો અમદાવાદ !

ક્લોઝ અપ :
અરે ઘેલી, એ શું બકતિ ?
બધી એ સ્વપ્ન ભ્રમણા.
(નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા)
ઉત્તરા અને અભિમન્યુમાંથી

(ગુજરાત સમાચાર : માર્ચ 24, 1991)
પુસ્તક : જીવનનું આકાશ શ્રેણી – પરાક્રમ
પ્રકાશન : નવભારત સાહિત્ય મંદિર

Total Page Visits: 2295 - Today Page Visits: 2

4 thoughts on “ધર્મ, અર્થ, કામ, મોક્ષ થી ઉપર છે : ઊંઘ ! – ચંદ્રકાંત બક્ષી

  1. ચંદ્રકાંત બક્ષી ગુજરાતી ગદ્યસાહિત્યમાં એકમેવ નામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!