કમાલના શાયર – શહરયાર

Spread the love

ઇન આંખોકી મસ્તી કે મસ્તાને હઝારોં હૈં….

જુસ્તજુ જીસકી થી, ઉસકો તો ન પાયા હમને…

દિલ ચીઝ કયા હૈ, આપ મેરી જાન લિજીયે….

કભી કિસીકો મુકમ્મલ જહાં નહિ મિલતા

ઉર્દૂ શાયરીમાં જેમનું નામ ખૂબ અદબથી લેવામાં આવે છે તેવા કમાલના શાયર અને શિક્ષણશાસ્ત્રી “અખ્લાક મોહંમદખાન” એટલે “શહરયાર”ના કેટલાંક શેરોનો આસ્વાદ માણીએ.

ઉમરાવજાન ફિલ્મની ઉપરોક્ત રચનાઓથી આપ સુપેરે પરિચિત હશો જ. આ રચનાઓના સર્જક એટલે શહરયાર.

તેમનો જન્મ ઉત્તરપ્રદેશના બરેલીમાં એક મુસ્લિમ રાજપૂત પરિવારમાં 16 જૂન 1936 માં થયો હતો. ઇ.સ. 1961 માં ઉર્દૂ ભાષામાં અનુસ્નાતકની પદવી મેળવીને ઇસ.1966 માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે વ્યાખ્યાતા તરીકે જોડાયા અને ઇસ. 1996 માં ઉર્દૂ વિભાગના અધ્યક્ષ પદે રહી સેવાનિવૃત્ત થયા.

સાંપ્રત સમયની સમસ્યાઓ તથા માનવીય મનની આંતરતમ અનુભૂતિઓને આ કવિએ પોતાની શાયરીમાં આબેહૂબ ઝીલી છે. ઇસ. 1981 માં ઉમરાવજાન ફિલ્મોના ગીતોથી તેમને ખૂબ જ પ્રસિદ્ધિ મળી.અનેક પુરસ્કારો ઉપરાંત ઇસ. 2008 માં તેમને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરાયાં. આ પુરસ્કાર મેળવનારા ઉર્દૂ ભાષાના તેઓ ચોથા સાહિત્યકાર બન્યા.

તેમના કેટલાંક શેરથી તેમના સર્જનનો વિસ્તૃત પરિચય મેળવીએ.

कहिए तो आसमाँ को ज़मीं पर उतार लाएँ
मुश्किल नहीं है कुछ भी अगर ठान लीजिए…

જો ધ્યેયને પ્રાણના ભોગે પણ પ્રાપ્ત કરવાની ઝંખના હોય તો કોઈ પણ કાર્ય અશક્ય નથી, આકાશને ધરતી પર ઉતારી લાવવાના સંદર્ભ દ્વારા કવિ આત્મવિશ્વાસને ઉત્તમ રીતે પ્રસ્તુત કરે છે.

कौन सी बात है जो उस में नहीं
उस को देखे मिरी नज़र से कोई

સૌંદર્ય હકીકતે તો જોનારની દ્રષ્ટિમાં હોય છે. પ્રિયતમને નિહાળવા પ્રેમીની નજર જોઈએ. લૈલાના આત્મસૌંદર્યને મજનુ જ નીરખી શકે. યુસુફના સૌંદયરસને ઝૂલેખાં જ પી શકે.
અદ્દલ એવો જ એક મખમલી શેર માણીએ..

दिल में रखता है न पलकों पे बिठाता है मुझे
फिर भी इक शख़्स में क्या क्या नज़र आता है मुझे,

ફરી એ જ આત્મવિશ્વાસ અને કાંઈક કરી છૂટવાની પ્રબળ ઈચ્છા સાથે કવિ સંદેશો આપે છે. જો દીવો પ્રગટાવવો જ હોય તો પવનના સૂસવાટા પણ રોકી ન શકે, તે જ રીતે કામની ચર્ચા કરવા કરતાં ખરી મજા તે કાર્યને પૂર્ણ કરી દેખાડવામાં છે.

हवा का ज़ोर ही काफ़ी बहाना होता है
अगर चराग़ किसी को जलाना होता है
ज़बानी दावे बहुत लोग करते रहते हैं
जुनूँ के काम को कर के दिखाना होता है

આ શેર જુઓ…

है आज ये गिला कि अकेला है ‘शहरयार’
तरसोगे कल हुजूम में तन्हाई के लिए

કવિ એકાંત અને એકલતાની ભેદરેખાને બખૂબી જાણે છે, પણ લોકો જેને એકલતા સમજે છે , એ કવિને મન એકાંત છે. એકલતા પીડા આપે છે, એકાંતમાં પરમ આનંદ અનુભવાય છે. કવિ કટાક્ષયુક્ત વાણીમાં કહે છે, કે લોકોના ટોળાંમાં તમે જ્યારે એકાંતને ઝંખશો ત્યારે તમને મારા એકાંતનું મહત્વ સમજાશે.

કોલેજ કાળમાં શહરયારની કલમને ધારદાર બનાવવામાં જનાબ ખલીલુરરહમાન આઝમીનો મુખ્ય ફાળો હતો. આધુનિક ઉર્દૂ શાયરીમાં નવા સીમાચિહ્નો અંકિત કરવામાં આ કવિનું નામ અગ્રીમ હરોળમાં મૂકવું જ પડે. ઇસ. 1965 માં તેમનો પ્રથમ કવિતા સંગ્રહ ” ઇસ્મે આઝમ” પ્રસિદ્ધ થયો.

ઉર્દૂ ભાષાના સરળ શબ્દોને પોતાની વાણીમાં વણી લેનાર આ કવિએ દિલના દર્દને વાચા આપી છે,

अब जिधर देखिए लगता है कि इस दुनिया में
कहीं कुछ चीज़ ज़्यादा है कहीं कुछ कम है

अब जी के बहलने की है एक यही सूरत
बीती हुई कुछ बातें हम याद करें फिर से

सीने में जलन, आँखों में तूफ़ान सा क्यों है
इस शहर में हर शख़्स परेशान सा क्यों है

दरिया चढ़ते हैं उतर जाते हैं
हादसे सारे गुज़र जाते हैं

छाए हुए थे बादल लेकिन बरसे नहीं
दर्द बहुत था दिल में मगर रोए नहीं

જીવનની ઉત્તરાવસ્થામાં શહરયાર એકલા હતાં. આ એકલતામાં ‘મરીઝ’ની જેમ જ મદિરા તેમનો સહારો બની.

ऐसे हिज्र के मौसम कब-कब आते हैं
तेरे अलावा याद हमें सब आते हैं

हर तरफ़ अपने को बिखरा पाओगे
आइनों को तोड़के पछताओगे

कहाँ तक वक़्त के दरिया को हम ठहरा हुआ देखें
ये हसरत है कि इन आँखों से कुछ होता हुआ देखें

ये क़ाफ़िले यादों के कहीं खो गए होते
इस पल भी अगर भूल से हम सो गए होते

13 ફેબ્રુઆરી 2012 ના રોજ આ મહાન શાયરે અલીગઢ ખાતે અંતિમ શ્વાસ લીધાં, પરંતુ તેમની શાયરી આજે પણ ઉર્દૂ શાયરીમાં ધબકી રહી છે.

घर की तामीर तसव्वुर ही में हो सकती है
अपने नक़्शे के मुताबिक़ ये ज़मीं कुछ कम है

ઈમ્તિયાઝ કે. કાઝી માણાવદર

Total Page Visits: 603 - Today Page Visits: 1

2 thoughts on “કમાલના શાયર – શહરયાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!