કવિ ઉર્વીશ વસાવડાના જીવન- કવનનો પરિચય : પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’

ઉર્વીશ વસાવડા
ઉર્વીશ વસાવડા
Spread the love

ગઝલસર્જન કરનારાએ બાહ્ય ઉપકરણો સમા છં, રદીફ, કાફિયા, મત્લા વગેરેનો મલાજો પૂરેપૂરો જાળળતાં રહી, અંતઃસ્તત્વના ને ચમત્કૃતિના સ્તરે અભિવ્યક્તિમાં અભિનિવેશ દાખવતા રહેવાનો પડકાર ઉઠાવવાનો હોય છે.ગઝલના બંધારણમાં નાનકડી હેરફેર કરીને કે અંતઃસ્તત્વની અભિવ્યક્તિના પ્રદર્શનમાં નાવીન્ય લાવીને પ્રયોગશીલતાની કસોટી પેપર ગઝલને કસવાના છૂટક પ્રયત્નો થતા રહ્યા છે પરંતુ એકંદરે ગઝલ એના મૂળતઃ સ્વરૂપે સેવાતી રહી છે. કાફિયામાં નાવીન્ય લાવીને ગઝલની અભિવ્યક્તિને શાનદાર બનાવવા જેમ ગઝલકારો પ્રવૃત્ત હોય છે તે જ રીતે રદીફના બહુગામી ઉપયોગ – પ્રયોગ થકી પણ ગઝલના શેરને ને સમગ્ર ગઝલને ચોટદાર બનાવવા ગઝલકારો પ્રયત્નશીલ રહેતા હોય છે.

ગઝલના વિકાસના પ્રત્યેક યુગમાં રદીફના ઉપયોગની તરાહ સહેજસાજ બદલાતી રહી છે. શયદાયુગના ગઝલકારોમાં લાંબી રદીફનું પ્રચલન જોવા મળતું હતું પરંતુ એ પછી આદિલ, ચિનુ મોદી, મનોજ ખંડેરિયા રાજેન્દ્ર શુક્લ,  ભગવતીકુમાર શર્મા વગેરે ગઝલકારો કે જેઓએ ગઝલને કાવ્યની મુખ્યધારામાં સ્થાન અપાવવા જહેમત ઉઠાવી, તેઓની ગઝલોમાં ભાગ્યે જ લાંબી રદીફનો પ્રયોગ જોવા મળે છે. જોકે મનોજ ખંડેરિયાની આ લાંબી રદીફ વાળી ગઝલ ખૂબ લોકપ્રિય બની :

ક્ષણોને તોડવા બેસું તો વરસોના વરસ લાગે
બુકાની છોડવા બેસું તો વરસોના વરસ લાગે

‘બેસું તો વરસોના વરસ લાગે’ જેવી લાંબી રદીફ ગઝલમાં હોય ત્યારે બીજી અભિવ્યક્તિ માટે સ્વાભાવિક રીતે જ ખૂબ ઓછો અવકાશ રહે ને એમ શેરિયત પ્રગટાવતા, ચમત્કૃતિ સાધવી કવિ માટે પડકારરૂપ બની રહે છે. રદીફ વિશેની આટલી વાતનું નિમિત્ત છે કવિ મનોજ ખંડેરિયાની ભૂમિમાંથી જ આવતા ગઝલકાર ઉર્વીશ વસાવડાના ગઝલસર્જન વિશે વાત કરવાની કે જેઓની ગઝલોમાં લાંબી રદીફનું વૈપુલ્ય જોવા મળે છે.

વ્યવસાયે રેડીયોલોજીસ્ટ ડોક્ટર એવા આ કવિનો જન્મ પિતા જયેન્દ્રભાઈને ઘેર, માતા દેવયાનીબેનની કૂખે તારીખ 13 4 1956 ના રોજ જૂનાગઢ ખાતે થયો હતો. જે ધરતીમાં ગુંજતા નાદનો પડઘો સમયે-સમયે એના વારસદારો આવીને ઝીલતા રહેતા હોય છે એ ન્યાયે નરસિંહ મહેતાની કરતાલનો નાદ કવિ મનોજ ખંડેરિયાની ગઝલોમાં પડઘાતો રહ્યો. કવિ ઉર્વિશ વસાવડાનું સમગ્ર ચૈતન્ય તો નરસિંહ સાથે જોડાયેલું જણાતું નથી પણ નરસિંહનું નાદસ્મરણ અવારનવાર તેમને નરસિંહના વિવિધ પ્રતીકો સુધી જરૂર લઈ જાય છે ‘પીંછાનું ઘર’ (2002) એમનો પ્રથમ ગઝલ સંગ્રહ ને ‘ટહુકાનાં વન’ (2006 ) બીજો સંગ્રહ. ‘ટહુકાનાં વન’ની પ્રથમ ગઝલમાં જ કવિનું લાંબી રદીફ પ્રત્યેનું આકર્ષણ, પરંપરાગત ગઝલની રવાની અને જુનાગઢ તથા નરસિંહ સ્મરણ ની ઝાંખી આમ થાય છે :

શિલાલેખો ગિરિ ગિરનાર દામોકુંડ કેદારો
જૂનાગઢની ધરાના કણ ગઝલમાં લઈને આવ્યો છું

એ પછીના ત્રીજા સંગ્રહ ‘પુષ્પનો પગરવ ‘ (2011 )અને ચોથા સંગ્રહ ‘ઝાકળનો સુરજ ‘ (2016 ) માં પણ સમગ્રતયા અલગ પીઠિકા પર આસન્ન થઈને ગઝલકર્મ કરતા, કવિ પ્રથમ ગઝલમાં આ જ નાદગુંજનમાં અભિવ્યક્ત થાય છે :

હરિ આવે લઈને હાર સાંભળતા જ કેદારો
તિલક છે ગુર્જરી ભાલે કવિતા અહીં પ્રગટ થઈ ‘તી

આપણે જે નિમિત્તે આ કવિના સર્જનની ચર્ચા છેડી એ લાંબી રદીફની વાત પર આવીએ તો , પ્રથમ બે સંગ્રહમાં શરૂ થયેલો આ વિશેષ, આગળ જતા સુઘટ્ટ થઈને પ્રગટ થાય છે. ‘પુષ્પનો પગરવ ‘ સંગ્રહમાં આવા કેટલાક મત્લાના શેર જોઈએ કે જે લાંબી રદીફ વાળા છે :

કવિના ગામ વચ્ચે જઈ કવિના પ્રાણ લઈ આવો
કવન અકબંધ રહેવા દઈ કવિના પ્રાણ લઈ આવો

થાય પીડા ભીતરે તો આપણાની વેદનાને વાંચવી અઘરી પડે છે
કો’ક ચાલ્યું જાય ત્યારે આંગણાની વેદનાને વાંચવી અઘરી પડે છે

સીમિત રહી ના ફક્ત એ ઘરમાં હવે તો એ વાતનો અંત લાવો
થવાની ચર્ચા બધે નગરમાં હવે તો એ વાતનો અંત લાવો

ખબર અંતર કહીને જ્યાં જવું હો ત્યાં જવાની છૂટ
ક્ષણિક વિશ્રામ લઈને જ્યાં જવું હો ત્યાં જવાની છૂટ

સ્વાભાવિક છે કે રદીફનું ને એમાં પણ લાંબી રદીફનું આલંબન કવિએ ગઝલ પ્રસ્તુતિ માટે લીધું હોય ત્યારે જે તે રદીફના વાચ્યાર્થને પ્રત્યેક શેરમા સાબિત કરતા રહેવું પડે છે. રદીફ ભાવસૂચક અને એકશબ્દી હોય ત્યારે તો કવિને શેર-દર-શેર આવી રદીફની વિવિધ અર્થચ્છાયાઓ પ્રગટાવવા માટે મોકળું મેદાન મળે છે પરંતુ સામે પક્ષે લાંબી રદીફમા એનાં વાચ્યાર્થની જ સાબિતીનાં બંધનને લીધે કવિના ભાગે કાફિયાનું નિર્વહન કરતા કરતા ને રદીફને સાબિત કરતા કરતા શેર કહેવાના આવે છે. કવિ સજ્જ ના હોય તો કેટલીક ગઝલો અથવા તો જે તે ગઝલના કેટલાક શેર પૂરતી જ આમાં સફળતા મળે અને બાકીના શેરમાં રદીફ લટકણીયાં બનીને જ રહી જાય.

કવિ ઉર્વીશ વસાવડાનું ભાવવિશ્વ પરિપક્વ છે ને હાથમાં લીધેલી લાંબી રદીફના વાચ્યાર્થની પૂરી સમજ છે આથી મહદ્અંશે શેરિયતને ખંડિત કર્યા સિવાય કે રદીફને આમ લટકણીયાં થવા દીધા સિવાય છેલ્લા શેર સુધી ગઝલિયતને જાળવતા સર્જન કરી શક્યા છે. ગઝલમાં સામાન્ય રીતે કવિઓનો એ અનુભવ હોય છે કે મત્લા ની પંક્તિઓ નૈસર્ગિક સ્ફુરણ થકી સાંપડે છે ને પછી કવિપ્રતિભાના જોરે આખી ગઝલ રચાતી હોય છે. લાંબી રદીફના કિસ્સામાં આવી રદીફ જડવી ને મતલા રચાવો એ સાહજિક બની રહે ,પરંતુ જડી આવેલી રદીફ વિશે ઝાઝો વિચાર કર્યા વિના પ્રત્યેક મળી આવતી લાંબી રદીફને સહારે, કવિ સર્જન કર્યા કરે ત્યારે, ઘણી રદીફ અડચણ ઊભી કરતી હોય છે. એને સાબિત કરવાની મથામણમાં કૃતકતા ઊભી થવાનો ભય પણ પૂરેપૂરો રહે છે .આ કવિના કિસ્સામાં પણ તેવું ક્યાંક ક્યાંક બન્યું છે . લાંબી રદીફને સાબિત કરતા કરતા ગઝલની શેરિયતને સ્થાને અહેવાલાત્મક નિરૂપણ બનીને ગઝલ રહી જાય છે.‘… દોડતું આખું નગર હાંફયા કરે છે ‘ રદીફવાળી ગઝલનો આ શેર :

જે કશું જોતું હશે એ છીનવી લેવાથી મળશે એટલે તો
હાથ પાછળથી મરડવા દોડતું આખું નગર હાંફયા કરે છે

જોકે આગળ જતાં ચોથા સંગ્રહ ‘ઝાકળના સુરજ ‘માં લાંબી રદીફની પસંદગીમાં, રદીફની લંબાઈ ઘટતા શેરિયત યથાતથ જળવાઈ રહેવાનું ઘટ્ટ બનતું જાય છે ને અહેવાલાત્મકતા દૂર થતી જાય છે. ‘ મારું નામ પૂછું છું ‘ રદીફ સાથેની ગઝલમાં જાતને ને ભીતરને અવલોકવા માટે રદીફને પ્રયોજીને, રદીફનો સારો કસ કવિએ કાઢ્યો છે :

પુરાણા સર્વ સંદર્ભો નકામા છે એ સમજું છું
નવા સંદર્ભને લાવીને મારું નામ પૂછું છું

તો, ‘એનું ઘર કોણે જોયું છે?’ જેવી પ્રશ્નવાચક રદીફવાળી ગઝલ ફરી પેલા જોખમ તરફ લઈ જાય છે. પરંતુ એકંદરે આ સંગ્રહમાં રદીફ પસંદગીમાં સજાગતા અને કવિકૌશલ્યને લીધે લાંબી રદીફવાળી કેટલીક સારી ગઝલો મળે છે . પ્રકૃતિ વિષયક લખાયેલી કેટલીક ગઝલો પૈકી ‘વરસાદનું સ્વાગત કર્યું’ રદીફ વાળી ગઝલનો એક શેર જોઈએ :

વૃક્ષ પાસે એ કસબ છે આપણી પાસે નથી
સાવ લીલાંછમ થઈ વરસાદનું સ્વાગત કર્યું

કવિએ ટૂંકી બહર પર પણ હાથ અજમાવ્યો છે .

કહ્યું એમ કો’કે
ભમુ ચૌદ લોકે
બધા જાગતા ‘તા
ચડ્યો હું જ ઝોકે

મહદંશે હજઝ અને રમલ છંદમાં લખાયેલી ગઝલોમાંથી કેટલાક માણવા લાયક શેર મળી આવે છે તે પણ જોઈએ;

આપણે તો પગ ઝબોળીને ઉભા રહીએ સદા
સ્થિર રહેવું કેવહેવું દોસ્ત એ જળનો વિષય

ચોતરફ છે તોય ના દેખી શકો
નામ બસ એનું જ તો અંધાર છે

ખબર છે કે છે ગામ આખું ખાલી
છતાં પત્ર લઈને ફરે છે ટપાલી

તે છતાં ડાઘા થી ખરડાઈ ગયા
આપણી તો કામળી કાળી હતી

સાવ આ કાગળ ની વચ્ચે આપણે ભટકી ગયા
આપણું ગંતવ્ય તો શબ્દોની પેલે પાર છે

નરસિંહના એક ઝૂલણાંની પ્રથમ પંક્તિ નરસિંહની યથાતથ રાખી, બીજી પંક્તિ કવિએ પોતાની જોડી રચેલી ઝૂલણાં ગઝલના એક શેરમાંથી પસાર થતા કવિને નારસિંહીય દ્રષ્ટિ સદા મળતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવીએ:

જ્યાં લગી આતમા તત્વ ચીન્યો નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી
એક ક્ષણ લાગતું ખૂબ એ દૂર છે ને બીજી ક્ષણ થતું સાવ પાસે

આ લેખના લેખક છે શ્રી પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’

Total Page Visits: 1058 - Today Page Visits: 1

1 comments on “કવિ ઉર્વીશ વસાવડાના જીવન- કવનનો પરિચય : પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!