કાબર : દેશી મેના કે ગોરિકા પણ કહે છે

Spread the love

આપણે જેને કાબર નાં નામથી ઓળખીએ છીએ એ પણ મેના જ છે. આજે પણ ઉત્તર ભારતમાં આ વર્ગનાં બધા જ પક્ષીઓ ‘મેના’ નામથી ઓળખાય છે. ઉદાહરણ તરીકે  गंगा मेना, देशी मेना, बामनी नेमा, अबलक मेना, जंगली मेना.

કાબર

કાબર
કાબર

તેને દેશી મેના કે ગોરિકા પણ કહે છે. તેનું કદ બુલબુલથી થોડું મોટું હોય છે. કાબરની પીઠ મટોડીયા કથ્થાઇ રંગની અને માથું અને ગરદન કાળાં હોય છે. તેની પાંખમાં એક સફેદ ડાઘ હોય છે જે તે ઊડે ત્યારે ખાસ નજરે પડે છે. ચાંચ અને આંખની આસપાસની ચામડી ચમકતી પીળા રંગની હોય છે.

તે આંખનો રંગ રાતો કથ્થાઇ, પૂંછડી નીચેનાં પીંછાં સફેદ હોય છે, તેના પગ પીળા હોય છે, નર અને માદા કાબર લગભગ સરખાં હોય છે, માંડ કદમાં થોડી નાની અને રંગે થોડી ઝાંખી હોય છે, કાબરની જોડી જીવનપર્યંત સાથે રહે છે.

કાબર આમ તો જૂથમાં જોવા મળે છે, પણ બચ્ચાં ઉછેરવા જૂથમાંથી જોડી જુદી પડે છે. કાબર લીમડાની સળીઓ, પીંછાં, કાગળ, ચીંથરા, પાંદડાં વગેરેથી માળો બનાવે છે. તેમાં ઘેરા ભૂરા રંગનાં ત્રણથી ચાર ઈંડાં મૂકે છે.   

નરકાબર બોલતાં બોલતાં પોતાનું માથું વારેવારે નીચું કરે છે. તે કેટલીક વખત જુદી જુદી જાતનાં આવાજ પણ કાઢે છે. ક્યારેક કલબલાટથી આપણું માથું પકવી નાખી છે. બિલાડી, સાપ, નોળિયા, શિકારી પંખી, ઘો વગેરેને જોઈ તરત જ તે ભયસૂચક અવાજ કાઢે છે. તેના આવા અવાજથી બીજા પંખીઓ ચેતી જાય છે. જીવાત અને તીડ તેનો ખાસ ચારો છે. ગરોળા, સાપોલિયાં વગેરે પણ ખોરાક તરીકે લે છે.

કાબર આખા ભારતમાં માનવ- રહેઠાણની નજીક જોવા મળે છે. કાબરને અંગ્રેજીમાં Indian Myna કે House Myna કહે છે.

ગંગા મેના

ગંગા મેનાને શિરાજી કાબર કે ઘોડા કાબર કહે છે. તેનું કદ કાબર કરતાં સહેજ નાનું હોય છે, તે દેખાવમાં કાબર જેવી છે, પણ તેની પીઠનો રંગ વાદળી ઝાંયવાળો રાખોડી હોય છે. તેની આંખ રાતા રંગની અને આંખની ફરતેની ચામડી ઈંટ જેવી લાલ હોય છે. પાંખ કાળી અને પાંખમાં કાબર કુળમાં હોય છે તેવો ડાઘ હોય છે, પણ તેનો રંગ રતાશ પડતો સફેદ હોય છે, પૂંછડીની નીચેનાં  પીંછાં ઝાંખા પીળા રંગના  હોય છે. નર અને માદા એકસરખા હોય છે.

ગંગા મેના

ગંગા મેનનો સમૂહ રેલવે સ્ટેશન પર જોવા મળે છે. તેને ઢોર પાછળ ચાલવાનો જાણે શોખ હોય છે.

ગંગા મેનાને અંગ્રેજીમાં બેંક મેના bank Myna કહે છે.  

પવાઈ મેના

આ મેના કાબર કરતાં કદમાં થોડી નાની હોય છે. તેનાં માથું અને પીઠ ચમકતા રાખોડી રંગનાં હોય છે. પેટ અને પૂંછડીનો નીચેનો ભાગ ભગવો હોય છે. ચાંચ મૂળમાં ભૂરી અને છેડે લીલાશ પડતી પીળી હોય છે. પાંખો કાળા રંગની હોય છે. નર-માદા દેખાવમાં એકસરખા હોય છે.

આ મેના ટોળામાં જોવા મળે છે. તે ચારો શોધવા જમીન પર ઊતરતી નથી. ફલફળાદિ  અને કિટલો તેનો મુખ્ય ખોરાક છે.

પવાઈ મેનાનું અંગ્રેજી નામ છે : Greyheaded Myna. સમગ્ર ભારતમાં વિશેષ કરીને વનરાજીવાળા પ્રદેશમાં જોવા મળે છે.

જંગલ મેના 

આ મેના કાબર જેવી જ હોય છે. તેનો રંગ  કબાર કરતાં ઘેરો હોય છે. આંખ ફરતે અલગ ચામડી હોતી નથી. તેની નાક ઉપર પીંછાનો નાનો ગુચ્છ હોય છે.

જંગલ મેના સંગ્ર ભારતના વન્ય પ્રદેશમાં જોવા મળે છે. ગુજરાતમાં ગીરમાં જોવા મળે છે.

પહાડી મેના

પહાડી મેના બધી મેનામાં અત્યંત સુકોમળ અને મધુર સ્વરવાળી હોય છે. કદમાં તે કાબર જેવડી પણ ખૂબ નાજુક હોય છે. એનો રંગ લીલા અને વાદળી રંગની ઝાંયવાળો કાળો હોય છે. તેનાં માથા પર પીળી ચામડી હોય છે, તેની પાંખ પર સફેદ ડાઘ હોય છે. ચાંચ નારંગી અને પગ પીળા રંગના હોય છે. નર – માદા એકસરખાં હોય છે.  જોડીમાં કે જૂથમાં જોવા મળે છે.

પહાડી મેનાને અંગ્રેજીમાં હિલ મેના – Hill  Myna કહે છે. ભારતમાં હિમાલયની તળેટીમાં 800 થી 1000 મીટરની ઊંચાઈએ અલમોડાથી આસામ સુધી જોવા મળે છે. છોટા નાગપુર, ઓરિસ્સા અને મધ્યપ્રદેશમાં તથા પશ્ચિમ ઘાટમાં પણ જોવા મળે છે.

વૈયું

વૈયાને ગુલાબી મેના પણ કહે છે. તેનું કદ કાબર જેવડું છે. તેનું માથું, ગરદન, પાંખો અને પૂંછડી ચળકતા કાળા રંગનાં હોય છે. ચાંચ  ગુલાબી-લાલ અને પગ મેળા બદામી હોય છે. તેનાં માથાનાં અને ગરદન પરનાં પીંછાં ફુલાવેલાં હોય તેવાં દેખાય છે. વૈયા 50 થી માંડીને 500 સુધીના ટોળામાં જોવા મળે છે.

વૈયું

વૈયા એ પ્રવાસી પંખી છે. પૂર્વ પુરોય અને મધ્ય તથા પશ્ચિમ એશિયામાંથી તે જુલાઇ-ઓગસ્ટમાં ભારત આવે છે. શિયાળો પૂરો થતાં માર્ચ -એપ્રિલમાં તે પરત જાય છે. વૈયા પોતાનાં બચ્ચાંનો ઉછેર પૂર્વ યુરોપ અને મધ્ય તથા પશ્ચિમ એશિયામાં કરે છે. ભારત આવે ત્યારે તેનો ગુલાબી રંગ ઝાંખો થઈ જાય છે.

વૈયાનું અંગ્રેજી નામ છે : Rosy Pastor અથવા Rose coloured starling. તે ફળફળાદિ અને જીવાત ખાય છે. તે ભારતમાં ઘણી મોટી સંખ્યામાં તીડ મારી ખાય છે, તે રીતે તે ખેડૂતને મદદરૂપ થાય છે.  

તેલિયા મેના

વૈયા જેવી જ બીજી એક પ્રવાસી મેના શિયાળામાં ભારતમાં આવે છે. તે સાઈબિરિયા  અને મધ્ય એશિયાની વતની છે, એને તેલિયા મેના કહે છે. તેનું કદ કાબર જેવડું હોય છે. આખું શરીર ચમકતા કાળા રંગનું હોય છે એને પીંછે પીંછે ચોખાના જેવી ઝીણી ઝીણી પીળી રેખાઓ હોય છે. તેની ચાંચ ભેંસનાં શિંગડા જેવી મેલા રંગની  અને પગ ઘેરા બદામી રંગના હોય છે. તે નદી- તળાવ જેવાં જળાશયો પાસે જોવા મળે છે.

બ્રાહ્મણી મેના 

તેને બબ્બઇ કે બ્રાહ્મણી કાબર પણ કહે છે. તેનું કદ કાબરથી થોડું નાનું હોય છે, માથા પરનાં પીંછાં ચોંટી જેવાં હોવાથી કદાચ તે બ્રાહ્મણી મેના કહેવાય છે. નરની ચોટી લાંબી અને માડાની ચોટી ટૂંકી હોય છે. તે ચોટી ઊભી કરી શકે છે.

તેની પીઠ રાખોડી કાળી અને પેટ, ગરદન અને લમણાં રતાશ પડતાં રંગનાં હોય છે. ચાંચ અને પગ પીળાં હોય છે. પાંખો કાળી હોય છે. પૂંછડી કથ્થઈ રંગની પણ તેનાં છેડા સફેદ હોય છે. નર અને માદા સરખાં દેખાય છે.   જીવાત, ફળફળાદિ અને ક્યારેક રાંધેલું અન્ન પણ ખાય છે. બ્રાહ્મણી મેનાને અંગ્રેજીમાં Brahminy કે Black headed myna કહે છે. તે સૂકા પ્રદેશ સિવાય સમગ્ર ભારતમાં જોવા મળે છે.

Total Page Visits: 458 - Today Page Visits: 1

1 comments on “કાબર : દેશી મેના કે ગોરિકા પણ કહે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!