પૂ. કાશ્મીરીબાપુ : વિચક્ષણ ગિરનારી સંત

કાશ્મીરી બાપુ
કાશ્મીરી બાપુ
Spread the love

પૂ. કાશ્મીરીબાપુ બ્રહ્મલીન થઈ ગયા તેનું પારાવાર દુઃખ થયું છે. ગિરનાર ક્ષેત્રના વર્તમાન સુપાત્ર સંતની ચિર વિદાયથી જાણે એક યુગ પૂરો થયો છે. ભવનાથમાં કોઈપણ યાત્રિક આવે અને કાશ્મીરી બાપુના આશ્રમે ન જાય તો યાત્રા અધુરી જ કહેવાય.
કાશ્મીરી બાપુ પાંચ હાથ પૂરા, હાડેતા અને પ્રભાવશાળી સંત હતા. તેમની પાસે બેસવા માત્રથી જ શાંતિ મળી જાય તેવું વ્યક્તિત્વ હતું. કાશ્મીરીબાપુ હિમાલય ક્ષેત્રમાંથી ગિરનાર પધાર્યા અને અહીં જ રહી પડ્યા. બાપુએ ગિરનાર ક્ષેત્રમાં પાજનાકા પાસે ખોડિયાર મંદિરે, દર્વેશ્વર પાછળ ટબૂડીવાવની જગ્યાએ, ગિરનાર પર ૩૦૦ પગથિયા પાસે, પ્રગટેશ્વર મંદિરે અને ઉપલા દાતારની નીચે આવેલી કલંદરી ગુફાએ તપશ્ચર્યા કરી. છેલ્લે, દાતારથી ઉગમણે આવેલા આમકુ બીટ વિસ્તારમાં બાપુએ અંતિમ સમય સુધી ભજન કર્યું. એક સમયે આમકુ બીટ વિસ્તારમાં આંબાનાં પુષ્કળ દેશી ઝાડ હતાં. સહુ પ્રથમ બાપુ અહીં આવ્યા ત્યારે તેઓ ઝરણાના કાંઠે આંબાના ઝાડ નીચે બેસતા. અહીં તેમણે ખોડિયાર માતાજીની સ્થાપના કરી હતી. આમકુ વિસ્તારમાં લંબે હનુમાનને આધીન બગીચાવાળા હનુમાન કે સૂર્યમુખી હનુમાનથી લઈને અસાયબા પીર સુધીની જગ્યામાં ઝરણાને બંને કાંઠે ઘણા સિદ્ધ મહાત્માઓ ભજન કરી ગયા છે. લંબે હનુમાનના મહંત ઉત્તમદાસજીએ બગીચા વાળા સૂર્યમુખી હનુમાનજીની સ્થાપના કરેલી. ત્યાંથી આગળ જમણે નદીકાંઠે એક બીજા નેપાળી બાપુ (ઘોડમુખાવાળા નહિ)નો ધૂણો હતો. તેની બાજુમાં જ શાપુરના સંત પાગલબાપુ કે ગધેડાવાળા બાપુની ઝુંપડી હતી.

મોચા હનુમાનવાળા યુરોપિયન સંતોષગિરિ માતાજીએ અસાયબા પીરની સામેના જંગલમાં ભજન કર્યું. દરગાહની આથમણે ઝુંપડીમાં પુરણપુરી બાપુ રહેતા. દરગાહમાં દાખલ થતાં ડાબે હાથે ઓરડીમાં મૌની બાપુ રહેતા. ત્યાં બાજુમાં ઝરણાને કાંઠે મેર જ્ઞાતિના લીરબાઈ માતાજીની જગ્યા હતી ત્યાં એક ટોલાવાળાબાપુ થઈ ગયા. તેઓના આખા શરીર પર ટોલા ફરતા રહેતા. તેઓ કદી સ્નાન કરતા નહિ. શરીર પરથી ટોલાઓ ભૂલથી પણ નીચે પડી જાય તો પકડીને પાછા પોતાના શરીર પર મૂકી દેતા ! ત્યાં ઝરણું ઊતરતાં પહેલાં એક નારણભગતની સમાધિ આવે છે. તેઓ પણ ભજનાનંદી હતા. ધોરાજીવાળા તેજાભગતની જગ્યાના ભીડભંજનના પુજારી મહેશપુરીબાપુની સમાધિ પણ અહીં છે. આમકુમાં કેટલોક સમય કલંદરી ગુફાવાળા બનારસીદાસબાપુ પણ રહી ગયા છે જેમની સમાધિ પ્રગટેશ્વરમાં છે. આમકુની કાશ્મીરીબાપુની જગ્યામાં પણ આથમણે પટમાં ખોદકામ કરતાં કોઈ અનામી સંતની સમાધિ મળી આવેલી. ઝરણાને બંને કાંઠે જાંબુના પુષ્કળ ઝાડ ઊભાં છે ત્યાં આસપાસ ઘણા અનામી સંતોની સમાધિઓ હતી જે આજે લુપ્ત થઈ ગઈ છે.


સામાન્ય રીતે બાપુ ક્યારેય પોતાની જગ્યા છોડીને બહાર જતાં નહિ. પણ શરૂઆતમાં તેઓ વનસ્પતિ આધારિત દવા કરતા ત્યારે ક્યારેક ક્યારેક બહાર જતા. બાપુ મહિયારી ઘેડ વારંવાર જતા. પહેલાં બાપુનું શરીર સાવ એકવડું હતું અને કાળી કફની પહેરતા. પ્રારંભે જંગલ વિસ્તારમાં પોતાની નાની ઝૂંપડી હતી અને સાધારણ ધૂણો હતો. સેવકોના આગ્રહથી વર્તમાન મંદિર સંકુલ બાંધવામાં આવ્યું પરંતુ બાપુ પોતે તો પોતાની છાપરાવાળી સાદી જગ્યાએ જ રહ્યા. બાપુ પોતે નિરંજની અખાડાના દીક્ષિત હતા. નિરંજની અખાડાની એ વિશેષતા રહી છે કે વધુને વધુ સુશિક્ષિત સાધુઓ આ અખાડામાં જોવા મળે છે. સામાન્ય રીતે આ અખાડામાં સ્ત્રીઓને દીક્ષા આપવામાં આવતી નથી પરંતુ ફકીરી જીવન જીવતા લોક ગાયક પૂ.દયાળુ (બાબુભાઈ રાણપુરા)ના માતુશ્રી સદાનંદ સરસ્વતીએ પણ નિરંજની અખાડાની જ દીક્ષા ગ્રહણ કરી હતી.

શ્રી તપોનિધિ પંચાયતી નિરંજની અખાડાની સ્થાપના તો બહુ પ્રાચીન સમયથી વિક્રમ સંવત ૯૬૦માં કચ્છ-માંડવીમાં થઈ હોવાનું મનાય છે, પરંતુ આ અખાડાનું રજિસ્ટ્રેશન તો ઈ.સ. ૧૯૦૨માં કરવામાં આવેલું. નિરંજની અખાડાની જ એક સ્વતંત્ર શાખા સ્વામી હીરાપુરીજીએ અમદાવાદના અસારવામાં કરેલી. નિરંજની અખાડાની પરંપરા પ્રમાણે શિષ્યના નામની પાછળ ગુરુનું નામ લગાડવામાં આવતું નથી પરંતુ ‘નિરંજન દેવ’ કે ‘દેવ નિરંજન’ લગાડવામાં આવતું હોય છે. કાર્તિકેયનું એક નામ પણ નિરંજન દેવ જ છે. નિરંજની અખાડાના ઈષ્દદેવ કાર્તિક સ્વામી હોવાથી આ જગ્યામાં કાર્તિકેય સ્વામીનું મંદિર પણ છે. એ પ્રમાણે બાપુનું નામ ઓમકારપુરી નિરંજનદેવ હતું. આમ તો બાપુના દીક્ષાગુરુ મુલતાની મઢીના મહંત વરણપુરીજી મહારાજ હતા. જેમની સમાધિ ભવનાથના નિરંજની નીલકંઠ અખાડામાં આવેલી છે.


કાશ્મીરી બાપુને દાતારના મહંત પટેલ બાપુ સાથે ઘનિષ્ટ મિત્રતા હતી. તેઓ જંગલના આડા રસ્તે થઈને સીધા દાતાર પર પટેલ બાપુને મળવા જતા. બંને વચ્ચે દિવ્ય સત્સંગ થતો. દાતાર પ્રત્યેના અહોભાવને કારણે જ બાપુએ આમકુના શિવાલયનું નામ પણ દાતારેશ્વર રાખ્યું. પટેલબાપુના વખતથી દાતારની ગુફાની જ્યોત પણ અહી આમકુના મંદિરે લાવવામાં આવી હતી. આ અખંડ દીપક હજુ ચાલુ છે. દાતારની આવી જ એક જ્યોત અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલી હોટલ ‘ચંદ્રવિલાસ’માં પણ લાવવામાં આવી છે. ઉપરાંત મહારાષ્ટ્રના એક દાતાર સેવકના ઘરે પણ આ જ્યોતનો અખંડ દીપક હજુ આજે પણ જલે છે.


કાશ્મીરીબાપુને કોઈ હિન્દુ-મુસ્લિમ ભેદભાવ ન્હોતા. બાપુ પોતે રમજાન માસમાં ૨૭મું હરણી રોજુ પણ રહેતા. ઉપલા દાતારની નોબતના અવાજ આમકુમાં પણ સંભળાય અને અહીં પણ આરતીનો ઘંટારવ ચાલુ થાય ! આમકુ જતાં આવતી અસાયબા પીરની દરગાહે દર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે જલસો કરવામાં આવતો. આ દરગાહે કાશ્મીરીબાપુના એક કાકા ગુરુ મૌની બાપુ કરીને એક સુપાત્ર મહાત્મા થઈ ગયા. આ મહાત્મા સિદ્ધિ સંપન્ન હતા. તેઓ વર્ષો સુધી અસાયબા પીરની જગ્યાએ વડલાના ઝાડ નીચે આસન જમાવી બેસતા અને આજુબાજુના જંગલમાં વિચરણ કરતા રહેતા. તેઓને દિવસ-રાત, ટાઢ-તડકો કે વરસાદની કંઈ પડી ન્હોતી. તેઓ જંગલની અંદર સાવજ-દીપડા વચ્ચે પણ બેઠા હોય ! ઘણીવાર તેઓ કાશ્મીરી બાપુની જગ્યાએ જાય. બાપુ તેમને સારી રીતે સાચવે અને રોકી રાખે પણ મૌનીબાપુ અર્ધી રાત્રે પણ ગમે ત્યારે જગ્યામાંથી છટકી જાય ! આ પરમહંસ એવા મૌની બાપુની સમાધિ બોરડી સમઢિયાળાના રામાપીરના મંદિરમાં આવેલી છે.
વર્ષો પહેલા જૂનાગઢના બ્રહ્મક્ષત્રિય કુટુંબના દીકરી નલિની બહેન અહીં કાશ્મીરીબાપુના આશ્રમમાં સેવામાં આવ્યા. તેમના પિતાજીનું નામ જેન્તીભાઈ દેસાઈ હતું અને માતુશ્રીનું નામ સરોજબહેન હતું. પૂ.માએ અહીં બાપુ પાસેથી સાધુજીવનની દીક્ષા લીધી અને નર્મદાપુરી નામ ધારણ કર્યું. તેઓ પહેલાં પુનિતબાપુના આશ્રમે ભજન કરતાં પણ દૈવવશાત અહીં આવી ગયા. માતાજી એકદમ રૂપાળાં અને ગૌરવર્ણ. જાણે યુરોપિયન જ જોઈ લો ! શ્વેત વસ્ત્રોમાં તો અત્યંત જાજરમાન લાગે. શરૂઆતમાં બાપુ તેઓને અહીં તેમની સાથે અને જંગલમાં રાખવા સંમત ન્હોતા પણ તેમની દ્રઢ શ્રદ્ધા અને તેમના વૈરાગ્યને કારણે તેઓને સંમતિ આપવી પડી. માતાજી નર્મદાપુરી એકદમ ઋજુ , કોમળ પ્રકૃતિના અને અત્યંત પ્રેમાળ. યાત્રિકોને ચોકલેટ આપે અને બધાને જ ચા-પાણી અને જમવાનું પૂછે. આજે માતાજીની વય પણ સુદીર્ઘ છે. આવા વિદુષી સન્નારીથી આશ્રમની શોભામાં અભિવૃદ્ધિ થઈ છે.


ઉદાસીન સંતોની માફક બાપુ કાળી કફની ધારણ કરતા. બાપુનું વ્યક્તિત્વ પ્રતાપી અને શાલીન હતું, પણ ગમે ત્યારે ગમે તે લોકોને તેઓ મળતા ન્હોતા. કેવળ અંગત સેવકો બાપુને વીંટળાઈ રહેતા. બાપુની તબિયત સારી રહેતી ત્યારે પણ સેવકો માત્ર ત્રીસ-ચાલીસ ફૂટ દૂરથી અમુક સેકંડો માટે જ બાપુના દર્શન કરાવતા ! બાપુ પણ માત્ર અને માત્ર નજીકના સેવકો સાથે જ વાત કરતા. તેઓ બહુ જ ઓછું બોલતા અને અજાણ્યા સાથે તો ભાગ્યે જ ક્યારેક બોલ્યા હશે અને એ પણ કોઈ નજીકના સેવકની ઓળખાણથી કે સંદર્ભથી ! તેઓ કદી કોઈને ઉપદેશ ન આપતા. તેઓ મૌન બેસી રહેતા અને ચિલમ પીતા. સમાજથી દૂરી રાખવાનું કારણ એ હોઈ શકે કે દરેકને જીવનમાં પોતપોતાની અંગત સમસ્યાઓ હોય જ છે. બાપુનું જીવન તો નિરપેક્ષ હતું. જગ્યામાં સેવકો કોઈને બેસવા ન દેતા પણ પ્રસાદ લેવાનો જરૂર આગ્રહ કરે અને પ્રસાદ લઈને ઊભા થઈએ કે સેવકો ‘ હવે જાવ જાવ ‘ કહેવા મંડે. અવશ્ય આ જગ્યા પિકનિક પોઈન્ટ તો નથી જ પણ સેવકોમાં દાતારની સૂફી પરંપરાના પ્રેમનો સર્વથા અભાવ લાગે. એકવાર હું બાપુના દર્શને ગયો હતો. થોડીવાર પછી લાઈનમાં મારો વારો આવી ગયો. દર્શન કરીને કૃતાર્થ થયો કે ‘હવે જાવ જાવ ‘ થવા મંડ્યું ! સંતના આશ્રમે પાંચ મિનિટ પણ વિસામો લેવો એ જીવનનું સદ્ભાગ્ય કહેવાય છે. હું કેવડી મોટી શ્રધ્ધા લઈને ગયો હતો ! ઋષિકુલના છેલ્લા પ્રતિનિધિ એવા એક ગરવા ગિરનારી ઋષિને મળવા ગયો હતો પણ મારામાં પાંચ મિનિટ પણ બહાર ઓટલે બેસવા જેટલી લાયકાત ન્હોતી ! મારી આંખોમાં આંસુ આવી ગયા ! મારો રહ્યોસહ્યો અહંકાર પણ ઓગળી ગયો અને મને જે.કૃષ્ણમૂર્તિની માફક જ્ઞાન લાધી ગયું હતું કે આપણે જાતે જ ભમ્મરિયા કૂવામાંથી બહાર નીકળવાનું છે !


પરમ પૂજ્ય કાશ્મીરી બાપુ આજે તા. ૬/૦૨/૨૦૨૨ના દિને ૯૭ વર્ષની સુદીર્ઘ વયે દિવંગત થતાં હું નતમસ્તક થઈ મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ સાદર અર્પિત કરું છું. ૐ…ૐ…ૐ…


-ડૉ. જીત જોબનપુત્રા

Total Page Visits: 274 - Today Page Visits: 1

2 thoughts on “પૂ. કાશ્મીરીબાપુ : વિચક્ષણ ગિરનારી સંત

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!