કૃદંત : ધાતુ ઉપર પ્રત્યય આવીને જે શબ્દો બને છે ..

કૃદંત
કૃદંત
Spread the love

ધાતુ ઉપર પ્રત્યય આવીને જે શબ્દો બને છે, પણ જેનાથી વાક્ય બનતું નથી તેનું નામ કૃદંત.

કૃદંત

‘હું લખું છું’ એમ બોલવાથી વાક્ય બને છે અને બોલવાનો અર્થ સમજાય છે, પરંતુ ‘હું લખતો,’ ‘હું લખીને’ એ પ્રમાણે બોલવાથી વાક્ય બનતું નથી અને બોલવાનો અર્થ પણ સમજાતો નથી.

‘કાગળ લખીને તેને પોતાનું કામ ઉલટું બગાડ્યું.’ ‘છોકરાં દોડતાં પડી ગયાં’. આ વાક્યોનું પૃથ્થકરણ કરતાં જણાશે કે, ‘લખીને’ અને ‘દોડતાં’ એ વિધેયવર્ધક છે. ‘દોડતો ઘોડો સુંદર દેખાય છે.’ ‘મેં મરેલો સાપ જોયો’, આ પૈકી પહેલા વાક્યમાં ‘દોડતો’ ઉદ્દેશ્યવર્ધક છે,અ એન બીજામાં ‘મરેલો’ ક્રિયાપૂરકનો વધારો છે. ‘લખીને’, ‘દોડતાં’, ‘મરેલો’ એ શબ્દો કૃદંત કહેવાય. ,મૂળ ધાતુ ‘લખ’ ‘દોડ’ અને ‘મર’ને જુદા જુદા પ્રત્યયો લગાડવાથી જુદાં જુદાં રૂપ ‘લખીને’ ‘દોડતાં’, ‘દોડતો’ અને ‘મરેલો’ થયાં છે. આજ પ્રમાણે ‘લખ’ અને ‘ભણ’ એ મૂળને જુદા જુદા પ્રત્યયો લગાડવાથી ‘લખી’, ‘લખનાર’ ‘લખતી’, ‘લખવું’ વગેરે અને ‘ભણીને’, ‘ભણતો’, ‘ભણેલો’ વગેરે શબ્દો બને છે.  આવા શબ્દોને કૃદંત કહે છે.

કૃદંતના પ્રકાર અને તેમનો ઉપયોગ

કાળ પ્રમાણે કૃદંતના પ્રકાર પાડી શકાય છે.

દોડતો ઘોડો જાય છે.

લખ્યા લેખ મિથ્યા ન થાય.

છાપવાની ચોપડી ખોવાઈ ગઈ.

આ વાક્યોમાં ‘દોડતો’, ‘લખ્યા’ ‘છાપવાની’ એ શબ્દો અનુક્રમે વર્તમાન, ભૂત અને ભવિષ્ય કૃદંત છે. કારણ કે કૃદંતનાં રૂપ ઉપરથી દોડવાની, લખવાની અને છાપવાની ક્રિયા અનુક્રમે થતી, થએલી અને થવાની જણાય છે.

ઉપરના વાક્યોમાં વપરાએલા કૃદંતો ઉદ્દેશ્યવર્ધક છે અને વિશેષણ તરીકે વપરાએલાં છે; માટે તેમને કૃદંત વિશેષણ કહે છે.

‘મારું કર્યું તેને ગમતું નથી,’ એ વાક્યમાં ‘કર્યું’ભૂતકૃદંત છે અને એનો ઉપયોગ નામ તરીકે થએલો છે.

‘મેજ ઉપર છાપેલી ચોપડી પડી હતી.’ ‘મગનના ઘરમાંથી મરેલો ઉંદર નીકળ્યો.’ આ વાક્યોમાં ‘છાપેલી’ અને ‘મરેલો’ એ શબ્દો વિશેષ ભૂત કૃદંત છે. કારણ કે કૃદંતના રૂપ ઉપરથી છાપવાની ને મારવાની ક્રિયા ઘણા વખત પહેલાં થઇ ગયેલી સમજાય છે.

ઉપરના વાક્યોમાં ‘છાપેલી’ અને ‘મરેલો’ એ કૃદંતો ઉદ્દેશ્યવર્ધક છે અને વિશેષણ તરીકે વપરાયા છે; માટે વિશેષ ભૂત કૃદંતને પણ કૃદંત વિશેષણ કહે છે.

બોલવું સહેલું છે.’ ‘કરવું મુશ્કેલ છે.’ આ વાક્યોમાં ‘બોલવું’ અને ‘કરવું’ એ શબ્દો સામાન્ય કૃદંત છે; કારણ કે કૃદંતનાં રૂપ ઉપરથી ચોક્કસ કાળનું ભાન થતું નથી.

ઉપરના વાક્યોમાં ‘બોલવું’ અને ‘કરવું’ એ કૃદંતો ઉદ્દેશ્ય છે, એ નામ તરીકે વપરાયા છે; માટે એમને કૃદંત નામ કહે છે.

કામ કરનાર માણસ આ રહ્યો.

શરત દોડનાર ઘોડો મરી ગયો.

આ વાક્યોમાં ‘કરનાર’ અને ‘દોડનાર’ એ કૃદંતો ઉદ્દેશ્યવર્ધક છે અને વિશેષણ તરીકે વપરાયા છે, માટે એમને કૃદંત વિશેષણ કહે છે.

‘હું કામ કરીને આવીશ.’ ‘મરીને માળવો ન લેવાય.’ આ વાક્યોમાં ‘કરીને’ અને ‘મરીને’ એ શબ્દો સંબંધક ભૂત કૃદંત છે. કારણ કે તેઓ પહેલાં વાક્યમાં કરવાની અને આવવાની ક્રિયાનો અને બીજામાં મારવાની અને લેવાની ક્રિયાનો સંબંધ જોડે છે.  

છોકરો કામ કરીને આવશે.

છોકરી કામ કરીને આવશે.

છોકરું કામ કરીને આવશે.

આ વાક્યો ઉપરથી જણાશે કે ‘કરીને’ એ કૃદંતનું રૂપ હંમેશાં એક સરખું જ રહે છે, અને તે વિધેયવર્ધક છે. માટે એવા કૃદન્તોને ‘કૃદંત અવ્યય’ કહે છે.

‘છોકરો દોડતાં પડી ગયો.’ ‘છોકરી દોડતાં પડી ગઈ’. ‘છોકરું દોડતાં પડી ગયું’. એ વાક્યોમાં ‘દોડતાં’ એ કૃદંતનું રૂપ એકસરખું જ રહે છે, માટે એવા કૃદંતોને પણ કૃદંત અવ્યય કહે છે.

‘ચાલ’ ધાતુ

કૃદંતના પ્રકારો

‘ઈ’, ‘ઇને’ અને ‘તાં’ પ્રત્યયવાળા કૃદંત અવ્યય તરીકે વપરાય છે.

પ્રેરક અને કર્મણિ રચનામાં પણ કૃદંતનાં રૂપો થાય છે. જેમ કે,

મૂળ રૂપ – કર્તરિ  – કરતો

મૂળ રૂપ – કર્મણિ– કરતો

પ્રેરક રૂપ – કર્તરિ – કરાવતો

પ્રેરક રૂપ – કર્મણિ– કરાવાતો.

Total Page Visits: 128 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!