એમનું નામ લાલાબાબુ. બંગાળના મોટા જમીનદાર. સ્વભાવે કડક, વર્તાવે ક્રૂર. જુલમથી પ્રજામાં જાણીતા. એક દિવસે તે બગીમાં જતા હતા. રસ્તા પરના ઘરમાં એક છોકરીને પોતાના પિતાને કહેતી સાંભળી :
‘બાપુ, સાંજ પડી ગઈ. હજી દીવો નથી કર્યો?”
લાલાબાબુને એ વચનની ચોટ લાગી ગઈ. જીવનની સાંજ પડી તોય પોતે અંતરમાં દીવો નહોતો કર્યો. પોતાનાં કર્મોનો ચિતાર મન સામે ખડો થયો. પશ્ચાત્તાપથી મન પ્રજ્વળી ઊઠ્યું. સાપ કાંચળી ઉતારે એમ તેમણે જમીનદારી છોડી. વૃન્દાવનમાં જઈ સાધુવેષે રહેવા લાગ્યા. ભિક્ષા મેળવી પેટ ભરે. ગુરુને કહ્યું : ‘મહારાજ, મને દીક્ષા આપો.’
‘તું હજી કાચો છો. દીક્ષાને વાર છે,’ ગુરુએ સીધો જવાબ સંભળાવ્યો.
લાલાબાબુ વિચારમાં પડી ગયા. જમીનદારી તજી, સાધુ બન્યા, ભિક્ષા માગી પૂરું કરવા લાગ્યા, તોયે શી કચાશ રહી ગઈ?
હા, ખબર પડી ગઈ. સામે જ મારવાડી શેઠ રહે. તેમની સાથે ઝઘડો થયો હતો. મામલો કોર્ટ-કચેરીએ પણ પહોંચેલો. લાલાબાબુ બીજે બધે ભિક્ષા માગવા જાય પણ સામે જ મારવાડીને ઘેર પગ ન મૂકે. ક્યાંક જમીનદાર હોવાનો ગર્વ, સમોવડિયા શેઠ કરતાં પોતે નીચા ગણાય એવો ડર કામ તો નહીં કરતો હોય ને ! લાલાબાબુ બીજે દિવસે મારવાડી શેઠને ત્યાં જ ભિક્ષા માગવા ગયા. જોયું તો ગુરુ ત્યાં હાજર હતા. કહે : ‘આજે તને દીક્ષા આપીશ.’
આપણા સંતોએ ગાયું છે :
મન ગાળીને સંતોને મળીએ
ભ્રાંતું ભાંગીને ભળીએ,
જેમ પાણીમાં પાણી.
મકરંદ દવે
(“આભલાં”માંથી)
બહુ સરસ ! જીવનોપયોગી વાત
સરસ છે… સાહેબ. જોરદાર.