અબ મૈં રાશન કી કતારોં મેં નઝર આતા હૂં
અપને ખેતોં સે બિછડને કી સઝા પાતા હૂં
ઇતની મહંગાઈ કિ બાઝાર સે કુછ લાતા હૂં
અપને બચ્ચોં મેં ઉસે બાંટ કે શરમાતા હૂં
મુઝકો ડર હૈ કિ તેરા ભેદ ન ખુલ જાએ કહીં
મેરી આદત હૈ કિ મૈં નીંદ મેં ચિલ્લાતા હૂં
જખ્મી નીંદોં કા લહૂ પૌંછને કી કોશિશ મેં
જાગતે જાગતે થક જાતા હૂં, સો જાતા હૂં
જુલ્મ ભી મુઝ પે હુઆ,મુઝ પે યે તોહમત ભી લગી
મૈં હી દુનિયા મેં ફસાદોં કા જનમદાતા હૂં
ખીંચ લે જાએ ન ચાદર હી સમઝ કર કોઈ
મૈં ખલીલ, આજ કફન ઓઢ કે સો જાતા હૂં

ગુજરાતીના લોકલાડીલા શાયર ખલીલ ધનતેજવીને નામે ‘શાયદ’ અને ‘ધીમે બોલ’ ઉર્દૂ ગઝલસંગ્રહો પણ બોલે છે.
અબ મૈં રાશન કી કતારોં મેં નઝર આતા હૂં
અપને ખેતોં સે બિછડને કી સઝા પાતા હૂં
આ શાયરનું કુટુંબ વડોદરાની સમીપે આવેલા ગામડે ખેતીકામ કરતું હતું.જે શાયરનું બાળપણ લચેલા મોલ વચ્ચે વીત્યું હોય, તેને રાશનની કતારમાં ઊભા રહેવું કેમ ગમે? ‘બિછડને કી’ શબ્દ ફરી વાંચો: એમાં વિયોગની છાયા ભળેલી છે.અસ્તિત્વવાદ કહે છે કે વિકલ્પોમાંથી પસંદગી કરવાની આપણને સ્વતંત્રતા છે. પણ પસંદ કરેલા વિકલ્પનાં પરિણામો આપણે ભોગવવાં પડે છે. ગંદકી,ગરીબી અને પછાત માનસિકતામાંથી છૂટવા ગામડું મૂક્યું તે સાથે ખેતર પણ છૂટ્યાં જ. સેંથી અને ટાલ સાથે ન મળે.
ઇતની મહંગાઈ કિ બાઝાર સે કુછ લાતા હૂં
અપને બચ્ચોં મેં ઉસે બાંટ કે શરમાતા હૂં
મોંઘવારીનું દુ:ખ નથી પણ બાળકો સામે સસ્તા સાબિત થયાનું દુ:ખ છે.આધેડ વયે પહોંચેલો માણસ ‘લાઇફમાં સેટ’ થયેલો હોય. તેને બદલે અહીં અછતનું વાતાવરણ છે.ઊંચા જતા ભાવની સામે શાયર નીચા પડતા જણાય છે.આ બન્ને શેરમાં પ્રેમનાં દુ:ખો (ગમ-એ જાના)ની વાત નથી પણ સંસારનાં દુ:ખો (ગમ-એ- દૌરાં)ની વાત છે, જે જદીદ (આધુનિક) ઉર્દૂ શાયરીનું લક્ષણ છે.
મુઝકો ડર હૈ કિ તેરા ભેદ ન ખુલ જાએ કહીં
મેરી આદત હૈ કિ મૈં નીંદ મેં ચિલ્લાતા હૂં
કોઈએ શાયર સાથે અન્યાય કર્યો હશે અને શાયર ગમ ખાઈને ચૂપ રહ્યા હશે. અજાગ્રત મનમાં ધરબાયેલી વાતો ઊંઘમાં બોલાતાં બહાર આવી જાય. અહીં સામેની વ્યક્તિની દુર્જનતા અને શાયરની સજ્જનતા દેખાય છે. રહસ્યસ્ફોટ થતાં નીચાજોણું તો બીજી વ્યક્તિનું થવાનું છે, તોય નર્મદિલ શાયરને તેનો ખટકો છે. ‘ચિલ્લાતા’ શબ્દ દબાવી રાખેલો આક્રોશ સૂચવે છે.
ખીંચ લે જાએ ન ચાદર હી સમઝ કર કોઈ
મૈં ખલીલ, આજ કફન ઓઢ કે સો જાતા હૂં
દરેકે પોતાની ચાદર પ્રમાણે સોડ તાણવાની હોય. બીજાની ચાદર તાણી જાય, બીજાનો હક્ક હડપ કરી જાય, એવાંય કેટલાંક હોય છે. ચાદર અને કફન દેખાય તો સરખાં જ. એક જીવતરનો મલાજો સાચવે, બીજું મોતનો. શાયર વ્યંગથી કહે છે: મને જીવનમાં સતાવનારા, મોત પછી તો કેડો મૂક!
લેખક : ઉદયન ઠક્કર