ગઝલ ગઠરિયા – જનાબ જલન માતરીની કલમે ગઝલની ગઈ કાલ અને આજ

Jalan_Matari
Spread the love

શાયરી એ જાઝબએ પયગમ્બરી છે એટલે કે શાયરી પયગમ્બરી વારસો છે. કવિ જન્મે છે, જન્મવાનો નથી માટે કુદરતી આર્શીવાદથી જન્મેલાં કવિને કવિતા છંદના બીબામાં ઢાળવી પડતી નથી, એની કવિતા છંદબદ્ધ હોય છે. મારી એકપણ ગઝલને મે તકતીમાં મૂકી નહીં. છંદ શાસ્ત્ર જાણવું જોઈએ એવું હું માનું છુ.

મારા અંગત કવિ મિત્ર ઓજસ પાલનપુરીએ મને કહ્યું હતું કે, “જલનસાહબ, અરૂઝમાં બહોત ઊંડા ઉતરના ઠીક નહોગા ક્યું કિ યે જનસે ગઝલ આપ આપની મરજીકી અચ્છી લખી નહીં શકો.” ત્યારથી મેં આ બાબત પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. શાયરનું કામ છે કવિતા લખવાનું અને વિવેચકનું કામ છે વિવેચન કરવાનું.

ઉર્દુ ભાષાનાં પ્રસિદ્ધ શાયર પંડિત આનંદનારાયણ મુલ્લાએ એમના ગઝલ-સંગ્રહના પ્રકાશન ટાણે બે બોલ લખ્યા હતાં, એમાં એમણે છેલ્લી પંક્તિમાં લખ્યું હતું કે  “હવે આ ગાય હું કસાઈવાડે રવાના કરું છું. હવે ગાય કોણ અને કસાઈ કોણ એની સ્પષ્ટતા કરવાની જરૂર ખરી?

શાયરી પ્રત્યે હું કેમ આકર્ષાયો એ બાબત જણાવી દઉં કે મારા મોટા ભાઈ ફખ્ર માતરી અચ્છા શાયર, વાર્તાકાર, નવલકથાકાર તેમજ પત્રકાર હતાં, એમના શેરો અહીં ટાંકું છું.

“નિરાશા છોડ, માટીમાં ભળીજા બીજની પેઠે,
પછી જો એજ ગુલશન, એજ સૌરભ, એજ લાલી છે.”

એક સમય એવો આવશે જ્યારે માત્ર ગુજરાતી ગઝલની સુવાસ ચારે બાજુ પ્રસરી જશે. ફખ્ર માતરીનો બીજો શેર :

“જ્યારે કલા, કલા મટી જીવન બની જશે,
મારુ કવન જગતનું નિવેદન બની જશે.

જનાજો મળ્યું કોઈ આકાશે એમાં,
ન પૂછો હશે શું એ કાળી ઘટામાં.

મરણ બાદ પણ તું તો આપીશ સઝાઓ,
ખુદા ઓછું જીવન હતું શું સઝામાં?

ફક્ત ચાર દિનની છે આ જિંદગાની,
રમત ‘માતરી’ ખેલ મનહર અદામાં.”

મારા વચેટભાઈ વજ્ર માતરી પણ ઉત્તમ શાયર, વાર્તાકાર, નવલકથાકાર હતાં. એમનાં શેરો માણીએ.

માળી અચૂક ખેલશે સૌંદર્યનો શિકાર,
કાચી કળીનું ગીત નહીં જીરવી શકે.
તૂટી જવાના જોજો સમંદરના સાત બંધ,
પાગલ નદીનું ગીત નહીં જીરવી શકે.

‘નહીં જીરવી શકે’ એવો મુશ્કિલ રદીફમાં ભાઈની આખી ગઝલ મુરસ્સા છે.

મારા આ બંને ભાઇઓની શાયરીની માત્ર ઝલક દેખાડવાનો મારો આશય એ છે કે બંને ભાઇઓની શાયરી જાણી, વાંચી, રટીને મને પણ શાયરી કરવાની પ્રેરણા મળી.

ઇ.સ. 1958ની વાત છે. આ અગાઉ પણ હું ગઝલ-સાહિત્યમાં ખાનગી રીતે પ્રવેશી ચૂક્યો હતો. જાહેરમાં આવ્યો નહોતો. આજ અરસામાં મેં મારી એક નાની ગઝલ મારા વડીલબંધુ શ્રી વજ્ર માતરીને ડરતાંડરતાં સંભળાવવાની પરવાનગી માંગતા તેમણે તરત જ કહ્યું કે, “ગઝલ લખી છે તો મને સંભાળવને. એમાં સંકોચ શાને અનુભવે છે? ગઝલ સારી હશે તો દાદ જરૂર આપીશ. કારણ કે, :હમ સુકુન ફેમ હય, ગાલિબ કે તરફદાર નહીં.’ અને મેં મત્લા સંભળાવ્યો. મત્લા સાંભળતાની સાથે જ ભાઈ ઝૂમી ઉઠ્યા અને મારા ઉપર દાદ પર દાદ વરસાવતા રહ્યાં. આખી ગઝલ સાંભળીને એને મુરસ્સા ગઝલ તરીકે બિરદાવી, મારી પીઠ થાબડીને કહ્યું, ‘આરંભથી જે શક્તિ દેખાઈ રહી છે એ જોતાં મને લાગે છે તું ગુજરાતી ગઝલનો અંગારો સાબિત થશે. તારા તખલ્લુસ મુજબ તારી કલમમાંથી આગ જ ઝરવાની છે.” એટલું કહીને ગઝલનાં અમુક શબ્દોમાં ફેરફાર કર્યા.

વજ્રભાઈની ભાષા અને શૈલી આગળ તો તે વખત તો શું આજે પણ હું કઈ નથી. ઇનો સ્વીકાર કરીને એટલું જરૂર કહીશ કે ગુરુ વગર જ્ઞાન નથી અને સાચી સમજ પણ નથી.  એમણે મારી ગઝલ સાંભળીને પુછ્યું કે આ એક જ ગઝલ લખી છે કે બીજી પણ લખી છે ? મેં કહ્યું “હા બીજી પણ લખી છે.” તો એમણે કહ્યું, “જે કઈ પણ લખ્યું હોય તો તે બંધુ સંભળાવ, હું સાંભળવાનાં મૂડમાં છું.’ અને હું  ગઝલો સંભવતો ગયો અને એ દાદ આપતા ગયાં. એમની દાદની મારામા જે ઉત્સાહ આવ્યો એ ઉત્સાહથી આજ સુધી હું ઊભો છું. ગઝલની સાચી સૂઝ એમણે મને આપી એટલે કબૂલી લઉં કે વજ્ર માતરી મારા વડીલ બંધુ ખરા જ પણ મારા પ્રથમ ગઝલ ગુરુ છું.”

મારી ગઝલો સાંભળીને એમણે સાહિત્ય વર્તુળમાં વાત કરવા માંડી કે ગુજરાતી ગઝલમાં એક તેજસ્વી સિતારો ઝબકવાની તૈયારીમાં છે. મુરબ્બી જામિયત પંડ્યાને આ વાતની જાણ થતાં એમણે યોજેલા મુશાયરમાં મને આમંત્રણ આપતા જ.
શૂન્યસાહેબ એ અરસામાં પાલનપુર છોડીને અમદાવાદ આવ્યાં. એમણે પણ મારા વિશે જાણ્યું તો એ ચેતનકુમારને લઈને સીધા મારા ઘરે આવ્યા. હું ગુજરાતીનાં મોટા શાયર જેમને ગણાતો હતો તે પોતે જ મારા ઘરે પધાર્યા છે એ જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગયો. એમણે બેસતાની સાથે જ કહ્યું કે, “જલન સાહબ, મૈ આપકો સૂનને આયા હું ઔર સૂંકે હીં જાઉંગા” મેં ગઝલ સંભળાવી અને શૂન્યસાહેબ ઝૂમ્યા અને આ નીચે ટાંકેલો શેર સાંભળીને તો કહ્યું કે “યે અછૂતા ખ્યાલ હય. શાબાશ.” એ શેર આ હતો કે,

“પૂરી શક્યું નાં એને કફન આભ એટલે
તારાની લાશ આવીને ધરતી ઉપર પડી.”

મારી ગઝલ લખવાની શરૂઆતની બીજી ગઝલ તે –

મુશ્કીલ પડી તો એવી કે આઠે પ્રહર પડી,
પણ દુ:ખ છે એટલું જ કે કારણ વગર પડી.”

આ ગઝલ સાભાળીને મરીઝ ઝૂમ્યા, બેફામ ઝૂમ્યા, સૈફ ઝૂમ્યા, ગનીભાઈ ઝૂમ્યા, શ્રી રધુવીર ચૌધરીસાહેબ ઝૂમ્યા અને મારી ગઝલ હતી એટલે હું પણ ખૂબ ઝૂમ્યો. અનહદ દાદ મળતી જોઈને મેં એને ઉદ્દેશીને કહ્યું કે, “જલનસાહબ, આપ શાયર બન ગયે.”

વજ્રભાઈની દાદ જેવી શૂન્યસાહેબની દાદ મેળવીને હું મનોમન ઝૂમી ઊઠ્યો. આ બંને વડીલોની પ્રથમ દાદથી મારાં વધુ આત્મવિશ્વાસ આવી ગયો.


ગઝલ-શાસ્ત્રમાં થોડું ઘણું જે કઈ જાણું છું એ ગઝલ-શાસ્ત્રનું જ્ઞાન શૂન્ય સાહેબની આભારી છે. એ રીતે શૂન્યસાહેબ મારા શાસ્ત્ર ગુરુ છે. એમની અદબ આજ દિન સુધી મેં જાળવી છે. એમનાં અવસાન પછી એમની ખોટ મને દુ:ખી કરે છે.


કેફિયત જણાવી દીધી. હવે ગઝલ વિશે વાત કરું.


ઇતિહાસ નોંધે છે કે આર્યોએ ઉત્તર રાષ્ટ્રનો કબજો લઈને ભરુચને મુખ્ય કેન્દ્ર બનાવ્યું અને દક્ષિણ રાષ્ટ્રમાં એમની પહેલીવહેલી રાજધાની રાંદેર મુકામે કરી, એ રીતે ઈરાનથી આવેલી ગઝલે પણ મુખ્ય રાજધાની રાંદેર મુકામે જ કરી હતી. એટલા માટે જ રાંદેર એ ગુજરાતી ગઝલનું મક્કા ગણાય છે.


ઝાર રાંદેરીએ ગુજરાતી ગઝલ વેલને પ્રેરણાનાં અમી સીંચ્યાં છે. એમણે સૌપ્રથમ ગઝલ પિંગલ તૈયાર કર્યું. આજે એ પુસ્તક દુર્લભ છે.

ઇ.સ. 1932માં રાંદેર મુસ્લિમ સાહિત્ય મંડળ સ્થપાયું હતું. આ મંડળે મુશાયરાઓ યોજીને ગઝલને લોકો સુધી પહોંચાડી હતી. મુશાયરા વગર ગઝલની બહાર આવવાનું બીજું કોઈ સાધન નહોતું. વર્ષો વિતતા ગયાં. એ પછી  ગઝલ ચારેબાજુથી ઊભરી અને એવી પ્રગતિ કરી કે લોકોમાં એના પ્રત્યે આદર વધ્યો. આને કારણે ગુજરાતી ગઝલનાં મુશાયરા અખિલ ભારતીય ધોરણે યોજવા લાગ્યા છે. મદ્રાસ, કોઇમ્બતુર, બેંગલોર, કલકત્તા અને હૈદરાબાદ સુધી ગુજરાતી ગઝલ મુશાયરાનાં મંચ પરથી ગાજવા માંડી છે. દેશમાં ગાજી અને વિદેશમાં પણ ગાજી છે.

ગુલ, સાકી, શબનમ, તોફાન, આરા-કિનારા વગેરે શબ્દોથી સજ્જ થતી ગઝલે આજે અનેક વિષયો આવરી લીધા છે જેની કોઈ સીમા નથી.

ગઝલ ધોરી માર્ગ ઉપરથી છેલ્લાં ઘણાં વર્ષમાં અનેક કડીઓમા ફાંટાઈ છે. ઝગલસાહિત્યમાં જે નવું લોહી આવ્યું છે એણે ગઝલને એના મૂળ રસ્તા ઉપરથી ઉપાડીને નાની નાની કેડીઓ ઉપર રમતી કરી દીધી છે. કવિઓએ એણે ઊંડી ખાઈમાં પણ પટકી છે તો ક્યારેક રસ્તાના પૂળો બનાવીને વસ્તીમાં ઘૂમતી કરી છે. એણે બગીચામાંથી બહાર કાઢીને ટપટા રણની રેતમાં ચલાવી છે. સતત દોડાવી છે. નિરાંતનો શ્વાસ ખાવા નથી દીધો. અને અનર્થનાં જંગલમાં ભેરવી પણ દીધી છે. નવા ઢંગની ગઝલ નિરીક્ષણ માટે રસ્તા ઉપર થોભી છે. વૃક્ષનાં પાદડા ઉપરથી લપસી પણ છે.

એક આ પણ સમય હતો કે ગઝલ કેવળ ગુલશન, સાકી, સુરા, જામ, બહાર, ખિઝાં વગેરે શબ્દો ધારણ કરતી હતી. અને આજે એ પણ સાચી છે કે એણે પડછાયો, મૌન, બાજ, ઘડિયાળ, શ્વાસ, ત્વચા, ટહુકો, લીસ્સા સ્પર્શ, રિક્તતા, કોરાં આંસુ વગેરે શબ્દોનાં વાધાથી તદ્દન નવો જ વેશ સજ્યો છે. નવા જમાનાની ગઝલે ઊંટોની પીઠ ઉપર રેતીને બેસાડી છે. સૂરજની કબર બનાવી છે. ખરતાં પાંદડાને અશ્રુ સારતી હવા તરીકે ઓળખવ્યાં છે. તટ ઉપરની રેત ઉપર દરિયાનું નામ લખ્યું છે.

ગઝલ- સાહિત્યમાં પરંપરાને જાળવી રાખનાર શાયરોની નામાવલી મોટી છે. સાથે સાથે પરંપરામાં રહીને નવી વાત કરનારાને પણ એક બહોળો વર્ગ છે. ત્રીજા વર્ગે પોતાના રંગમાં મનસ્વી રીતે ગઝલોને ગળાડૂબ ડૂબાડી દીધી છે.

ગમે તે હોય પણ સ્વ. કલાપી, સ્વ.બાલ. સ્વ. મણિલાલ નભૂભાઈ, સ્વ, સાગર, સ્વ. અમૃત કેશવ નાયક અને સ્વ. શયદાએ ખેડેલો આ પ્રકાર આજે અનેક રીતે સમૃદ્ધ થયો છે.

હિંદુસ્તાનમાં સૌ પ્રથમ ઉર્દુ ગઝલ કોને લખી અને ક્યાંથી લખી એ પ્રશ્નનો ઉત્તર મેળવવો હોય તો ઉર્દુ ગઝલનાં ઇતિહાસમાં ડોકિયું કરવું પડે અને ડોકિયું કરીએ તો આપણને પ્રશ્નનો ઉત્તર મળી જાય કે હિંદુસ્તાનમાં સૌ પ્રથમ ઉર્દુ-ગઝલ હઝરત વળી ગુજરાતીએ લખી. સૌ પ્રથમ ઉર્દુ ગઝલ જે શહેરમાં રહીને લખાઈ એ શહેરનું નામ સુરત છે. ઉર્દુ ગઝલના પિતા  સમાન ગણાતા હ. વલીનો જન્મ સુરતમાં થયો હતો અને વર્ષો સુધી હ. વલી સુરતમાં જ રહ્યા હતા. સબબ એક જ કે એમના વાલિદસાહેબ સુરતની ઉર્દુ સ્કૂલના શિક્ષક હતા.

વાત કરવી છે ગુજરાતી ગઝલની અને વાત છેડાઈ ગઈ ઉર્દુ ગઝલની ઉત્તપત્તિની. પણ આ વાત કરવાનો ખાસ અર્થ ચ્હે, કહેવાનો અર્થ એ છે કે જેમ ઉર્દુ ગઝલની શરૂઆત સુરતમાથી થઈ તેમ ગુજરાતી ગઝલનો જ્ન્મ પણ સુરત આસપાસથી જ થયો છે. રાંદેર ગામથી એની શરૂઆત થઈ છે એટલા માટે જ રાંદેર એ ગુજરાતી ગઝલનું મક્કા ગણાય છે.

ઉર્દુ ગઝલ પ્રથમ હ.વલીએ લખી તેમ ગુજરાતી ગઝલ પ્રથમ ક્યાં શાયરે લખી એ જાણી શકાયું નથી. પણ એ વાતનો અહીં ઉલ્લેખ કરવો જોઈએ કે રાંદેરમાં એ વખતે સ્વ. શ્રી ઝાર રાંદેરી, વહશી રાંદેરી, આસિમ રાંદેરી, અને ઉબ્રાહિમ દાદાભાઈ પટેલ , બકોરસાહેબનાં નામો બોલાતા હતા. રાંદેરમાંથી શ્રી વહશી રાંદેરી ‘કારવાં’ નામનું માસિક પ્રગટ કરતાં હતાં. એટલે માની લઈએ કે ઉપર દર્શાવેલા નામોમાંથી કોઈ એક શાયરે પ્રથમ ગઝલ લખી હશે.

ગઝલ અરબી ભાષામાંથી આવી પછી ઉર્દુ ભાષામાં આવી. બહુ લાંબી મજલ કરતાં કરતાં થાકી એટલે એને ગુજરાતી ભાષામાં બોલવા માટે સુરત નજીકનાં રાંદેરને પસંદ કરી લીધું. રાંડેરે એને સ્વીકારી, ખૂબ લાડ લડાવ્યા અને એની ઓળખ સુરતની આજુબાજુનાં ગામોમાં કરાવવા માટે ‘શું -શાં’ પૈસા ચાર ગણાતી ભાષામાં આરબસ્તાનથી આવેલી ગઝલમાં અરબી, ફારસી, ઉર્દુ શબ્દોનો ઉમેરો કર્યો. એટલે ભાષામાં પ્રાણ પુરાયો, ઉચ્ચારો બદલાયા, રજૂઆતે વળાંક લીધો. ભાષા સાહે ઉર્મિ મળી, ચિંતન ઉમેરાયું એટલે ગઝલની મહેફિલો જામવા લાગી.

ઇ.સ. 1943માં ‘મહાગુજરાત ગઝલમંડળ’ની સ્થાપના બેકારસાહેબનાં પ્રયત્નોથી થઈ. સ્વ. રતિલાલ ‘અનિલ’ મંત્રી બન્યા. 1945ની ગઝલ સમૃદ્ધિ એની બોલતી તસવીર છે. બેકારસાહેબ અને અનિલસાહેબે ગુજરાતી ગઝલ માટે જે કષ્ટ ઉઠાવ્યાં છે એ કદી પણ ન ભૂલાય એવા છે. ગઝલને ગાજતી આ બે મહાનુભાવોએ કરી છે.

ફારસી ઉદ્યાનમાં ઊગેલો ગઝલરૂપી છોડ આજે ચારેબાજુ ફોરમ ફેલાવી રહ્યો છે,. ઇનો યશ ‘બેકાર’, ‘અનિલ’, અને ‘શયદા’ને જાય છે.

ગઝલએ એક ખૂબ જ આધારો કાવ્યપ્રકાર છે. ગાલિબે કહ્યું છે કે,

“આતે હૈ ગયબસે યે મઝામી ખયાલ મેં” અલ્લાહની દેન છે તો જ લખી શકાય છે.

ગઝલને અઘરો નહીં પણ સાવ સહેલો પ્રકાર સમજી બેઠેલાં શાયરો દ્વારા આજે ધોધમાર ગઝલનું સર્જન થઈ રહ્યું છે, આજે ગઝલ-ગઝલને ગઝલ જ. બીજું કાઇં નહીં. એને કારણે સંસ્કૃત છંદોમાં રચાતી કવિતા અદ્રશ્ય થઈ ગઈ છે.

આ જોઈને આપના ઉચ્ચ કક્ષાનાં સાહિત્યકાર, અજોડ વિવેચક આદરણીય શ્રી ધીરુભાઈ પરિખ ખિજાઈને બોલી ઊઠ્યાં કે, “આજકાલ ગઝલો ગટરો ઉભરાય તેમ ઉભરાઇ રહી છે.”

આપણાં બીજા વિદ્વાન લેખક, કવિ, વિવેચક આદરણીય શ્રી સિતાંશુ યશશ્ચંદ્રએ ઉભરાતી ગઝલો જોઈ કવિશ્રી મરીઝનાં ગઝલ સંગ્રહની પ્રસ્તાવનામાં નોંધ્યું હતું કે “જેમ એક સમય સોનેટ કાવ્ય સ્વરૂપ પર કુકવિઓનાં દરોડા હતાં તેમ આજે હાઇકુ, ગીત અને ગઝલ પર પડે છે તેમાંય ગઝલ ઉપર તો કઇંક વધારે જ ગઝલને ભ્રષ્ટ કરનારા કુકવિઓ હજુ સુધી ગઝલનો પીછો છોડતાં નથી.”

વળી, એક બીજું દૂષણ આ કે આધુનિકતાનાં નામે ગઝલને જીવતા જીવનથી વિમુખ કરવાના ચેડાં પણ થતાં રહયાં છે અને શાયરો આ કે આવા ચેડાં કરવાની, ગઝલને નહીં સમજતા સાક્ષરો તરફથી, આળપંપાળ પણ કરતી રહી છે.

છેલ્લે, આપણ વિદ્વાન કવિ, લેખક, વિવેચક આદરણીય શ્રી ચંદ્ર્કાંત ટોપીવાળાએ તો આજે થોકબંધ લખાતી ગઝલો જોઈએ જબરો હથોડો માર્યો છે કે, “ગઝલ એ ગૃહગુદ્યોગ બની ગયો છે.”

અંતમાં મારે તો એટલું જ કહેવું છે.

“હો ગુર્જરીની ઓથે કે ઉર્દુની હો ‘મરીઝ’
ગઝલો ફક્ત લખાય છે દિલની જબાનમાં”

Total Page Visits: 806 - Today Page Visits: 1

1 comments on “ગઝલ ગઠરિયા – જનાબ જલન માતરીની કલમે ગઝલની ગઈ કાલ અને આજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!