ગરવી ગઝલોનો સંગ્રહ ‘ગઝલ પ્રવેશ’

Spread the love


માયાનગરી મુંબઈને મા સરસ્વતી અને લક્ષ્મીનું વરદાન એક સાથે મળ્યું છે. આર્થિક ઉપાર્જનનો એકપણ વ્યવસાય કે કોઇપણ કલાક્ષેત્રથી આ મહાનગર વંચિત નથી. આવી ફળદ્રુપ જમીનમાંથી આપણી ભાષાનો કવિ ગઝલકાર રાજેશ રાજગોર ગઝલક્ષેત્રે પોતાનો પ્રથમ સંગ્રહ ‘ગઝલ પ્રવેશ’ સાથે પ્રવેશ ત્યારે એનો તો આનંદ જ હોય. મુંબઈ પાસે ગુજરાતી ગઝલનો ખાસ્સો સમૃદ્ધ વારસો છે. અહીંથી આપણને સિદ્ધહસ્ત ગઝલકારો મળે છે, જેવાં કે શયદા, શૂન્ય પાલનપુરી, બરકત વિરાણી, સૈફ પાલનપુરી, મરીઝ, સુરેન ઠાકર, કૈલાશ પંડિત, શોભિત દેસાઈ, હેમેન શાહ, ઉદયન ઠક્કર, મુકેશ જોશી, હિતેન આનંદપરા અને બીજા અનેક ગઝલકારોથી આ ભૂમિ રળિયાત છે. સોશિયલ મીડિયાનાં આવિર્ભાવ પછી એક આખી નવી પેઢી ગઝલ લેખન તરફ આકર્ષાઈ છે એમાં કવિ રાજેશ રાજગોર પણ પોતાની ઉમેદવારી નોંધાવી અને એનું સુફળ એટલે આ ગઝલ સંગ્રહ.


‘ગઝલ પ્રવેશ’ સંગ્રહમાં કવિએ કુલ ૮૦ ગઝલોનો સમાવેશ કર્યો છે. રાજેશ રાજગોરની ગઝલોમાંથી પસાર થતાં જણાય છે કે કવિને ગઝલની આંતર બાહ્ય શાસ્ત્રીયતાનો પૂરતો ખ્યાલ છે અને તેમને પોતાની અભિવ્યક્તિ કરવા માટે ગઝલ પ્રકાર માફક આવ્યો છે. કવિ પોતાની ગઝલ સર્જનની પ્રક્રિયાને સુંદર રીતે ગઝલનાં મત્લામાં વણે છે.


આ કહી મેં, ના રચી છે, નાં કહાવી છે ગઝલ,
જે ભીતર ધરબાઈ’તી એને ઊઘાડી છે ગઝલ.

તો પોતાની આ ગઝલ સર્જન પ્રવૃત્તિને નોખી રીતે અવલોકન કરી લખે છે;

સાદ્યંત સુંદર હોય તો ના શાયર બધી તારી ગઝલ;
પણ એ રીતે જોને બની સુંદર સરસ તારી સફર.

રાજેશ એક સભાન કવિ છે અને એને ખબર છે ગઝલ લેખનની શું કિંમત ચૂકવવાની હોય, જુઓ આ શેર;

મેં હૃદયનાં રક્તથી ‘રાજન’ લખી જ્યારે ગઝલ આ,
સિદ્ધ થઇ ત્યારે ગઝલ ક્ષણમાં ગઝલનાં બારણેથી.

આ ગઝલકારની ગઝલોમાં સ્વની શોધ એ તેમની ગઝલોનો પ્રધાનસૂર રહ્યો છે. આધુનિક જીવનશૈલીનાં પ્રભાવમાં પ્રત્યેક વ્યક્તિ ભીડમાં એકલતા અનુભવે છે. આવી જે સર્વાનુભૂતિ છે એને કવિ એક શેરમાં સરસ વાચા આપે છે.


ઓળખી મેં ઓળખી તોય અજાણી,
જિંદગી મારી મને ક્યાં ઓળખાણી.

જીવનનાં કોઈપણ ક્ષેત્રે મળતી સફળતા વિશે સુંદર ચિંતન વ્યક્ત કરે છે. આ શેર જુઓ :

હું સફળ છું તો સુખી છું વાતમાં કોઈ દમ નથી.
ટોચ પર પહોંચી લપસવાનો રહે છે ડર મને.

કવિતા જ્યારે જીવનનો હકારાત્મક અભિગમ અપનાવે ત્યારે તેની ગઝલ પૂર્ણકળાએ ખીલી ઉઠે છે. એ સંદર્ભે આ એક ગઝલનાં બે શેર માણવા જેવાં છે.

ગહનતાથી કરી ઈચ્છા તું બેઠો શું કિનારે?
ન ડર મઝધારથી તરતો રહે એના ઇશારે.


બધાનાં ભાગ્યની નોખી રમત નોખા સિતારા,
સમયની ચાલ જે સમજે તે જીતે બાકી હારે.

કવિ પ્રેમી ના હોય એવું ભાગ્યે જ બને. એ રીતે આ સંગ્રહમાં પણ આપણને પ્રણય, પ્રકૃતિ, માનવીય અભિગમ અને ઈશ્વરપ્રેમને સ્પર્શતી ઘણી ગઝલો મળે છે. એ સંદર્ભે કેટલાંક સુંદર શેર જોઈએ.

બે નયન વચ્ચે બન્યો સેતુ પ્રણય,
ને નજર નીચી ઢળ્યાનું યાદ છે.

અસ્ખલિત વહેતી રહી નિશ્ચલ બનીને,
પથ્થરો વચ્ચે બની છે એ નદી લખ.

તારી ફકીરીથી ફરકથી ફરક પડશે નહીં જગને કદી,
તારી ફકીરીથી પડે તુજમાં ફરક તો કર હરખ.

મનુષ્યનાં એક અકોણા સ્વભાવ તરફ સુંદર કટાક્ષ રજૂ કરે છે.

કોણ કહે છે માનવીનો રંગ તો બદલાય ના?
એક વાર સત્ય કહી ડૉ સામે એની ને જુઓ.

ગઝલ એટલે જ પ્રિયજન સાથે એકાંતે વાતચીત. ગઝલને સરળ અને બોલચાલની ભાષા માફક આવી છે. જુઓ કેટલી સહજતાથી આ શેર કહેવાયો છે.

તું કહે તો ના કહું તું કહે તો હા કહું
પ્રેમમાં તેં એટલી આપી દીધી સમજણ મને.

પ્રણયમાં મિલન અને વિરહ એક સિક્કાની બે બાજુ સમાન છે. આ કવિ વિરહને આમ સરખાવે છે.

કોઈ પ્યારું પ્રિય ‘રાજન’ દૂર હો તો,
મેઘ અનરાધાર વરસે તો સજા છે.

તો આ ગઝલ સંગ્રહમાં કેટલાક ચિંતનાત્મક શેરો પણ આસ્વાદ્ય બન્યાં છે. જે સંદર્ભે મને ગમતા એક શેરમાં કવિ ચિંતન પ્રગટ કરતાં સરસ વાત રજૂ કર છે. જીવનની ક્ષણભંગુરતા સમજ્યા પછી પણ મનુષ્ય કઈ વિટંબણા અનુભવે છે?

થાય છે કે હું ત્યજી સંસાર ને પકડું કમંડળ,
પણ હૃદયમાં ઘૂઘવે ઈચ્છા તણો ઊંડો સમંદર.

આવા અનેક સુંદર શેર આ સંગહનું જમા પાસુ છે. રાજેશ રાજગોરના આ ગઝલ સંગ્રહ ‘ગઝલ પ્રવેશ’ની સાથે અન્ય ત્રણ પુસ્તકો ‘ગઝલ પ્રવાસ’ હસતા હસતા’ અને ‘શ્રી કૃષ્ણ ચરિતમ’ પણ પ્રગટ થઇ રહ્યાંછે. ત્યારે આ ચારેય પુસ્તકોનાં પ્રકાશન નિમિત્તે કવિને અભિનદન આપું છું. અને પ્રસ્તુત ગઝલ સંગહ ‘ગઝલ પ્રવેશ’ માં સમાવિષ્ઠ ગઝલોથી પણ વધારે સારી ગઝલો આપણને તેમના તરફથી મળે એવી અપેક્ષા રાખી, આ પુસ્તકને આવકારું છું.
આભાર

ગૌરાંગ ઠાકર
સુરત

Total Page Visits: 544 - Today Page Visits: 1

1 comments on “ગરવી ગઝલોનો સંગ્રહ ‘ગઝલ પ્રવેશ’

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!