લઘુ-ગુરુ- વજન :-
વજનનો સામાન્ય અર્થ છે કોઈપણ અક્ષરની માત્રા. માત્રાને લઘુ અને ગુરુ અક્ષર તરીકે પણ ઓળખી શકો. લઘુની એક માત્રા જ્યારે ગુરુની બે માત્રા.
લઘુ અક્ષરો એવા અક્ષરો જેમાં એનો ઉચ્ચાર લાંબો ન થતો હોય જેમ કે,
અ,ઇ,ઉ,ક,કિ,કુ જેવા અક્ષરો લઘુ છે.
ગુરુ અક્ષરો એવા અક્ષરો કે જેનો ઉચ્ચાર માટે વધારે સમય લાગે. એટલે કે જેનો ઉચ્ચાર લાંબો થાય એ ગુરુ. જેમ કે,
આ,ઈ,ઊ,એ,ઐ,ઓ,ઔ,અં,અઃ,કા,કી,કૂ,કે,કૈ,કો,કૌ,કં,કઃ જેવા ગુરુ અક્ષરો છે.
ગુરુ અક્ષરમાં વજન બે માત્રાનું હોય છે જ્યારે લઘુમાં એક માત્રાનું.
જેમ કે
ક + આ = કા
આમાં ‘આ’ સ્વર જોડાતા તે ગુરુ બને છે.
ગઝલનું બંધારણ :-
લઘુ ગુરુ અક્ષરોના વજનને આધારે પંક્તિનું બંધારણ બને છે જેને ‘મીટર’ પણ કહેવામાં આવે છે.આ બંધારણમાં લઘુ ગુરુ અક્ષરોના લગાત્મક ટુકડાઓ હોય છે.
લગાત્મક શબ્દો :-
લ અને ગા બંને મળીને અલગ અલગ લગાત્મક રૂપો બનાવે છે જે શબ્દો દ્વારા ખ્યાલ આવી શકે છે .ગાગા,લગા,ગાલ,ગાલગા,લગાગા જેવા અનેક લગાત્મક રૂપો આપણને શબ્દો દ્વારા મળે છે.શબ્દોમાં લગાત્મક રૂપને એના ઉચ્ચાર પ્રમાણે ઓળખવામાં આવે છે. જેમ કે,
‘કનક’ શબ્દ છે એનો ઉચ્ચાર કરવાથી એ
ક નક બોલાશે
કન ક બોલાશે નહીં.
એ જ રીતે ‘રમત’ શબ્દનો પણ ઉચ્ચાર
ર મત થશે
રમ ત નહીં બને.
નોંધ:-
બે લઘુ લઘુ અક્ષરોનો ભેગો ઉચ્ચાર થતો હોય તો તેનો એક ગુરુ બને છે.
હવે ‘કનક‘નું લગાત્મક શોધીયે.
કનક શબ્દમાં
ક લઘુ છે અને નક છે એ બે લઘુ લઘુ છે પરંતુ ઉપરની નોંધ પ્રમાણે ન અને ક બંનેનો ભેગો ઉચ્ચાર થાય છે તો તે ગુરુ બનશે. હવે એનું લગાત્મક સમજાશે.
ક (લઘુ) + નક (ગુરુ) = લ+ગા = લગા
“એક શોર્ટકટ કી છે કે કોઈપણ કાનો માત્રા વગરનો ત્રણ જ અક્ષરનો શબ્દ હોય તો તે લગા જ થાય. અને તેનો ઉચ્ચાર કનક જેમ જ થશે.”
બીજા શબ્દો જોઈએ જેથી વધુ સ્પષ્ટ થશે..
રજત લગા
રમણ લગા
ચમન લગા
કરમ લગા
ધરમ લગા
શરત લગા વગેરે
હા બીજી વાત કે હસ્વ ઇ કે હસ્વ ઉ વાળા ત્રણ અક્ષરના શબ્દો પણ લગા થશે જેમ કે,
વિષય લગા
વિજય લગા
કિરણ લગા
વિનય લગા
ઘુવડ લગા
ભુવન લગા વગેરે.
હવે બીજા શબ્દો જોઈએ એવા જ…
1.)
પ્રથમ એક અક્ષર ગુરુ હોય અને છેલ્લા બે અક્ષર લઘુ હોય ત્યારે…
કાયર ગાગા
વાયર ગાગા
કાગળ ગાગા
ચામર ગાગા
હાજર ગાગા
માજમ ગાગા
ભારત ગાગા
હવે કાનો ન હોય ને દીર્ઘ ઈ હોય તો પણ ગાગા થશે જેમ કે
જીગર ગાગા
વીપદ ગાગા
ભીતર ગાગા
જીવન ગાગા
ચીવટ ગાગા
હવે ઈ આ કે ઊ જેવા શબ્દો હોય એના પણ ગાગા બને એ જોઈએ..
આખર ગાગા
ઈંધણ ગાગા
ઈસમ ગાગા
ઓજસ ગાગા
આગળ ગાગા
2.)
ચાર અક્ષરના શબ્દોમાં પહેલો અક્ષર ગુરુ ને બાકીના બધા જ લઘુ હોય તો…
પાનખર શબ્દ લઈને એની સંધિ છૂટી પાડી જોઈએ તો
પાન + ખર
આમાં પાન જુદુ બોલાય છે અને ખર જુદુ બોલાય છે એટલે
પાન ગાલ થશે અને ખર બંને લઘુનો ઉચ્ચાર ભેગો થાય છે એટલે એ ગા થશે જેથી
પાનખરનું લગાત્મક ગાલગા થશે..
એવા જ બીજા શબ્દો છે…
માતબર ગાલગા
માપસર ગાલગા
રીતસર ગાલગા
આવા અનેક શબ્દો છે જે આપ ઉચ્ચાર પરથી લગાત્મક બનાવી શકો જે આપ પ્રેક્ટિસ કરી શકો….

Interesting article. Worth reading. Keep on sharing, please