ગણિતનો ત્રાસવાદ – નિરંજન ત્રિવેદી

ગણિત
ગણિત
Spread the love

હાસ્યલેખ -લેખક – નિરંજન ત્રિવેદી

વિશ્વમાં ત્રાસવાદ વકરી રહ્યો છે તેવું આગેવાનો હવે કહે છે. વરસો પહેલાં હું આગેવાન ન હોવા છતાં ત્રાસવાદના ભય સામે મેં આંગળી ચીંધી હતી પણ એની કોઈએ નોંધ લીધી ન હતી. એમ મારે સખેદ કહેવું પડે છે. ત્રાસવાદ કોઈ એક પ્રકારનો નથી હોતો. અનેક પ્રકારના ત્રાસવાદ હોય છે. ધાર્મિક અને રાજકીય ત્રાસવાદ હવે વકર્યો છે પણ વિદ્યાર્થી અવસ્થામાં એ જોયેલ, અનુભવેલ ત્રાસવાદની વાત મારે તમને કરવી છે. એ ત્રાસવાદ છે, ગણિતનો ત્રાસવાદ. અંકગણિતના અગણિત ત્રાસવાદ મેં જોયા છે. ગણિતથી આર.ડી.એકસ કે એ.કે. 47થી પણ વધુ ત્રાસવાદી કામો થઈ શકે છે. અંકગણિતનું પાઠ્યપુસ્તક લઈ કલાસમાં પ્રવેશતા ગણિત શિક્ષકને જોતો, ત્યારે હાથમાં એ.કે. 47 લઈ આવતા ખૂંખાર ત્રાસવાદીનું ચિત્ર જ તેમાંથી ઊપસે. કમનસીબી એ છે કે શાળાજીવનનાં દરેક વરસે હું ગણિતના સાહેબનો અપ્રિય વિદ્યાર્થી રહ્યો હતો. ગણિત એકલું જ નહિ પણ ગણિતના શિક્ષક પણ મારકણા હતા. મને ગણિતના પેપરમાં સ્વચ્છતા સિવાયના કોઈ માર્ક મળે તેમ ન હતું.

મેં જોયું છે કે શાળાઓમાં ગણિત સૌથી વધુ વિદ્યાર્થીઓને પરેશાન કરે છે. પણ હજી સુધી આ વિષય ઉપર પ્રતિબંધ નથી આવ્યો એ અફસોસની વાત છે. ગણિત એક હાનિકારક વિષય છે એની ગંધ સુદ્ધાં ઘણાંને નથી એ દુ:ખદ વાત છે. શિક્ષણનું કામ મનુષ્યને જ્ઞાન આપવાનું છે, તેનું જ્ઞાન વધારવાનું છે, પણ હું ચોક્કસપણે માનું છું કે ગણિત માણસને ‘પ્રકાશિત’ નથી કરતું પણ એને ગેરમાર્ગે દોરે છે. ગણિતનું ભણતર વિદ્યાર્થીઓના બાળમાનસને ભૂલભર્યા માર્ગે દોરે છે. આ અંગેના ચોક્કસ અને મજબૂત પુરાવા છે. એમાંથી હું કેટલાક તમારા સમક્ષ રજૂ કરીશ. ગણિત કુમળાં બાળકોની કેટલી પજવણી કરે છે તેનો પણ તમને ખ્યાલ આવશે. પાણીની ટાંકીનો દાખલો તેનું જ્વલંત ઉદાહરણ છે.

પાણીની ટાંકી કેટલા કલાકમાં ભરાશે ? એવો એક દાખલો આવે છે. કંઈક આ પ્રકારની રકમ હોય છે. ધારો કે એક ટાંકી બે નળથી ત્રણ કલાકે ભરાય છે અને બીજો નળ ખોલતાં ચાર કલાકમાં ખાલી થાય છે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા કલાકમાં ભરાશે ?

આ પરિસ્થિતિ જ અવ્યવહારિક છે. – શા માટે માણસે બે નળ સાથે ચાલુ કરવા જોઈએ ? જ્યારે પાણી ભરાતું હોય ત્યારે ભરાવા દેવું જોઈએ. બંને નળ નહિ ખોલવા જોઈએ. પહેલાં ટાંકી ભરાઈ જવા દો. પણ ગણિતવાળા આવી વાત માનવા તૈયાર નથી. એ માળા બંને નળ સાથે ચાલુ રાખવાની જ જક પકડશે. સરવાળે કુમળા વિદ્યાર્થીઓને ટાંકી ભરવાની જંજાળમાં પડવાનું ! બીજું, શું આ પરિસ્થિતિ વાસ્તવિક છે ? ટાંકી ત્રણ કલાકમાં ભરાય… પણ સળંગ ત્રણ કલાક પાણી આવે એવા કેટલા પ્રદેશ આપણા રાજ્યમાં છે ? માંડ અડધો કલાક પણ પાણી ટાંકીમાં ન પડે તેવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીને કહેવું કે ત્રણ કલાક નળ ચાલુ રાખ, એ આંખે પાટા બાંધવા જેવી વાત નથી લાગતી ? પાણીની તીવ્ર અછતથી રાજ્યની લગભગ મોટા ભાગની વસ્તી પીડાતી હોય ત્યારે ચાર-ચાર કલાક પાણીનો નળ ચાલુ રાખવાની વાતો કરવી તે પણ બાળમાનસ માટે હિતાવહ ન ગણાય. એ હકીકત છે કે આપણા રાજ્યની મોટા ભાગની પાણીની ટાંકીઓ પૂરી ભરાતી જ નથી. એ પ્રદેશમાં આ પ્રકારના ગણિતના દાખલા ગેરરસ્તે દોરવનારા નહિ તો શું કહેવાય ? મારા પાડોશીનો પુત્ર આ પ્રકારનો દાખલો સમજવા માટે પાણીની ટાંકીના બંને નળ ચાલુ કરી પપ્પાની ઘડિયાળ હાથમાં લઈ ટાંકી સામે બેસી ગયો, જવાબ શું આવે છે તે સમજવા માટે. જવાબમાં, મમ્મીની નજર આ દશ્ય ઉપર પડતાં મમ્મીએ તેને ધોઈ નાખ્યો. મમ્મીની હિંસક વૃત્તિ ઉશ્કેરે તેવું છે આ ગણિત.

પાણીની સમસ્યાથી પીડાતા રાજ્યમાં ગણિતે થોડીક વાસ્તવિક રકમ દાખલા માટે વિચારવી જોઈએ. જેમ કે એક ઘરમાં રસોઈ તેમજ અન્ય કામના પાણીનો વપરાશ વિચારતાં, ઘરના સભ્યો માટે એક ડોલ પાણી જ નાહવા માટે બચે છે. ઘરમાં કુલ છ સભ્યો છે. તો દરેકને ભાગે કેટલી વાડકી નાહવાનું પાણી આવશે ? એક સભ્ય કુટુંબ માટે બલિદાનની ભાવનાથી ન નાહવાની જાહેરાત કરે છે તો દરેકને ભાગે કેટલી વાડકી વધારાનું પાણી આવશે ? આ પ્રકારના દાખલા હવે ગણિતમાં હોવા જોઈએ. પાઠ્યપુસ્તક બોર્ડ આ અંગે વિચારશે એવી મને આશા છે.

બીજો એક ઢંગધડા વગરનો દાખલો પણ મેં વાંચ્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે એક સ્ત્રી એક કામ ચાર કલાકમાં કરી લે છે. તો એ જ કામ બે સ્ત્રીઓ મળીને કેટલા વખતમાં કરી લેશે ? ગણિતવાળા માનવસ્વભાવથી કેટલા અપરિચિત છે એનો આ પુરાવો છે. એક સ્ત્રી જે કામ ચાર કલાકમાં કરી લે તે જ કામ બે સ્ત્રીઓ મળી બે કલાકમાં કરે તે તદ્દન – એટલે તદ્દન ખોટી વાત છે.

બે સ્ત્રીઓ ભેગી થાય એટલે થતું કામ તરત જ અટકી જશે. બે સ્ત્રીઓ ભેગી થતાં તરત જ તેમના પાડોશીઓ, સગાંવહાલાં વગેરેની વાતો શરૂ કરી દેશે. એક સ્ત્રી કહેશે ‘મારા કાકીજીની છોકરી એક જગાએ ઘઉં સાફ કરવા ગઈ. ત્યારે ઘઉંના ડબ્બામાંથી એને સોનાની બંગડીઓ મળી, એણે એ બંગડીઓ પાછી આપી દીધી… બોલો આમ કંઈ બંગડીઓ તે કંઈ પાછી અપાતી હશે ?’ બીજી કહે : ‘મૂરખ છોકરી કહેવાય. મારા મામાજીના છોકરાનો સાળો જબરો… એને એકવાર પાકીટ મળ્યું. અંદર હજાર રૂપિયા હતા તે પાંચસો કાઢી લીધા, પાકીટ એના માલિકને પાછું આપ્યું. પેલાએ લઈ લીધું. શું કરે ? પાકીટ પાછું આપવા આવ્યો હોય એને તો કહેવાય નહિ કે એમાં વધારે પૈસા હતા તે ક્યાં ગયા ? ઉપરથી બીજા બક્ષિશના પચ્ચીસ રૂપિયા મેળવ્યા…. બોલો !’ આવી રીતે સ્ત્રીઓ કામ કરતી હોય છે. પણ ગણિતવાળા તદ્દન ઊંધી વાત કરે છે. બિચારો કોઈ ભોળો માણસ જલ્દી કામ કરવું હોય તો એક વધુ સ્ત્રીને કામ આપે. સરવાળે તેનું કામ બગડે. વધુ પૈસા ચૂકવ્યા પછી પણ. આ નુકશાન ગણિતવાળાના શિરે ગણાય કે નહિ ?

બીજો એક જાણીતો દાખલો ચોર-પોલીસનો છે. જે ગણિતવાળાનું સમાજની સચ્ચાઈ, જમાનાની તાસિરનું સરાસર અજ્ઞાન બતાવે છે. કંઈક આ પ્રકારનો દાખલો હોય છે. એક ચોર ચોરી કરી આઠ કિલોમીટરની ગતિએ સાઈકલ લઈને ભાગે છે. એક કલાક પછી એક પોલીસ દસ કિલોમીટરની ગતિએ તેની પાછળ પડે છે તો ચોર ક્યારે પકડાશે ?

મિત્રો, જે ચોરીની ફરિયાદ કરવા પોલીસચોકીમાં ગયા છે, જેને એ અનુભવ છે તે આવો દાખલો વાંચી જરૂર હસશે. ચોરી થયા પછી કલાકમાં જ પોલીસ ચોરને પકડવા દોડે અને તે પણ ચોર કરતાં વધુ સ્પીડે ? શા માટે કુમળા વિદ્યાર્થીઓના મગજ ઉપર ગેરસમજ ઊભી કરો છો ? પહેલો કલાક તો પોલીસ, પેલી ફરિયાદ લેવાની જ ના પાડે. આ અમારી હદમાં નથી આવતું એ વાક્યથી શરૂ થાય. પછી ધારો કે ફરિયાદ લેવાય તો પણ પોલીસ ચોરનો પીછો કરવા તરત જ દોડે અને જ્યારે પણ દોડે ત્યારે ચોર જે તરફ દોડ્યો હોય એ જ દિશામાં પોલીસ દોડશે એમ કેમ ધારી શકાય ? આ કિસ્સામાં એટલા બધા પ્રશ્નો ઊભા થાય છે કે ચોર ચોરી કરી જતા રહે. ફરિયાદીને એમ થાય કે તેને સજા થઈ છે. આમ સમાજની પરિસ્થિતિની વિપરીત પ્રકારના દાખલાઓ ગણિતવાળા લાવી ગેરસમજ ફેલાવે છે અને આવી માથાકૂટ કરવામાં વિદ્યાર્થી પોતે માર ખાય છે. મને આ બધા પ્રકારના દાખલા આવડ્યા ન હતા. ગણિતનો તરીકો મને માન્ય ન હતો. પરિણામે ગણિતમાં હું નાપાસ થતો અને કૌટુંબિક ક્ષેત્રે મારઝૂડનો ભોગ બનતો.

બીજગણિતવાળા તો પરેશાન કરવામાં પાછું વાળીને જોતા નથી. હજી મને સમજાયું નથી કે ‘અ’ માંથી ‘બ’ કઈ રીતે બાદ થાય. ચાર માંથી બે બાદ થાય પણ ‘અ’ માંથી ‘બ’ કઈ રીતે બાદ થાય ? શા માટે બાદ થાય ? ચાર ઘોડામાંથી બે ગધેડા બાદ કરો એવા પ્રકારનો આ બીજગણિતનો દાખલો છે. આપણને ગધેડા બનાવવાની જ વાત ને ! આ ગણિત અને ગણિતના દાખલાઓએ મને અને મારા જેવા લાખો વિદ્યાર્થીઓને ત્રાસ ત્રાસ આપ્યો છે. માનવ અધિકારવાળા પણ ચૂપ છે એ કરુણતા છે.

Total Page Visits: 266 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!