ગિરનારનું ઉત્તરાદું પેટાળ હમેશાં રહસ્યમય રહ્યું છે. શેષાવનથી ભરતવન સુધી કેડી રસ્તો છે. પછી ઠેઠ મહાકાળીના પડધાર સુધી કોઈ કેડી રસ્તો નથી. અહીં વચ્ચે મોટી મોટી ઝર આવે છે. ગિરનારનો આ મોટાભાગે સીધો લપસણો ઢોળાવવાળો ભાગ છે અને તે પણ મોટા મોટા પાણાઓ અને કાંટાળું ગીચ વનસ્પતિઓથી સભર છે.શેષાવનથી ભરતવન જતાં વચ્ચે ખડેશ્વરીની જગ્યા આવે છે. અહીંથી સીધી એક કેડી પોલા આંબા તરફ જાય છે.હાલ જોકે પોલો આંબો સુકાઈને પડી ગયો છે,પણ એક સમયે પોલા આંબાની બોલબાલા હતી. એના થડમાં પાણી ભરાઈ રહેતું અને માણસો એનું પાણી દમ અને શ્વાસના દર્દો માટે લઈ જતાં. એના થડનું પોલાણ પાંચ ફૂટ ઊંડું હતું અને એમાં વચ્ચે ઊભું રહી શકાતું. ભરતવન-શેષાવનના આંબાઓ દેશી આંબાઓ છે અને મોટાભાગના એની મેળે ઉગ્યા છે. એમાં કેરી થોડી નાની અને અતિ ખાટી આવે છે,પણ જ્યારે કુદરતી રીતે પાકે છે ત્યારે એની મીઠાશ અને સુગંધ અનુપમ હોય છે.
તા.૨૮/૧૨/૨૦૨૦ના રોજ હું અને મારા મિત્ર શ્રી નીલેશભાઈ માળી શેષાવનના પ્રવાસે નીકળ્યા. અમારી ગણતરી શેષાવન થઈ પોલા આંબાએ જવાની હતી અને શક્ય હોય તો ત્યાંથી આગળ ગિરનારના પેટાળમાં એટલે અંબાજીથી દત્તાત્રેયના શિખરની નીચેના ભાગમાં ગુફાઓ શોધવાની હતી. આથી અમે વહેલી સવારે જૂની સીડીએ થઈ દશ વાગ્યે શેષાવન પહોંચી ગયા. શેષાવનમાં ઘણું પુરાતન રામજી મંદિર છે. મંદિરની અંદર હનુમાનજીની મૂર્તિ પાસે અને ધૂણાવાળી જગ્યાએ દિવંગત સંતોની ચરણપાદુકાઓ છે. આશ્રમનું પ્રવેશદ્વાર દક્ષિણાભિમુખ છે અને તેની સામે સીડીની બાજુમાં વાલ્મીકિ ગુફા છે. અહીં મહાન સંતોનાં તપ પડેલાં છે.નીચે ઝરમાં ઊતરતાં એક નાનો એવો લંબચોરસ સીતાકુંડ પણ આવેલો છે. અહીં શેષાવનમાં દર્શન કરી અમે સીધા ખડેશ્વરીની જગ્યાએ ગયા. ત્યાં ખડેશ્વરી મહાત્માએ બાર વર્ષ ઊભા રહીને તપ કરેલું. અહીંનું મકાન સાવ પડી ગયું છે પણ અંદર ધૂણો જળવાઈ રહ્યો છે. બહાર ખુલ્લા ઓટા પર શિવલિંગ છે. હજુ ચાર- છ મહિના અગાઉ જ હું પોલા આંબાએ જવા અહીં આવેલો,પણ જતાં વચ્ચે એક લાંબો કાળો સાપ આડો ઊતરેલો. તેથી અપશુકન થયાનું માની થોડીવાર ત્યાં બેસી ગયેલો.પછી જ પોલા આંબા તરફ જવા રવાના થયેલો.આશ્ચર્ય એ વાતનું છે કે અગાઉ હું બે વખત જઈ આવેલો છતાં પોલો આંબો મળી શક્યો ન્હોતો. તેથી આજે મનમાં શંકા હતી કે ઓછામાં ઓછું પોલા આંબા સુધી પણ પહોંચાય તો સારું.
અમે બે ઝર ખૂંદીને આગળ જઈ ઉપર ચડ્યા પણ મેળ ખાધો નહિ તેથી પાછા મૂળ સ્થાને આવ્યા અને ફરી પ્રયત્ન કર્યો પણ ફરી મેળ ખાધો નહિ તેથી નિરાશ થઈને બેસી ગયા. પછી યાદ આવ્યું કે ઉગમણે જતાં એક ઝરમાં ઝીણી સોનેરી રેતી આવે છે. જો તે મળી જાય તો પોલો આંબો પણ મળી જાય. આમ ઘૂમરા મારતાં મારતાં સાચે જ એ રેતીની જગ્યા મળી આવી. પછી તો ત્યાંથી ગિરનાર તરફ ચડતાં પોલો આંબો આવી ગયો. જોયું તો હજુ એના થડનું ઠૂંઠું એમને એમ છે,ઉપર સૂકી ડાળી પર લાલ ધ્વજાનું કાપડ ફાટીને લીરા થઈ ગયું છે, પણ હજુ ચોંટ્યું છે.અહીં અમે અગરબત્તી કરીને થોડીવાર બેસી ધ્યાનસ્થ થયા.આગળના પ્રવાસ માટે ગિરનારી મહારાજને પ્રાર્થના કરી. પછી અહીંથી અંબાજીની દિશાએ ચડવા માંડ્યા. અહીં ક્યાંય કેડી નથી.શીલાઓની આસપાસ ઝાડી- ઝાંખરાં એટલાં બધાં ઊગી ગયાં છે ને કે ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી.
આમ એકાદ કલાક ચડાઈ કરતાં એક મોટી આથમણા બારી ગુફા આવી.કહે છે કે તે જ અશ્વત્થામાની ગુફા છે.ગુફા પાંચ સાત જણા આરામથી બેસી શકે તેવડી મોટી છે,પણ અંદર ધૂળ ભરાઈ ગઈ છે.અહીં થોડીવાર બેસી ધૂપ દીપ કરી ગિરનારી મહારાજનું સ્મરણ કર્યું.અહીંથી જંગલ પૂરું થતાં અંબાજીની નીચેની પહાડીનો ભાગ ચાલું થાય છે.ઈચ્છિત ગુફા મળી જતાં મને અતિશય હર્ષ થયો.પછી તો ઉત્સાહપૂર્વક તપાસ કરતાં આજુબાજુમાંથી અન્ય ચાર મોટી અનામી ગુફાઓ પણ મળી આવી. મારો રોમાંચ તો ક્યાંય માતો ન્હોતો.થોડો હળવો નાસ્તો કરી અમે પરત ઊતરવાનું નક્કી કર્યું. અહીં આજુબાજુ મોટી આકાર વગરની શીલાઓ, આટકાટથી ગીચોગીચ સૂકાં ઝરણાંઓ અને અડાબીડ કાંટાળું ઝાડી જોઈને જે રસ્તેથી આવ્યા તે રસ્તેથી નહિ પણ શોર્ટકટથી ઊતરવાનું નક્કી કર્યું.એટલે બાજુની જે ઝર હતી એમાંથી જ અમે ઊતરવા લાગ્યા.પછી તો એટલી ગાઢ ઝાડી આવી કે ક્યાંક સૂતાં સૂતાં, ક્યાંક વાંકા વાંકા અને ક્યાંક બેઠા બેઠા પસાર થયા. અમને હાથ પગમાં તો કાંટા લાગ્યા પણ માથામાં પણ લાગ્યા. આખા શરીરે ઉઝરડા પડ્યા.વચ્ચે એવી ગીચ ઝાડી આવી કે ન આગળ જવાય કે ન પાછળ.તેથી જ્યાં થોડી પણ ખુલ્લી જગ્યા જેવું દેખાય ત્યાં ઘરી જવા લાગ્યા.તેથી જ્યાં મૂળ સ્થાને જવાનું છે એની દિશા જ ભૂલી ગયા અને ક્યાં નીકળી ગયા એ ખબર જ ન રહી.અમારું માથું ફરી ગયું. અમે શેષાવનના ઉપરના ભાગમાં છીએ કે ભરતવનના ઉપરના ભાગમાં છીએ કે તેની પાછળની ઝરમાં છીએ એ જ ખબર ન પડી. સાંજ પડવા આવી હતી. પૂરતું પાણી લીધું હોવા છતાં ખલાસ થવા આવ્યું હતું. પછી નક્કી કર્યુ કે જે ઝરમાં ચાલીએ છીએ તેમાં જ ચાલતાં રહીએ.આ ઝર હવે મૂકવાની નથી. થોડુંક આગળ ચાલ્યા કે એક મોટી છીપર આવી અને નીચે પાંચ-છ માથોડાં ઊંડી ખાઈ આવી. તેથી એ ઝરમાંથી તો આગળ જવાય તેમ ન્હોતું. હવે શું કરવું ? તેથી મેં ઝાડવે ચડીને જોયું તો દૂર સુદૂર જીણાબાવાની મઢી દેખાતી હતી. એટલે લૉકેશનનો આછો પાતળો ખ્યાલ આવ્યો. મને અંદાજ આવ્યો કે અમે ભરતવનની પાછળની ઝરમાં હતા.પછી પાછા અમે થોડું ઉપર ચડ્યા,પણ ક્યાંય તસુભાર પણ ખુલ્લી જગ્યા નહિ. અંદર વાંસડીઓના જંગલ વચ્ચે એક ખુલ્લી શીલા હતી તેની પર ઝાડની ડાળી ઝાલીને ચડ્યા. નીલેશભાઈ ખરેખરા મૂંઝાઈ ગયા હતા. મનોમન સતત ગિરનારી મહારાજને પ્રાર્થના કરતાં હતા. મને કહે કે આ પહેલી અને છેલ્લી વખત જ આવ્યો એમ સમજો. હવે કોઈની સાથે અહીં ન અવાય,પણ મને મનમાં ધરપત હતી કે પહોંચી તો જરૂર જઈશું પણ રાત પડી જશે તો એક જગ્યાએ આખી રાત બેસી રહેવું પડશે.
અહીંથી મોબાઈલનું નેટવર્ક પણ મળતું ન્હોતું જેથી કોઈને સમાચાર આપી શકીએ. એવામાં કોઈ ઝાડને કુહાડો મારતું હોય એવો એક ‘ ટક ‘ અવાજ આવ્યો. મેં નીલેશભાઈને કીધું કે નક્કી આજુબાજુમાં ભરતવનથી તેનો કોઈ સેવક લાકડાં લેવા આવ્યો લાગે છે. તેથી અમે જેમ તેમ કરીને અવાજની દિશામાં આગળ વધ્યા.થોડાક આગળ વધ્યા તો ત્યાં કોઈ માલૂમ પડ્યું નહિ, પણ ફરીવાર ‘ ટક’ અવાજ આવ્યો. આથી અમે એ જ દિશામાં આગળ વધ્યા. જેમ આગળ વધતા જાય એમ આગળ આગળ થોડીવારે ‘ટક’ અવાજ આવતો જાય. આમ કરતાં કરતાં અમારા આશ્ચર્ય વચ્ચે અમે હનુમાનધારાની નીચે ઊતરતી કેડીની અધવચ્ચે આવી પહોંચ્યા ! પછી તો હનુમાનધારાથી સીધી ખડેશ્વરીની જગ્યાની કેડી જ પકડી લીધી. આમ અમારા જીવમાં જીવ આવ્યો.અમે ત્યાંથી ચાલતાં થયા તો આ ‘ટક’ નો અવાજ સીડી પરના ખોડિયારની દહેરી સુધી સાંભળ્યો. છેલ્લે જાણે કોઈ અમારું અભિવાદન કરતું હોય કે આવજો ! પછી અમને બહુ મોડું સમજાયું કે આ અવાજ કોઈ લાકડાં કાપવાવાળાનો ન્હોતો. એ કંઈ દી આથમ્યા પછી ભરતવનની પાછળની દુર્ગમ ઝરમાં લાકડાં કાપવા ન જાય. જો કોઈ ઝાડ કાપતું હોય તો માત્ર એક ઘા કરીને અટકી ન જાય.માત્ર થોડા થોડા અંતરે આગળ વધતાં એક જ ઘાનો અવાજ શામાટે આવે ? એક છેલ્લો અવાજ ઠેઠ સીડી પર ખોડિયારની દહેરી સુધી શામાટે આવે? આ ગિરનારનું ખરેખર અગોચર રહસ્ય હતું.અમને અવાજના સંકેત દ્વારા સાચો માર્ગ કોણે બતાવી દીધો એ કોયડો હજુ આજે પણ વણઉકેલ છે – પોલો આંબો.