ગિરનાર સીધા રોપ વેથી ચડી જવાથી આપણે શું ગુમાવીશું ? – ડૉ.જીત જોબનપુત્રા

Spread the love

ગિરનાર સીધા રોપ વેથી ચડી જવાથી આપણે શું ગુમાવીશું ?


(૧) ગિરનારની એક એક શીલા જાગૃત છે એટલે કે જીવંત જોગી સ્વરૂપ છે.અહીં દરેક શીલાઓ પર ગિરનારી સિધ્ધોનાં તપ પડયાં છે.જેનાં દર્શન માત્ર થી ઉર્જાનો અનુભવ થાય છે.૨૪૫૦ પગથિયે હાથી પથ્થર અને ૨૬૦૦ પગથિયે રાણકદેવીની શીલા અતિ વિખ્યાત છે.આસપાસ ફેલાયેલી અઢારે ભારની દુર્લભ વનસ્પતિઓનાં દર્શન થાય છે. જેમકે,કેટલાંક યાત્રિકો કાંટાસૂરિયાના પીળાં ફૂલો ચૂંટી લઈને દત્ત મહારાજની ચરણ પાદુકાએ ચડાવતાં હોય છે.

(૨) યાત્રિકો જ્યારે સીડીથી ગિરનાર ચડે છે ત્યારે પ્રથમ પ્રાચીન ચડાવવાવ હનુમાનજીના દર્શન કરતાં હોય છે.૨૫- ૩૦ પગથિયે ત્રિગુણેશ્વર મહાદેવ અને તેના મહાન સંતોની સમાધિઓ આવે છે અને ૮૫ પગથિયે પાંચ પાંડવની જગ્યા આવે છે. અહીં ભૈરવદાદાનું સ્થાનક,લક્ષ્મણભારથી બાપુની સમાધિ અને ધૂણો આવેલાં છે.


(૩) ૨૦૦ પગથિયે જૂનું તપસી પરબ કે ચૂના દેરી છે.અહીં ઉર્ધ્વબાહુ પરમહંસ બાપુની ફૂલ સમાધિ છે.બાપુ સમર્થ સંત હતા અને શિહોરના ગૌતમેશ્વરની ગુફામાં રહેતા. હમણાં સાવજે ફાડી ખાધાં તે સીતારામ બાપુ અહીં બેઠાં રહેતાં.


(૪) જુદાં જુદાં પગથિયે જે પાણીના પરબ છે તે હકીકતે અલગ અલગ ઍન્ગલથી પ્રકૃતિ નો વૈભવ માણવાના પોઈન્ટ છે.
જેમ કે, ૫૦૦ પગથિયે છોડિયા પરબ, ૧૫૦૦ પગથિયે ધોળી દહેરી, ૧૯૫૦ પગથિયે કાળી દહેરી. જો કે હાલ અહીં પરબ નથી પણ વનખાતાની વિશ્રામ કુટિરો છે.


(૫) જૂની કઠિયારાઓની કેડીઓ વનમાં સરી જતી જોવી એ પણ એક લ્હાવો છે. જેમકે,૧૨૦૦ પગથિયેથી ચોરઘોડી થઈને ખોડિયાર માતાજી અને બોરદેવી. ૧૫૦૦ પગથિયેથી પાંચવીરડાના ખોડિયાર અને ૨૦૦૦ પગથિયેથી વેલનાથ બાપુની સમાધિ તરફ જતી કેડી. અહી વાઘનાથબાપુની ગુફા અને આરાધ ગુફા પણ છે.અહીંથી એક કેડી શેષાવન તરફ જાય છે. જોકે હાલ અભયારણ્ય હોવાથી જંગલનો આ પ્રતિબંધિત વિસ્તાર છે.


(૬) ૨૨૦૦ પગથિયે ભરથરીની ગુફા અને ધૂણો છે .તેની પાછળ અન્ય એક ગુફા બ્રહ્માનંદજીની છે.


(૭) ૩૨૦૦ પગથિયે વિશાળ શીલાના ભેખડામાં કબૂતરખાનાની સુંદર કુદરતી રચના છે.


(૮) ૩૫૦૦ પગથિયે પંચેશ્વર મહાદેવ, પાણીનું ઝરણ, દત્ત ગુફા વગેરે આવે છે.


(૮) માલી પરબમાં પુરાતન રામ મંદિર છે. અહીં સંવત ૧૨૨૨નો શીલાલેખ છે.


(૯) જૈન દેરાસરોની બાજુમાં પાણીના કુંડ અને વાવો છે.જેમકે,ભીમકુંડ,ડોકટર કુંડ,ગિરધર કુંડ,જ્ઞાન વાવ,દેડકી વાવ વગેરે.


(૯) અંબાજી ચડી ગયા પછી ગૌમુખી ગંગા, પથ્થર ચટ્ટી,સેવાદાસબાપુની જગ્યા, આનંદ ગુફા, મહાકાલબાપુની ગુફા,નાગી માતાની દહેરી વગેરાના દર્શન કરવા માટે નીચે ઉતરવું પડે.


(૧૦) ગિરનારની શીલાઓમાં કરોડો વર્ષ જૂનાં વનસ્પતિઓનાં અશ્મિ કે ફોસિલ્સ છે.તે સીડી રસ્તેથી જ જોવા મળે.


(૧૧) સિધ્ધ મહાત્માઓ,ભક્તો કે યાત્રિકો સામા મળતાં જાય અને ‘જય ગિરનારી’ કરતાં જાય એ પણ જીવનનું સદ્ ભાગ્ય છે.ક્યારે કોણ ક્યા વેષમાં આવે તે અહીં નક્કી નથી.


(૧૨) શેષાવનની સીડીએથી જતાં ૪૫૦ પગથિયેથી જટાશંકરની કેડી આવે .અહીં સિધ્ધ મહાત્મા ભગવાનદાસ બાપુનો ધૂણો છે.અહીં જ શાન્તાનંદ બ્રહ્મચારી એ કમળ પૂજા કરી હતી.


(૧૩) શેષાવનની સીડીએથી જ જતાં ૧૨૦૦ પગથિયે મુનિ મહારાજ ખડેશ્વરી દ્વારા સ્થાપિત હનુમાનજી આવે છે.


આમ, જે પગથિયાં ચડીને જવામાં જે ગિરનારી મોજ છે તે રોપ – વેમાં ન હોય તે સ્વાભાવિક છે. અહીં હજારો વર્ષોથી યાત્રિકો,ભાવિકો,પરિવ્રાજકો પસાર થયા છે.તેની ચરણ ધૂલિનો સ્પર્શ પણ અહોભાગ્ય પ્રેરક છે.


ડૉ.જીત જોબનપુત્રા

Total Page Visits: 3162 - Today Page Visits: 2

11 thoughts on “ગિરનાર સીધા રોપ વેથી ચડી જવાથી આપણે શું ગુમાવીશું ? – ડૉ.જીત જોબનપુત્રા

 1. વાહ જીતુ ભાઈ ખરેખર અદ્ભુત આપના પ્રવાસ, આપની યાત્રા ઓ , આપનું એકાંત , ગિરનાર નો વૈભવ આપ ની કુદરત અને પ્રકૃતિને માણવા ની જે પ્રકૃતિ છે, આપનો ગિરનાર પ્રત્યેનો પ્રેમ આ લેખ દ્વારા પ્રગટ થઈ રહ્યો છે. ગિરનાર નો વૈભવ , ગિરનારની આધ્યાત્મિકતા અને ગિરનાર નો સ્પર્શ , ગિરનારની પ્રકૃતિ જેને અનુભવવી હોય તો ખરેખર સીડી રસ્તે જઈને આપના દર્શાવ્યા અનુસાર દરેક પોઇન્ટ પર થોડો વિશ્રામ કરતા કરતા અદભુત રીતે માણી શકાય તેમ છે. આ લહાવો ખરેખર ઉડન ખટોલા માં બેસીને ના લઈ શકાય.

 2. ખુબજ સુંદર જાણકારી આપી ધન્યવાદ.ગીરનાર હજી પણ ઘણુ જોવા અને માણવા જેવુ છે સાતપુડા,આશાપુરા,જટા શંકરની ધમૅશાળા પાસે થી કેડી રસ્તે જવાય.
  સૌથી વીશેષ રોપવે થી હજારો બેરોજગાર થશે. સીડી ઉપર બેસી ,પીપરમેન્ટ,લીંબુ સરબત, નાસ્તા વગેરે વેચવા વાળા તેડાગરો તેમજ માલ સામાન લઇજવા વાળા મજુરો,ડોલીવાળા.

  1. સર,આશાપુરાની જગ્યાનું લોકેશન જણાવવા વિનંતી.

 3. સાતપુડા તો જવાનું થયું છે પણ આશાપુરાની ખબર નથી.

 4. બહુ સરસ માહિતી આપી.જાણે પ્રત્યક્ષ ગિરનાર ની સફર કરી હોય એવું અનુભવાયું…આભાર

 5. સૈકાઓ સુધી જૂનાગઢ માં રેહવા છતાં ઘણાં લોકો ને આ અતિ દુર્લભ, મહા અમૂલ્ય, જ્ઞાન વર્ધક, નાવિન્ય સભર, ગૂઢ જાણકારી નો અભાવ હશે.
  આપના આ માહિતીસભર લેખ દ્વારા ગિરનાર પ્રત્યેના નો અહોભાવ ખાસ વધી ગયો.
  હું ચાહીશ કે જે લોકો ચઢી ને ગિરનાર જઇ શકે તેમણે રોપ-વે ટાળવો.
  આ રસપ્રદ માહિતી વધુ ને વધુ સુધી પોહચી અને ગિરનાર નું મહત્વ અને આદર દિન પ્રિતિ દિન વધે એવી શુભકામના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!