આજે આપણે ગુજરાતી ભાષાના શબ્દો અને શબ્દ-ભંડોળ અંગે ચર્ચા કરીએ.

ગુજરાતી ભાષાની વાત કરીએ તો અન્ય ભારતીય ભાષાઓની જેમ ગુજરાતી સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવી છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી અને ગુજરાતી એ આજની ગુજરાતીની વિકાસયાત્રાનો ક્રમ છે. અનેક તબક્કામાંથી પસાર થતાંથતાં આજની ગુજરાતી ભાષા ઘડાઈ છે. સ્વાભાવિક છે કે આ તમામ તબક્કાઓની અસર તેના પર હોય. વળી, તેવા શબ્દોનો વિશેષ પ્રભાવ રહ્યો હોય એ પણ એટલું જ વાસ્તવિક છે. રાજકીય, સામાજિક અને ધાર્મિક પરિબળોએ શબ્દ-ઘડતરમાં પોતાનો ભાગ ભજવ્યો છે.
મુસ્લિમ શાસકોના સમયમાં રાજભાષા ફરસી હોઈ અરબી- ફારસી ભાષાના શબ્દો ગુજરાતીમાં પ્રવેશ પામ્યા. મરાઠા શાસનમાં મરાઠી શબ્દોને સ્થાન મળ્યું. દીવ-દમણ જેવાં સ્થળોએ ફિરંગીઓ વસ્યા અને તેમના શબ્દો પણ સમાજે સ્વીકાર્યા. ત્યારબાદ અંગ્રેજોના શાસનકાળમાં અગ્રેજીનું પ્રભુત્વ વધ્યું. ગુજરાતી પ્રજા વેપારી પ્રજા હોઈ વેપાર અર્થે આફ્રિકા, અરબસ્તાન, તુર્કસ્તાન વગેરે દેશોના સંપર્કમાં આવી અને તેના શબ્દો લઈ આવી. ગુજરાતમાં બંગાળી, મરાઠી, તમિળ એમ ઘણા લોકો વસ્યા. તેથી તેમની ભાષાનો રંગ પણ આપણા શબ્દભંડોળમાં ઉમેરાયો. ભાષા પરીવર્તનક્ષમ છે, વહેતી સરિતા છે. જે ઝરણાં તેને મળે છે તે નદીમાં સમાઈ જાય છે.
આમ, ગુજરાતી ભાષામાં અનેક ભાષાના શબ્દો સ્થાન પામ્યા અને એનું શબ્દભંડોળ સમૃદ્ધ બનતું રહ્યું.
શબ્દોના ત્રણ પ્રકાર છે : મૂળરૂપે ચાલુ રહે તે તત્સમ. મૂળરૂપમાં પરિવર્તન પામી નવા રૂપે આવે તે તદભવ. જેનું મૂળ ન જડ્યું હોય તે દેશ્ય. આ બધી ભાષાઓને કારણે ગુજરાતીમાં તત્સમ અને તદભવરૂપે શબ્દોની આયાત થઈ. ઉપરાંત સ્થાનિક રીતે લોકોમાં બોલાતા શબ્દો પણ ‘દેશ્ય’ શબ્દો તરીકે ગુજરાતીમાં રહ્યા. અન્ય ભાષાના શબ્દો તથાતથરૂપે સ્વીકારાયા તે તત્સમ કહેવાયા. અને જે શબ્દો થોડાક ફેરફાર સાતે આવ્યા તે તદભવ કહેવાયા. થોડાક ઉદાહરણ નીચે દર્શાવ્યા છે :
તત્સમ : ધર્મ, વચન, કવિ, વૃક્ષ, શબ્દ, કળા સૂત્ર પત્ર, પેન, ટેબલ, સ્ટેશન.
તદભવ : ભાઈ, ગાંઠ, ખેતર, હળદર, દાકતર, એજનેર, ફરમો, બાટલી
દેશ્ય : ઈંટ, રોડું, ડુંગર, વોંકળો, ઠોબરું
આ સિવાય અન્ય ભાષાઓમાંથી જે શબ્દો સ્વીકારાયા તેનાં પણ થોડાંક ઉદાહરણો નીચે દર્શાવ્યા છે :
ફારસી : જિલ્લો, મુકદ્દમો, કારકુન, કિલ્લો, દસ્તાવેજ, ખર્ચ, સરબાજી, સરનામું
અરબી : તાલીમ, દફતર, નુકશાન, કટાર, તારીખ, સાહેબ, હવા
પોર્ટુગીઝ : તમાકુ, મેજ, પલટણ, બટાટા, પાયરી, પગાર
તુર્કી : કાબૂ, કૂંચી, ટોપ, જાજમ
અંગ્રેજી : ઑફિસ, સ્ટેશન, બેંક, ઓફિસર, ટૂથ-પેસ્ટ, ટેક્સી, હોસ્ટેલ, હોસ્પિટલ, મ્યુનિસિપાલિટી
મરાઠી : વાટાઘાટ, નિદાન, તાબડતોબ, નિમણૂક, તાસ
કન્નડ : એલચી, હાઉ, કાલવવું, કંડારવું
બંગાળી : મહાશય,શિલ્પ, દીદી
હિંદી : અપનાવવું, શહીદ, બોજો, બહાર, જોબન, બત્તી, બડભાગી, બુઠ્ઠો
શબ્દોની રચના બાબતમાં વિચારતી વખતે અંગ્રેજીના ગુજરાતી પર્યાયો વિશેષ ધ્યાન માગી લે છે. અંગ્રેજી ભાષા બોધભાષા બની. વહીવટમાં તેમ જ અનેક ક્ષેત્રોમાં અંગ્રેજી જ પ્રભુત્વ રહ્યું. આજે પણ આપણે એના પ્રભુત્વમાંથી મુક્ત થયા નથી. આઝાદીના જુવાળમાં માતૃભાષાને મહત્વ આપવાને કારણે વિવિધ ક્ષેત્રોમાં અંગ્રેજીના ગુજરાતી પર્યાયો ઘડાવા માંડ્યા. ગુજરાત વિદ્યાપીઠે ગાંધીજીના આગ્રહથી આ કામ ઉપાડી લીધું અને ત્યાર પછી વિવિધ વિદ્યાશાખાઓમા આ જ રીતે ગુજરાતી પારિભાષિક શબ્દસંગ્રહો તૈયાર થયા. આ શબ્દો બનાવવામાં ક્યારે પૌરાણિક સાહિત્યનો આશ્રય લીધો. તો ક્યારેક એનો યથાર્થ પર્યાય યોજ્યો, તો ક્યારેક એ શબ્દો અપનાવી લઈને તેનું ગુજરાતીકરણ કરાયું.
દા.ત. casting vote માટે ‘તુલસીપત્ર’, Tug of war માટે ‘ગજગ્રાહ’ શબ્દો પ્રયોજાયા. તેની પાછળ પૌરાણિક કથાઓએ પણ ભાગ ભજવ્યો. ‘રેડિયો’ માટે ‘નભોવાણી’ ને ટી.વી. માટે દૂરદર્શન શબ્દ યોજવામાં આવ્યા. પરંતુ લોકોએ તે ન સ્વીકારતાં ‘રેડિયો’ કે ટી.વી. શબ્દો જ પ્રચલિત બન્યા. સિનેમા માટે ‘ચલચિત્ર’ કે ‘રૂપવાણી’ શબ્દ પ્રયોજાયા. ટેલિફોન માટે ‘સુનબોલ’ શબ્દ યોજાયો, પરંતુ રૂઢ ન બનતાં અંગ્રેજી શબ્દો જ સ્વીકૃત બન્યા.
ક્યારેક ગુજરાતીના અતિ આગ્રહને કારણે ભદ્રંભદ્રીય શબ્દો પણ યોજાયા, જે સામાન્ય લોકો તો કદાચ સમજી પણ ન શકે. આજે કેટલાક અંગ્રેજી શબ્દો ગ્રામજનતામાં પણ એટલા રૂઢ થઈ ગયા છે કે હવે તેનો દેશનિકાલ કરવો ખૂબ મુશ્કેલ છે. દા.ત. ટેકનોલોજી, સાઇકલ, કાર, હોસ્પિટલ, ઓફિસ. અંગ્રેજી ભાષાને અન્ય ભાષાના શબ્દોનો છોછ નથી. દુનિયાભરની ભાષાઓમાંથી શબ્દો અપનાવી અંગ્રેજી સમૃદ્ધ બની છે.
આજે વિજ્ઞાનક્ષેત્રે આશ્ચર્યજનક શોધો થતી રહે છે. આજની શોધ કાલે જૂની બની જાય એટલી હદે વિકાસ થતો રહ્યો છે. પરિણામે આંતરરાષ્ટ્રીય ફલક પર વિજ્ઞાનના સ્વીકૃત શબ્દો ગુજરાતીમાં અપનાવી લેવાયા છે.
દા.ત. રડાર, રોકેટ, એટમ, પ્રોટોન, બેરોમીટર વગેરે. ક્યારેક તેના પર્યાય પણ પ્રયોજાય છે. દા.ત. ‘સ્પેસ’ માટે ‘અવકાશ’ અને ‘એટમ’ માટે ‘અણુ.’
આમ છતાં, “જે દેશની એવી પ્રાકૃતિક સ્થિતિ, જળવાયુ અને સંસ્કૃતિ હોય, તદનુસાર એ દેશના નિવાસીઓના ભાવ-વિચાર બને.” તે ભાવો અને વિચારોને વાણીનું રૂપ આપવા માટે શબ્દોનો જન્મ થાય છે. આમ દેશની સંસ્કૃતિ સાચા અર્થમાં એ દેશની ભાષાના માધ્યમથી વ્યક્ત થઈ શકે છે.
ભારતની સર્વશ્રેષ્ઠ કવિતા ભારતની જ ભાષાઓમાં લખી શકાય. કોઈપણકવિ પોતાની માતૃભાષાથી અતિરિક્ત બીજી ભાષામાં ઓજસયુક્ત કે સંગીતપૂર્ણ કાવ્ય નહીં રચી શકે.
દા.ત. યજ્ઞ, હવન વગેરે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા શબ્દોનું અંગ્રેજી નહીં મળી શકે. ‘રસ’ શબ્દ માટે અંગ્રેજીમાં કોઈ શબ્દ નથી. ‘pleasure’ શબ્દ ‘આનંદ’નો પર્યાય બની શકે, ‘રસ’નો નહીં.
આખરે તો ભાષાનું શબ્દભંડોળ તે ભાષા બોલનાર સમાજના પુરુષાર્થનું પ્રતિક છે, પોતાની ભાષાનું સ્વત્વ જાળવીને અન્ય ભાષાઓના આદાન-પ્રદાન દ્વારા શબ્દ-સમૃદ્ધિ વધારી શકાય. છેલ્લે તો નર્મકોશમાં 1889માં નર્મદે જે કહ્યું,
“ગુજરાતી ભાષાના શબ્દોનાં કાળકાળનાં રૂપાંતરજોવાથી સ્પષ્ટ જણાય છે કે, ભાષા ઉત્તરોત્તર સુધરતી આવી છે. હમણાંની ભાષામાં કેટલાક શબ્દો એવા છે જે પોતાની છેલ્લી ને ઉત્તમ સ્થિતિમાં આવી રહ્યા છે અને કેટલાક રૂડો સંસ્કાર પામતી જાય છે. આ શબ્દરૂપાંતર શુદ્ધ છે કે અશુદ્ધ એ કહેવું યોગ્ય નથી. કાળ પરત્વે ઓછુંવધતું સુદનાર છે એમ જાણવું યથાર્થ છે.” તે આજે પણ કહી શકાય.
અમૂર્ત ભાવને મૂર્તરૂપ આપનાર શબ્દની શક્તિ માટે વિશેષ તો શું કહેવું? શબ્દો તો મનુષ્યનું સર્વશ્રેષ્ઠ પ્રદાન છે.
(ઉપરોક્ત લેખ ‘ભાષા વિવેક’ પુસ્તકમાંથી લેવામાં આવેલ છે.)
Really superb
Interesting article. Keep on sending
ખૂબ જ રસપ્રદ માહિતિ… ઘણા ગુજરાતી શબ્દો જ ખરેખર ગુજરાતી નથી તે જાણી ને નવાઈ લાગી અને મારી ભાષ વિશે કૈક નવું જાણ્યું તેનો અતિઘનો આનંદ થયો.