ગુરુદત્ત : સંવેદનશીલ દિગ્દર્શક

ગુરુદત્ત
ગુરુદત્ત
Spread the love

ગુરુદત્ત નામ પડતાં જ ફિલ્મ રસિકોમાં એક વર્ગ વાહ બોલી ઉઠે છે. એક સંવેદનશીલ દિગ્દર્શક તરીકે પ્રેક્ષકોને માટે આ નામ અતિ પ્રિય છે. ગુરુદત્ત ની ફિલ્મોના ગીતો તથા સંગીત અનેરું છે. જે પણ પ્રેક્ષકોને માટે આ નામને આદરપાત્ર બનાવે છે.  નિર્માતા-દિગ્દર્શક ગુરુદત્તે અનેક ફિલ્મોનું સર્જન કર્યું છે. પણ એક કલાકાર તરીકે એમની ત્રણ ફિલ્મો ઉલ્લેખનીય છે, ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’ અને ‘સાહેબ બીબી ઔર ગુલામ’. આ ત્રણેય ફિલ્મોમાં આત્મનાશની પ્રેરણાનું તીવ્ર આકર્ષણ જોવા મળે છે.

ગુરુદત્ત શિવશંકર પાદુકોણનો જન્મ નવમી જુલાઇએ મેંગ્લોરમાં થયેલો. મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા પછી કલાકાર થવાના અભરખામાં આગળનો અભ્યાસ ન થયો. ગુરુદત્તને નૃત્યકાર થવાનો શોખ હોવાથી ઉદયશંકરની આર્ટ એકેડમી, આલમોરામાં દાખલ થયા. બે વર્ષને માટે ભારતીય શાસ્ત્રીય નૃત્યની તાલીમ પણ લીધી. પણ સિનેમા પ્રત્યેના એમના આકર્ષણને લીધે એ તુરત જ પૂના આવીને પ્રભાત ફિલ્મ કંપનીમાં જોડાઈ ગયા. પ્રભાતમાં એ સમયે અનેક પ્રતિભાસંપન્ન કલાકારો કાર્યરત હતા. ગુરુદત્તે પ્રભાત ફિલ્મ કંપની નિર્મિત ફિલ્મોમાં નૃત્ય દિગ્દર્શન શરૂ કર્યું.

ફિલ્મ ‘લાખારાની’થી ગુરુદત્ત ની અભિનય યાત્રા શરૂ થઈ અને ‘હમ એક હૈ’માં ગુરુદત્તને પડદા ઉપર કોરિયોગ્રાફરની ક્રેડિટ મળી. એ. બેનર્જીના હાથે નીચે દિગ્દર્શનની તાલેમ લેવી શરૂ કરી. આ તબક્કે ગુરુદત્તને બધા બંગાળી બાબુ માનતા. ગુરુદત્તને પણ પોતાને બંગાળી કહેડાવવાવનો શોખ હતો. પોતે બાંગ્લા ભાષા બહુ સારી બોલી શકતા હતા. આ ઉપરાંત ઘણા વર્ષો કલકત્તામાં રહેવાનું થયેલું. બંગાળી મિત્રો થયા. બંગાળી કલાકારોના હાથ નીચે કામ શરૂ થયું. બંગાળી સાહિત્યથી અત્યંત પ્રભાવિત હતા. આ ઉપરાંત ગુરુદત્તે બંગાળી સાહિત્યની કૃતિઓ ઉપરથી ફિલ્મ નિર્માણ કરેલું અને બંગાળીમાં પણ ફિલ્મો બનાવી. પાછળથી આ ઘેલછાના સર્વોત્તમ તબક્કે એક બંગાળી સ્ત્રી ગીતા રોય સાથે લગ્ન પણ કર્યું. આમ, ગુરુદત્તને બધા બંગાળી તરીકે ઓળખતા. અલબત્ત કેટલાક જાગરૂક બંગાળી ફિલ્મ-વિવેચકોએ આ વાતનો જબરો વિરોધ પણ કર્યો છે.

        એ. બેનર્જીના કાર્ય તળે અનુભવ લઈને ગુરુદત્ત બોમ્બે ટોકીઝમાં જ્ઞાન મુખર્જીના સહાયક તરીકે કામ શરૂ કર્યું. અને અમીય ચક્રવર્તીના ચીફ આસિસ્ટંટ ડાયરેક્ટરની કક્ષા સુધી આગળ વધ્યા. આમ અનેક દિગ્દર્શકોના હાથ નીચે કાર્ય કર્યા છતાં જ્યારે દિગ્દર્શક તરીકે સ્વતંત્ર કામ કરવાનું શરૂ ત્યારે ગુરુદત્તે પોતાની અલગ શૈલીથી કોઈપણના પ્રભાવમાં આવ્યા વગર કાર્ય શરૂ કર્યું.

        પચાસની સાલમાં ગુરુદત્ત શક્તિ પૂર બહારમાં ખીલી હતી.  દેવાનંદએ એ અંગે લખ્યું છે કે “ગુરુદત્તની શક્તિ લાવના સ્વરૂપમાં હતી. જે તક મળતાં જ બહાર આવી.” દેવાનંદ અને રહેમાન ગુરુદત્તના સાથીઓ હતા. અને ત્રણેએ એકબીજાને માદા કરવાના વચન આપ્યા હતા, જ્યારે પણ કોઈ એકને કોઈપણ પ્રકારની તક મળે કે બીજા બેને તેમાં સામેલ કરવાની કોશિષ કરવાની તેવું આ ત્રણેય સાથીઓ વચ્ચે નક્કી થયું. નવકેતનના બેનર હેઠળ સર્જાતી દેવાનંદની ફિલ્મ ‘બાઝી’ને દિગ્દર્શિત કરવાનું ગુરુદત્તને સોંપવામાં આવ્યું, ‘બાઝી’ માટે સંપૂર્ણપણે નવું સેટઅપ જ પસંદ કરવામાં આવ્યું હતું. એ જમાનામાં બનતી ફિલ્મો કરતાં જુદી જાતની વાર્તા પસંદ થઇ હતી. બહુ જાણીતા નહીં એવા અભિનેતા બલરાજ સહાનીને સંવાદો લખવાનું કામ સોંપવામાં આવ્યું તથા નવી અભિનેત્રી તરીકે કલ્પના કાર્તિકને તક આપવામાં આવી. છતાં ‘બાઝી’ એ ગુરુદત્તની એક ચોક્કસ ઇમેજ ફિલ્મ વર્તુળમાં પ્રેક્ષકોમાં બનાવી આપે.

        ગુરુદત્તને એક સફળ અભિનેતા બનવાની અત્યંત ઈચ્છા હતી અને પ્રથમ ફિલ્મ ‘બાઝી’માં એક અત્યંત નાનો (હિચકોક શૈલી)નો એક સીન ભજવ્યો હતો. ‘બાઝી’ માટે જે પહેલો શૉટ લેવામાં આવ્યો તેમાં જ ગુરુદત્તે પોતા પર શૂટિંગ કરી લીધું. આ ફિલ્મમાં હિરોને નવા આયામમાં ઢાળવામાં આવ્યો. જે ભારતીય શહેરી જિંદગીને તથા અમેરિકન ક્રાઇમ થ્રીલરથી પ્રભાવિત હતો. આ પ્રકારનો રોલ એ જમાના માટે સદંતર નવતર હતો. પરિણામે ‘બાઝી’ને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ. પણ ફરી પાછા અભિનેતા-હીરો બનવાના ખ્વાબ હજુ દૂર રહ્યા.  એક બીજા નિર્માતાની દેવ આનંદને લઈને બનતી ફિલ્મ  ‘જાલ’ ગુરુદત્તને દિગ્દર્શન માટે સોંપવામાં આવી. ‘જાલ’ નિષ્ફળ’ રહ્યું. ગુરુદત્તની અભિનેતા બનવાની ઝંખના ‘આરપાર’ અત્યંત સફળતા પ્રાપ્ત થઈ. ટેક્સી ડ્રાઈવર તરીકે ગુરુદત્ત કરેલું કાર્ય આમ તો ‘કિસ્મત’ને જ પ્રતિબિંબિત કરે છે. અભિનેતા તરીકે ગુરુદત્તને પ્રેક્ષકો ‘આરપાર’ને સફળ બનાવીને સ્વીકારી લે છે.

        1953નું વર્ષ બધી રીતે મહત્વનું રહે છે. ગુરુદત્તને દિગ્દર્શક તરીકે તથા અદાકાર તરીકે સફળતમ સ્વીકૃતિ પ્રાપ્ત થાય છે. તો ગાયિક ગીતા રોયની સાથે લગ્ન પણ યોજાય છે. લોકો ગુરુદત્તને અત્યંત સંવેદનશીલ વ્યક્તિ તરીકે ઓળખવા લાગ્યા. ‘આરપાર’ની સફળતા ફિલ્મ પૂરતીજ નહોતી. અંગત જીવનમાં પણ મહત્વની બની રહી. ગુરુદત્ત સ્વતંત્ર રીતે નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા તરીકે કાર્ય કરી શકે છે એની પ્રતીતિ ફિલ્મ જગતમાં સૌને થઈ. ‘આરપાર’ના સંવાદ લેખક તરીકે સૌપ્રથમ વાર અબ્રાર અલ્વી ગુરુદત્તની સાથે જોડાયા છે. જે પછીથી એમની બધી ફિલ્મો સાથે સંકળાયેલા રહ્યા. ‘આરપાર’માં પ્રથમ વખત ભાષામાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો અને ટેક્સી ડ્રાયવરો બોલતા હોય તેવી ભાષાને અપનાવવામાં આવી. એ જમાના માટે આ સદંતર નવું હતું. અત્યારે લગભગ બધી ફિલ્મોમાં આવી જ ભાષા વપરાય છે. ગુરુદત્તને અભિનયનો શોખ હતો તેમ પોતાની અભિનય શક્તિની તથા દેખાવની મર્યાદા વિષે પણ સભાનતા હતી. એક તબક્કે ‘આરપાર’ માટે શમ્મીકપૂર ‘પ્યાસા’ માટે દિલીપકુમારની અને ‘કાગઝ કે ફૂલ’ માટે અશોકકુમારની વિચારણા થઈ હતી. છતાં ગુરુદત્તે કેટલીક પળોએ એવો અચાનક નિર્ણય લ્દિહો કે અન્ય કોઈ નહીં પણ હું જ એ ભૂમિકા ભવવીશ.

        ‘પ્યાસા’ એ ફિલ્મ નહીં પણ ગુરુદત્ત નું સ્વપ્ન હતું જે એમણે વર્ષોથી સેવેલું હતું. જે વાસ્તવમાં પરિણમ્યું ત્યારે ગુરુદત્તનું શ્રેષ્ઠ સર્જન ગણાયું. અલબત્ત ‘પ્યાસા’ માટે ગુરુદત્ત જેયલા યશના અધિકારી છે તેટલા જ અધિકારી અબ્રાર અલ્વી, સાહીર લુધયાનવી, સચિનદેવ બર્મન તથા વી. કે. મુર્તિ પણ છે. એને એથી આગળ વધતાં ગીતા દત્ત, વહીદા રહેમાન તથા ફિલ્મના અન્ય કલાકારો પણ ખરા.

        ‘પ્યાસા’માં કેટલીક ક્ષણો અત્યંત અંગત સ્પર્શ પામેલી છે. જે ગુરુદત્તની પોતાનાં પૂર્વજીવનના સઘર્ષનું જ પ્રતિબિંબ છે. અને એટલે જ કેટલાકના માટે તે વાસ્તવિક બન્યું છે. એ સમયે પણ ‘પ્યાસા’ ને પ્રેક્ષકોએ સિલ્વર જ્યુબીલીથી વધાવેલું. અને મદ્રાસ જેવા શહેરમાં પણ ‘પ્યાસા’ પંદર અઠવાડિયા જેટલું ચાલેલું. અહીં એ નોંધવું જોઇએ કે બિન હિંદીભાષી પ્રેક્ષકોએ ‘પ્યાસા’નો તંતુ  સુપ્રસિદ્ધ કવિ સુબ્રમણ્યમ ભારતીની સાથે જોડેલો. પરિણામે એ ફિલ્મ પ્રેક્ષકોને વધુ પ્રિય બની હોય એવું પણ બને. ‘પ્યાસા’ માટે ગુરુદત્તને જો કે કોઈ આશા નહોતી કે તે આટલું સફળ નીવડશે. ‘સ્ક્રીન’ના એક ઇન્ટરવ્યુમાં તો ગુરુદત્તે કહેલું પણ ખરું ‘પ્યાસાની સફળતા મારી જિંદગીમાં મળેલ મને બેસ્ટ રીવોર્ડ છે. ફિલ્મનો વિષય જ અત્યંત ભારે હોય મને આશા ન હતી કે પ્રેક્ષકોમાં તે પસંદ પડશે.” ઉર્દુના મશહૂર કવિ ફૈઝ અહમદ ફૈઝને પણ ‘પ્યાસા’ જોયેલું અને આવા ગંભીર વિષયને સારી રીતે રજૂ કરવાને માટે વખાણેલું. જેમાં ખાસ કરીને સાહિરના ગીતોને એમણે ખૂબ પસંદ કરેલા.

        ગુરુદત્ત એક કલાસીક ફિલ્મ બનાવવાની બહુ મોટી મહત્વાકાંક્ષા હતી. પણ તેમને સત્યજિત રાય બનવાની જરાય ઈચ્છા ન હતી. ‘પ્યાસા’માં એ મહત્વાકાંક્ષાનું પરિણામ છે. ગુરુદત્તે હંમેશના અતિનાટક (melodramatic) ફિલ્મો જ સર્જવાની ઈચ્છા રાખી હતી. ‘પ્યાસા’એ રાખી હતી. ‘પ્યાસા’એ સાચા અર્થમાં ગુરુદત્તની પહેલી ફિલ્મ ગણી શકાય. કારણ કે ગુરુદત્તની કારકિર્દીની ત્રણ વખણાયેલી ફિલ્મોમાં પ્રથમ ‘પ્યાસા’ બને છે.

        અબ્રાર અલ્વી; કે જે ‘પ્યાસા’ની કથાના લેખક હતા, તેમના મતે જે વાર્તા લખાઈ હતી તે કદી બની જ નહીં. ગુરુદત્ત નો ઝોક હંમેશને માટે ‘કાગઝ કે ફૂલ’ જેવી ફિલ્મોને માટે રહ્યો હતો. ‘પ્યાસા’ની મૂળ વાર્તામાં એક ખૂબ ધનવાન પ્રકાશકની સ્વરૂપવાન પત્નીની યુવા સર્જકોને એક્ઝપ્લોઇટ કરીને નામના કમાવવાની વાત હતી. ગુલાબોનું પાત્ર અબ્રાર અલ્વીના ખૂદના જીવનમાંથી સર્જાયું હતું. આમ, ત્રણ સંયોજીને વાર્તા લખવામાં આવી હતી. વાર્તાનું મુખ્ય પાત્ર એક લેખકનું હતું. પણ ગુરુદત્તે તેને ફેરવડાવીને કવિનું કરાવ્યુ કે જેથી કેટલીક ઉત્તમ કવિતાઓનો ઉપયોગ થઈ શકે. આ ફેરફાર જ્યારે કરાવ્યુ ત્યારે ગુરુદત્તના મનમાં સાહીર હતો. ‘પ્યાસા’ને ફિલ્મમાં કહેવાયેલી કવિતા છે. પણ કવિતાનો છંદ અનેક જગ્યાએ તૂટેલો છે. પરિણામે તે છંદબદ્ધ પણ નથી રહેતી કે અછાંદસ પણ નથી. ‘પ્યાસા’ ગુરુદત્તનું શ્રેષ્ઠ સર્જન હોવા છતાં બધી રીતે શ્રેષ્ઠત્તમ ફિલ્મથી હંમેશને માટે દૂર જ રહી ગયું છે. અહીં આપણે એ અંગેના કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીએ.

        ‘પ્યાસા’માં ગુરુદત્તે દિગ્દર્શક તરીકે કેટલુંક સારું કાર્ય કર્યું છે. પણ એમના કેટલાક આગ્રહો ન સમજાય એવા છે, અબ્દુલ સતારનું પાત્ર ફિલ્મમાં શા માટે છે? એવું પણ પૂછી શકાય અબ્દુલ સતાર છેલ્લે વિજયને પાગલખાનામાંથી ભાગી જવામાં મદદ કરે છે. તો છતાં એ પાત્રને જે મહત્વ આપવમા આવ્યું છે તે બિનજરૂરી છે. જોની વોકરનું ગુરુદત્તને વળગણ હતું એમ કહીએ તો પણ ચાલે. ‘પ્યાસા’ પછી ‘કાગઝ કે ફૂલ’માં અને અન્ય ફિલ્મોમાં પણ એને બિનજરૂરી મહત્વ આપવામાં આવ્યું છે. ‘પ્યાસા’ એક અબ્દુલ સતાર એક માલીસવાળો છે. એનો પ્રવેશ કેટલાકના મતે સુંદર થયો છે. ‘સર જો તેરા ટકરાયે’ ગીતનું ફિલ્માંકન પણ વિવેચક અરુણ ખોપકરના મતે સુંદર છે. પણ એ પાત્રને, એ ગીતને અને ફિલ્મના કેટલાક પ્રસંગોને ટાળી શકાયા હોત. 

‘પ્યાસા’ની લંબાઈ પણ ઘટી શકી હોત અને એક સુરેખ ડિઝાઇન વિજયનાં પાત્રની આસપાસ કરી શકાત. ‘પ્યાસા’ની બીજી મર્યાદા ગુરુદત્તનો પોતાનો જ અભિનય છે. અલબત્ત ગુરુદત્ત પોતે પોતાની અભિનયની મર્યાદા જાણતા હોવાને લીધે કેમેરાથી મૂડ સરજવાનું કાર્ય અદભૂત રીતે પાર પાડ્યું છે. સાહિર લુધીયાનવીની કવિતાઓએ થતાં સચિંદેવ બર્મનનાં સંગીતે એકબીજાને પૂરક એવું સુંદર કામ કર્યું છે કે જેથી પણ એક અલગ મૂડ સર્જાય છે. તેમાં પણ ખાસ કરીને વહીદા રહેમાનનું ગ્લેમર ઝળકાવવામાં અતિ મહત્વનું બની રહ્યું છે. આજે જ્યારે અભિનેત્રીઓ અત્યંત ઓછા કપડામાં પોતાનું ગ્લેમર દર્શાવવાને વ્યર્થ કોશિશો કરે છે ત્યારે તેવી અભિનેત્રીઓએ તથા દિગ્દર્શકોએ આ ખાસ વિચારવા જેવુ છે. ‘ જાણે ક્યાં તુને કહી’ ગીત આ સદર્ભમાં ખરેખર ઉલ્લેખનીય છે.

આ ફિલ્મમાં કેટલાક દ્રશ્યોમાં; ખાસ કરીને ચેઇઝની શૃંખલામાં (sequence) આરોહ તથા અવરોહની શૈલીએ ડિઝાઇન કરવામાં આવી છે. અહી ઇમેજને શબ્દના સ્તંભ ઉપર સર્જવામાં આવી છે. છતાં સંવાદો ઘણા જ અસંગદિગ્ધ લાગે છે. તમાપન ખાસ કરીને ફિલ્મનો અંત કોઈ રીતે જચે એવો નથી. અહીં કદાચ દિગ્દર્શકના મનમાં ફિલ્મ માટે તથા અંગત જીવન માટે આપઘાતનું જે એક જજુન સવાર થયું હતું તે પણ કારણ હોય શકે.  

કવિને સમાજની જે સિસ્ટિમ છે તેની સામે વાંધો છે. પણ એ સંઘર્ષથી કદાચ કંટાળી ગયો છે. અહીં એક બહુ મહત્વનું પ્રતિક દર્શાવીને પુનરાવર્તિત કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ઈશુનું પ્રતિક અવારનવાર પુનરાવર્તિત કર્યું છે. પહેલી વખત મીના (માલા સિંહા)ના ઘરે જે મીજબાની ચાલે છે તેમાં વિજય એક ગીત ‘જાને વો કૈસે’ ગાય છે તેમાં તેનો અભિનય કૃશિફાઇડ થયેલા ઈશુની જેમ બુક શેલ્ફ પર બે હાથ પહોળા રાખીને ઊભો રહી ગાય છે. જેમાં આ પ્રતિકનો ઉપયોગ થયો છે, તેમાં કપડાં સુધ્ધાંની જે રીતે રજૂઆત થઈ છે. આ દ્રશ્ય પ્રતિકાત્મક છે. તે પછી વિજય જયારે ઇનો કોટ ભિખારીને આપી જતો હોય છે એન ભિખારી તેની પાછળ જતાં ટ્રેનનાં પાટામાં તે ભિખારીનો પગ ફસાઈ જાય છે અને આવતી ટ્રેઇનમાં જે રીતે બે હાથ પહોળા કરેને મૃત્યુ પામે છે તે પણ ક્રોસનું પ્રતિક છે. ત્યાર બાદ ઘોષ મીનાને વિજયના મૃત્યુના ખબર વાંચી સંભળાવે છે; ત્યારે પોતાના ચહેરા પર આવેલી ગમગીનીને છુપાવવા મીના એક સામયિકને વાંચે છે એવી રીતે પોતાનો ચહેરો છુપાવે છે તે સામાયિક ‘લાઇફ’ છે અને તેના મુખપ્રુષ્ઠ ઉપર કૃશિફાઇડ થયેલા ઈશુનો ફોટો છે.

છેલ્લે કવિ વિજય પોતાની જ મૃત્યુ તિથિના સમારોહમાં જાય છે અને સભાગૃહના દરવાજા પાસે બે હાથ લાંબા કરીને ઊભો રહી ગીત  ‘ યે મહલો, યે તખ્તો યે તાઝો કે દુનિયા’ ગાય છે. અહીં પણ ઈશુના ક્રોસનું પ્રતિક છે. કૃશિફિકેશનની વાત અહીં બે રીતે થઈ છે.  એક તો સમાજ દ્વારા ધરાર મૃત જાહેર કરાયેલા કવિની વાત થાય છે. જ્યારે કવિ વિજય ખુદે જ પોતાની હાથે ઉઠાવવાનો છે. આ કદાચ એ પછીની  શૃંખલા  (સિકવન્સ)નો પૂર્વાર્ધ હોઇ શકે, કારણ કે કવિ વિજયના માનમાં જે સમારોહનું આયોજન થાય છે. તેમાં વિજય પોતે જ એમ જાહેર કરે છે કે હું વિજય નથી. અહીં બે અંતિમ વાતો થઈ છે. જ્યારે કવિ તરીકે સ્વીકૃતિ જોઇતી હતી ત્યારે મળતી નથી. અને જ્યારે મળે છે ત્યારે વિજય જ એને ફગાવી દે છે. આ ઘણું જ આત્મઘાતક પગલું છે. કદાચ આત્મહત્યાનું પ્રથમ પગલું. સમીક્ષક આરી મેચેલો ‘પ્યાસા’ના વિષે લખે છે, “વિજયના પાત્રમાં કઇંક એવું છે જે ચાર્લી ચેપ્લિનનું છે અને  કઇંક એવું છે જે દસ્તોવ્સ્કીનું છે. પ્રાયશ્ચિત કરે રહેલ વ્યક્તિના અંશ વિજયના પાત્રમાં છે, એટલું જ નહીં; ‘પ્યાસા’ પૂર્ણત: ખ્રિસ્તી ધર્મ ચેતનાથી પ્રભાવિત ફિલ્મ છે.”

એ પછી વિજય આ સમાજને છોડીને જાવ ઈચ્છે છે. જૂની પ્રેમિકા મીના વિજયને સમજાવે છે કે તું જ્યાં જ્યાં જઇશ ત્યાં બધે તને આવો જ સમાજ મળશે. તને આવા જ માણસો મળશે. તો પછી તું શા માટે સમાજથી દૂર જવાની વાત કરે છે? પણ વિજય એ સત્ય સ્વીકારતો નથી. ત્યારે વિજયમાંની લાગણીઓ જ વધુ દેખાય છે; વાસ્તવિકતા નહીં. કારણ કે કવિ વિજય એ વાત સ્વીકારી નહીં શકતો હોય તે મનમાં સમજાય એવું નથી. એ પછીના દ્રશ્યો એ સંવાદની સાથે તાલમેલીયા લાગે છે.

હવાનું વાવાઝોડું, ઊડતાં કાગળો આ બધું વિજય છોડી રહ્યો છે ની પૂર્વભૂમિકા છે. પણ એ ફિલ્મમાં બંધબેસતું નથી. વિજય ગુલાબોને કહે છે કે હવે આપણે અહીંથી ચાલ્યા જઇએ. ત્યાથી જ્યાંથી હવે ફરી દૂર ન જવું પડે. આ સંવાદ અત્યંત અર્થહીન છે. કારણ કે અહીં આગલા સંવાદનો તથા આ સંવાદનો વિરોધાભાષ છે. એવું બની શકે કે આત્મઘાતકના તરફનું જે પહેલું પગલું મંડાયું હતું તેનું આ સંવાદ અંતિમ ચરણ હોય. આમ આ આખો અંત એસ્કેપીષ્ટ થઈ રહે છે.

ગુરુદત્ત
Total Page Visits: 978 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!