ઝાડ પહેલાં મૂળથી છેદાય છે,
એ પછીથી બારણું થઈ જાય છે.
આ ગગનચુંબી ઘેરો સર્જાય છે,
આભ તો પંખીનું ઓછું થાય છે.
એમને તું કેમ છત્રી મોકલે ?
જે અહીંયા જાણીને ભીંજાય છે.
સ્વપ્ન જેવું હોય શું એ બાળને?
ડાળે જેનું ઘોડિયું બંધાય છે.
આજ ઈચ્છાનાં હરણ હાંફો નહીં,
ખૂબ પાસે જળ સમું દેખાય છે.
કોઈને પથ્થર હ્રદય કહેશો નહીં.
આસું પથ્થરનાં ઝરણ કહેવાય છે.
એકલા આવ્યા, જવાના એકલા,
પણ અહીં ક્યાં એકલા જીવાય છે?
ગૌરાંગ ઠાકર
ગઝલમાં સારી પંકિતઓ તો ઘણી મળતી હોય છે, પણ એક સારો શે’ર મળવો દુર્લભ હોય છે. આવી સ્થિતિ હોય છે. આવી સ્થિતિમાં એક જ ગઝલમાંથી ચાર પાંચ શે’ર ‘વાહ !’ ‘વાહ!’ કરાવી મૂકે તો એને ચમત્કાર જ ગણવો પડે.
એક નીવડેલી ગઝલનાં સંદર્ભમાં વિચારીએ તો સારી કહેવાતી આવી એક સરખી કક્ષાના સારા શે’ર હોતા નથી. એક શે’ર સારો લાગે તો એની તુલનામાં બીજો શે’ર ઓછો સારો લાગે એમ બને. એનો અર્થ એવો પણ નહીં કે ગઝલકારની ક્ષમતા અને સજ્જતા ટાંચી પડે છે. પંક્તિ સારી થઈ આવી હોય પણ નહીં કે ગઝલકારની ક્ષમતા અને સજ્જતા ટાંચી પડે છે. પંક્તિ સારી થઈ આવી હોય પણ રદીફ કે કાફિયા અન્ય શે’રમાં જે પ્રભાવકતા દાખવતા હોય તે એન તેટલી જ માત્રમાં ન પણ દાખવે, ક્યારેક એથી ઊલટી સ્થિતિ પણ સંભવે. બને કે શે’રમાંથી પ્રગટ થતા ભાવ કે અર્થ, સાર્થ સિદ્ધ થતા ન હોય. એ સંજોગોમાં પ્રયત્ન છતાં અમુક હદથી વધુ સારો શે’ર ન જ નીપજે. ગઝલકારનો પ્રયત્ન સન્નિઠ હોય અને શે’રને વધુ સારો કરવાની દિશામાં જ હોય, પણ શે’રનો પોતાનો પ્રયત્ન એથી અવળી દિશાનો હોય. ગઝલકારનો શે’ર પરનો કાબૂ શે’રનો ગઝલકાર પરનાં કાબૂમાં પરિણમે એમ પણ બને.
ગઝલ સર્જનમાં પ્રક્રિયા આવી જટીલ હોય એ સ્થિતિમાં ગૌરાંગ ઠાકરની ઉપર આપેલી સારી ગઝલમાં પાંચ શે’ર મને વધુ સારા મળ્યા તેનો આનંદ છે.
જોઈ શકાશે કે પાંચમો અને છઠ્ઠો શે’ર, બીજી કોઈ ગઝલમાં હોત તો વધુ પ્રભાવક નીવડ્યા હોત, પણ અહીં એના કરતાં વધુ સારા પાંચ પાંચ શે’ર સાથે છે એટલે ઓછા સારા લાગે છે. ગઝલકારનો પ્રયત્ન અહીં ટાંચો પડે છે એવું ય નથી, પણ અગાઉ આવી ચૂકેલા શે’રનો કોઈને કોઈ રીતે પડઘો પડતો હશે કે કેમ, બીજા વધુ સારા શે’રની તુલનામાં આ શે’રો ઓછા સારા લાગે છે. ઓછા સારા શે’ર રહેવાનું જાણે શે’રનું પોતાનું વલણ અહીં કદાચ વધારે સક્રિય છે.
પહેલો શેર જુઓ..
ઝાડ પહેલાં મૂળથી છેદાય છે.
એ પછીથી બારણું થઈ જાય છે.
મત્લામાં, ઝાડની મૂળમાંથી કાપવાની વાત નવી નથી, પણ પછી, લાકડામાં પરિણમવાની જે અપેક્ષા જાગે જે અપેક્ષા જાગે તેને ગઝલકાર વળી એક ડગલું કુદાવીને સીધું જ બારણું થઈ જવા જોડે સાંકડે ત્યારે મિજાજ સંદર્ભે અપેક્ષિત ચમત્કાર સર્જાય. બીજી એક વાત પણ સૂચક છે – ઝાડનું ખુલ્લાપણું, તેની સ્થાયી નિર્બંધતા બારણું થતામાં સ્થાયી બંધન અને પ્રતિક્ષાને પણ સ્ફૂટ કરે છે. આમ તો ઝાડની નિયતિ તે જ કદાચ બારણાની પણ છે, પણ તે મનુષ્યની રહસ્ય ગર્ભિત, બંધનાત્મક નિયતિ પણ સૂચક છે. દીવાલો આવી તેની સાથે ગુલામી પણ આવી,, બંધન પણ આવ્યું તે તિર્યક રીતે ‘બારણું’ દ્વારા અસરકારક રીતે સૂચવાય છે. બારણું એકલું હોતું નથી તે ભીંતને હોય છે એ વાતને ગૌરાંગનાં બીજા એક શે’ર દ્વારા પણ જાણી-માણી શકાશે.
કોઈ મારા ઘર વિષે જાણે નહીં,
એટલી ભીંતો ચણીને શું કરું?
ભીંતો ચણાય તેમ તેમ બારણાંય ઊભા થતાં જાય અને મોકળાશ ઘટતી જાય એવું પણ ખરું જ ને ? ભીંતો જ જો ઘર હોત તો દિશાઓ કોને જડી હોત? એવી ભીંતોનોય શો અર્થ જે ઘરને ઘરમાં જ કેદ કરે ? ભીંતો તો કેદખાનામાં જ ક્યાં નથી હોતી? પણ, ઘરની ભીંતો સાંધે, બાંધે નહીં!
મકાન નાનું હોય તેનો વાંધો નથી, પણ તે ટહુકા વગરનું ન હોય હોય તેવું ગઝલકાર ઈચ્છે છે…
કોયલ કમાડે આવીને ટહુકયા કરે છે રોજ,
અફસોસ નાં રહ્યો કે આ નાનું મકાન છે.
મકાનને હદ હોય, ઘર અનહદ હોય. જેમાં પ્રવેશવાથી અનહદમાં પ્રવેશાય તે ઘર!
તમારા ઘરના રસ્તેથી પ્રવેશું છુ હું અનહદમાં,
અહીં તેથી હું આવ્યો છું બધી સરહદ વટાવીને.
હવે જરા અગાઉ આપેલી ગઝલનો બીજો મત્લા જોઈએ,
આ ગગનચુંબી ઘેરો સર્જાય છે,
આભ તો પંખીનું ઓછું થાય છે.
પહેલાં મત્લાના બારણાની જ ચરમસીમા છે જાણે આ શે’ર ! ગગનચુંબી મકાનોમાં ઊંચાઈ ભીંતોની વધે છે ને નીચાઈ માણસની. આપનો વિકાસ અન્યનો વિનાશ સિદ્ધ થતો હોય તેવો વિકાસ ગઝલકારને અપેક્ષિત નથી. મકાનની ઊંચાઈ વધે કદાચ, પણ આકાશ તો ઘટે. પંખીનું આકાશ ઘટે, કારણ એની ક્ષિતિજો ભીંતો સાથે ટકરાય છે.
એ જ ગઝલનો આ શે’ર જુઓ…
એમને તું કેમ છત્રી મોકલે ?
જે અહીંયા જાણીને ભીંજાય છે.
મનુષ્ય માત્રની એ ફરિયાદ ક્યારેક રહે જ છે કે એને ઇચ્છિત મળતું નથી. અને મળે છે ત્યારે ઈચ્છા રહેતી નથી. દુ:ખ તો કોઈ ઈચ્છે નહીં, પણ સમય પર એન એ ન મળતું સુખ પણ દુ:ખનાં વિકલ્પ જેવું હોય છે, કેટલાં બધા એવાં હશે જેમને વરસાદથી બચવા છત્રી નથી ને જેમણે મન મૂકીને પલળવું છે, પલળવાની ઈચ્છાથી પલળવું છે એમને માથે બિલાડીનાં ટોપ જેવી છત્રીઓ ફૂટી નીકળે છે. આનંદ, નિર્વિઘ્ને જ શક્ય છે તેનો અહીં સરસ સંકેત અપાયો છે.
ઇચ્છવું, સ્વપ્નવું જન્મજાત છે. પણ ગૌરાંગ ઠાકરે જેને સ્વપ્ન પણ ભાગ્યે જ હોય તેના સ્વપ્નની વાત કરી છે. જે બાળકની આંખો અભાવમાં જ ખૂલવાની છે તેનું ભાગ્ય કેવુંક હોય? કેવી વિચિત્રતા છે કે જન્મ્યા પછીની પહેલી આંખો પહેલાં તો ભવિષ્ય નક્કી થઈ ચૂક્યું છે. જેનું ઘોડિયું કોઈ ડાળે જ બંધાતુ હોય તેને સ્વપ્ન જેવું તે શું હોય ને કેવુંક હોય?
સ્વપ્ન જેવું હોય શું એ બાળને?
ડાળે જેનું ઘોડિયું બંધાય છે.
ગઝલકારે અહીં બાળકનું ભાગ્ય તો સૂચવ્યું, પણ શે’રમાં ક્યાંય નથી તે મા-બાપની સ્થિતિ પણ કેવી સિફતથી સૂચવી છે. તે ધ્યાનમાં આવતાં શે’ર વધુ માર્મિક થઈ ઊઠે છે. આ તો બાળકનાં સ્વપ્નની વાત થઈ, પણ સ્વપ્ન ઉમર લાયક થાય તો?
ઈચ્છા તો એવી હોય કે કોઈ પોતાનું સ્વપ્ન બને, પણ આંખોથી ચિત્ર સુધી પહોંચતા પહેલાં જ વાત વિદાયની આવે તો સ્વપ્ન આંખોમાં જ રહે કે બીજું કંઇ?
સપના સુધી તો આવશો એ ધારણા હતી,
પણ, આપ તો ખરાં છો કે પાંપણમાં રહી ગયાં.
સ્વપ્ના સુધી આવનાર જો પાંપણમાં જ રહી જાય, તો વહી પણ જાય! ‘આપ’નો કાકુ પકડાય તો અંતરમાં રહેનાર કેવી રીતે અંતર પાડે દે છે તે ઔપચારિક્તા ય અહીં પ્રગટ થઈ છે.
આવાં સ્વપ્નો, હકીકત સાથે પણ અંતર પાડી દે છે ને પરિણામે માણસ ઠરીઠામ થઈ શકતો નથી. ગૌરાંગ એ અંગે આવું કહે છે..
સ્થિર થૈ જાય સ્વપ્ન તો સારું,
માંડ જીવનમાં ગોઠવાયો છું.
ઐક્ય સંભવતું નથી, ત્યારે એકલતા સંભવે છે. ઘણીવાર એકલતા આગમન ને વિદાય વચ્ચે નથી હોતી, એ હોય છે એન સળંગ હોય છે. આવવાનું અને જવાનું તો એકલા જ હોય છે તેની તો જાણ છે, પણ જીવવાનું એકલા હોય તે સહ્ય નથી. ગૌરાંગ ઠાકર આ વાત કેવી સહજતાથી કહે છે તે જુઓ..
એકલા આવ્યા જવાના એકલા,
પણ અહીં ક્યાં એકલા જીવાય છે?
એકલતા દીવાદાંડી જેવી હોય છે, એ પોતે જ કોઈને નજીક ન આવવાનો સંકેત આપે છે અને ‘કોઈ ન હોવાનો’ સૂનકાર પામે છે.
બધાં બસ દૂરથી ભાળી સુકાનો ફેરવી લી છે,
દીવાદાંડીની પાસે તો સતત સૂનકાર લાગે છે.
એકાંત સૌ કોઈ ઈચ્છે છે ક્યારેક, પણ એકલતા કોઈ ઇચ્છતું નથી, ખાસ કરીને પ્રેમમાં. પ્રેમની પ્રાપ્તિનો આનંદ મનુષ્યને હજારોમાં એકલો તારવી આપે છે અને એની નિષ્ફળતા પણ મનુષ્યને હજારોમાં એકલો તારવી આપે છે. એ વાત પણ સરસ રીતે ગૌરાંગે આ શે’રમાં કહી છે.
સાવ પહેલાં અને પછી છેલ્લાં
આપણે મેં હજારમાં જોયાં.
એ જ ગઝલન્નો આ શે’ર પણ જોવા જેવો છે..
ના કહી જ્યારથી ગયાં છો આપ,
રોજ તમને વિચારમાં જોયાં.
‘આપ’ અને ‘તમને’ માં છતી થતી સંબોધનની ગરબડ, માત્ર ગરબડ નથી, પરાયા થયેલા પ્રેમ સંદર્ભે પ્રવેશેલી ઔપચારિકતા છે. પ્રિય વ્યક્તિ ઘરમાથી નીકળી શકે છે, પણ સ્મૃતિમાથી નીકળી શકતી નથી. જનાર વ્યક્તિ કદાચ પોતાને રોકી રાખે, પણ પોતાનું કોઈના વિચારમાં જવું રોકી શકતી નથી એ વાત ઉપલા શે’રમાં સહજ રીતે પ્રગટે છે !
ઈશ્વર બાબતે પણ ગઝલકાર નોખી અભિવ્યક્તિ સાધે છે. જુઓ..
હોવાપણું ઓ ઈશ્વર તારું વિવાદમાં છે,
મારી તરફ હું તેથી પાછો વળી જવાનો.
નીકળીને પુષ્પથી હવે અત્તર થવું નથી,
માણસ થવાય દોસ્ત તો ઈશ્વર થવું નથી,
કોઈને અહીં ‘તું તો હશે કે કેમ, પણ હું તો જરૂર છું.’ નો પડઘો સંભળાય છે તો પણ વિવાદ તરફ આગળ વધવાને બદલે પોતાની તરફ પાછા વળવાની વાત મૌલિક જરૂર છે. જેને વિશે શંકા છે તે તરફ જવાને બદલે જેના વિશે ખાતરી છે તે તરફ જવાનું જ ડહાપણ ભરેલું નથી? તો, બીજા શે’રમાં ગૌરાંગને ઈશ્વર થવા કરતાં માણસ થવાનું વધારે ખેંચાણ છે, કારણ, ઈશ્વર થવામાં તો કંઇ કરવાનું નથી, પણ માણસ થવામાં તો ઈશ્વર અને નશ્વર બંને જોડે પનારો પાડવાનો છે. કેટલાંક ફૂલો અત્તર થવા માટે નહીં હોતાં એમ જ કેટલાક માણસો ઈચ્છે છે કે માણસ થવાય ને ઈશ્વર ન થવાય તે પૂરતું છે. આમ કહીને ગઝલકારે મહિમા તો માણસનો જ કર્યો છે.
સૂરજ વિશે પણ ગૌરાંગનો લગાવ સ્વયં સ્પષ્ટ છે, એ વાતો તો સંગ્રહના શીર્ષકથી ફલિત થઈ શકે તેમ છે. ગૌરાંગને બીજાનો નહીં, પોતાના હિસ્સાનો સૂરજ ખપે છે. સુખ કડી પણ પૂરું નથી હોતું. એ સૂરજ જેવું છે. સૂરજને ઘરમાં ન લવાય, એના કિરણોથી જ સંતોષ માનવો પડે.
હવે તું સુખ વિશેની માન્યતા બદલે તો સારું છે,
કિરણ લાવ્યો છુ બસ, સૂરજ ઘરે લાવી નથી શકતો.
એવો જ સરસ શે’ર સૂરજની કેવી સાક્ષી પૂરે સીએચએચ તે જુઓ…
મારો પડછાયો પણ સૂરજ લઈ જાય,
ક્યાં હું અકબંધ ઘેર આવું છું?
પડછાયા વિનાનું અકબંધપણું માણસને ના ખપે, કારણ એમાં નર્યો’ અંધકાર સમયો છે, પડછાયા વિનાની રાત સમાયેલી છે. એટલે જ તો એ પણ અમાસે તારાઓની ફોજ સાથે આવે છે, અંધકાર તો એને ય ડારે છે.
તારલાની ફોજ લઈ આવી હતી,
રાત પણ અંધારથી ડરતી હતી.
માણસ પોતાનો સ્વભાવ ન બદલે એટલું નહીં, બીજાનો સ્વભાવ પણ એ પોતાના જેવો કરીને જ જંપે છે. એ વાત દરિયાનું ઉદાહરણ આપીને ગૌરંગે કેવી માર્મિકતાથી કરી છે તે જુઓ..
તું રહે ખારો એ તારો પ્રશ્ન છે,
કેટલી નદીઓ તને મળતી હતી.
અગાઉ કહ્યુ તેમ સુખ ટોચ પર છે ને દૂ:ખની તો તળેટીઓ છે. એવું જ આનંદ અને વ્યથાનું, ઉદાસીનું, એ સળંગ છે, લગાતાર છે.
લગાતાર આવી મળે છે ઉદાસી
અને રોજ ઓછી પડે તે ખુશી છે.
એવું નથી કે આ સંગ્રહમાં સાધારણ શે’રો નથી કે વિષય આધારિત રદીફ કે ચોક્કસ વિષય પરની ગઝલોનું પદ્ય નિબંધ થઈ જવાનું જોખમ ગૌરાંગને પણ નડયું છે, પણ તેની નિષ્ઠા અને મૌલિક અભિવ્યક્તિ માટેની તેની મથામણ અને તેનામાં ગજાદાર ગઝલકાર હોવાની પ્રતીતિ આપે છે અને એ જ કારણે તેને અને તેના સંગ્રહને બાથ ભરવા પ્રેરે છે, તેને બાથ ભીડવાની છે – ગઝલ સાથે, તે એ જાણે છે એટલે શ્રધ્ધા છે કે તે શ્રેષ્ઠની શોધમાં જ રહેશે.
‘મારા હિસ્સાનો સૂરજ’ સૌના હિસ્સાનો સૂરજ બને તેની શુભેચ્છાઓ સાથે વિરમું.
રવિન્દ્ર પારેખ






















Thank you Vipul Joshi for Images.