ચક્કર આવવાના કારણો અને ઉપચાર – ડૉ. તૃપ્તિ ઠક્કર

ચક્કર
ચક્કર
Spread the love

ચક્કર આવતા હોય તો તેનું પાકું નિદાન કરાવવું જરૂરી છે

‘મેડમ, મને કોઈ મોટી બિમારી તો નહીં નીકળે ને?’ ચાલીસીમાં પ્રવેશેલા ચેતનભાઈને ઘણાં વખતથી ચક્કર આવવાની તકલીફ હતી અને કારણ પકડાતું નહોતું. એટલે મને પણ એની ચિંતા વ્યાજબી નથી. તેમને છએક માસથી આ તકલીફ હતી. દવા લે ત્યાં સુધી સારું પછી પાછું એનું એ. નિષ્ણાંત ડૉક્ટરોનાં દવાખાના ગણી ગણીને અને પૈસાનું પાણી કરી કરીને થાકેલા હતાં. એટલે મેં તેમને સાંત્વના આપતા કહ્યું કે,

‘તમને મોટી તો શું, નાની અમથીય બિમારી પણ પકડાઈ નથી અને આયુર્વેદિક સારવાર આપવા માટે મારે તમારા કોઈ નવા રિપોર્ટ કઢાવવાનાં નથી. ફક્ત તમારું નાડી પરીક્ષણ કરવાનું છે. ત્રિદોષ પદ્ધ‌િત પ્રમાણે પિત્ત અને વાયુનું પ્રમાણ જાણવા માટે. તેથી તમે નાની-મોટી કોઈપણ બિમારીની ચિંતા છોડી દો અને તમારા બધાં રિપોર્ટ જોયા પછી મને પાકી ખાતરી છે કે તમારી નાડી પિત્તવૃદ્ધિ બતાવશે અને આપણે દવા કરીશું એટલે તમારી તકલીફનું કાયમી નિરાકરણ થઈ જશે, એમ કહી મેં તેમનાં જમણાં હાથની નાડી તપાસી તો ખરેખર શુદ્ધ પિત્તની જ નાડી આવતી હતી.

શરીરમાં વધેલું પિત્ત, પિત્ત વૃદ્ધિનાં અન્ય લક્ષણો પણ દર્શાવતું હતું. જેમકે, હાથ-પગનાં તળિયા બળવા, ભૂખ વધારે લાગવી, પસેવો વધારે થવો, વાળ સફેદ થવા વગેરે.

મેં તેમની નાડી જોઈને આ બધી વાત કરી તો તેમને નવાઈ લાગી, પણ વૈદ્યોને નાડી પરીક્ષણથી આવો ખ્યાલ આવી જાય છે. જોકે ચક્કર આવવા એ એક એવું લક્ષણ છે, જે ઘણી-બધી બિમારીનાં લક્ષણરૂપે દેખા દે છે. મોટાભાગની તેમાંની બિમારીઓ, સદનસીબે સરળતાથી પકડાઈ જાય છે અને તેનું નિરાકરણ થતાં ગણતરીનાં દિવસોમાં ચક્કર આવવા બંધ થઈ જાય છે. ચેતનભાઈ જેવા કોઈક જ દર્દી હોય જેનાં બધાં રિપોર્ટ્સ સારા હોય અને છતાં ચક્કર સારા ન થતાં હોય!

ચક્કર આવવાના કારણો આ પ્રમાણે છે.

 

લોહીની ઉણપ

ચક્કરનું સૌથી સામાન્ય કારણે તો લોહીની ઉણપ જ છે. જો હિમોગ્લોબીન ઓછું હશે, તો થાક લાગશે. મહેનતનું કામ કરતાં હાંફ ચડશે અને ક્યારેક ચક્કર પણ આવશે. તેથી, લોહીની ઉણપને કારણે જો શરીરમાં ફિક્કાસ વર્તાતી હોય તો હિમોગ્લોબીન વધે તેવા ઉપાય કરવા અને ખોરાકમાં ગાજર, ટમેટા, મોગરી, બીટ, તલ, ગોળ અને લોહતત્ત્વ વધારે તેવાં ખોરાકનો સમાવેશ કરવો.

બ્લડપ્રેશર

ઘણી વખત બ્લડપ્રેશરની વધ-ઘટ પણ ચક્કર આવવાનું એક કારણ હોય છે. જો બીપી ઓછું રહેતું હોય તો ભૂખ્યા ન રહો અને ખોરાકમાં નમક લો. હળવો વ્યાયામ શરૂ કરો. જમવામાં નિયમિતતા જાળવો, પરંતુ જો બીપી વધારે રહેવાને કારણે ચક્કર આ‍વતા હોય તો ખોરાકમાં મીઠું ઓછું કરો અને તુરંત યોગ્ય ડૉક્ટરનો સંપર્ક કરો. ઉપચાર સંબંધી કોઈ નિર્ણય જાતે ન લો. એ કામ નિષ્ણાંત તબીબને કરવા દો. કારણ કે આ સંજોગમાં ચક્કરની ફરિયાદ તો હિમશીલાની ટોચ જેવી હોય છે. ભવિષ્યમાં મોટા પ્રશ્ન ઊભા ન થાય તે માટે નિયમિત દવા લેવી, યોગ, મેડિટેશન સાથે તાણરહિત જીવનશૈલી ગોઠવવા માટે તજજ્ઞની સલાહ અનુસાર વેળાસર ચેતી જાઓ અને ચક્કર આવાનો આભાર માની લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય ભોગવો.

આંખની તકલીફ

ક્યારેક આંખની તકલીફ પણ ચક્કર આવવા માટે જવાબદાર હોય છે. ચક્કરની સાથે સાથે વિઝન કે ચશ્મા સંબંધી કશી ફરિયાદ હોય તો બીજે કશે અટવાયા વગર આંખનાં ડૉક્ટરને મળો. આંખની તકલીફનું નિવારણ થતાં ચક્કર આપોઆપ બેસી જશે.

કાન-નાકની તકલીફ

આંખની સાથે નાક અને કાનની તકલીફને કારણે પણ ચક્કર આવી શકે. કાનમાં સોજાને લીધે કે નાકમાં સાઇનસ ભરાઈ જવાથી પણ ચક્કર આવવા બહુ જાણીતા છે. આ માટે ઈએનટી સ્પેશિયાલિસ્ટને મળી, પાકું નિદાન કરાવી સંબંધિત તકલીફનો ઈલાજ કરાવી ચક્કરમાંથી છુટકારો મેળવી શકાય છે. સાયનસ અને જૂની શરદીમાં તો આયુર્વેદિક સારવાર પણ અક્સીર છે.

સર્વાઇકલ સ્પોન્ડીલાઇટિસ

કેટલાક લોકોને ગરદનનાં મણકામાં સોજો આવવાનાં કારણે કે ઘસારો થવાને લીધે પણ ચક્કર આવી શકે છે. પીઠનાં દુઃખાવાની સાથે શરીરનું પોશ્ચર બદલાવાથી પણ ચક્કર આવતા હોય છે. સાથે હાથનાં આંગળા સુધી ઝણઝણાટી પણ થઈ શકે. આ માટે હાડકાનાં ડૉક્ટરનું માર્ગદર્શન લઈ દવા-પરેજી-કસરત દ્વારા આ તકલીફનો ઉપાયગ કરવો જોઈએ.

મેલેરિયાનો તાવ

ઘણી વાર મેલેરિયાને કારણે અથવા તેની દવાને લીધે પણ ચક્કર આવવા કે ડબલ દેખાવાની તકલીફ થતી હોય છે, પણ તે તાવનાં બે-ત્રણ દિવસ પૂરતી જ હોય છે.

બ્લડસુગર

 લોહીમાં સાકરનું પ્રમાણ ઘટી જવાના કારણે પણ એકાદ સેકન્ડ માટે ચક્કર આવી જાય કે નબળાઈ લાગે. ખાસ કરીને ઘરકામની વ્યસ્તતાને કારણે જમવાનું ભૂલી જતી અથવા પતિનાં આવવાની રાહ જોઈને ભૂખી બેસી રહેતી બહેનોને આવી તકલીફ થાય છે. ડાયાબિટીસનાં ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન પણ ભૂખ્યા પેટે લેવાય તો હાઇપોગ્લાઇસેમિયા થાય છે. આ સ્થિતિમાં તાત્કાલિક કશુંક ગળ્યું ખાઈ લેેવાથી રાહત થાય છે.

પિત્ત વૃદ્ધિ

ઘણી વાર ઉપરનાં બધાં નિષ્ણાત ડૉક્ટરો દર્દીને ક્લિનચીટ આપે છતાં ચક્કર ચાલુ રહે ત્યારે માણસ હારી થાકીને જાય ત્યારે વૈદ્ય સંભવતઃ પિત્તવૃદ્ધિનું નિદાન કરી પિત્તનું શમન થાય તેવા ઔષધો આપે. તેનાથી નિદાન નહીં થયેલા ચક્કર પણ મટી જાય છે.

મેં પણ ચેતનભાઈને પિત્તનું શમન થાય એ માટે સુતશેખર રસ, કામ દૂધા રસ, ગોદંતી ભસ્મ અને કેટલાક ચૂર્ણોનો ઉકાળો બનાવીને આપ્યો અને પરેજીમાં ખાટું-ખારું, તીખું-તળેલંુ અને આથાવાળું ખાવાનું સદંતર બંધ કરાવ્યું. ઘી, દૂધ, મગ, ચોખા, સાકર, દૂધી, પરવળ એ બધાં પિત્ત ઓછું કરનાર ખોરાક છે. તેથી તેનો ઉપયોગ વધારવા કહ્યું.

ફક્ત દસ જ દિવસની દવા પૂરી કરીને આવેલા ચેતનભાઈએ રિપોર્ટ આપ્યો. છેલ્લાં ત્રણ દિવસમાં એક જ વાર સહેજ ચક્કર જેવું લાગ્યું છે, ‘મેં કહ્યું કે, એ પણ જતું રહેશે શરીરનું બધું પિત્ત શુદ્ધ થઈ જાય ત્યાં સુધી દવા ચાલુ રાખશો તો એકવાર સારી થયેલી તકલીફ ફરીવાર આવવાનું નામ નહીં લે!’

ડૉ. તૃપ્તિ ઠક્કર

ચક્કર
ચક્કર
Total Page Visits: 403 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!