ચાહત અને ચા – રમેશ ઠકકર

ચા
ચા
Spread the love

        તમને કોઇ ચાની ઓફર કરે અને તમે ના પાડો તો જાણે આત્મીયતાનું બાષ્પીભવન થઇ જાય છે. ચા એક હાથવગું પ્લેટફોર્મ છે આપસી લાગણીસંચાર માટે. સાથે ચા પીનાર હંમેશાં યાદ રહી જતા હોય છે.

ચા
ચા

          ચા એટલે જાણે ચાહત. દુનિયામાં આટલું લોકપ્રિય પીણું કદાચ બીજું કોઇ નહીં હોય. હમણાં રાધનપુર અને આસપાસના ગામોમાં સતત વિહરવાનું થયું. અને લોકો પ્રેમથી ચા માટે કહે ત્યારે ના કહેવી મુશ્કેલ હતી. અહીં ‘ચા પીધો’ એમ પુરૂષવચનમાં બોલાય છે. બાકી ગુજરાતમાં ‘ચા પીધી’ એમ બોલાય છે. રાધનપુર લોહાણા બોર્ડિંગમાં ત્રણેક દાયકા પહેલાં અમને સવારે ચા ને બદલે દુધ મળતું. પછી અમે અમારી રીતે બહાર ચા પીવા જતા જયાં ત્રીસ પૈસામાં આખો કપ ચા મળતી. જયાં ચા પીતા એનું નામ હતું ‘ટનાટન ચા સેન્ટર’. ટનાટનની ચા ફેમસ હતી. મિત્રો સાથે મુફલીસી માણવાનો એ જમાનો જુદો  હતો.

         અમદાવાદમાં એક જમાનામાં ‘લકી’ ની ચા પીવાનો ક્રેઝ હતો. ગાંધીનગરમાં મીનાબજારની ચાનો અલગ અંદાજ છે. દરેક શહેરમાં એકાદ બે આવી ફેમસ કીટલીઓ હોય છે. અમદાવાદમાં તો કીટલી સર્કલ નામે જાણીતો રોડ છે. હમણાં રાજકોટની ‘ખેતલા આપા ચા ‘ની ધૂમ છે. ચા એ મિત્રો સાથે પીવાની મજા છે. ટેબલ ઉપર સજાવટ સાથે કપમાં મુકાતી ચામાં એટલી મજા આવતી નથી. એક જમાનામાં દુધ વગરની ચા જેને કાહવો કહેવાય એ પણ વિકલ્પ હતો. વાઘ અને બકરી એકસાથે એક જ કપમાં પી શકે એવું આ મજેદાર પીણું છે.

          અમારા ગામ કામલપુર ગામમાં તાંસળીમાં ચા પીવાતી. પિત્તળ કે સ્ટીલની રકાબી સુખી ઘરોમાં જ જોવા મળતી…ચિનાઈ માટીના કપ રકાબી તો ઘણા મોડા આવ્યા. ચા પીવાની એક માનસિકતા હોય છે. કોઇ માણસ સવારમાં વિલાયેલો જોવા મળે તો કહેવાતુ  “ચા ઉગી નથી લાગતી! ‘ ચા જયારે ઉગે છે ત્યારે તાજગીનાં કણસલાં ચહેરા ઉપર લહેરાય છે.   

        ચા અને ચાહને સીધો સંબંધ છે..મુળ એ વિદેશી પીણું છે. ઇ.સ.પુર્વે ચીનના વેપારીઓ એને ભારતમાં લાવ્યા..શેન નુન્ગ નામે ચીનનો શાસક એનો જન્મદાતા ગણાય છે..ઇ.સ.1403માં એ જાપાનમાં લોકપ્રિય બની..ભારતમાં એ આસામમાંથી પ્રવેશી. પણ ચા નો વિશ્વકક્ષાએ ડંકો વગાડયો સર  થોમસ લિપ્ટને સત્તરમી સદીમાં. લિપ્ટનની ‘ચા’ એ પર્યાયરૂપ બની ગઇ..

      સુરતના એ વખતના(1585થી 1680)ગુજરાતી બાહોશ વેપારી વીરજી વોરા એ આખા દેશમાં ચા ના ધંધામાં ડંકો વગાડી દીધો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપની અને મુઘલ શાસકો વીરજી શેઠ ને ભરપુર માનપાન આપતા. (આ છે ગુજરાતની અસ્મિતા) સુરતના એ વખતના અંગ્રેજ રેસીડન્ટ જયોર્જ ઑકસીડન્ટે ઇ. સ.1622માં એમની પ્રશસ્તિ કરતાં લખ્યું છે “Veerji is quick and resourceful.. his brain has the highest cash value in moghul empire.” આમ વીરજી શેઠના સામ્રાજ્ય થી શરૂ થયેલ ચા આજે તો ગુજરાતી ઘરઘરમાં આપ્તજન બની ગઇ છે. એને ટકકર આપે એવું કોઇ પીણું નથી. એની સહોદર કોફીને ગણાય, પણ તોય ‘ચા’  તો ‘ચા’ જ છે.

         ઘણા ગુજરાતી લેખકો ચા ના શોખીન છે. એક કવિ વિશે સાંભળ્યું હતું કે એ રોજની ચાલીસ થી પચાસ કપ ચા ગટગટાવી જતા. જો કે એમના તરફથી કવિતાઓ પણ એટલી જ મળતી..!ગુજરાતી સાહિત્ય જગતમાં ચા ને ઉજાગર  કરે એવી કવિતા વાર્તા કે લેખન કેમ થયું નથી એ નવાઇની વાત છે. ફક્ત એક કહેવત ‘ચા કરતાં કીટલી ગરમ’ જાણીતી છે ! નવા સર્જકો ચાની ચુસ્કી લઇ જો આ વિષયમાં ઝંપલાવે  તો એમાં ઘણી તાજગીસભર શકયતાઓ  દેખાય છે.

                         રમેશ ઠકકર

Total Page Visits: 683 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!