ચિત્તો : હાલમાં આ પ્રાણી ભારતમાંથી લુપ્ત થયેલ છે

Spread the love

એક સમયે સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં જોવા મળતો ચિત્તો છેલ્લી સદીના બીજા દસકા સુધી ગુજરાતમાં અસ્તિત્વમાં હતો અને 1942 માં ગુજરાતમાં છેલ્લા ચિત્તાનો શિકાર થયેલો. હાલમાં આ પ્રાણી ભારતમાંથી લુપ્ત થયેલ છે. તે મોટેભાગે ઓછી ઊંચાઈ ની ટેકરીઓવાળા આછા ઘાસ વાળા, ઓછી ઝાડીવાળા વિસ્તારમાં જોવા મળતા.

ચિત્તો
ચિત્તો

‘ચિત્તા’ કે’Cheetah’ શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ‘ચિત્રકાયા’ પરથી આવેલો છે. કેમકે ચિત્તાના આછા સોનેરી રંગના શરીર પર આખા કાળા રંગના ટપકાં હોય છે અને દરેક ચિત્તાના શરીર પર ના ટપકાની ભાત અલગ-અલગ હોય છે. મોઢા પર નાકની બંને તરફ આંખની કીકી આગળથી નીકળતી કાળી રેખા તેના ઉપરના હોઠ સુધી પહોંચે છે. જેને એક સાહિત્યકારે ‘રુદન રેખા’ તરીકેની ઉપમા આપી છે. તે ચિત્તાની ખાસ ઓળખ ગણાય છે.

ટૂંકા અંતરમાં ભૂમિ પર સહુથી ઝડપથી દોડી શકતા પ્રાણીમાં તેની ગણના થાય છે. તે શિકાર નજરે ચડતા જ 20 થી 60 સેકન્ડમાં 170 મીટર જેટલું અંતર કાપે છે. જોકે આ ઝડપ તે 500 મીટરથી વધારે અંતર સુધી જાળવી શકતો નથી. ચિત્તાને કલાકના 95 કિમીની ઝડપે દોડતો જોયા ના ઉદાહરણ મળે છે. 190 થી 200 સેમી લંબાઈ ધરાવતા ચિત્તાનું વજન 25 થી 60 કિ.ગ્રા હોય છે. તેના આગળના પગ લાંબા અને મજબૂત હોય છે.

તેમજ માથું નાનું અને ગોળ હોય છે. કાન ટૂંકા હોય છે. તેનું આયુષ્ય 12 વર્ષ જેટલું હોય છે. બીજું બિલાડી કુળના બધી જ જાતિના પ્રાણીઓના પગના નખ અંદરની તરફ ઢંકાઈ જાય છે. જ્યારે અપવાદરૂપ ફક્ત ચિત્તાના પગના નખ ખુલ્લા રહે છે. આવા ખુલ્લા નખ તેને શિકારની પાછળ ઝડપ થી દોડતી વખતે જમીન સાથેની પકડ મજબૂત રાખવામાં મદદરૂપ બને છે.

તેના પગલાની છાપમાં નખનાં નિશાન જોઈ શકાય છે. ચિત્તો ગર્જના કરવાને બદલે જુદી-જુદી જાતના અવાજ કાઢે છે. દિવસનું બે કિલો માંસ ખાય છે. તે સામાન્ય રીતે હરણ જેવા પ્રાણીઓનો શિકાર કરે છે. એક જમાનામાં મોગલો અને ભાવનગરના રાજવીઓ દ્વારા શિકારની રમત માટે ચિત્તાને પાલતુ બનાવી તાલીમ આપવામાં આવતી હતી.

ચિત્તાની બીજી વિશેષતા એ છે કે, તે હંમેશા જોડીદાર સાથે શિકારે નીકળે છે. શિકાર નજરે પડતાવેત અપ્રતિમ વેગથી તેના તરફ દોટ મૂકે છે. અને જોતજોતાંમાં પોતાના શિકારને મહાત કરી નાખે છે. ચિત્તા ની માદા એકથી છ બચ્ચાને જન્મ આપે છે. જે 250થી 300 ગ્રામના હોય છે. નર બચ્ચાની કાળજી લેતો નથી. બચ્ચા મા પાસે સવાથી દોઢ વર્ષના થાય ત્યાં સુધી રહે છે. ત્રણ મહિના સુધી ચિત્તાના બચ્ચા કાળા રંગના હોય છે.

વિશ્વમાં આજે ચિત્તા આફ્રિકા અને ઇરાનના અમુક ભાગમાં જ જોવા મળે છે, જે આફ્રિકન ચિત્તા ગણાય છે. એશિયાઈ ચિત્તા આપણે ત્યાંથી લુપ્ત થયેલ છે. કચ્છના ધોળાવીરા વિસ્તારમાં ચિત્તાના પુનર્વસન માટેની વિચારણા ચાલી રહી છે. બાળમિત્રો, તમારે ચિત્તાને જોવો હોય, તો જુનાગઢ સક્કરબાગ ઝૂમાં ચિતાની એક જોડ સિંગાપુરથી લાવવામાં આવી છે.

કવિશા જોશી

Total Page Visits: 466 - Today Page Visits: 1

1 comments on “ચિત્તો : હાલમાં આ પ્રાણી ભારતમાંથી લુપ્ત થયેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!