જલરવનો કલરવ : ચડતો રહું છું ચાકડે કારણ વિના

Spread the love

શ્રી વારિજ લુહારનો ગઝલ સંગ્રહ ‘જલરવ’ હાથમાં આવ્યો.

જલરવ
જલરવ

સંગ્રહના નામ અનુસાર જ એક એક ગઝલમાંથી આગવો નિનાદ સંભળાય છે. જેમ જલનો રવ ધોધના પ્રપાત રૂપે, જંગલમાં ઝરણાં રૂપે, સમથળ ભૂમિમાં કલરવ રૂપે, સંગમ સ્થાને અથડાતાં વમળ રૂપે , કૂવામાં શાંત રૂપે કે પનિહારીના બેડલામાં ઝાંઝર સાથે સમન્વિત– એમ વિધવિધ સ્વરૂપે હોય છે તે જ પ્રમાણે પ્રસ્તુત સંગ્રહમાં પ્રત્યેક ગઝલનો એક આગવો રવ અને લય છે. આ મિજાજ ગઝલ સંગ્રહના ‘જલરવ’ નામને સાર્થક કરે છે.


કેટલાંક શેરમાં ગહેરું ચિંતન સ્ફુટ થાય છે. ગીત કે ગઝલમાં ચિંતનાત્મક વાતો પ્રસ્તુત કરવા અભિધાને અતિક્રમવી એ અઘરું કાર્ય છે પણ અહીં ગઝલકાર સુપેરે સફળ થયા છે :

સત્યને પણ હોય છે એનું વજન
જોખવું જોખાય તો જોખી જુઓ

પાકી ગયેલો છું ઘડો હું તે છતાં
ચડતો રહું છું ચાકડે કારણ વિના

રદીફનો આગ્રહ રાખ્યા વિના પણ લગાગાગાના બંધારણને ચુસ્તપણે અનુસરીને ગઝલમાં આંતરિક લય અને સૌન્દર્ય પ્રગટાવી શકાય છે :

મને પકડું, મને છોડું અને દોડું,
પછી તો થાયને થોડું ઘણું મોડું ?

કેટલીક ગઝલો સજીવારોપણ અલંકારથી નીખરી છે :

ફૂલોનું ફરકે અંગ એનું કૈંક તો કારણ હશે !
ખૂશ્બો કરી લે વ્યંગ એનું કૈંક તો કારણ હશે !

જળને લાગ્યું કે એ નોધારું થયું છે.

ભમવા ગયેલો વાયરો પાછો ફરે
વૃક્ષો બધાં યે આગતા એની કરે

ગઝલકારો ઘણીવાર સાવ ચર્ણવચર્વિત રૂપકોનો ઉપયોગ કરતા હોય છે પણ અહીં શ્રી વારિજભાઈનો અંદાજ સાવ નોખો છે. :

નખ ઉદાસીના વધે છે રાત દહાડો

અહીં ઉદાસીનતાને નખનું રૂપ આપ્યું છે. આ વાંચતા ભાવકના ચિત્તમાં વાઘ-વરુના પંજાના નખનું વિકરાળ રૂપ દ્રષ્ટિ સમક્ષ ઉપસ્થિત થાય છે અને ઉદાસીનતા કેવી ભયાવહ છે એનું તાદ્શ ચિત્ર રજુ થાય છે. આ જ તો કવિકર્મની ખૂબી છે.

પ્રથમ દ્રષ્ટિએ જે શેર સાવ સાધારણ લાગતા હોય છતાં તેના અસાધારણ અર્થ થતા હોય તેવા કેટલાંક શેર મોજ કરાવે છે :

ઘોઘલાથી દીવનો માર્ગ છે પહોળો ઘણો
વાર તહેવારે છતાં સાંકડો લાગ્યા કરે

અહીં મદ્યપાન નો ઉલ્લેખ કર્યા વગર જ કવિએ થોડામાં ઘણું કહી દીધું છે !
વિરોધાભાસી ભાવ ઉપજાવીને કવિએ સશક્ત શેર આપ્યા છે :

નથી ઊંઘ આવી કદી માછલીને
સમંદર સતત આંખોમાં ઘૂઘવે છે.

ઘણીવાર ગઝલ રચનામાં વિરોધાભાસી ભાવ ઉપજાવ્યા વગર ચમત્કૃતિ સાધવી એ ઘણું કઠિન છે પણ વારિજભાઈ એમાં પણ સફળ થયા છે :

લ્યો પરોવો સોય દોરામાં હવે
જેમ તૂટ્યો એમ બસ સાંધો મને

જળ ઉપર શ્રદ્ધા હતી કે તારશે
તે છતાં જાવું પડ્યું તરણાં સુધી


કવિએ મહદઅંશે ભાવસભર ગઝલો આપી છે, આમ છતાં ક્યાંક તેઓ વધુ ઉમદા શેર આપી શક્યા હોત. કવિએ પોતાની ભાવદશામાં જે લખ્યું તેને પ્રમાણવું જ રહ્યું. આમ છતાં કેટલાંક શેર કાવ્યત્વની રીતિના અર્થમાં વધુ સારા થઈ શક્યા હોત એ વિશે અત્રે ઈંગિત કરું છું :

ક્યાંક શેર અતિ સુંદર હોવા છતાં વધારાનો શબ્દ શેરની મજા મારી નાખે છે :

માર્ગ તો સઘળા હજી રસ્તે જ ભેળા થાય છે
આપણે કેડી બની છૂટી જવાનું આપણે

અહીં ‘આપણે’ એક જ વાર આવ્યું હોત તો ચાલત.
કેટલાંક એવા શેર છે જેમાં કાવ્યત્વ સિદ્ધ થતું નથી. જુઓ આ મત્લા :

નખમાંથી મેલ કાઢવો એ રીત કૈં સારી નથી,
ને મૂળમાંથી કાપવો એ રીત કૈં સારી નથી

એક અન્ય શેર :

એમ લાગ્યું કે ગળું બેસી ગયું છે,
ગીત પછી ક્યાં એકે બીજું ગવાયું

કેટલાંક શેર અર્થ સંદીગ્ધ રહે છે :

આગની વચ્ચે હતું એ,
આગથી આગળ ગયું છે.

ખાંસી, બગાસું, છીંક અથવા હેડકી
આવે તો એનું કાટલું કરતાં અમે


કેટલાંક શેર અભિધાયુક્ત અને ગમે તેવા તો નથી :

ખરજવું વધે તો ખરજ પણ વધે છે
પછીથી ત્વચાની અરજ પણ વધે છે

શ્રી વારિજભાઈની ગઝલોમાં મત્લા કરતાં પછીના શેર વધુ સશક્ત આવ્યા છે. પરંપરાગત ગઝલ રચનામાંથી બહાર નીકળીને કવિઓએ વસ્તુગત ગઝલો પ્રસ્થાપિત કરી. ત્યારે શ્રી વારિજભાઈએ તેથી પણ એક ડગલું આગળ વધીને જિવાતાં જીવનની ગઝલો લાવ્યાં. એટલે જ એની ગઝલોમાં ખરજવું, ખણજ, ગંગુ તેલી, લાલિયો લુહાર, નખનો મેલ, કસતર, ઘારું, ઠીબ જેવા અરૂઢ શબ્દો સ્થાન પામ્યા છે.

વારિજભાઈ પોતે વ્યવસાયમાં હેડ કલાર્ક તરીકે નિવૃત થયા હતા તેથી તેની ગઝલમાં વ્યવસાયગત કાર્યપ્રણાલીની છાંટ ન આવે તો જ નવાઈ કહેવાય :

વર્ગીકરણ કરવું પડે એવી બધી પીડા વિશે
નિયમો ઠરાવો હોય તો એને જરા નોંધી જુઓ

આ જ તો જિવાતા જીવનની કવિતા છે. વર્તમાન ગઝલકારોમાં શ્રી વારિજભાઈ એક સારા ગઝલકાર તરીકે ઉપસી આવ્યા છે. આપણે એટલી આશા જરૂર રાખીએ કે આપણને કવિ પાસેથી વધુને વધુ સત્વશીલ રચનાઓ મળતી રહે. કવિ પોતે પોતાના કવિકર્મ વિશે કહે છે :

મેં કવિતા જેમ રોપ્યો શબ્દને
અર્થની એકાદ ખીલી પાંખડી

પણ આમ કહેવામાં કવિની નમ્રતા છે. કવિએ તો ‘જલરવ’માં અર્થ છાયાઓની વિધવિધ છટાઓ પ્રગટ કરી છે એની સુયોગ્ય નોંધ લેવી જ રહી.

જલરવ પ્રાપ્તિ સ્થાન

પ્રવીણ પ્રકાશન રાજકોટ.

Total Page Visits: 275 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!