જૈન ધર્મ વિજ્ઞાન અને તર્કના પાયા ઉપર ઊભો છે – લે. ચંદ્રકાન્ત બક્ષી

ચંદ્રકાન્ત બક્ષી
ચંદ્રકાન્ત બક્ષી
Spread the love

જૈન ધર્મ વિજ્ઞાન અને તર્કના પાયા ઉપર ઊભો છે. એ કદાચ એક કારણ છે કે કાળના પ્રવાહો સામે એ આજ સુધી સ્વસ્થતાથી જીવી શક્યો છે અને જીવે છે.

જૈનોની શાખા-પ્રશાખાઓ હિન્દુઓ જેવી નથી, પણ મુંબઈના કોઈપણ ગુજરાતી દૈનિક વર્તમાનપત્રની મૃત્યુનોંધો જોવાથી એનો થોડો ખ્યાલ આવી શકે છે. ઓસવાલ પોતાને ક્ષત્રિય કુળના ગણે છે. કચ્છમાં એમની ઘણી વસ્તી છે. જે ધર્મ વર્ણભેદના વિરોધરૂપે જન્મ્યો હતો. એમાં હવે પોતાના જ ભેદભાવ જન્મી ચૂક્યા છે અને એ સ્વાભાવિક છે. હિન્દુસ્તાનમાં શીખો અને ખ્રિસ્તીઓમાં પણ અસ્પૃશ્યો છે, પણ જૈનોમાં અસ્પૃશ્યો નથી એ એક બહુ મોટી વાત છે!

નવકારમંત્ર જૈન ધર્મના પાયામાં છે. નમસ્કાર મહામંત્રમાંથી નમઃકારમંત્ર બન્યો, એમાંથી ‘નવકારમંત્ર’ શબ્દ આવ્યો. આને નવના આંકડા સાથે સંબંધ નથી. ભમરામાંથી ‘ભંવરા’ કે કમલમાંથી ‘કંવલ’ની જેમ ‘મ’ અક્ષર ‘વ’માં કાળક્રમે બદલાઈ ગયો! આ ધર્મ ચોક્કસાઈ પર કેટલો ભાર મૂકે છે અને કેટલો તર્કશુદ્ધ છે એ માટે એક દૃષ્ટાંત જોવા જેવું છે. પ્રથમ પાંચ મંત્રો પછી આવે છે : ‘એસો પંચ નમુક્કારો, સવ્સ પાવપ્પાણાસણો’ અર્થાત્ આ પાંચ મંત્રો, સર્વે પાપોનો નાશ કરે છે. અહીં જે ‘પણાસણો’ શબ્દ છે એ સંસ્કૃત ‘પ્રનાશ’નું અર્ધમાગધી સ્વરૂપ છે. માત્ર પાપના નાશની વાત નથી, પણ પાપનો પ્રનાશ થાય છે. છાણાં બાળીને અને એની રાખ થઈ જાય એટલે કહેવાય કે છાણાંનો નાશ થયો, પણ એ રાખ જ્યારે ઊડી જાય ત્યારે કહી શકાય કે હવે છાણાંનો પ્રનાશ થયો! માત્ર પાપના નાશથી જ સંતોષ નથી, એની રાખ ઊડી જવી જોઈએ. વિચારોની આટલી શુદ્ધતા અને તર્ક પછીનો ધારદાર વિતર્ક એ જૈન ધર્મની ખાસિયત છે!

જૈનો કોઈ જાતિ કે પેટાજાતિ નથી પણ ધર્મપરાયણ પ્રજા છે. જૈન શબ્દ પણ પાટીદારની જેમ હોદ્દાવાચક કે નાગરની જેમ જાતિવાચક નથી, કોઈ સરકાર કે પ્રતિષ્ઠાને એમને આ નામ આપ્યું નથી, પણ પ્રજાએ પોતે પોતાના માટે આ નામ સ્વીકાર્યું છે. ધર્મ, કર્મ, માન્યતાઓ, ખાવા કે ન ખાવાના નિયમો, વ્યવહાર આદિમાં એમની પાસે હજારો વર્ષ જૂની પ્રણાલિકાઓ છે. એ કોઈ માતા કે ઈશ્વરમાં માનતા નથી, પણ તીર્થંકર, અરિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વગેરે ઊંચી અને ઊંચી આધ્યાત્મિક સ્થિતિઓની એમની પાસે એક ભૂમિકા છે. જ્યાં માણસ પોતે જ ઈન્દ્રિયદમન અને તપસ્યા કરીને મોટો બની શકે છે. જૈન ધર્મ વિજ્ઞાન અને તર્કના પાયા ઉપર ઊભો છે. એ કદાચ એક કારણ છે કે કાળના પ્રવાહો સામે એ આજ સુધી સ્વસ્થતાથી જીવી શક્યો છે અને જીવે છે.

જૈનોએ આપેલી પ્રતિભાઓની યાદી કરવી હોય તો આ જ કદનો બીજો એક લેખ ઓછો પડે! પણ થોડાં નામો એમની પ્રવૃત્તિઓની વિવિધતા સમજવા માટે ગણાવી શકાય. ધર્મની દુનિયામાં કેટલાંય મોટાં નામોનો ઈતિહાસ સાક્ષી છે. મધ્યયુગમાં હેમચંદ્રાચાર્યનું નામ સૂર્યની જેમ પ્રકાશે છે. અકબરના જમાનામાં હીરવિજયસૂરિને શાહી દરબારમાં આમંત્રણ મળ્યું હતું અને એમને ‘જગદ્દગુરુ’ની ઉપાધિ અપાઈ હતી. એમના પ્રયત્નોને કારણે અકબરે માંસાહારનો ત્યાગ કર્યો હતો. પછી તો કેટલાય વિચારકો અને વિદ્વાન સૂરીઓ આવતા ગયા. આપણા જમાનામાં શ્રીમદ્દ રાજચંદ્ર સુપ્રસિદ્ધ છે. ગાંધીજીને ખ્રિસ્તી થતાં અટકાવનાર શ્રીમદ્દ હતા. એવી પણ એક વાત છે.

આજના ભારતના એક સુખ્યાત કે કુખ્યાત પણ અત્યંત મેઘાવી વિચારક પણ જૈન છે – આચાર્ય (હવે ભગવાન) રજનીશ! પણ એ મધ્ય પ્રદેશના છે. મધ્યયુગનું એક બહુ મોટું નામ આનંદધનજી! એમના સમયના મહાન નૈયાયિક યશોવિજયજી, આ સિવાય આપણા સમયમાં ‘પંજાબકેસરી’ કહેવાતા વલ્લભસૂરિ અને એમના પ્રતિસ્પર્ધી રામસૂરિ જૈનદર્શનના બે સ્થંભો સમાન હતા. આ સિવાય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા આત્મરામજી, કાશીવાળા વિજયધર્મસૂરિ અને પુણ્યવિજયજી, હમણાંના દિવસો તરફ આવીએ તો મુનિ સંતબાલ! અને એક જરા ચર્ચાસ્પદ અને ચટપટું નામ – મુનિ ચિત્રભાનુ, જે અમેરિકામાં જૈન ધર્મ ભણાવવા સિવાય પણ પ્રવૃત્તિઓ કરે છે! અને જૈનોના કાનજી સ્વામીને કોણ ઓળખતું નથી?

ઇતિહાસપ્રસિદ્ધ આબુનાં મંદિરો બનાવનારા મંત્રીઓ વિમલ શાહ અને વસ્તુપાલ-તેજપાળ તથા રાણા પ્રતાપના મુખ્ય મંત્રી ભામાશાહ જૈન હતા. ગુજરાતના ઈતિહાસના સુવર્ણયુગ જેવા સોલંકીકાળમાં જૈનોનું વર્ચસ્વ હતું. તત્કાલીન ગુજરાતી ઈતિહાસ પણ એમની પાસેથી જ મળે છે. ગુજરાતના એક પ્રખર વિદ્વાન પંડિત સુખલાલજી અંધ હતા, પણ એમના મુકાબલાની પ્રતિભા ભાગ્યે જ પેદા થઈ છે. જેમને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળી છે એવા જૈન ભાષાશાસ્ત્રી પ્રબોધ પંડિત હતા.

કુંવરજી આણંદજી જૈન ધર્મના પ્રકાંડ શાસ્ત્રજ્ઞ હતા. એમના પુત્ર પરમાનંદજી કુંવરજી કાપડિયા ‘પ્રબુદ્ધ જીવન’ (પહેલાં ‘પ્રબુદ્ધ જૈન) સાથે સંકળાયેલા હતા, સમાજનેતા હતા. એમના જ પિતરાઈ મૂળ ભાવનગરના મોતીચંદ કાપડિયાએ મહાવીર જૈન વિદ્યાલયો સ્થાપ્યાં, જેને કારણે જૈન સમાજને પ્રથમ કક્ષાના પ્રોફેસરો, ડૉક્ટરો, અભ્યાસીઓ મળ્યા! ગઈ સદીમાં પ્રખ્યાત શેઠ મોતીચંદ ઉર્ફે મોતી શાહ થઈ ગયા જે લવજી વાડિયાના મુકાબલાના જહાજમાલિક હતા. દુનિયાભરમાં ધંધો કરતા તારાચંદ મોતીચંદ ચિનાઈ ચીની ભાષા ભણ્યા હતા, ચીનની મુસાફરી કરનારા પ્રથમ જૈન ગૃહસ્થ હતા અને જૈનોએ જેમને માટે ખરેખર ગર્વ લેવો જોઈએ એવો એક શાહ-સૌદાગર મર્દ ખેલાડી જે એ જમાનામાં કરોડો કમાયો, કરોડો ખોયા, મુંબઈનું આખું ‘રેક્લેમેશન‘ કર્યું. મુંબઈના રાજા, દુનિયાનાં રૂબજારોને ધ્રુજાવનારો સુરતનો જૈન સપૂત – પ્રેમચંદ રાયચંદ. મુંબઈએ અને કદાચ હિન્દુસ્તાને આવો શેરદિલ અને ભડવીર માણસ જોયો નથી. બહાર – ગેટ (બઝાર ગેટ)ના જૈન કુટુંબોને સામાયિક-પ્રતિક્રમણ કરવામાં સમય જોવાની તકલીફ પડે છે માટે માતા રાજબાઈએ એક ટાવર બાંધવાનું સૂચન કરતાં પ્રેમચંદ રાયચંદે મુંબઈનો વિશ્વવિખ્યાત રાજાબાઈ ટાવર બંધાવ્યો!

ગઈ સદીમાં સ્વામી વિવેકાનંદ ગયા હતા એ અમેરિકાની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે જઈને વીરચંદ રાઘવજી ગાંધીએ વિદેશોમાં પ્રથમ વાર જૈન ધર્મ વિષે વ્યાખ્યાનો આપ્યાં હતાં. યુવાનીમાં અવસાન પામેલા એ પ્રખર જૈન વિદ્વાનને જૈનોએ જ્ઞાતિ બહાર મૂક્યા હતા! જૈનોમાં દાન અને ધર્મ વિદ્વત્તાની સાથે સાથે રહ્યાં છે. યશોદેવસૂરિ જૈન શિલ્પસ્થાપત્યના નિષ્ણાત અને તત્વજ્ઞ છે. વિજયધર્મસૂરિની પ્રેરણાથી મૂર્તિપૂજક સમાજમાં કરોડો રૂપિયાનાં દાનનાં કાર્યો થયાં છે. સુરતમાં બે કરોડને ખર્ચે મહાવીર હૉસ્પિટલ બનાવનાર દાનવીર જયંતીલાલ રતનચંદ શાહને કેમ ભૂલી શકાય? એક તદ્દન જુદાં ક્ષેત્રમાં એ જૈન મશહૂર થયા હતા – નથ્થુમંછા જાદુગર હતા!

અમદાવાદનાં વિખ્યાત જૈન પરિવારની વાત કર્યા વિના સૂચિ અધૂરી રહી જાય! મૂળ સ્થાપક શાંતિદાસ શેઠ, એમના જ પરિવારમાં એક પુત્રના વંશવૃક્ષમાં હેમાભાઈ અને એમના પુત્ર પ્રેમાભાઈ થયા. બીજી લાઈનમાં થયેલા લાલભાઈ અને એમના યશસ્વી પુત્ર (અને હવે સ્વર્ગસ્થ) કસ્તૂરભાઈને આખું ગુજરાત ઓળખે છે. જૈનમંદિરોની વ્યવસ્થા કરતી ‘આણંદજી-કલ્યાણજી’ની પેઢી (આ કોઈ વ્યક્તિઓ નથી, પણ આનંદ અને કલ્યાણ એવી ભાવનાઓ છે!)નો વહીવટ પણ લાલભાઈએ કર્યો હતો. હઠીસિંહ કેસરીસિંહ એ બીજો પરિવાર જેમનું હઠીસિંહ દેરું અમદાવાદનું એક દર્શનીય સ્થાન છે. એ પરિવારના રાજા હઠીસિંહ જવાહરલાલ નેહરુની બહેન કૃષ્ણાને પરણ્યા હતા! સારાભાઈ પરિવારે દેશને ઘણાં નામો આપ્યાં છે. આંબાલાલ સારાભાઈના કાકા ચીમનલાલ નગીનદાસનું સી.એન. વિદ્યાલય મશહૂર છે. એ જ કુટુંબમાં ઈંદુમતી ચીમનલાલ થયાં.

ભારતના વિરાટ ઉદ્યોગોમાંથી કેટલાક જૈન છે : વાલચંદ હીરાચંદ, સારાભાઈ, કસ્તૂરભાઈ લાલભાઈ, કામાણી, કિલાચંદ, ચંદેરિયા! ચંદેરિયા પરિવારના ઉદ્યોગો બત્રીસ દેશોમાં છે. ફીટટાઈટ બૉલ્ટ-નટ્સ કંપનીના ચેરમેન લાલદાસ જમનાદાસ વોરા અગાઉ મુંબઈના શેરબજારન પ્રમુખ રહી ચૂક્યા છે. મજાની વાત એ છે કે મુંબઈના ધનપતિઓને ધ્રુજાવનાર મજૂરનેતા આર.જે. મહેતા પણ પાલનપુરના લાખોપતિ જૈન ઝવેરી પરિવારના નબીરા છે! જૈનો ઉદ્યોગપતિઓની સાથે સાથે મજદૂરનેતા પણ પેદા કરી શકે છે!

જૈન સમાજનું એક પ્રતિષ્ઠિત નામ ચીમનલાલ ચકુભાઈ શાહ. તે મુંબઈ સરકારના સૉલિસિટર. લોકસભાના સભ્ય અને યુનોની મહાસમિતિમાં ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય રહી ચૂક્યા છે. ડૉ. રમણલાલ ચી. શાહ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે અને મધ્યકાલીન જૈન સાહિત્ય તથા તત્વજ્ઞાનના તજજ્ઞ છે. શિક્ષણના ક્ષેત્રમાં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. મધુરીબહેન શાહ ભારતભરમાં સુવિખ્યાત છે. મુંબઈના બેશુમાર ડૉક્ટરો જૈન છે. એક નામ ડૉ. કે.એન. કામદાર, જેમનું એશિયાના પ્રમુખ રેડિયોલૉજીસ્ટોમાં સ્થાન છે. બાલકૃષ્ણ દોશી ભારતના પ્રમુખ સ્થપતિઓમાં (આર્કિટેક્ટ) ગણાય છે અને અમદાવાદનાં કેટલાંય આધુનિક મકાનો એમના કસબની સાક્ષીરૂપે ઊભાં છે. ડૉ. વિક્રમ સારાભાઈ વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા અને એમના પરિચયની જરૂર નથી.

અર્થશાસ્ત્રી પ્રો. કે. ટી. શાહ લોકસભાના સભ્ય હતા અને રાષ્ટ્રપિતની ચૂંટણી માટે ઊભા રહ્યા હતા. વાડીલાલ ડગલી ‘કૉમર્સ’ પત્રિકાના સંપાદક છે. અર્થશાસ્ત્રી છે. ‘જન્મભૂમિ’ પત્રોના પ્રાણ જેવા સંપાદક અમૃતલાલ શેઠ જૈન હતા. સર્વ પ્રથમ ગુજરાતી ફિલ્મ સાપ્તાહિક ‘ચિત્રપટ’ શરૂ કરનાર નગીનલાલ શાહ, ‘ગુજરાત સમાચાર’ના તંત્રી શાંતિલાલ શાહ, ‘જયહિંદ’વાળા બાબુભાઈ શાહ, 90 હજાર નકલોનો ફેલાવો ધરાવતા ‘ફૂલછાબ‘ દૈનિકના સંપાદક હરસુખ સાંગાણી આ બધા જ ગુજરાતના પત્રકારત્વ પર છવાયેલા છે. આજના ગુજરાતી વિવેચક-વિચારક અને ‘ગ્રંથ’ના તંત્રી યશવંત દોશી જૈન છે. રાજનીતિશાસ્ત્રના પંડિત ડૉ. રજની કોઠારી પણ જૈન છે અને સેક્સ વિજ્ઞાનના પંડિત ડૉ. પ્રકાશ કોઠારી પણ જૈન છે.

આ દરેક પોતપોતાનાં ક્ષેત્રોમાં શિખર પર છે! સિનેમાની દુનિયામાં સરદાર ચંદુલાલ એક જ હતા! ફિલ્મવિતરકોમાં કપૂરચંદ પરિવારનો સિક્કો હતો. કલ્યાણજી અને આણંદજી સંગીતક્ષેત્રે સુપ્રસિદ્ધ છે. ફિલ્મ-ફાઈનાન્સમાં નામ કાઢનાર જી. એન. શાહ પણ જૈન છે. ગુજરાતી નાટકની દુનિયામાં જાનદાર કાન્તિ મડિયાના કદમ સાથે કદમ મિલાવીને ચાલનારા ઓછા છે. નાટ્યક્ષેત્રે લાલુ શાહ અને જગદીશ શાહ ગાજતાં નામો છે. નૃત્યની ફિલ્મોની મુખ્ય ગુજરાતી અભિનેત્રી રાગિણી જૈન છે. નૃત્યની ઝિલમિલ દુનિયામાં ઝવેરી બહેનોએ નામ રોશન કર્યું છે અને આજે મલ્લિકા સારાભાઈ પણ ટોચનું નામ છે. હિન્દુસ્તાનમાં જાદુની માયાજાળ કાન્તિલાલ ઉર્ફે કે.લાલે આવી પાથરી છે કે હવે એ આંતરરાષ્ટ્રીય બની ગઈ છે અને ક્રિકેટના રસિકોને ભારતીય ટેસ્ટ ટીમના સ્પીન બોલર દિલીપ (રસિકભાઈ) દોશીનો પરિચય આપવાનો રહેતો નથી.

સાહિત્યમાં જૈનોએ બહુ મોટાં નામો આપ્યાં છે : વાડીલાલ મોતીલાલ શાહ અને મોહનલાલ ચુનીલાલ ધામી, ચુનીલાલ વર્ધમાન શાહ અને જયભિખ્ખુ! આધુનિક ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિ અને ગાંધીજીના શબ્દોમાં ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણી જૈન હતા. એમના ભત્રીજા રમણીક મેઘાણીએ બંગાળી સાહિત્યની કૃતિઓના ઉત્તમ અનુવાદો ગુજરાતીને આપ્યા છે. કથાવાર્તામાં ટોચનાં નામો જૈન છે – ચુનીલાલ મડિયા અને ગુલાબદાસ બ્રોકર! લોકપ્રિય કથાકારોમાં રસિક મહેતા બહુ વંચાય છે અને ગઈ પેઢીનું એક નામ – મોહનલાલ મહેતા – સોપન!

ધર્મમાં કહ્યું છે કે કશાયનો વાસ ચાર જગ્યાએ છે : ક્રોધનો લલાટમાં, માનનો ગરદનમાં, માયાનો હૃદયમાં, લોભનો સર્વ અંગોમાં! કદાચ ‘મહાજાતિ’નો વાસ જૈનોમાં હશે.

– ચંદ્રકાંત બક્ષી

Total Page Visits: 548 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!