જૈન ધર્મ

Spread the love

જૈન ધર્મનો અર્થ

‘જૈન’ – ‘જિન’માં માનનારા લોકો છે. જિન એવા લોકોને કહે છે જેણે પાશવી સ્વભાવને જીત્યો હોય છે અને જેણે કામુકતા, ધિક્કાર વગેરેને વશ કર્યા હોય છે. જૈન શબ્દ જિન એટલે ‘વિજયી’ શબ્દ પરથી આવેલ છે. જિન-નો ધાતુ ‘જિ’ એટલે જિતવું – એટલે કે કામવાસનાને જીતવી. પ્રજાઓને જીતવાનો અર્થ અહીં થતો નથી. કામવાસનાઓ આત્માની દુશ્મન ગણાય છે. આત્માનાં ગુણો પર તે આવરણ કરે છે. સાચી સમજણને ધૂંધળી બનાવે છે. અજ્ઞાન અને બદચાલ પેદા કરે છે. કામુકતા, ક્રોધ, અભિમાન અને લોભ મુખ્ય વાસનાઓ ગણાય છે.

જૈન સિદ્ધાંત બુદ્ધિ આધારિત છે. સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું વર્તન અને દયા તેના મૂળ છે. વિશ્વના સર્જક તરીકે ઈશ્વરનું અસ્તિત્વ અને દુનિયાનાં શાસક તરીકે ઈશ્વરને માનવાને દ્રષ્ટિએ જૈનધર્મ ઈશ્વરવાદી નથી. જૈન ફિલસૂફી મુજબ સર્વોચ્ચ વ્યક્તિ વેદાંતના નિર્ગુણ બ્રહ્મ જેવી વ્યક્તિ નથી પણ એક પુરુષ છે.

તીર્થંકર

લાંબાગાળાનાં આત્મનિગ્રહ બાદ દિવ્ય પૂર્ણતા પ્રાપ્ત કરનાર પુણ્યશીલ માણસો પ્રત્યે આદર તે જૈનનો ધર્મમત છે. જેવા પરમ જ્ઞાનમય સંત બુદ્ધ બૌદ્ધને છે તેવા દુન્યવી એષણાઓને જીતનાર જિતેન્દ્રિય સંત-જિન-જૈનોને છે. તે જિનેશ્વર, અરહંત, તીર્થંકર, સર્વજ્ઞ અને ભગવાન કહેવાય છે.

‘તીર્થ’નો ભાષાકીય અર્થ ‘ઓળંગી જવાનું સાધન’ થાય છે. તાત્ત્વિક દ્રષ્ટિએ જન્મ-મરણરૂપી સંસારને પાર કરવામાં મદદકર્તા આધ્યાત્મિક પથદર્શક કે ફિલસૂફી એવો તેનો અર્થ થાય છે. ‘કર’નો અર્થ – ‘કારક’ થાય છે. તીર્થંકર શબ્દનો અર્થ છે, ‘જૈનોના પવિત્ર ગુરુ’.

જૈનોનાં મત મુજબ સર્વજ્ઞ જ જીવનનો સાચો રાહ બતાવી શકે છે. આ તીર્થંકરો પૃથ્વીનાં સર્જક કે સમ્રાટ નથી. તેઓ તે દિવ્ય આત્માઓ છે જેણે પૂર્ણતા પ્રાપ્ત કરી હોય છે. તેઓ ફરીથી માનવદેહ ધારણ કરતા નથી.  

મહાવીર

જનધર્મનાં સ્થાપક મહાવીર નથી. તેણે જૈનમતને પુનર્જીવિત કર્યો. ધર્મ – સ્થાપક  નહીં પણ તેઓ સુધારક હતા. તે ધર્મનો ફેલાવો કરનાર પહેલા કાર્યરત તીર્થંકર હતા. તે ચોવીસમાં તીર્થંકર હતા. તેઓ સર્વજ્ઞ હતા. તે મહાવીર હતા. પાશ્વનાથ ત્રેવીસમા તીર્થંકર હતા. ઋષભદેવ પહેલા તીર્થંકર હતા.

સમય કાળચક્રમાં વહેંચાયેલો છે. દરેક અર્ધ કાળચક્રમાં લાંબા સમયને અંતરે ચોવીસ જૈનોએ સમયના વિભાગ કર્યા છે. (1) ઉત્સર્પીણી – ચઢતું કાળચક્ર (2) અવસર્પીણી – ઉતરતું કાળચક્ર. દરેકનાં છ તબક્કા છે.

ધ્યાનમુદ્રામાં બેઠેલ બુદ્ધ જેવી જ તીર્થંકરની મુર્તિ હોય છે. બૌદ્ધ વિચારોને પ્રદર્શિત કરતો જૈન ધર્મ છે. બૌદ ધર્મ સાથે તેને ઘણું સામ્ય છે. તે બૌદ્ધ ધર્મનો પિતરાઇ છે, ભલે તે તેનો વંશજ ન કહેવાય.

બે જાતના જૈન હોય છે.

 1. શ્રાવકો (ધર્મના વ્યવહારમાં પડેલા) અને
 2. યતિઓ – મઠોમાં રહેતા, મુંડન કરાવેલ મુનિઓ, સાધુઓ, તપસ્વીઓ. આ મુનિઓ દુન્યવી સઘળા સબંધો તોડી નાખે છે. જીવનભર તદ્દન ત્યાગનું વ્રત તેઓ લે છે. તેઓ પાંચ વ્રતો લે છે. તેમના મુખ્ય બે વિભાગ છે.
  1. શ્વેતાંમ્બર (શ્વેતવસ્ત્ર પરિધાન કરેલા)
  2. દિગંબરો (આકાશ-વસ્ત્રવાળા કે નગ્ન).  

જૈન ફિલસૂફી

સત્યના સાક્ષાત્કાર માટે માનવીએ પાશવી સ્વભાવને જીતી લેવાને અત્યંત જરૂરિયાત પર ઇયાન ફિલસૂફી ભાર આપે છે.

વેદોને જૈન આધારભૂત માનતા નથી.

જૈનો સમસ્ત વિશ્વને બે વિભાગમાં વહેંચી નાંખે છે. ચેતન વ્યક્તિઓ એટલે જીવ કે આત્મા અને જડ વસ્તુઓ એટલે કે અજીવ કે અનાત્મા. જીવ એ તત્ત્વ છે કે જે જાણે છે, વિચારે છે, અનુભવે છે. તે જીવંત વ્યક્તિમાં રહેલ દિવ્ય તત્ત્વ છે. સત્યજ્ઞાન, સત્યશ્રધ્ધા અને સદાચાર જીવનનો સાચો સ્વભાવ છે. જન્મ-મરણના ફેરામાં ફસાયેલ રહે ત્યાં સુધી જીવ ઉત્ક્રાંતિ અને અંતર્વલય પામે છે. જીવ નથી તે અજીવ છે.

આ વિશ્વની સઘળી અનેકતા જીવ અને અજીવના મિલનમાંથી ઉદભવે છે. તે બંનેની અન્યોન્ય અસરથી જગતનો ક્રમ વિકાસ ચાલે છે. જીવ પરના અજીવ બંધનો જ્યારે બધા જ ઉખડી જાય છે ત્યારે તે શુદ્ધ થાય છે અને મુક્તિ પામે છે.

જૈન

જ્ઞાનના પાંચ દરવાજા છે.

 1. ઇન્દ્રિયો. નિમ્નત્તમ જીવજાતિ ને એક સ્પર્શેન્દ્રિય જ હોય છે. ઉચ્ચતર જીવજાતિઓને બે, ત્રણ, ચાર કે પાંચ ઇન્દ્રિયો હોય છે.
 2. બીજો દરવાજો છે : અભ્યાસ. સૂક્ષ્મ વસ્તુઓની જાણકારી જેનાથી થાય છે તે માનસિક શક્તિ.
 3. જેને અવધિ કહે છે તે ત્રીજો દરવાજો છે.
 4. ચતુર્થ મન છે.
 5. અસિમ જ્ઞાન.  

જૈન ધર્મ સિદ્ધાંતના બે વિભાગ છે. (1) શ્રુતધર્મ એટલે ફિલસૂફી (2) ચારિત્ર્યધર્મ એટલે નીતિશાસ્ત્ર. કુદરતના નવ સિદ્ધાંતો વિશે, છ જાતના જીવ વિશે અને ચાર પ્રકારના અસ્તિત્વ વિશે શ્રુત ધર્મ અન્વેષણ કરે છે. ચાર પહેલા સિદ્ધાંતો છે : જીવ, અજીવ, પુણ્ય જેને કારણે માણસ સુધી થાય છે અને જે કારણે માણસ દુ:ખી થાય છે તે પાપ.

જેનાથી પાપ અને પુણ્યપ્રાપ્ત થાય છે તે પાંચમી સ્થિતિ છે. બાહ્ય શક્તિઓનું અવતરણ બંધ કરનાર છટ્ઠી સ્થિતિ કહેવાય છે. ‘સંવર’ સાતમી છે. અર્થાત શુદ્ધિને ઉત્તપત્તિ. શુધ્ધિની વૃદ્ધિ અને કર્મોના નિર્જરવાની સ્થિતિને આઠમી ‘નિર્જરા’ કહે છે. જીવનો બધા જ કર્મોમાંથી સદંતર, પૂર્ણ મોક્ષ તે નવમી સ્થિતિ છે.

જીવની અધોગતિ થતાં અટકાવે તે ધર્મ. સારા અને મીઠાં કર્મોના બંધન જીવને જગત સાથે જકડી રાખે છે.

અસ્તિત્વની ચાર અવસ્થા છે.

 1. સ્વર્ગીય જીવો-દેવો
 2. જગતના જીવો-મનુષ્યો,
 3. મનુષ્યોથી અધમ જાતિના ફળ-ફૂલ, પ્રાણીઓ-પક્ષીઓ વગેરે
 4. નર્ક નિવાસી અધમ અસ્તિત્વ ધરાવવાની જગ્યા નર્ક.

જીવો છ જાતના છે : અજ્ઞાની અજીવ છે. જીવ અને અજીવનું કોઈ ઉદગમસ્થામ નથી. ભૂતકાળમાં તે અસ્તિત્વ ધરાવતા, વર્તમાનમાં તે છે, ભવિષ્યમાં પણ તે હોવાના છે. બંનેનું જોડાણ ક્યારે થયું તે કહી શકાતું નથી. તેનું જોડાવાનું સૃજન-જૂનું છે. જીવો અને અજીવો અગણ્ય છે. જીવો અનંત છે. દરેક જીવ પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખે છે. પોતાના બધા જ કર્મોનો ક્ષય થઈ જાય છે ત્યાં સુધી દરેક જીવે જન્મ મરણના ફેરામાં ભટક્યા કરવું પડે છે. સંચિત કર્મોના બંધન ઢીલા કરી, તેનો નાશ સત-જ્ઞાન, સત-બોધ, સદાચાર એ આત્મસંયમ કે તપ દ્વારા કરી શકાય.   

જીવ

જીવંત પ્રાણી કે જીવો બે જાતના હોય છે (1) સિદ્ધ (2) સંસારી.

જૈન ફિલસૂફી માને છે કે દરેક જીવનું જુદું વ્યક્તિત્વ હોય છે. તે અજન્મા અને શાશ્વત છે. કર્મના સિદ્ધાંત મુજબ નીચલી કક્ષાથી ઉપલી કક્ષામાં જીવે જીવ ઊર્ધ્વીકરણ પામે છે. જ્યાં સુધી આગલી જિંદગીઓના કર્મો પૂરા ભોગવાય જતાં નથી ત્યાં સુધી તે નવું શરીર ધારણ કર્યા કરે છે. અંતે કર્મના બંધન તોડીને પોતાની પૂર્ણ શુચિતા પ્રદર્શિત કરે છે અને નિર્વાણ કે મોક્ષ પામે છે. તેનું વ્યક્તિત્વ કશામાં વિલય પામતું નથી. તે નાશ પણ પામતું નથી. પૂર્ણતા પામેલો જીવ પુલલિંગ, સ્ત્રીલિંગ કે નાન્યતરલિંગ નથી. દરેક જીવ પ્રેચ્છન્ન રીતે સર્વજ્ઞ છે. જીવનો સ્વભાવ જ ચેતના છે. જીવ જ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ છે. જીવની શક્તિઓ અસંખ્ય છે. કર્મ-બંધન કાપવાની તેની અઢળક શક્તિ છે.

અજીવ

અજીવના મુખ્ય પાંચ વિભાગ છે.

 1. ધર્માસ્થિકાય (જીવ અને ભૌતિક તત્ત્વોને ચાલન શક્તિ આપનાર)
 2. અધર્માસ્થિકાય (જીવ અને ભૌતિક તત્ત્વોને આરામ આપનાર),
 3. અટકાશસ્તિ (જીવ અને અજીવને જે આશરો આપે છે)
 4. કાળ
 5. પુદગલ

ઈશ્વર

જૈન ફિલસૂફીમાં વૈશ્વિક ન હોય તેવો વ્યક્તિગત સર્જક જેવો કોઈ ઈશ્વર માન્ય નથી. તે માને છે કે ચેતન કે અચેતન બધી જ વસ્તુમાં બધી જ વસ્તુમાં એક સૂક્ષ્મ તત્ત્વ છે, જેનાથી બધાં રૂપો પેદા થાય છે.  આ ઈશ્વર છે. પૂર્ણત્વં પામેલ આત્મા, મોક્ષ પામેલ જીવને જૈનો ઈશ્વરતત્ત્વ માને છે. બધાં જ કર્મોનો નાશ કરી, મોક્ષ પામ્યા હોય પામ્યા હોય તો જીવો – તીર્થકરોને જૈનો ઈશ્વર તરીકે માને છે. બધા જ સંસારી બંધનોથી છૂટેલ, સાચા સાધુની જિંદગી ગાળતા, બધી જ સ્વાર્થી ઈચ્છાઓ તજેલ, આધ્યાતિક ગુરુ તેઓ સ્વીકારે છે, આવા સાધુઓ જે ધર્મ ફેલાવે છે તેને જ તેઓ સાચો ધર્મ માને છે.  

તીર્થંકરો

જૈન તીર્થંકરો નિર્દોષ હોય છે. તે સાચા ઈશ્વર છે, તે સર્વજ્ઞ હોય છે. અને ધર્મનિરદેશક હોય છે. ભૂખ, તરસ, જરા, વ્યાધિ, જન્મ, મરણ, ડર, અહંકાર, આસક્તિ, ધૃણા, મોહ, ચિંતા, ઘમંડ, બેચેની, વ્યગ્રતા, ઊંઘ અને આશ્ચર્ય આમ અઢાર દોષોથી તેઓ મુક્ત હોય છે.

જગત

વસ્તુ પ્રત્યેના જૈન દ્રષ્ટિકોણ બે છે. 1)  દ્રવ્યાર્થિકનય, 2) પર્યાયર્થિકનય. પહેલી દ્રષ્ટિથી જગતનો આદિ કે અંત નથી.

બીજી દ્રષ્ટિએ હરેક ક્ષણે સર્જન અને વિનાશ થયા કરે છે. જૈનો ચોક્ક્સપણે કહે છે કે શાશ્વત અણુઓઓનું વિશ્વ બનેલ હોય તે પહેલા પણ હતું અને શાશ્વતકાળ સુધી ટકી રહેશે.

જગત છ ચોક્કસ વસ્તુઓનું બનેલું છે. આકાશ, કાળ, દ્રવ્ય આત્મા, ધર્માસ્થિકાય (ચલનનું આધારબિંદુ) અને અધર્માસ્થિકાય (સ્થિરતાનું આધારબિંદુ) આ છે છ વસ્તુઓ,. આકાશમાં બીજા તત્ત્વો કહે છે.

આકાશ અપરિમિત છે. કાળ વાસ્તવિક છે, તેનો આદિ કે અંત નથી. ભૌતિક ચીજો અણુઓની બનેલ છે. વિશ્વથી બહારનો કોઈ સર્જક કે સમ્રાટ નથી. અસંખ્ય જાતની વસ્તુઓ હોય છે. વસ્તુ અને અસ્તિત્વ જુદા પાડી શકાતા નથી.  

કર્મનો નિયમ

જૈન ફિલસૂફીમાં કર્મનો સિદ્ધાંત  ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. જૈન ધર્મ ફિલસૂફીનો વિદ્યાર્થી કોઈ પણ બનાવની પાછળ રહેલું કર્મ શોધી કાઢે છે. સત-શ્રદ્ધા,  સદજ્ઞાન, સદાચાર દ્વારે જે પોતાનાં કર્મોના નાશ કરે છે તે પૂર્ણત્વ પામે છે. તેઓ દિવ્ય બને છે અને જિન કહેવાય છે. દરે યુગે કાયાનું જ્ઞાન આપનાર અને વ્યવસ્થા સાચવનાર જિન, તીર્થંકર કહેવાય છે.

જૈન ધર્મનો સારાંશ ‘અહિંસા પરમો ધર્મ:’માં આવી જાય છે. જૈનધર્મનો પાયાનો સિદ્ધાંત અંહિસા છે.  બધાં જ જીવોનું  હિતરક્ષણ અને સંવધર્મ જૈનધર્મ બોધે છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહચર્ય અને અપરિગ્રહ જૈન ધર્મના વૈશ્વવિક સિદ્ધાતો છે.

સત-શ્રદ્ધા, સદજ્ઞાન અને સદાચાર નિર્વાણપથના ત્રણ અંગો છે.

જૈન ફિલસૂફીના મતથી બધા દુ:ખોનું મૂળ રાગ અને દ્વેષમાં રહેલું છે. આચારસંહિતા દયા પર આધારિત છે. દયાનાં કાર રૂપો છે. દયાનાં ચાર રૂપો છે.

 1. બદલાની આશા સિવાય માયાળું વર્તન,
 2. અન્યની સંપત્તિ જોઈ આનંદ પામવો.
 3. દુ:ખીઓ માટે અનુકંપા અને તેના દુ:ખો દૂર કરવા.
 4. ગુનેહગાર પ્રત્યે અનુકંપા, વિશ્વબંધુત્વ અને સર્વજીવની સમાનતા જૈન ધર્મ શીખવે છે,

તેના બધાં અનુયાયીઓને ખૂબ જ આત્મસંયમ જાળવવા તે અનુરોધ કરે છે. વ્યક્તિ આપબળે બહારના તત્ત્વોથી ઢંકાઈ ગયેલ પોતાની ગર્ભિત શક્તિઓ બહાર લાવે છે. માનવજીવનનાં શુચિતા કે પૂર્ણતા પામવા ત્રણ હીરાઓ : સતશ્રધ્ધા, સદજ્ઞાન અને સદાચાર જોઈએ. આ દુનિયામાં સૌથી ઉપરનાં સિદ્ધક્ષેત્રમાં વાસ કરવા મોક્ષ પામેલ આત્મા જાય છે.  

આ લેખ ‘શિવ- આનંદ’ પુસ્તકમાથી લેવામાં આવેલ છે.

પુસ્તકનું નામ : શિવ-આનંદ

લેખક : સ્વામી શિવાનંદ સરસ્વતી

પ્રકાશક : દિવ્ય જીવન સંધ ટ્રસ્ટ, રતનપર, સુરેન્દ્રનગર, ગુજરાત

Total Page Visits: 1089 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!