ભાષા સ્પષ્ટ અને સુવાચ્ય લખવા માટે શુદ્ધ જોડણી અનિવાર્ય છે. અશુદ્ધ જોડણીમાં લખાયેલા સારા વિચારો પણ વાચકોને આકર્ષી શકતા નથી. વળી અશુદ્ધ જોડણીથી અર્થનો અનર્થ પણ ઘણી વખતે થઇ જવાનો સંભવ છે. જોડણીમાં સહેજ ફેરફાર થવાથી અર્થ કેવો ફરી જાય છે તે નીચેના ઉદાહરણથી સમજાશે.
ખચિત (જડેલું) – ખચીત (ચોક્કસ)
શરુ (એક જાતનું વૃક્ષ) – શરૂ (આરંભ)
અલિ (ભમરો) – અલી (સ્ત્રીને માટે વપરાતો શબ્દ)
વધુ (વધારે) – વધૂ (વહુ)
વારિ(પાણી) – વારી (વારો)
પાણિ (હાથ) – પાણી (જલ)
સચિંત (ચિંતાયુક્ત) – સંચિત (એકઠું કરેલું)
જોડણીની અરાજકતા દૂર કરવા માટે ગૂજરાત વિદ્યાપીઠે ભારે મહેનત લઇ એક ‘કોશ’ તૈયાર કર્યો. એ જોડણી આજે લગભગ સર્વમાન્ય બની છે. શિષ્ટ પુસ્તકો અને સામયિકોએ તેનો સ્વીકાર કર્યો છે. યુનિવર્સિટીઓએ પણ એ જોડણી સ્વીકારી છે.
જોડણીના કેટલાક નિયમો
ગૂજરાત વિદ્યાપીઠે રચેલા જોડણીના નિયમોમાંના કેટલાક અગત્યના નીચે આપ્યા છે.
તત્સમ શબ્દોની જોડણી
૧ સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. જેમ કે નીતિ. ગુરુ, હાનિ વગેરે
૨ ભાષામાં તત્સમ અને તદભવ બંને રૂપો પ્રચલિત હોય તો બંને સ્વીકારવાં.
દા.ત. કઠિન – કઠણ, કાલ- કાળ, હુબહુ- આબેહૂબ, ફર્શ – ફરસ.
૩ અરબી ફારસી તથા અંગ્રેજી ભાષાના શબ્દો લખતાં તે તે ભાષાના વિશિષ્ટ ઉચ્ચારો દર્શાવવા ચિહ્નો વાપરવાં નહિ.
દા.ત. ખિદમત, વિઝિટ વગેરે.
પરંતુ અંગ્રજી શબ્દોના એ-ઓના ઉચ્ચારમાં ભ્રાંતિ ન થાય એટલા માટે તે દર્શાવવા ઉંધી માત્રાનો ઉપયોગ કરવો.
દા.ત. કૉલેજ, ડૉકટર
૪ વ્યંજનાંત તત્સમ શબ્દો ગુજરાતી પ્રત્યયો લેતા હોય તેમને અકારાંત ગણીને લખવા.
દા.ત. વિદ્વાન, જગત, સંસદ.
પણ પશ્ચાત્, અર્થાત્, કવચિત્ વગેરે શબ્દો વ્યંજનાંત જ લખવા.
છતાં આવા શબ્દોની પાછળ ‘જ’ આવે ત્યારેર અકારાંત કરી નાખવા. જેમ કે, કવચિત જ .
૫ બનતાં સુધી અનુસ્વારો વાપરવા, છતાં તેમને બદલે અનુનાસિકો વાપરવાંમાં વાંધો નથી. જેમ કે, ખંડ, દંત – દન્ત, શાંત – શાન્ત.
૬ શબ્દોની પૂર્વે આવતાં કેટલાક પૂર્વગ તથા ઉપસર્ગની જોડણી નીચે પ્રમાણે છે.
અનુ – અનુસાર, અનુરૂપ
નીસ્ – નિસ્તેજ, નિર્ભય
દુસ્ – દુષ્ટ, દુર્ગુણ
વિ – વિનાસ, વિલાસ
નિ – નિપાત, નિગ્રહ
અધિ – અધિપતિ, અધિવેશન
અતિ – અતિવૃષ્ટિ, અતિસ્નેહ
અભિ– અભિષેક, અભિનંદન
પ્રતિ – પ્રતિબિંબ, પ્રતિપક્ષ
પરિ – પરિક્રમણ, પરિણામ
તિરસ્ – તિરસ્કાર
૭ શબ્દોની પાછળ આવતા કેટલાક તદ્દિત અને કૃત્ પ્રત્યાત્યોની જોડણી નીચે પ્રમાણે છે.
ઇક – માનસિક, સામાજિક
ઇન અથવા ઈ – ધની, કર્મી, અર્થી
ઇષ્ટ – સ્વાદિષ્ટ, વિશિષ્ટ
ઇન – પ્રાચીન, અર્વાચીન
તિ – શક્તિ, ભક્તિ, નીતિ
વાન્ અથવા વન્ત – ભગવાન, ભગવંત
માન્ અથવા મન્ત – નીતિમાન, નીતિમંત
વિન્ અથવા વી – તેજસ્વી, યશસ્વી
તદ્ભવ શબ્દોની જોડણી
ઇ – ઈ કે ઉ – ઊ
૧ અન્ત્ય ઇ હોય તો તે દીર્ઘ લખવી.
ધણી, વીંછી, અહીં, દહીં
અન્ત્ય ઉ હોય તો તે હ્સ્વ લખાય.
લાડુ, પિયુ, જાદુ
૨ હ્સ્વ ‘રુ’ આમ લખવું.
બૈરું, છોકરું
દીર્ઘ ‘રૂ’ આમ લખવું. જેમ કે શરૂ
૩ એકાક્ષરી શબ્દોમાં નિરનુસ્વાર ઊ દીર્ઘ લખવો.
થૂ, લૂ
૪ બે અક્ષરના શબ્દમાં પહેલા અક્ષરનો ઈ કે ઊ દીર્ઘ કરવો.
જેમકે, ઝીણું, શીળું, ચૂક તૂત
જ્યાં ઇ કે ઉ પછી જોડાક્ષર આવતો હોય ત્યાં ઇ કે ઉ ને હ્સ્વ કરવાં. દા.ત. કિસ્તી, શિસ્ત, છુટ્ટી, જુસ્સો, ચુસ્ત
૫ શબ્દમાં બેથી વધારે અક્ષરો હોય તેમાં ઈ કે ઉ પછી લઘુ અક્ષર આવતો હોય તો ઈ કે ઊ ને દીર્ઘ કરવાં.
મૂલવ, મજૂર, ખેડૂત, વસૂલ, મંજૂર
પણ ઇ કે ઊ દીર્ઘ અક્ષર આવતો હોય તો તેમને હ્સ્વ કરવાં.
ખુશાલ, દુકાળ, સુતાર, કિનારો.
અપવાદ ૧ વિશેષણ ઉપરથી થતાં નામો તેમજ નામ ઉપરથી બનતાં ભાવવાચક નામોમાં મૂળ શબ્દની જોડણી કાયમ રાખવી.
દા.ત. ગરીબ – ગરીબાઈ, વકીલ – વકીલાત, મીઠું – મીઠાશ, જુઠું – જુઠાણું
અપવાદ ૨ કેટલાક શબ્દો બોલતાં ઉપાન્ત અક્ષર ઉપર ભાર આવે છે ત્યાં ઈ કે ઊ દીર્ઘ કરવાં.
દા.ત. દાગીનો
૬ ચાર કે તેથી વધારે અક્ષરના શબ્દમાં પહેલા અક્ષરનો ઇ કે ઉ હ્સ્વ કરવાં.
દા.ત. મિજલસ, હિલચાલ, કુદરત, કિલકિલાટ, ખિસકોલી
(ગૂજરાત – ગુજરાત વિકલ્પ છે.)
૭ અન્ત્ય ઈ તથા ઊ પર આવતાં અનુસ્વારનો ઉચ્ચાર પોચો થતો હોય ત્યારે ઈ કે ઊ દીર્ઘ લખવાં.
પણ સમાસમાં મૂળ શબ્દોની જોડણી કાયમ રાખવી. દા.ત. ભૂલથાપ, બીજવર
દા.ત. ઈંડું, મૂંઝાવું, પીંછું, લૂંટ
૮ મૂળ શબ્દમાંથી ઘડાતા નવા શબ્દોમાં તેની મૂળ જોડણી કાયમ ન રાખતાં નિયમ ૫ અને ૬ પ્રમાણે ફેરફાર કરવો.
નિયમ ૫ પ્રમાણે ફેરફારના ઉદાહરણો
મૂળ ફેરવાયેલો
નીકળ નિકાલ
ઊઠ ઉઠાવ
નિયમ ૬ પ્રમાણે ફેરફારનાં ઉદાહરણો
મૂળ ફેરવાયેલો
ભૂલ ભુલામણી
શીખ શિખામણ
૯ મૂળ ધાતુનાં પ્રેરક કે કર્મણી રૂપ કરતાં નિયમ ૫ તથા ૬ પ્રમાણે ફેરફાર કરવા. જેમકે,
ભૂલવુ ઉપરથી ભુલાવું, ભુલાવવું
મુકવું ઉપરથી મુકાવું, મુકાવવું
૧૦ શબ્દમાં ઇ પછી સ્વર આવતો હોય તો ઇને હ્સ્વ કરી સ્વરની પહેલાં ય ઉમેરીને લખવું.
દા.ત. દરિયો, કડિયો, પિયર, મહિયર
ઢ – ડ – ર
૧૨ કેટલાક ઢ ને બદલે હ અને ડ છુટા પાડીને લખે છે.
જેમકે, કહાડવું, વહાડવું, તેમ ન લખતાં કાઢ, વાઢ, કઢી, ટાઢ, અઢાર એમ લખવું.
પરંતુ લઢવું, દાઢમ ન લખતાં લડવું, દાડમ એમ લખવું.
ચડવું, ચઢવું બંને માન્ય ગણવા.
૧૩ કહેવડાવવું – કહેવરાવવું
ગવડાવવું – ગવરાવવું
ઉડાડવું – ઉરાડવું
બેસાડવું – બેસારવું
આવાં પ્રેરકરૂપોમાં ડ અને ર વિકલ્પે વાપરી શકાય.
‘હ’ શ્રુતિ
૧૪ જ્યાં ‘હ’ દર્શાવવો ત્યાં જુદો પાડીને દર્શાવવો અને ન દર્શાવવો ત્યાં બિલકુલ દર્શાવવો નહિ. પરંતુ ‘હ’ને આગલાં અક્ષર સાથે જોડવો નહિ.
દા.ત. બહેન, વહાણું, વહાલું, શહેર, મહોર, નાનું, બીક, સામું, ઊનું
‘ય’ શ્રુતિ
૧૫ કેટલાક શબ્દોના ઉચ્ચારમાં ગુજરાતના કેટલાક ભાગમાં ય શ્રુતિ થાય છે. દા. ત. જાત્ય, આંખ્ય, લાવ્ય. લ્યો, દ્યો. પણ તે લખાણમાં દર્શાવવાની જરૂર નથી. જાત, આંખ, લાવ, લો, દો – એમ જ લખવું.
૧૬ પારણું, બારણું, શેરડી, દોરડું, ખાંડણી, ચારણી, શેલડી, વગેરે કેટલાક શબ્દોમાં ર, ડ, ળ, લ ને બદલે ય ઉચ્ચાર થાય છે; ત્યાં મૂળ રૂપ જ લખવું.
શ – સ
૧૭ અનાદિ ‘શ’ ના ઉચ્ચારની બાબતમાં કેટલાક શબ્દોમાં પ્રાંતિક ઉચ્ચારભેદ છે. દા.ત. ડોશી – ડોસી. માશી – માસી, ભેંશ – ભેંસ, છાસ – છાશ. બારશ – બારસ, એંશી – એંસી. આવા શબ્દોમાં શ અને સ નો વિકલ્પ રાખવો.
૧૮ શક, શોધ, શું માં ‘શ’ લખવો, પણ સાકરમાં ‘સ’ લખવો.
૧૯ વિશે અને વિષે એ બન્ને રૂપો ચાલે.
જોડાક્ષર
૨૦ અલ્પપ્રાણ અને મહાપ્રાણ સંયુક્ત હોય એવા તદભવ શબ્દોમાં મહાપ્રાણ બેવડાવવો.
દા.ત. ચોખ્ખું, ચિઠ્ઠી, પથ્થર, ઝભ્ભો, સુદ્ધાં.
પણ ચ્ તથા છ નો યોગ હોય ત્યારે છછ નહિ લખતાં ચ્છ લખવું. દા.ત. પચ્છમ, અચ્છેર
પ્રકીર્ણ
૨૧ સજા, જિંદગી, સમજ – એમાં ‘જ’ લખવો.
૨૨ ગોઝારું, મોઝાર – માં ‘ઝ’ લખવો.
૨૩ સાંજ – સાંઝ, મજા – મઝા માં જ કે ઝ નો વિકલ્પ છે.
૨૪ આમલી – આંબલી
લીમડો – લીંબડો
તૂમડું – તૂબડું
કામળી – કાંબળી
ડામવું – ડાંભવું
પૂમડું – પૂંભડુ
આવાં બંને રૂપ માન્ય છે.
૨૫ પૂર્વક – માનપૂર્વક, ઈચ્છાપૂર્વક
શીલ – પ્રયત્નશીલ
કૂટ – માથાકૂટ, કડાકૂટ કેટલાક હમેશ વપરાતા શબ્દોની જોડણી નીચે આપી છે.
કેટલાક રોજિંદા શબ્દોની સાચી જોડણી
અખિલ | ઐતિહાસિક | ઔષધી |
અખૂટ | ઈશ | કરુણ |
અગ્નિ | ઉચિત | કલંકિત |
અચૂક | ઉજ્જવલ | કલિ |
અછૂત | ઉત્કંઠા | કસૂર |
અજ્ઞાની | ઉત્તીર્ણ | કહીં |
અઠવાડિયું | ઉદધિ | કંજૂસ |
અણમૂલ | ઉદય | કાઠિયાવાડ |
અતિથિ | ઉદ્દીષ્ઠ | કાનૂન |
અતિશય | ઉદ્દેશ | કાબૂ |
અદભુત | ઉન્નતિ | કારકિર્દી |
અધિક | ઉપયોગી | કારીગ(ગી)રી |
અધૂરું | ઉપાધી | કાલ્પનિક |
અધ્યાહત | ઉંમર | કિનારો |
અનિલ | ઊગવું | કિસ્મત |
અનુકરણ | ઊચકવું | કિંમત |
અનુકૂળ | ઊજળું | કીમતી |
અનુભવ | ઊઠવું | કીર્તિ |
અપરિચિત | ઊડવું | કુતૂહલ |
અપૂર્ણ | ઊનાઈ | કુલીન |
અપૂર્વ | ઊર્ધ્વ | કુવારું |
અભિનય | ઊર્મિ | કૂતરું |
અમારું | એઠુંજુઠું | કૂવો |
અમૂલ્ય | કદાપિ | કૃતજ્ઞ |
અર્વાચીન | કદી | કૃત્રિમ |
અવનતિ | કપૂત | કેસરિયાં |
અવિનાશી | કબૂલ | કોશિસ |
અસીમ | એશિયા | કાંતિ |
અસ્થિર | ઐચ્છિક | ક્ષત્રિય |
અહીં | ઔદ્યોગિક | ક્ષિતિજ |
અંજલિ | કઠિન | ક્ષીણ |
અંતિમ | ઐશ્વર્ય | ખચિત (જડેલું) |
અંધાધૂધી | ઓચિંતું | ખચીત (ચોક્કસ) |
આકૃતિ | ઓજસ્વી | ખરીદવું |
આજીવન | ઓળખીતું | ખંતીલુ |
આજીવિકા | ખીસું | ખૂણો |
આજુબાજુ | ખૂબ | ખ્યાતિ |
આજ્ઞાંકિત | ગરીબ | ગંભીર |
આદિ | ગિરદી | ગીત |
આધુનિક | ગુ(ગૂ)જરાત | ગૂંથણી |
આબરૂ | ગૃહિણી | ગ્લાનિ |
આબેહૂબ | ગ્રીષ્મ | ઘૂંઘટ |
આર્થિક | ચડાઈ | ચકચૂર |
આલિંગન | ચંદ્રિકા | ચારિત્ર (ત્ર્ય) |
આશિષ | ચિંતા | ચિહ્ન |
આશીર્વાદ | ચીતરવું | ચુકાદો |
આહુતિ | ચુંબન | ચૂપ |
ઈતિહાસ | છૂટ | છોકરું |
ઇત્યાદિ | જનની | જમીન |
ઇન્દ્રિય | જરૂર | જાગૃતિ |
ઊલટું | જાતીય | જિજ્ઞાસુ |
ઊંચું | જિંદગી | જુદું |
ઊંડું | જુનું | ઝનૂન |
ઊંધું | ઝુંપડી | ટિકિટ |
ઋણ | ટીકા | ડુંગર |
ઋતુ | ડૂબવું | તકલીફ |
ઋષિ | તબિયત | તરીકે |
એકાકી | તરુણ | તંબૂ |
ઈજ્જત | તારીખ | તિથિ |
તિમિર | તીવ્ર | તેજસ્વી |
ત્રિપુટી | ત્રીજું | થૂંક |
દરિદ્ર | દરિયો | દલીલ |
દંપતી | દિન (દિવસ) | દીન (ગરીબ) |
દુનિયા | દૂધ | દૂર |
દૈનિક | દ્વિતીય | ધનિક |
ધરિત્રી | ધામધૂમ | ધીરજ |
ધુમાડો | ધૂમકેતુ | ધ્રુવ |
ધ્વનિ | નજદીક | નમૂનો |
નવાજૂની | નહિ – નહીં | નાગરિક |
નાબૂદ | નામંજૂર | નિત્ય |
નિંદ્રા | નિમણૂક | નિયમિત |
નિરાશા | નિરીક્ષણ | નિવૃત્તિ |
નીચ | નીડર | નીતિ |
નીરસ | નૂતન | નૂપુર |
પક્ષી | પતિત | પરિચય |
પરિણીત | પરિમિત | પરિક્ષા |
પવિત્ર | પાણિ (હાથ) | પાણી (જળ) |
પીડા | પીયૂષ | પુરુષ |
પુષ્કળ | પૂકાર | પૂજા |
પૂરેપૂરું | પૂર્વ | પ્રણાલિકા |
પ્રતિજ્ઞા | પ્રામાણિક | પ્રસિદ્ધ |
પ્રાચીન | પ્રાયશ્ચિત | પ્રીતિ |
ફળીભૂત | ફિકર | ફિક્કું |
ફૂલ | ફિક્કું | બક્ષિસ |
બહિષ્કાર | બંદૂક | બારીક |
બિલકુલ | બુદ્ધિ | બૂમ |
બૈરી | ભગિની | ભયભીત |
ભાડૂત | ભિક્ષા | ભીંત |
ભૂખ | ભૂમિ | ભૂલ |
મજદૂર | મજબૂત | મતિ |
મદિરા | મયૂર | મરણિયું |
મલિન | મશહૂર | મહિમા |
મહીં | મંજૂર | મંત્રી |
માનસિક | માહિતી | મિત્ર |
મિલ્કત | મીનારો | મુક્તિ |
મુસીબત | મુહુર્ત | મૂર્ખ |
મૂળ | યશસ્વી | યુક્તિ |
યુવતી | રજની(નિ) | રમણીય |
રમૂજ | રસિક | રાજકીય |
રમતિયાળ | પરોપકારી | રસિક |
રાજકીય | રાષ્ટ્રીય (રાષ્ટીય) | રિવાજ |
રુધિર | રૂઢી | રૂપિયો |
લગીર | લીટી | લૂટ |
લેખિની | વગેરે | વધૂ (વહુ) |
વર્તુણૂક | વસૂલ | વધુ (વધારે) |
વાર્ષિક | વિકરાળ | વિચાર |
વિચિત્ર | વિજય | વિજ્ઞાન |
વિના | વિપરીત | વિભૂત |
વિયોગ | વિરામ | વિદુષી |
વિદ્યાર્થી | વિરુદ્ધ | વિવિધ |
વીર | વૃદ્ધિ | વ્યક્તિત્વ |
શક્તિ | શશી | શારીરિક |
શિક્ષિકા | શિથિલ | શુશ્રૂષા |
શૂન્ય | શૂરવીર | શોણિત |
શ્રીમતી | શ્રીયુત | સ્વતંત્રતા |
સક્રિય | સજાતીય | સતી |
સબૂર | સમજૂતી | સમયસૂચક |
સમિતિ | સમૃદ્ધિ | સહાનુભૂતિ |
સહાનુભુતિ | સહીસલામત | સંજીવની |
સંપૂર્ણ | સંસ્કૃતિ | સાત્ત્વિક |
સામાજિક | સાહિત્ય | સિવાય |
સુત (પુત્ર) | સૂત (સારથિ) | સુક્ષ્મ |
સુનું | સૂવું | સ્ત્રી |
સ્થિતિ | સ્થિર | સ્થૂળ |
સ્વામી | સ્વીકાર | હજાર |
હથિયાર | હમેશાં | હરીફ (હરીફાઈ) |
હાનિ | હિસાબ | હિંસા |
હીન | હીરો | હોશિયાર |