ડાયાબિટીસ : રોગ, સમજણ, પ્રકારો, લક્ષણો, સારવાર  અને માર્ગદર્શન

ડાયાબિટીસ
ડાયાબિટીસ
Spread the love

આ રોગને ડાયાબિટીસ નામ આપવાનું શ્રેય હિપોક્રેટ્સના શિષ્ય અને ગ્રીક તબીબ અરેશ્યસને ફાળે જાય છે. તેણે નોંધ્યું કે આ રોગમાં પેશાબમાં શરીરની માસપેશીઓ અને અસ્થિ (હાડકાં)નું ધોવાણ થાય છે. આ અવલોકનને લીધે તેને આ રોગને ડાયાબિટીસ એવું નામ આપ્યું.

વિલીએ ૧૬૬૪મા ઇને ડાયાબિટીસ મેલાઈટસ એવું નામ આપ્યું. કેમ કે તેમાં દર્દીના મૂત્રમાં મધ અને ખાંડ જેવા પદાર્થો (મેલાઈટસ એટલે મધ)  જોવા મળતા હતા. ત્યારપછી લગભગ ૧૭૮૦માં ‘મેથ્યુ ડોબ્સને’ શોધ્યું કે ડાયાબિટીસથી પીડાતાં દર્દીઓના મૂત્રમાં મધ નહિ પણ સાકર (ગ્લુકોઝ) હોય છે અને તે મુત્રપિંડમાંથી નહિ પરંતુ દર્દીના લોહીમાંથી જ આવે છે.  

ડાયાબિટીસ : વૈજ્ઞાનિક વ્યાખ્યા

ડાયાબિટીસ એ ચયાપચયની ક્રિયા (મેટાબોલીઝમ)ની વિષમતાનો રોગ છે.  તે સ્વાદુપિંડમાંથી ઉત્ત્પન્ન થતાં ઈન્સ્યુલીન નામના એક પાચક અંત:સ્ત્રાવી પદાર્થના સંપૂર્ણ અભાવ, કે પછી તેની ઓછી માત્રાને કારણે અથવા ઈન્સ્યુલીનનો ઉપયોગ કરવાના શરીરના અન્ય અવયવોના પ્રતિરોધને કારણે ઉદભવતો એક રોગ છે. મુખ્યત્વે કાર્બોદિત પદાર્થોના ચપાપચયની વિષમતાનો આ રોગ ચરબી અને પ્રોટીન જેવા પોષક તત્વોના સંઘટન – વિઘટનની ક્રિયાને પણ અસર કરે છે.

ઈન્સ્યુલીનનું મુખ્ય કાર્ય લોહીમાંના ગ્લુકોઝનું નિયંત્રણ કરવાનું  છે. ખોરાક લીધા બાદ લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવા માંડે એટલે સમયાનુસાર ઈન્સ્યુલીન લોહીમાં આવી એને અમુક માત્રામાં નિયંત્રિત કરે છે. ઈન્સ્યુલીનનાં અભાવને લીધે લોહીમાનો ગ્લુકોઝ શરીરના કોષોમાં પ્રવેશ કરી શકતો નથી. અથવા તો તેનું સંગ્રાહક પદાર્થ (ગ્લાયકોજન)માં રૂપાંતર થતું નથી. પરિણામે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધતું જાય છે.  

ડાયાબિટીસના પ્રકારો

૧) અપૂરતાં ઈન્સ્યુલીનને કારણે ઉદભવતો મધુપ્રમેહ. આ પ્રકારના ડાયાબિટીસ ને ઈન્સ્યુલીન આધારિત અથવા બાલ્યકાળનો ડાયાબિટીસ કહે છે. સામાન્ય સંજોગોમાં બાળકોમાં તેમજ ૨૦ વર્ષથી નીચેના યુવાનોમાં મોટાભાગે જોવા મળે છે.  જેમાં આખી જિંદગી ઈન્સ્યુલીનના ઇન્જેક્શનથી તેને કાબુમાં લઇ શકાય છે. તેમાં માત્ર ડાયાબિટીસની ગોળીઓ – કેપ્સુલ કે આયુર્વેદિક દવાઓથી કાબુ મેળવી શકાતો નથી.

૨) બીજા પ્રકારના ડાયાબિટીસમાં શરીરમાં ઈન્સ્યુલીનનું ઉત્પાદન મહદ અંશે નોર્મલ અથવા નોર્મલથી થોડું ઓછું હોય છે. પરંતુ શરીર ઈન્સ્યુલીનની અસરને ટેવાયેલ હોય છે તેમાં અવરોધ ઊભો થાય છે. આ ડાયાબિટીસને આધેડ વયનો (મોટાભાગે ૩૫ વર્ષથી ઉપરની ઉંમરના લોકો) ડાયાબિટીસ પણ કહે છે.

આ ડાયાબિટીસ ગોળીઓ/કેપ્સુલ/આયુર્વેદિક દવાઓથી કાબુમાં આવી શકે છે.  માત્ર ૧૦ થી ૧૫ % દર્દીઓમાં ક્યારેક અથવા કાયમી ધોરણે ઇન્સ્યુલીનના ઇન્જેકશનનો આશરો  લેવો પડે છે.  

૩) નાનું ઉંમરના દર્દીઓમાં માત્ર પાંચ ટકા દર્દીઓમાં ક્યારેક આધેડ વયના ડાયાબિટીસ જોવા મળે છે. જે ગોળીઓ/ઈન્જેક્શન અથવા બંનેથી કાબુમાં આવે છે.  

ડાયાબિટીસના લક્ષણો

બાલ્યકાળનો ડાયાબિટીસ તીવ્ર લક્ષણો ઊભા કરે છે અતિશય ભૂખ, અતિશય ત્રાસ, અતિશય પેશાબ, વજનમાં ઘટાડો, અતિશય થાક, નબળાઈ.

મોટી ઉંમરમાં થતાં ડાયાબિટીસમાં સ્પષ્ટ નિદાન સૂચક લક્ષણોનો અભાવ હોય છે. ઘણીવાર આકસ્મિક રીતે જ પડકાય છે. જેમ કે, સામાન્ય શારીરિક તપાસ, અન્ય કોઈ બિમારીમાં જરૂરી લોહી/પેશાબની તપાસ કે જીવન વીમો લેતી વખતે થતી તપાસ, ઓપરેશન પહેલાંની તપાસ વખતે પકડાય છે.

કોઈપણ વ્યક્તિમાં નીચેના લક્ષણો જણાતાં હોય તો ડાયાબિટીસની શક્યતા વિચારવી પડે.

 1. વધુ પડતો અને વારંવાર પેશાબ થવો.
 2. મોઢું સુકાવું અને પુષ્કળ તરસ લાગવી.
 3. અતિશય ભૂખ લાગવી.
 4. વજનમાં સતત ઘટાડો થવો.
 5. થાક અને નબળાઈ લાગવી તથા શરીરમાં કળતર થવી.
 6. માનસિક થાક અને એકાગ્રતાનો અભાવ.
 7. વાગે ત્યારે રૂઝ આવવામાં વિલંબ થવો અને ઘા તરત પાકી જવો.
 8. વારંવાર ચેપ લાગવો.
 9. દ્રષ્ટિમાં ઝાંખપ આવવી, મોતીયો થવો કે ચશ્માના નંબર વારંવાર ફેરફાર થવા.
 10. હાથે પગે ખાલી ચડાવી અને ઝણઝણાટી થવી.
 11. જાતીય નબળાઈ કે નપુસંકતા આવવી.

ડાયાબિટીસ અંગેની સારવારના મુખ્ય અંશો

 1. ૩૩ % દર્દીઓ માત્રા ખોરાકની પરેજી + યોગ્ય વ્યાયામ (કસરત) દ્વારા કાબૂમાં લાવી શકે છે.
 2. ૩૩ % દર્દીઓ ખોરાકની પરેજી + કસરત + ડાયાબિટીસની મોં વાતે લેવામાં આવતી ગોળીઓથી કાબુમાં લાવી શકે છે.
 3. બાકીના દર્દીઓને ઇન્સ્યુલીનના ઇન્જેકશનો + મોં વાતે લેવાતી ગોળીઓ + યોગ્ય વ્યાયામ + ખોરાકની પરેજીથી કાબુમાં લઇ શકાય છે.
 4. ડાયાબિટીસને કાબુમાં લેવાથી ટૂંકાગાળાના ફાયદા તો થાય છે પરંતુ લાંબાગાળાની ખતરનાક બીમારીઓથી બચી શકાય છે.
 5. આપનાં શરીરનાં ફાયદા/આપના કુટુંબને ફાયદા/રાષ્ટ્રને ફાયદા માટે ડાયાબિટીસ ના રોગને સંપૂર્ણપણે કાબૂમાં રાખો.

ખોરાકની પરેજી +  વ્યાયામ + દવાઓ

ઉપરના ત્રણેય એટલા જ ફાયદારૂપી છે.

લેખક : ડૉ બાવરવા એન. જે. (M.D.) મોરબી.

Total Page Visits: 203 - Today Page Visits: 1

1 comments on “ડાયાબિટીસ : રોગ, સમજણ, પ્રકારો, લક્ષણો, સારવાર  અને માર્ગદર્શન

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!