અમદાવાદના તબીબો – વિનોદ ભટ્ટ

વિનોદ ભટ્
વિનોદ ભટ્
Spread the love

નાનો હતો ત્યારે મારા પિતાશ્રી સાથે તેમના એક ડૉક્ટર મિત્રને ત્યાં મારે ઘણી વાર જવું પડતું. નિશાળ કરતાં દવાખાનામાં વધુ હાજરી પુરાવવી પડે એવી તંદુરસ્તી એ દિવસોમાં હું ધરાવતો. એકવાર અમે દવાખાનામાં બેઠા હતા એવામાં જ એક મિલમજૂર જેવા માણસને ડોક્ટરકાકાએ સલાહ આપી : ‘ત્રણ દિવસ સંપૂર્ણ આરામ કરવાનો ને ફ્રુટ સિવાય બીજો ખોરાક લેવાનો નહિ.’ એ સાંભળીને મારા પિતાશ્રીએ ટકોર કરી, ‘ડૉક્ટર, એક બાજુ તમે તેને કામ પર જવાની ના પાડો છો અને ઉપરથી ફ્રુટ ખાવાની સલાહ આપો છો, પણ મોંઘા ફ્રુટ એ લાવશે ક્યાંથી ?’ ત્યારે ડૉક્ટરકાકાએ ‘ઓહ સોરી’ કહી હસી પડતાં પોતાના ખિસ્સામાંથી રૂપિયા દસની નોટ કાઢીને દરદીના હાથમાં મૂકી દીધી.

ડૉક્ટર શબ્દ સાંભળતાં જ આ કિસ્સો સ્મરણપટ પર આવી જાય છે. પણ એવા ડૉક્ટરો આ શહેરમાં હવે દંતકથા સમા બની ગયા છે એટલે તેમની બહુ વાતો કરીને હરખાવાય એમ નથી. આજે તો એવા ડોક્ટરો ય જોવા મળે છે જે દરદીને દવાખાનાનું પગથિયું ચડતો જોઈને ઈન્જેકશન તૈયાર કરવા માંડે છે. ડોક્ટર રહ્યો એટલે ઈન્ટેલિજન્ટ તો હોય જ. પણ ડોક્ટર ‘એક્સ’ તો વધુ ઈન્ટેલિજન્ટ છે. ધારો કે મનુભાઈ નામનો કોઈ માણસ તેના મિત્ર અનુભાઈને લઈને બતાવવા આવે એટલે ડૉક્ટર દરદીને બદલે તેના મિત્ર મનુભાઈ સામે ટીકીટીકીને જોવાનું શરૂ કરશે. પછી કહેશે : ‘મનુભાઈ, જરા નજીક આવો તો !…’ અને તેમની આંખમાં બેટરીનો પ્રકાશ ઘોંચીને ચિંતાથી બોલશે. ‘તમારી આંખ જરા વધારે પીળી લાગે છે. આમ તો ચિંતા જેવું ખાસ છે નહીં, પણ કમળાનો વાવડ ચાલે છે એટલે આપણે વહેમમાંથી નીકળી જવું સારું. તમારું બ્લડ-યુરિન વગેરે એકઝામિન કરાવી લઈએ….’ આમ, એકમાંથી બીજો દર્દી સર્જવાની તેમનામાં ક્ષમતા છે. તે સાજાને પણ માંદો કરી શકે છે.

સાથે સાથે એ પણ એટલું સાચું છે કે આ નગરવાસીઓ ડોક્ટરની અડફેટે ભાગ્યે જ ચડે છે. કોઈ ઉપાય ન હોય ત્યારે જ ડોક્ટરની આંખે ચડે છે અને જરૂર ઊભી થાય તો શાકભાજી માટે જેમ ચાર-પાંચ દુકાનો ફરે છે એ રીતે ઓપરેશન કરાવવાનું હોય ત્યારે બે-ચાર ડૉક્ટરોના ભાવ લીધા પછી, જે ડોક્ટરનો ઓછામાં ઓછો ચાર્જ હોય તેની પાસે જ તે જશે. કારણમાં એટલું જ કે આમેય જીવન-મરણ તો ઉપરવાળો જ નક્કી કરે છે ને ! તે જેને મારવા ઈચ્છતો હોય તેને ગમે તેટલા પૈસા બરબાદ કરવા છતાં બચાવી શકાતો નથી. તો પછી શા માટે મોંઘા ડોક્ટરો પાછળ પૈસાનો ખોટો ધુમાડો કરવો ? ડોક્ટર તો નિમિત્ત માત્ર જ છે એવી ફિલસૂફી આ શહેરીજન ધરાવે છે. એટલે કેટલીકવાર તો એવું બને છે કે ડૉક્ટર પાસે લઈ જતાં અગાઉ દર્દીને જ્યોતિષી પાસે લઈ જવામાં આવે છે. ઑપરેશન સફળ થવાનો યોગ છે કે નહિ તે જાણી લે છે. ત્યાર પછી જ ડોક્ટરની જશરેખા સારી ને હાથ પ્રમાણમાં (બિલ બનાવવામાં) હલકો હોય એવા ડોક્ટર પર પસંદગી ઉતારવામાં આવે છે.

પણ જો ભગવાનને એવો ફાંકો હોય કે તે જ બધાને જીવાડી શકે છે તો તેને પડકારે એવા એક સર્જ્યન પણ અમારા નગરમાં વસે છે. કપડાં બદલીને જ્યારે તે ઑપરેશન થિયેટરમાં પગ મૂકે ત્યારે તેમનો વોર્ડ બૉય તથા સ્ટાફના માણસો દરદીનાં સગાંને ખાનગીમાં સાથે ધોતિયાં લાવવાની સૂચના આપે છે. તેમનો જુનિયર મજાકમાં કહે છે ય ખરો કે દરદીનાં સગાંને મેં પ્રીસ્ક્રિપ્શનમાં દવાની સાથે કંકુ, નાડાછડી, નાળિયેર વગેરે ખાપણનો સામાન પણ લખી દીધો છે.


એક એવી રમૂજ ચાલે છે કે એક વખત યમદૂતો એક આત્માને લઈ આવ્યા. તેમને ઠપકો આપતાં યમરાજાએ કહ્યું : ‘બેવકૂફો ! આ જીવને લાવવાની તો હજી દસ વર્ષની વાર હતી… આજે ક્યાં લઈ આવ્યા ?’
‘બૉસ, આ તો ડોક્ટર અમરબાબુનો પેશન્ટ છે….’
‘તો ઠીક….’ યમરાજાએ કહ્યું.

આ નગરના બીજા એક સર્જ્યને હું ઓળખું છું. તે ઘણા વ્યવહારુ છે. પહેલેથી જ બધી ચોખવટ કરી લે છે જેથી પાછળથી કોઈ મનદુ:ખ ના થાય. બહુ જ સ્પષ્ટ માણસ છે. એક વૃદ્ધને કૅન્સરની બીમારી હતી. ઑપરેશન માટે આ સર્જ્યન પાસે ગયા. કૅન્સરની એક ગાંઠ કાઢવાની ફી રૂપિયા પાંચ હજાર નક્કી થઈ. ઑપરેશન શરૂ થયું. તે સર્જ્યન બહાર આવ્યા ને વૃદ્ધના દીકરાને જણાવ્યું : ‘આપણે એક ગાંઠની વાત થયેલી. કૅન્સરની બીજી પણ એક ગાંઠ છે. કહો તો કાઢી નાખું…. એના પાંચ જુદા થશે. બોલો, શું કહો છો ?’
તૂટેલાં હાડકામાં ખીલા નાખનાર સર્જ્યને અમારા એક મિત્રને પૂછેલું : ‘બોલો કેવો ખીલો નાખું ? દેશી કે ઈમ્પોર્ટેડ ?’
‘એટલે ?’ મિત્રે સામે પ્રશ્ન કર્યો.
‘ઈમ્પોર્ટેડ થોડો મોંઘો પડશે, પણ પાછળથી કશું જોવાપણું નહીં રહે.’
અને જેને કોઈ જોવાનું નથી એવો ઈમ્પોર્ટેડ ખીલો મારા મિત્રે પગમાં જડાવ્યો. શહેરોની જેમ આ શહેરની પ્રજાને ય ઈમ્પોર્ટેડ ચીજનો મોહ છે એની ડોક્ટરોને ખબર હોય છે. ધારો કે આજની તારીખમાં ક્રાઈસ્ટને ક્રોસ પર લટકાવીને ખીલા ઠોકવાના હોય તો કોઈ દયાળુ સજ્જન ઈસુને ચોક્કસ પૂછે કે બોલ ભાઈ, તને કેવા ખીલા માફક આવશે, દેશી કે વિલાયતી ? અને જો કોઈ ડોક્ટર એ ટોળામાં હશે તો આ ખીલા પણ સ્ટરીલાઈઝ કરવાની સલાહ આપશે જેથી પાછળથી કોઈ કોમ્પ્લીકેશન ઊભું ન થાય.

એક મેડિકલ પ્રોફેસર વચ્ચે મને કહેતા હતા કે હવેના સ્ટુડન્સમાં સેન્સ ઑફ રીસ્પોસ્નિબિલિટી, અગાઉના છોકરા કરતાં વધારે છે. છોકરો હજી મેડિકલના પહેલા વર્ષમાં આવે ત્યારથી જ દવાખાના માટેની જગ્યાની શોધમાં પડી જાય છે. મેડિકલ નૉલેજ મેળવવા અગાઉ ઈકવીપમેન્ટ્સ – સાધનો મેળવવાની ચિંતામાં પડી જાય છે. બાપે ખર્ચેલો પૈસો કેમ કરીને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ઝટ ઘેર પાછો લાવવો એના જ વિચારથી પીડાય છે. આના અનુસંધાને એક ડોક્ટર મિત્ર પાસેથી કિસ્સો સાંભળવા મળ્યો. મેડિકલનો અભ્યાસ પૂરો કરીને એક નવોદિત ડોક્ટરે પોતાના પ્રોફેસર સર્જ્યન ઑસ્ટર પાસે જઈને મૂંઝવણભર્યા અવાજે કહ્યું : ‘સાહેબ, આવતી કાલે જ હું એક દવાખાનું શરૂ કરું છું. પણ અંદરથી મને ગભરામણ થાય છે….’ ‘કેમ ?’ ઑસ્ટરે જાણવા માગ્યું.


‘મને ક્શું જ આવડતું નથી….’ તેણે નિખાલસતાથી વાત કરી.


‘નેવર માઈન્ડ માય બૉય…’ ડૉ. ઑસ્ટરે તેને હિંમત આપતાં કહ્યું. ‘તારે સહેજ પણ નરવસ થવાની જરૂર નથી. જો, તારી પાસે જે દરદીઓ આવશે તેમાંના 80 ટકા એવા હશે કે જે માત્ર તેમના દર્દ અંગે સાચી-ખોટી વાત કરવા આવશે. ઘરમાં તેમને કોઈ સાંભળતું નથી એવા લોકોને તારે પ્રેમથી સાંભળવા. બીજા 15 ટકા દરદીઓ એવા આવશે કે જેમને નજીવી તકલીફો હશે. જેમકે કોઈને વધુ પડતું ખવાઈ જવાથી પેટમાં દુ:ખતું હોય કે પગના નખનો નવેલો ઊખડી ગયો હોય…. એવા દરદીઓને તો સારી રીતે સંભાળી શકે. જુલાબની ગોળી આપવી કે વાગ્યા પર ડ્રેસિંગ કરી આપવા જેવું મામૂલી કામ હું માનું છું કે તને આવડે છે. કહે, તારી પંચાણું ટકા તકલીફ દૂર થઈ ગઈ કે નહિ ?’
‘હા, પણ છાતીમાં કફ જામી ગયો હોય, હાર્ટ-ટ્રબલ હોય કે બ્લડ પ્રેશર નોર્મલ ના થતું હોય એવા-’
‘એવા તો ભઈલા, પાંચ જ ટકા ને ! એમના માટે તો અમે બેઠા છીએ.’

ઉપરની વાત ભલે હળવાશથી કહેવાઈ હોય પણ તે સાચી છે એની ખબર હોવાને કારણે કેટલાય કમ્પાઉન્ડરો પાંચ વરસ કોઈ ડૉક્ટરને ત્યાં કામ કરીને ડૉક્ટર બની ગયાના દાખલા આ નગરમાં નોંધાયા છે. એટલું જ નહિ, પેલા ડૉક્ટર કરતાંય એ કમ્પાઉન્ડરોને ત્યાં દરદીઓની મોટી ભીડ આ લખનારે પોતાની સગી આંખો જોયેલી છે. ડૉક્ટરના વ્યવસાયમાં તેમજ વકીલાતના વ્યવસાયમાં પોતાની જાહેર ખબર કરી શકાતી નથી. તેમ છતાં ફલાણા ડોક્ટર પરદેશ કે પરગામ ગયા હોઈ પાંચ કે સાત દિવસ કિલનિક પર મળશે નહીં એવી જાહેર ખબર દરદીઓ તેમજ સંભવિત દરદીઓના લાભાર્થે થતી હોય છે.

આ બાબતમાં આયુર્વેદનું કામ કરતા વૈદ્યો થોડાક વધુ નસીબદાર ગણાય. પોતાની અમુક દવાઓના પ્રચારની સાથે સાથે થોડાક વૈદ્યો છાપાંઓમાં વૈદક અંગેની કોલમમાં પોતે હઠીલું ખરજવું કેવી રીતે મટાડ્યું, હર્નિયાની ગાંઠને ઑપરેશન કર્યા વગર આર્યુર્વેદના ઉપચારથી ઓગાળી નાખી કે પચ્ચીસ વર્ષ જૂનો દમ મટાડ્યો વગેરેના થોડા કાલ્પનિક પણ રસપ્રદ પ્રસંગો લખે છે. પણ આ વૈદ્યોને ડૉક્ટરો સામે ટકવા ઘણો શ્રમ કરવો પડતો હશે. મારા એક વૈદ્ય મિત્રના કહેવા પ્રમાણે આયુર્વેદની ઔષધિઓ ચોક્કસ અસર કરે છે, પણ એલોપથી જેવો ચમત્કાર અમુક કિસ્સામાં તે બતાવી શકતી નથી. આથી કેટલીક વાર દરદી પર અસર પાડવા એલોપથીની ટીકડી વાટીને આર્યુર્વેદની દવા તરીકે ભટકાડી દેવી પડે છે ! વાત તો મૂળે દરદીને સાજો કરવાની જ છે ને ! દરદીને મમ મમ સાથે જ કામ છે.

ખરી વાત છે. ટપ ટપ સાથે કોઈનેય કામ નથી. બધાને મમ મમ સાથે જ કામ છે. આ નગરના પ્રજાજનો, ડૉક્ટરો હડતાળ પર ઊતરે ત્યારે ઘણા રાજી થાય છે. કુદરતી મૃત્યુથી મરવાનો આનંદ કંઈ જેવો તેવો નથી જ ને !….

Total Page Visits: 342 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!