તે ઉઘાડે પગે આવ્યો – ગુલાબરાય જોબનપુત્રા

Spread the love

એક ગામમાં એક ડોસો અને ડોસી રહેતાં હતાં. એમને કોઈ સંતાન ન હતું. નાનું મોટું વણાટનું કામ કરતાં અને ગુજરાન ચલાવતાં. દિવાળીનો તહેવાર આવતો હતો. ડોસીએ કહ્યું : ‘દિવાળીનો તહેવાર આવે છે, પણ ઘરમાં કંઈ છે નહિ, શું કરીશું?’ ડોસાએ એક કામળો હજી હમણાં જ પૂરો કર્યો હતો, એટલે કહ્યું : ‘મને કામળો દે, હું વેચી આવું !’ ડોસો કામળો લઈને બાજુના ગામમાં વેચવા નીકળ્યો. એ ગામ મોટું હતું એટલે ખપત રહેતી.

ડોસો આખો દી’ ગામમાં ફર્યો પણ કામળાનું કોઈ ઘરાક ન થયું. સાંજ પડવા આવી કે તે પોતાને ગામ પાછો વળ્યો. ચાલતાં ચાલતાં એક ત્રિભેટે પહોંચ્યો. ત્રિભેટે એક મંદિર હતું. મંદિરમાં ભગવાન રામ બિરાજ્યા હતા, મૂર્તિ વિશાળ કદની હતી. ભગવાન રામ ભેગા સીતા મૈયા અને લખન ભૈયા તો હોય જ, પણ અહીં, મંદિરની વિશેષતા જાણો તો વિશેષતા, ભગવાન રામ એકલા બિરાજ્યા હતા. સાંજ ઢળી ગઈ હતી. આ વખતે હિમાલયની ગિરિમાળામાં બરફ વહેલો પડ્યો હતો, એટલે ઠંડી વળી ગઈ હતી.

આમ પણ ડોસાને ટાઢ પણ લાગતી હતી અને થાક્યો પણ હતો, એટલે ભગવાન રામનાં દર્શન કરવા અને થોડો વિસામો ખાવા મંદિરમાં દાખલ થયો. તેણે ભગવાન રામનાં દર્શન કર્યાં, અને તેની મૂર્તિ સન્મુખ બેઠો. સભા મંડપ ખુલ્લો હતો, ઠંડા પવનના સુસવાટા આવતા હતા. ડોસાને ટાઢનું લખલખું આવી જતું હતું. તે મૂર્તિ સામે એક ધ્યાન થઈને બેઠો હતો અને કોણ જાણે તેને થયું કે, ‘મને ટાઢ લાગે છે, તો આ મારા વહાલાને નહિ લાગતી હોય ?’ તેને જાણે કોઈએ દોર્યો, ઊભો થયો, ગર્ભગૃહમાં ગયો અને ભગવાન રામને કામળો લપેટી દીધો, અને બોલ્યો, ‘લે પ્રભુ, હવે તને ટાઢ નહિ લાગે !’ આ પછી થોડો વિસામો ખાઈને તે પોતાના ગામ ભણી ચાલી નીકળ્યો.

તે ઘરે પહોંચ્યો. ડેલીની સાંકળ ખખડાવી. ડોસાએ ડેલી ખોલી. ડોસાના હાથમાં કામળો ન હતો. ડોસીને થયું કે કામળો ખપી ગયો લાગે છે, હવે ભલે દિવાળી આવે ! ડોસો ઘરમાં દાખલ થયો. તે થાકી ગયો હતો, પણ સૂતો નહિ, ગોદડું ઓઢીને બેઠો. ડોસી પણ તેની પાસે બેઠી. પછી ડોસાએ જરાક નિરાશામાં કહ્યું, ‘આજે કામળાનું કોઈ ઘરાક ન થયું.’
ડોસીએ પૂછ્યું : ‘તો કામળો ક્યાં ?’
ડોસાએ કહ્યું : ‘મેં રામજીને ઓઢાડી દીધો.’
ડોસીએ પૂછ્યું : ‘ક્યાં ?’
‘ત્રિભેટાના મંદિરે.’ ડોસી તેની સામે જોઈ રહી, પણ ગુસ્સે ન થઈ, તેનું હૈયું માર્દવભર્યું હતું એટલે બોલી, ‘તમે જે કર્યું તે ઠીક કર્યું.’

પછી ડોસીએ કહ્યું : ‘થાકી ગયા હશો, લો હું ખાટલો ઢાળું.’ ડોસી ખાટલો ઢાળવા ગઈ, એ ટાણે ડેલીએ હળવેથી ટકોરા પડ્યા. ડોસીને થયું, ‘અત્યારે કોણ હશે ?’ ડોસાએ જઈને ડેલી ખોલી, પણ ત્યાં કોઈ ન હતું ! ડેલીની આગળ એક કોથળી પડી હતી. ડોશાએ તે લીધી, ડેલી વાસી અને અંદર આવ્યો. તેણે ડોસીને કહ્યું, ‘ડેલીએ તો કોઈ ન હતું, આ કોથળી પડી હતી.’

તેણે ડોસીને કોથળી દીધી અને કહ્યું, ‘જો તો ખરી, માંહ્ય શું છે ?’ ડોસીએ કોથળીનું મોઢું ખોલ્યું કે માંહ્ય સોના-ચાંદીના સિક્કા દીઠા ! ડોસીને નવાઈનો પાર ન રહ્યો. ડોસાને આ કૌતુક સમજાણું નહિ. એ આખી રાત બેયને નીંદર ન આવી. વહેલા ઊઠીને ડોસાએ ડેલી ખોલી તો ડેલીના આગળ ધૂળમાં કોઈનાં પગલાં દીઠાં અને એ પગલાં પાછાં પણ વળ્યાં હતાં ! અને ડોસાનો અંતરાત્મા બોલી ઊઠ્યો, ‘નક્કી આ પગલાં મારા રામનાં છે ! મારો વહાલો ઉઘાડે પગે કામળાના પૈસા દેવા આવ્યો હતો !’ તેની આંખોમાં આંસુ આવી ગયાં, ડોસીએ પણ જ્યારે વાત સાંભળી ત્યારે તેની આંખો પણ છલકાઈ ઊઠી !

પછી તેઓએ રંગેચંગે દિવાળી ઊજવી.
જો તમે ભગવાનના છો, તો ભગવાન તમારો છે.

[‘અખંડ આનંદ’ ઓગસ્ટ-2013 માંથી સાભાર.]

: લેખક પરિચય :

નામ : ગુલાબરાય ધીરજલાલ જોબનપુત્રા  (નિવૃત્ત આચાર્ય, માધ્યમિક શાળા)

શૈક્ષણિક લાયકાત : એમ. એ. (અલીગઢ), બી. એડ. (ભોપાલ), હિન્દી  સેવક (ગુજરાત વિદ્યાપીઠ), સાહિત્ય રત્ન  (પ્રયાગ),

: સાહિત્ય :

ફૂલમાળા (વાર્તાસંગ્રહ)

નમામિદેવી નર્મદે (નિબંધિકા)

સ્વસ્તિ (બાળવાર્તા),)

સાકરનો પડો  (બાળ કિશોર વાર્તાઓ)

લીલાછમ પાન, લાલચટક ફુલ (બાલકિશોર વાર્તાઓ)

પંચતંત્ર અને ગીતા (ગીતાબોધ)

કસ્તૂરી લો કસ્તૂરી  (બાલકિશોર વાર્તાઓ)

અંતરવેણુ (વાર્તાઓ)

ફોન  : 98791 63339

Total Page Visits: 188 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!