અમરેલી ઘરેણું કવિ શ્રી હર્ષદ ચંદારાણાનો આજે તારીખ 26/06/ જન્મદિવસ છે ત્યારે કવિના ગઝલ સંગ્રહ ‘દિવસોએ પાંખો પહેરી છે’ની એક ગઝલ રચના જોઇએ.
ઘૂંટડો પીવાય એમ બને
બાકીનું ઢોળાય એમ બને
વરસતો વરસાદ શાંત થયો
મન છતાં મૂંઝાય એમ બને
સાવ સજ્જડ દ્વાર ખૂલી ગયાં
પાંપણો ના ખોલાય એમ બને
આ મળેલા હાથ, ના છૂટશે
શ્વાસ છૂટી જાય એમ બને
નામ, મુખ સરનામું, યાદ નથી
રંજ એ રહી જાય એમ બને
વ્યાસ, સઘળેં વ્યાપ્ત તારી કથા
શ્રુતિ મઘમઘ થાય એમ બને
(ગુણવંત વ્યાસના સ્મરણ સાથે)
‘દિલનું સુરીલું સાજ લાવ્યો છું, શ્વાસે શ્વાસે રિયાજ લાવ્યો છું.
બદ્ધ સ્વરનો સમુદ્ર ગરજે છે, ગીત ગાતો સમાજ લાવ્યો છું.”
આવું કહેતા કવિ હર્ષદ ચંદારાણા પોતાના બદ્ધ શબ્દને પોતિકા રિયાજ સાથે ભાવક્તાના સમાજમાં હ્રદયપૂર્વક પ્રસ્તુત કરે છે. અમરેલી શહેરને ‘લીલીછમ વેલી અમરેલી’ એવું નમણું બિરુદ આપનાર આ કવિએ કવિતાને કાયમ લીલાંછમ અછોવાનાં કર્યા છે.
પ્રથમ કાવ્યસંગ્રહ ‘ફીણમોજાં’ 1991માં પ્રગટ થયા પછી 2019માં કવિનો આ સાતમો સંગ્રહ ‘દિવસોએ પાંખો પહેરી છે’ પ્રગટ થઈ રહ્યો છે અને એનાં શીર્ષકમાં કેટલું સાર્થક્ય છે ! આટલા વિપુલ અને વ્યાપક સર્જન પછી કવિતાની ક્ષણો એકત્ર થાય અને દિવસો બની જાય, અને કવિતાની ક્ષણો તો કાયમ પ્રસારવા માટેના નિમિત્ત શોધે. શબ્દને જ્યારે કાગળનું આકાશ મળે ત્યારે થતું ઉડ્ડયન હૃદયંગમ બની રહે. કવિતાના દિવસ પાખો પહેરીની ઊડે ત્યારે આકાશને મેઘધનુનું માધુર્ય અનુભવાતું હોય.
ક્ષણોને, કલાકોને, દિવસોને, વર્ષોને, સદીઓને એટલે કે સમયને પગ નથી પણ વહી જતો સમય જ્યારે થાકી જાય છે ત્યારે કવિતાને છાંયડે વિસામો કરે છે. જે કવિતા સ્વયં કાલપુરુષને નિરાંત આપે એ કવિતા માનવમાત્ર માટે તો નિરાંતનું સદાયનું સરનામું બની રહે.
પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને પોતાની પ્રેમાળ પ્રકૃતિને આ કવિ કેટકેટલા કવિ સંવિધાનમાં ઢાળી આપે છે. આ કવિ વ્યસ્તતાની વચ્ચે વિસ્મય અને વ્હાલ અકબંધ રાખી શકે છે. પોતાને ‘નરી લોહી નીતરતી લાગણીનું ગામ’ કહેતા આ કવિ અખિલ વસુધાને લાગણીનું ગામ માને છે અને કવિતાને ધન્યતાનું ધામ માને છે.
જ્યાં હતી નિશબ્દતા, ત્યાં માત્ર અંધારું હતું
તેજના વરદાન જેવાં કાવ્યનું ફાનસ લીધું
કવિતાને છાતીફાટ ચાહનારા આ કવિ અનેક સન્માનથી પોંખાય છે. પણ કવિ હર્ષદ ચંદારાણા માટે કવિતા સ્વયં એક સન્માન છે. નિશબ્દતામાં શબ્દનો ધ્વનિ અને અંધકારમાં પરમ તેજ સમો કાવ્યનો ઝળહળાટ તેઓ પામે છે અને પ્રસરાવે છે ત્યારે એમની શબ્દ જ્યોતિનિ આશકા લેવી જ રહી !
(લેખન : પ્રણવ પંડ્યા)
હાથની હોડી, હલેસું પીંછીનું કરતો રહું
એક દરિયો ચીતરીને કાગળે તરતો રહું.