મારા મિત્ર શ્રી પ્રફુલ્લ ભાઈ શેઠ ભારે ઉત્સાહી અને સંત પ્રેમી છે.મને નવા નવા ઘણા જૈન સંતોની મુલાકાત કરાવતાં રહે છે.જનક મુનિ મહારાજ, ભાઈજી મહારાજ અને મુનિ હેમ વલ્લભજી મહારાજ જેવા ગણમાન્ય સંતોનો પરિચય કરાવવા બદલ હું પ્રફુલ્લભાઈનો હરહંમેશ ઋણી રહીશ.
એક દિવસ તા.૧૩/૧૨/૨૦૧૪ના રોજ શ્રી પ્રફુલ્લ ભાઈનો ફોન આવ્યો કે જગમાલ ચોકના આરાધના ભુવનમાં સ્થાનકવાસી જૈન મુનિ શ્રી દેવેન્દ્ર મુનિ મહારાજ પધાર્યા છે. મહારાજ મળવા જેવા છે તો આપણે દર્શનાર્થે જઈએ.મને નવા પરિચય કેળવવા હમેશાં ગમે તેથી હું તાત્કાલિક તૈયાર થઈ ગયો.અમે આરાધના ભુવનમાં ગયા અને મહારાજ ને વંદન કરીને બેઠા. મહારાજ સાથે થોડી જ્ઞાન ચર્ચા કરી. મેં કહ્યું કે જૈન ધર્મમાં મૂર્તિ પૂજાની ઉપાસના તો બહુ પ્રારંભથી જ છે. પુરાતન જૈન શિલ્પોમાં પણ મૂર્તિઓ તો ઠેર ઠેર જોવા મળે છે. તેથી સ્થાનકવાસી સંપ્રદાયમાં ઈસ્લામની અસર તળે તો મૂર્તિ વિરોધ નથી આવ્યો ને ? આ અસર અમદાવાદના લહિયા લોંકાશાહે ઝીલી હતી ત્યારે દેશમાં મુસલમાની રાજ આવી ગયું હતું. સાધુઓ સાથે અણબનાવ થવાથી લોંકાશાહે લોંકાગચ્છની સ્થાપના કરી હતી. લોંકાશાહને ઘણા શિષ્યો હતા. આ શિષ્યોએ પણ પારખમતી, ગુજરાતી, ઉતરાધી, નાગોરી જેવા ગચ્છની સ્થાપના કરી હતી. પાછળથી ઋષિ ભાણાનો ઢૂંઢિયા મત, એમાંથી બીજા ગૃહસ્થનો બીજ મત કે વિજય ગચ્છ અને એમાંથી લવજી ઋષિનો સ્થાનકવાસી પંથ નિષ્પન્ન થયા હતા. છેક ઈ.સ.૧૬૪૪માં સ્થાનકવાસી પંથની સ્થાપના થઈ હતી. આથી મુનિ મહારાજે જણાવ્યું કે મહાવીર સ્વામીના જન્મના ૬૦૦ વર્ષ પછી જ મૂર્તિની ઉપાસના અસ્તિત્વમાં આવી છે. કેવળ ૩૪ આગમોમાં જ મૂર્તિ પૂજાનો ઉલ્લેખ છે અને તેમને દેરાવાસીઓ માને છે. જયારે ૩૨ આગમોમાં તો મૂર્તિ પૂજાનો કોઈ ઉલ્લેખ નથી. આ વાત લોંકાશાહના ધ્યાનમાં આવતાં તેમણે નવા ગચ્છની સ્થાપના કરી હતી.
આમ મુનિ મહારાજ સાથે નિખાલસતાથી ઘણી ચર્ચા થઈ. તેઓએ કહયું કે તેમનો આગામી ચાતુર્માસ માળિયા હાટીના મુકામે ઉજવવાનો છે. ત્યારે મારી સર્વિસ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા, માળિયા હાટીનામાં હતી. તેથી મહારાજને મેં કહ્યું કે હું માળિયામાં જ નોકરી કરું છું તેથી આપની પાસે જરૂર ધર્ભલાભ લેવા આવીશ. ત્યારે મહારાજ સહસા બોલી ઊઠ્યા કે ત્યાં સુધીમાં તો તમારી બદલી નહિ થઈ ગઈ હોય ને ? હવે માળિયા જેવી સેમી અર્બન બ્રાંચમાં બેંકના નિયમ અનુસાર ત્રણ વર્ષ પહેલાં ઑફિસરની બદલી થાય નહિ અને હજુ તો હું તા.૧૧/૦૯/૨૦૧૪ના રોજ શાખામાં હાજર થયો હતો. આગામી ચાતુર્માસનો પ્રારંભ તો જુલાઈ – ૨૦૧૫થી ચાલુ થાય તો એટલા સમયમાં તો મારી ટ્રાન્સફર કોઈ સંજોગોમાં થાય નહિ. તેથી મેં મહારાજના શબ્દો પર ધ્યાન આપ્યું નહિ. હવે થયું એવું કે થોડાક સમયમાં અમારી ઈન્ટર રિજિયન ટ્રાન્સફર પૉલિસી આવી. એકને એક રિજિયનની બ્રાંચમાં કોઈએ લાંબો સમય સર્વિસ કરી હોય તો તેને ફેરવીને અન્ય રિજિયનની બ્રાંચમાં પોસ્ટીંગ આપવું. એ ન્યાયે મારો અમરેલી રિજિયનનો ટ્રાન્સફર ઑર્ડર બેંકની વૅબસાઈટના એચ.આર.એમ.એસ.પોર્ટલ પર તા.૧૪/૦૭/૨૦૧૫ના રોજ ચાતુર્માસ પહેલાં જ મૂકાઈ ગયો ! આમ મહારાજ સાચા પડી ગયા !
મારી સાથેના અન્ય ઑફિસરોને તો તાત્કાલિક છૂટા કરી દીધા પણ મને ચાર મહિના વધારે રહેવા દીધો પણ એનો કોઈ અર્થ ન્હોતો. કારણકે ઑફિસર્સની કમીને કારણે આજબાજુની શાખાઓમાં સતત ડેપ્યુટેશનમાં જવાનું થયું. છેવટે તા.૧૪/૧૨/૨૦૧૫ ના રોજ ખાંભા બ્રાંચમાં હાજર થયો.
આમ અનાયાસે અને એકાએક ઉચ્ચારેલા શબ્દો સાચા પડી જતાં હોય છે.ઘણીવાર વિધાન સો એ સો ટકા સાચું ન પડતું હોય તો પણ એ વિષેનો નિર્દેશ અવશ્ય મળી જતો હોય છે.એ પાછળ જે તે સંત કે સાધકનું તપોબળ પણ કામ કરતું હોય છે. આપણા બધાંનાં જીવનમાં એવું બનેલું જ હોય છે કે આપણે અભાનપણે બોલી ગયાં હોઈએ અને એ સાચું પડી ગયું હોય. તેથી જ આપણે કોઈનું અહિત થાય તેવું બોલતાં પહેલાં સો વાર વિચાર કરતાં હોઈએ છીએ.
ડૉ. જીત જોબનપુત્રા