ધ્યાન પ્રક્રિયાની એક રૂપરેખા – વિનોબા ભાવે

ધ્યાન
ધ્યાન
Spread the love

ધ્યાન પ્રક્રિયાની એક રૂપરેખા – વિનોબા ભાવે

ધ્યાન
ધ્યાન

ધ્યાન પ્રક્રિયાની એક રૂપરેખા

ઘણીવાર લોકો મને પૂછે છે કે તમને ધ્યાન કેવી રીતે સધાય છે ? હું કહું છું કે હું આળસું છું એટલા માટે મને ધ્યાન ઝટ સધાય છે. મને થાય છે કે આપણા મનને આપણે ચારેકોર મોકલતા રહીએ છીએ તો તકલીફ થાય છે. એવી તકલીફ શું કામ વહોરી લેવી ? તેથી મારા જેવા આળસુને ધ્યાન સહજ સધાય છે. મનને એકાગ્ર કરવા માટે મારે કાંઈ કરવું નથી પડતું. અનેકાગ્ર કરવા માટે કોશિશ કરવી પડે છે.

મારું કહેવું છે કે આ આળસુપણાની કીંમત જ્યાં સુધી લોકોને નહીં સમજાય, ત્યાં સુધી ધ્યાન સહજ નહીં બને. મનની પાછળ દોડી-દોડીને ખુવાર થતા રહેવાને બદલે મનથી આપણે અલગ છીએ, મન તો આપણું કહ્યાગરું છે, તેની પાસેથી આપણે આપણી મરજી મુજબ કામ લઈ શકીએ છીએ, એ વાતનું ભાન થવું, એ અત્યંત મહત્વનું છે. એક વાર મનથી અલગ થઈ જશો કે ધ્યાન વગેરે સાવ રમત વાત બની જશે. રાગ-દ્વેષ, તીવ્ર ગમા-અણગમા, પૂર્વગ્રહ ને પક્ષપાત, એ બધા મનના ખેલ છે. એટલે મનથી અલગ થવું, એ સાધનાનો આરંભ છે. ત્યારબાદ મનથી ઉપર ઊઠવાનું છે. મનથી અલગ થવું એક વાત છે અને મનથી ઉપર ઊઠવું બીજી વાત છે. હું તો કહીશ કે ધ્યાનની કોશિશ કરવા કરતાંયે મનથી ઉપર ઊઠવું વધારે મહત્વનું છે. મનથી ઉપર ઊઠીશું, ત્યારે પ્રત્યેક વિચાર શાંત બુદ્ધિના સ્તરેથી થશે, અને મન આપણું કહ્યાગરું થઈને વર્તશે.

રામદાસ સ્વામીએ કહ્યું છે, ‘બુદ્ધિ કરાવી સ્વાધીન, મગ મજૂર આહે મન’ – બુદ્ધિ જો આપણી સ્વાધીન રહી, મનથી ઉપર ઊઠીને બુદ્ધિ જો આપણા હાથમાં આવી ગઈ, તો મન તો બિચારું આપણું મજૂર છે, આપણે કહીશું તેમ કરશે. કામ કરવાની શક્તિ મનમાં છે અને તે મનનો ગુણ છે. પણ આપણને મનના આ ગુણનો લાભ મળતો નથી, કારણ કે જે કામ બુદ્ધિનું છે, તે આપણે મન પાસે કરાવીએ છીએ. બુદ્ધિ દ્વારા મનને નિર્દેશ દેતા રહેવાને બદલે આપણે મનને જ છુટ્ટો દોર આપી દઈએ છીએ ! એટલે પછી કામ બગડે છે. માટે સૌથી પહેલાં મનથી અલગ થઈ જવું, પછી તેનાથી ઉપર ઊઠવું, અને ત્યારબાદ બુદ્ધિના સ્તર પર રહીને મનનો ઉપયોગ મજૂર તરીકે કરવો.

પતંજલિએ ધ્યાન, સમાધિ વગેરેની વાત કરી છે, તેની હું અહીં ચર્ચા નથી કરતો. તેમાં આવતા પારિભાષિક શબ્દો પણ હું છોડી દઉં છું. હું માત્ર મારા અનુભવની વાત કરું છું. મેં જોયું છે કે જેમ માણસ પાણીમાં ઉપર-ઉપર તરે છે, પાણીમાં ડૂબતો નથી, તેમ મનમાં પણ ડૂબવાનું નથી, માથું બહાર રાખીને તેમાં મોજથી તરવાનું છે. ડૂબ્યા તો ગયા. બોલવા-ચાલવામાં, હસવા-રમવામાં, કામ કરવામાં હંમેશાં તરતા રહેવાનું છે, અંદર ડૂબવાનું નથી. આટલું સધાશે, તો ધ્યાન સરળ થઈ જશે. એટલે મનથી અલગ થવું, મનથી ઉપર ઊઠવું અને બુદ્ધિના સ્તર પર રહીને મનનો ઉપયોગ કરવો. માણસ જે કાંઈ કરે છે, તે મન દ્વારા જ કરે છે. તો, જેના દ્વારા બધાં કામ થાય છે, તે એજન્સી જો બગડેલી હોય, તો બધાં કામ બગડી જશે. આંખ સારી છે, પણ મન ખરાબ છે તો જોવાનું કામ સારી રીતે નહીં થાય.

આમ, બધાં કર્મો ઈન્દ્રિયો મારફત થાય છે, તોયે કર્મનું સારું હોવું કે ખરાબ હોવું મન ઉપર નિર્ભર રહે છે. તેથી આપણું મન કેવું છે, તે જોવું, તેનું પરીક્ષણ કરતા રહેવું બહુ જરૂરી છે.

હવે, મનને પારખવાનો મોકો આપણને ધ્યાનમાં મળે છે. આપણે ધ્યાન માટે બેસીએ છીએ, તો અનુભવ એવો થાય છે કે મન અહીં-તહીં દોડતું રહે છે. આને લીધે ધ્યાન સધાતું નથી. પરંતુ આમાં લાભ એ થાય છે કે મનને પારખવાનો મોકો આપણને મળે છે.

મન ક્યાં-ક્યાં ગયું, તે આપણને ખબર પડે છે. મનની રસ-રુચિ કઈ છે, તે આપણને સમજાય છે. તેથી ધ્યાનમાં સૌથી પહેલાં મનના સંચારનું બારીક નિરીક્ષણ કરવું. સવારે પ્રાર્થના માટે બેઠાં. પણ આપણે જોયું કે મન પ્રાર્થનામાં નહોતું. એ જ વખતે એક પક્ષી બોલ્યું. તેના પરથી યાદ આવ્યું કે બાર વરસ પહેલાં દિલ્લીમાં પક્ષીનો આવો જ અવાજ સાંભળ્યો હતો. અને ત્યારે દિલ્લીમાં જે માણસના ઘરે ગયા હતા, તેની યાદ આવી. તે માણસે વાતચીતમાં એમ કહેલું કે રેલવેની મુસાફરીમાં તેનો દીકરો મરી ગયો હતો. તેના પરથી મુસાફરી યાદ આવી. તે વખતે આપણે ક્યાં-ક્યાં ગયા હતા – મુંબઈ, નાગપુર વગેરે. આમ, મન એક પછી એક અનુબંધ શોધતું દોડતું રહે છે.

મનની પાછળ-પાછળ જઈને આ બધું બરાબર જોતા રહો, તેનું નિરીક્ષણ કરતા રહો. અને આ બધું લખી રાખો. આ રીતે દસ-બાર વાર નિરીક્ષણ કરવાથી મનનું આખુંયે ચલચિત્ર તમારી સામે આવી જશે. પછી જેમ બીજા કોઈનું ચરિત્ર વાંચતા હો, તેમ તમારું પોતાનું લખેલું વાંચી જાવ. તે તમારું ચરિત્ર નહીં, તમારા મનનું ચરિત્ર છે.

આ રીતે સૌથી પહેલાં તો તમારા મનના સંચારનો સાક્ષીભાવે અભ્યાસ કરો – મન ક્યાં જાય છે, કેમ જાય છે. તમને જણાશે કે સામાન્ય રીતે જેમ બાળક પોતાના નક્કી કરેલા રસ્તે જાય છે, તેમ જ મનનાયે અમુક પાંચ-પચીસ રસ્તા છે. મોટે ભાગે મન એ જ રસ્તાઓ પર ભટકતું રહે છે, અથવા તો અમુક રસ્તાઓનું મિશ્રણ કરે છે. રોજ તમે એનો પીછો કરતા રહેશો અને છણાવટ કરતા રહેશો, તો છેવટે મન થાકી જશે. તેના ખ્યાલમાં આવશે કે આ માણસ તો પોતાને મારાથી અળગો માને છે, અને મારું નિરીક્ષણ કર્યા કરે છે. તે જોશે કે આ માણસ મારો ફોટો લઈ રહ્યો છે. તો આખરે મન થાકશે, પોતાની હાર માની લેશે.

મનનું આવું ચલચિત્ર તમારી સામે આવી જવાથી તમને ખ્યાલમાં આવશે કે તેની વિશેષ આસક્તિનું સ્થાન ક્યં્ કયું છે. આવી આસક્તિને ઓળખીને મનને તે તરફ જવાનો મોકો ન મળે, એવી હવે કોશિશ કરવી. ક્યારેક તમે એવુંયે જોશો કે મનની અમુક ઈચ્છા હોય છે. પણ પછી બીજી વાર વિચારવાથી તેને થાય છે કે આ ઠીક નથી. આના ઉપરથી તુરત ખ્યાલમાં આવશે કે એવી બીજી કોઈ એજન્સી છે, જે મનને રોકે છે. તેનું નામ છે, વિવેક. આમ, વિવેકને મનથી અલગ રીતે ઓળખવાનો છે. એટલે આ વિવેકને ઓળખીને તમારે મનને એમ કહેતા રહેવું કે અત્યાર સુધી તું બહુ ભટકતું રહ્યું, હવે જરા થોભી જા. આને નિરોધ-પ્રક્રિયા કહે છે, જે સાક્ષીભાવે નિરીક્ષણ કર્યા બાદ સધાય છે. મન ક્યાં-ક્યાં જાય છે, તેનો નકશો-ભૂગોળ જાણી લીધા બાદ નિરોધ સધાશે.

ધ્યાનની હવે શરૂઆત થશે. મનને ક્યાંય ભટકવા ન દઈએ અને પછી ચિત્તને મૂળ વિષય ઉપર સ્થિર કરતા જઈએ. કોઈ એક વિષય ઉપર, કોઈ પ્રિય મંત્ર ઉપર કે કોઈ સગુણ રૂપ ઉપર, જેના ઉપર આપણા ચિત્તને શ્રદ્ધા હોય, ત્યાં ચિત્તને સ્થિર કરવાની કોશિશ કરીએ. શરૂ-શરૂમાં ચિત્તને સ્થિર કરવા માટે આવી રીતના કોઈ ને કોઈ આલંબનની જરૂર જણાતી હોય છે. પછી ધીરે-ધીરે એવો અનુભવ આવતો જશે કે આવા કોઈ આલંબન વિનાયે ચિત્ત સ્થિર રહેશે, શાંત રહેશે. ધ્યાન માટે એકાગ્રતા સાધવાની હોય છે. તે એકાગ્રતા કેમ સધાય, તેના અનેક સાધકોએ અનેક ઉપાય બતાવ્યા છે. જેને જે રુચે, જે માફક આવે, તે કરે. આમાં કેટલાંક બાહ્ય સાધનો અને બાહ્ય અનુકૂળ પરિસ્થિતિનો આશરો લેવાય છે. ક્યાંક સંગીત રાખે છે, ક્યાંક જ્યોતિ રાખે છે, ક્યાંક ધૂપ-દીપ રાખે છે. આ બધું એકાગ્રતા સાધવા માટે અનુકૂળ છે.

એવી જ રીતે ધ્યાન માટે સૌથી વધુ અનુકૂળ સમય પ્રાત:કાળ છે. તે અનુપમ છે, જાણે તે સત્વગુણનો જ પ્રતીક છે. અંધકાર ચાલ્યો ગયો છે, પ્રકાશ હજી આવ્યો નથી. દિવસ રજોગુણનો પ્રતિનિધિ છે, અને રાત તમોગુણની. તે બંનેનો સંધિકાળ સત્વગુણનો, આત્માના સમત્વનો, પ્રશાંતતાનો પ્રતિનિધિ છે. તે સમય ચિત્તની એકાગ્રતા સાધવા માટે બહુ ઉપયોગી છે. ધ્યાન માટે તે સમયનો ઉપયોગ કરી લેવાનું નિ:સંશય શ્રેયસ્કર છે. આમ, બાહ્ય પરિસ્થિતિની અનુકૂળતા અવશ્ય અપેક્ષિત છે. આસપાસનું વાતાવરણ અશાંત હોય, પરિસ્થિતિ ઘણી પ્રતિકૂળ હોય, તો ધ્યાન માટે જોઈતી ચિત્તની એકાગ્રતા સધાશે નહીં. આપણે ધ્યાન કરવા બેઠા અને નજીકમાં કૂતરાં ભસતાં હોય, તો ધ્યાન વિચલિત થઈ જશે. એટલા માટે ધ્યાન કરવા સારું એવું સ્થાન હોય, જ્યાં કોઈ જાતની ગરબડ ન હોય. એકાગ્રતા સાધવા માટે કેટલાકને એકાંત જોઈએ. તો, જરૂર જણાય તો ધ્યાન માટે એકાંતમાં પણ જઈ શકાય.

ધ્યાન જીવન સાથે વણાઈ જવું જોઈએ

ધ્યાન માટે શરૂ-શરૂમાં કોઈ ને કોઈ આલંબન જોઈશે. અનેક સાધકોએ તે માટે અનેક ઉપાયો બતાવ્યા છે. કોઈ શ્લોક ઉપર કે વાક્ય ઉપર ચિંતન કરવું. તેના અર્થનું મનન કરવું. થોડા દિવસ એક વાક્ય, થોડા દિવસ બીજું, એમ પણ કરી શકાય. હિંદુઓમાં મૂર્તિ વધારે પ્રચલિત છે. ચિત્તની સામે મૂર્તિ રાખીને તેનું માનસિક દષ્ટિએ ચિંતન કરવું. અનેક ભક્તોએ મૂર્તિઓનું ધ્યાન કર્યું છે. પથ્થરની મૂર્તિ પરથી તેના ગુણોનું સ્મરણ થાય છે. જેમ મૂર્તિ કામમાં આવે છે, તેમ અવતારનું ચિત્ર પણ કામમાં આવે છે. ઈશુનું ધ્યાન પ્રેમના પ્રકર્ષના પ્રતીક સ્વરૂપ છે. ઈશુએ સમાજ માટે બલિદાન આપ્યું. ઈશુના વધસ્તંભ પરથી ખ્યાલમાં આવે છે કે દુનિયાની સેવામાં બલિદાન આપવું જોઈએ. જુદા જુદા અવતારી પુરુષોમાં જુદા જુદા ગુણોનો ઉત્કર્ષ જોવા મળે છે. તે ગુણોનું ચિંતન કરીએ અને તેને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. કૃષ્ણમાં પ્રેમનો ગુણ દેખાય છે, રામમાં સત્ય, બુદ્ધમાં કરુણા. સત્ય-પ્રેમ-કરુણાના જપથીયે ગુણ-સ્મરણ થઈ શકે છે.

સૃષ્ટિમાં નિયમિતતાનો ગુણ ભરપૂર જોવા મળે છે. સૂર્ય, ચંદ્ર, તિથિ, ગ્રહણ આદિ બધું જ નિયમિત ચાલે છે. તેનું ચિંતન કરીને આપણા જીવનમાંયે આવી નિયમિતતા લાવવાની છે. માત્ર મહાપુરુષોમાં જ નહીં, આપણી આસપાસના સમાજમાંયે જુદા જુદા માણસમાં જુદા જુદા ગુણ દેખાય છે, તેનું સ્મરણ કરવું અને બીજાના ગુણ આપણાથી અપનાવાય તેટલા અપનાવવા. તમારામાં જો ગુણ ખેંચવાની શક્તિ આવી ગઈ, તો સમજવું કે ધ્યાન-શક્તિ આવી ગઈ. નહીં તો તમે ભલે પદ્માસન લગાવીને બેસો કે આંખ બંધ કરીને, ધ્યાન-શક્તિ તમારા હાથમાં નહીં આવે. વસ્તુમાત્રમાંથી ગુણ ખેંચવાની શક્તિ આવશે, ત્યારે જ ધ્યાનશક્તિ પ્રાપ્ત થશે. આવો જ એક ઉપાય છે, નામ-સ્મરણનો. તેમાં શબ્દ જ બોલાય છે. તે સગુણ કોઈક નામ હોય કે નિર્ગુણ પણ હોય.

નિર્ગુણ પંથ, સહજિયા પંથે શ્વાસની સાથોસાથ નામસ્મરણ કરવાનું કહ્યું છે. ‘સોડહમ’. ‘સ:’ એટલે બ્રહ્મ અને ‘અહમ’ એટલે અહંકાર. આપણે જે શ્વાસ બહાર છોડીએ છીએ, તે દૂષિત હોય છે. તે છે અહંકાર. તેને છોડવાનો હોય છે. જે શ્વાસથી અંદર સ્વચ્છ હવા લઈએ છીએ, તે છે બ્રહ્મ. આવી એક જૂની પદ્ધતિ છે.

સામાન્ય માણસને ધ્યાનમાં આગળ વધવા માટે આવું કોઈ ને કોઈ આલંબન ઉપયોગી થઈ પડે છે. પરંતુ આવા કોઈ બાહ્ય સાધનની મદદ વિનાયે ચિત્તની એકાગ્રતા સધાવી જોઈએ. નાના બાળકનું મન સહજ એકાગ્ર થઈ જાય છે, ધ્યાનસ્થ થઈ જાય છે. હા, તેનું દિમાગ હજી કમજોર હોવાને કારણે એનું ધ્યાન વધુ વખત ટકતું નથી, પરંતુ એકાગ્રતા એના માટે બહુ સહજ છે. આનું કારણ છે, ચિત્તમાં મેલ ન હોવો. બાળકનું ચિત્ત નિર્મળ હોય છે, એટલે એને ધ્યાન સહજ સધાય છે. માટે ચિત્તશુદ્ધિ જ સ્થાયી એકાગ્રતાનું મુખ્ય અને પ્રત્યક્ષ સાધન છે. બીજા બધા કોરા ઉપાયો છે.

ધ્યાન માટે સૌથી વધારે જરૂર છે, નિર્મળતાની. જેમ આપણે ભગવાનની પૂજા માટે બેસીએ છીએ, તો સ્નાન કરીને બેસીએ છીએ, સ્નાન કર્યા વિના બેસતા નથી, તેમ ધ્યાન કરતાં પહેલાં ચિત્તનું સ્નાન થવું જોઈએ. ચિત્તની શુદ્ધિ થવી જોઈએ. જ્યાં સુધી ચિત્ત શુદ્ધ થયું નથી, ત્યાં સુધી ધ્યાન સધાતું નથી. સમજવાની વાત એ છે કે પરમાત્મા આપણી બહાર નથી, અંદર છે, હૃદયમાં છે; પણ તેના ઉપર આવરણ છે, અને તેની નીચે એ ઢંકાયેલો છે.

અંદર જ્યોતિ છે, પણ ઉપર જે આવરણ છે, તેના પર મેલ જામેલો છે. જેમ કે ફાનસ છે, તેની અંદર જ્યોતિ હોય છે અને તેના ઉપર કાચનું આવરણ હોય છે. હવે, જો કાચ ઉપર મેલ હોય, તો અંદરની જ્યોતિ સ્પષ્ટ દેખાતી નથી, તેનો પ્રકાશ ચોખ્ખો જણાતો નથી. કાચ પરનો મેલ સાફ કરી નાખો, તો અંદરની જ્યોત ઝળહળી ઊઠે છે. તેવી જ રીતે આપણી અંદર પણ પરમાત્માની જ્યોતિ છે, પણ તેની ઉપર જે બુદ્ધિનું, ચિત્તનું આવરણ છે તે મેલું છે. એટલા વાસ્તે અંદર જે પરમાત્માની જ્યોતિ છે, તે દેખાતી નથી.

મેલ કાઢી નાખીશું, તો અંદરની પરમાત્માની જ્યોતિ એકદમ ઝળહળી ઊઠશે.

ધ્યાન માટે સૌથી મોટી કોઈ આવશ્યકતા હોય, તો તે આ ચિત્તશુદ્ધિની પ્રક્રિયાની છે. આ સિવાય બીજી કશી ઊઠવેઠની જરૂર નથી. ધ્યાનને માટે સૌથી ઉત્તમ સાધન છે, ચિત્તની શુદ્ધિ. ચિત્ત જો શુદ્ધ થઈ જાય, તો ધ્યાનમાં તુરત એકાગ્રતા સધાશે, અને ત્યારે ખરું ધ્યાન થશે.

પતંજલિએ પણ આવો જ સંકેત કર્યો છે. એમની ભાષામાં કહીએ તો, ધ્યાનયોગને યમ-નિયમનો આધાર આવશ્યક છે. યમ-નિયમ એ આખરે ચિત્તશુદ્ધિની સાધના જ છે. જ્યારે ચિત્તશુદ્ધિ થઈ જાય છે, પ્રસન્નતા પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે પછી ચિત્તને સ્થિર કરવા માટે કે એકાગ્ર કરવા માટે બીજી બધી ચિંતા કરવી પડતી નથી. ‘પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિ: પર્યવતિષ્ઠતે.’ ચિત્તની પૂરી શક્તિ પ્રસન્નતા પ્રાપ્ત કરવામાં લગાવો ! ગીતા કહે છે કે, ચિત્તને પ્રસન્ન કરો, તો એકાગ્રતા સાધવામાં મુશ્કેલી નહીં પડે. સૌથી પહેલાં ચિત્તને નિર્મળ કરો, શુદ્ધ કરો, પ્રસન્ન કરો, તો તે પોતાની મેળે શૂન્યમાં જશે અને એકાગ્ર થશે. આમ, પૂરી ધ્યાન-પ્રક્રિયા જ કપાઈ ગઈ ! ગીતામાં ધ્યાન-પ્રક્રિયાનો પત્તો જ નથી.

જો કે છેવટે એક વાત સમજી લેવા જેવી છે કે, ધ્યાન એ કોઈ જીવનથી અલાયદી વસ્તુ નથી. ધ્યાન જીવન સાથે સંકળાયેલું છે. તમારા જીવનની અસર ધ્યાન ઉપર પણ પડશે જ. ધ્યાનમાં એકાગ્રતા ને સ્થિરતા ત્યારે આવશે, જ્યારે તમારા જીવનમાં એકાગ્રતા ને સ્થિરતા રહેશે. બહારનો અપરંપાર સંસાર જો આપણા મનમાં કાયમ ભર્યો પડ્યો હશે, તો ધ્યાનમાં એકાગ્રતા સાધવાનું શક્ય નહીં બને. મનની દોટ કાયમ બહારની તરફ રહેશે, તો આપણી જ્ઞાનશક્તિ, આત્મશક્તિ ક્ષુદ્ર બાબતોમાં નષ્ટ થતી રહેશે. માટે મનની બેઠક બદલ્યા વિના ધ્યાન સધાશે નહીં. મનની બેઠક શુદ્ધ હોવી જોઈએ. આ માટે આપણા બધા વ્યવહાર શુદ્ધ હોવા જોઈએ. આપણા બધા વ્યવહારો જો માત્ર વ્યક્તિગત લાભ માટે, વાસના-તૃપ્તિ માટે, અથવા બાહ્ય બાબતો માટેના જ રહ્યા કરશે, તો વ્યવહારશુદ્ધિ ને જીવન-શુદ્ધિ થશે નહીં, અને તે ધ્યાનમાં એકાગ્રતા સાધવામાં નડતરરૂપ બનશે.

આ ઉપરાંત જરૂરી છે, જીવનની પરિમિતતા. આપણું બધું કામ નિયમિત, વ્યવસ્થિત અને માપ-તોલ મુજબ થવું જોઈએ. ગણિત આપણી બધી ક્રિયાઓમાંયે આવવું જોઈએ. ઔષધિ જેમ બરાબર ઉચિત માત્રામાં લેવાય છે, તેમ જ આહાર-નિદ્રાનુંયે હોવું જોઈએ. પ્રત્યેક ઈન્દ્રિય આપણા કાબૂમાં હોય. આની સાથે જ જીવનમાં સમદષ્ટિ હોવી જોઈએ. વિશ્વ તરફ જોવાની ઉદાર દષ્ટિ, શુભ દષ્ટિ, સમદષ્ટિ કેળવ્યા વિના એકાગ્ર થઈ શકાશે નહીં. આ સમસ્ત સૃષ્ટિ મંગલમય લાગવી જોઈએ. આખી સૃષ્ટિ પર મને વિશ્વાસ હોય. ‘વિશ્વં તદ ભદ્રં યદવન્તિ દેવા:’ – આ વિશ્વ મંગલ છે, કેમ કે પરમેશ્વર તેની સારસંભાળ રાખે છે.

અંગ્રેજ કવિ બ્રાઉનિંગે પણ આવું જ કહ્યું છે : ‘ઈશ્વર આકાશમાં વિરાજમાન છે, અને વિશ્વ આખું બરાબર જ ચાલી રહ્યું છે.’ આપણા મનમાં જો એવો નિશ્ચય નહીં હોય કે આ સૃષ્ટિ શુભ છે, તો ચિત્તની એકાગ્રતામાં ખલેલ પહોંચશે. જ્યાં સુધી હું એમ માનતો રહીશ કે સૃષ્ટિ બગડેલી છે, ત્યાં સુધી હું ચારે કોર શંકાશીલ દષ્ટિએ જ જોતો રહીશ. અને તો મારી એકાગ્રતા નહીં સધાય. સર્વત્ર માંગલ્ય જોવાની ટેવ પાડશો, તો ચિત્ત આપોઆપ શાંત થતું જશે. માટે સમદષ્ટિની ભાવના ઘૂંટતા રહેવી, એ એકાગ્રતા ને ધ્યાન માટેનો ઉત્તમ ઉપાય છે. એક વાત નક્કી કે, ધ્યાનમાં બાહ્ય અવલંબનો ઉપયોગી થશે ખરાં, બાહ્ય પરિસ્થિતિની અનુકૂળતાયે તેમાં મદદરૂપ થશે; પરંતુ ચિત્તશુદ્ધિ, જીવનની શુદ્ધતા, જીવનની પરિમિતતા, જીવન તેમ જ વિશ્વ તરફ જોવાની સમદષ્ટિ, શુભ દષ્ટિ ધ્યાનયોગની સાધનામાં સૌથી મહત્વનો ભાગ ભજવશે.

આમ, ધ્યાન એ કોઈ અલાયદી વસ્તુ નથી; તે જીવન સાથે, આપણા રોજબરોજના વહેવાર-વર્તન સાથે વણાઈ જવું જોઈએ. આપણાં બધાં કામો ધ્યાન સ્વરૂપ થઈ જવાં જોઈએ. ચિત્ત શુદ્ધ હોય, ખાલી હોય, તો કામ કરતાં-કરતાં ધ્યાનની અનુભૂતિ થશે.

છેલ્લે કહી દઉં કે ધ્યાન સધાયું કે નહીં, તેની કસોટી શી ? તમે સ્નાન કર્યું કે નહીં, તેની જે કસોટી છે, તે જ આની પણ છે. તમે પ્રસન્નતા અનુભવો, પોતાની જાતને સ્વચ્છ ને નિર્મળ અનુભવો, ઉત્સાહ-અનુભવો, તો તમે સ્નાન કર્યું એમ મનાય. તમે ખાધું, તેનો પુરાવો શો ? પેટમાં શાંતિ અનુભવાય, થાક ઊતરી જાય, તો જાણ્યું કે તમે ખાધું. એવી જ રીતે તમે ધ્યાન કર્યું અને તમારામાં ઉત્સાહ આવી ગયો, તમારું ચિત્ત પ્રસન્ન થઈ ગયું, તો માનવું કે તમને ધ્યાન સધાયું. આનું પ્રમાણ તમે પોતે જ છો. તમારી પ્રસન્નતા, શાંતિ, ઉત્સાહ એ જ તમારા ધ્યાનનું પ્રમાણ છે.

બાકી તો ધ્યાન વિશે ઘણી વાર આપણે સાવ ભ્રમમાં જ રહીએ છીએ. આપણને થાય કે આપણે મોટું ધ્યાન કર્યું, પણ ખરી કમાણી કશી ન થઈ હોય ! ધારો કે હું અઢી વાગ્યે ધ્યાનમાં બેઠો. ત્રણ વાગ્યે મારો ભોજનનો સમય છે, પણ હું તો ત્યાં સુધી સતત ધ્યાનમાં જ રહ્યો. મારા સાથીએ, મને ખવડાવનારાએ મને ધ્યાનમાંથી જગાડ્યો નહીં. ત્રણ વાગ્યા ઉપર પાંચ-દસ મિનિટ થઈ ગઈ. એટલે હું ગુસ્સે થઈ ગયો, અરે જયદેવ, તેં મને જગાડ્યો નહીં ? ધ્યાનમાંથી ઊઠતાંવેંત મારાથી આવો ગુસ્સો થઈ ગયો, તો સમજવું કે મારું ધ્યાન વ્યર્થ હતું. ધ્યાનથી તમને જો શાંતિ ને પ્રસન્નતા નહીં લાધી, તો એવા ધ્યાનનો અર્થ શો ? માટે શાંતિ, પ્રસન્નતા, ઉત્સાહ એ જ બધું ધ્યાનની ખરી કસોટી છે. એ સિવાય ધ્યાન પાછળ દોડવાનો કોઈ અર્થ નથી, એવું મને અનુભવથી સમજાયું છે.

માટે કોઈ મને પૂછે કે, ધ્યાન માટે સૌથી પહેલાં શું કરવું જોઈએ ? તો હું કહીશ કે, મહેનત-મજૂરી અને ભગવાનની પ્રાર્થના. કોઈ પૂછે કે, ધ્યાનનો હેતુ શો ? ધ્યાનનું લક્ષ્ય શું ? તો હું કહીશ કે, ચિત્તશુદ્ધિ. ચિત્તમાં કોઈ વિકાર ન રહે, એ ધ્યાનનો હેતુ છે, ધ્યાનનું ધ્યેય છે. કોઈ મને પૂછે કે, સાચું ધ્યાન કોને કહેવું ? તો હું કહીશ કે, મારે મન સાચું ધ્યાન એટલે ચિત્તની શાંતિ. ચિત્ત પ્રક્ષુબ્ધ ન હોય, ચિત્ત પ્રશાંત બની જાય, ત્યારે ધ્યાન સધાયું, એમ કહેવાય.

Total Page Visits: 282 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!