નસીબ આડેનું પાંદડું – યશવંત કડીકર

પાંદડું
પાંદડું
Spread the love

અમારું નાનું સ્વચ્છ ઘર. આગળની થોડીક જમીન, જે પિતાજીએ ખસની પટ્ટીઓની વાડ બનાવી ઘેરી લીધી હતી. નાની-નાની ક્યારીઓમાં ગુલાબ, ગોટા, મોગરાનાં ફુલ ખીલતાં હતાં. ઘરમાં બા, પિતાજી, મોટોભાઇ ગૌરવ અને હું ગીતા. નાનું અમારું કુટુંબ હતું. પિતાજી શાળામાં શિક્ષક હતા. પિતાજીના ટુંકા પગારમાં બા સરસ રીતે ઘર ચલાવતા હતાં.

ગૌરવ ભાઇ ભણવામાં બહુ જ હોંશીયાર હતાં. કેમ ના હોય, પિતાજી અને બા એમનું બરાબર ધ્યાન રાખતાં. પિતાજી શાળામાં ગણિત અને ફિઝિકસ ભણાવતાં હતા. આ બે વિષયો પિતાજીએ ભાઇને વેકેશનમાં બરાબર શીખવી દીધા હતા. પિતાજી કહેતા, ગીતા ને તો હું અધ્યાપિકા બનાવીશ. ગૌરવભાઇને તો બારમું પાસ કર્યા પછી એન્જિનિયરીંગ કોલેજમાં એડમિશન મળી ગયું. પિતાજીનું તો જાણે સ્વપ્ન સાકાર થઇ ગયું. તેઓ નિશ્ચિંત બની ગયા. બાને કહેતા – ‘ભગવાનની કૃપા હશે તો ગૌરવને કોલેજમાં ભણતાં-ભણતાં જ નોકરી મળી જશે. મારો દીકરો જાણીતો સિવિલ એન્જિનયર બનશે. ગીતાની બા, આપણા પણ સારા દિવસો આવવાના છે.”

ભાઇ હોસ્ટેલમાં રહેતો હતો. પિતાજીએ આ બાજુ કેટલાક છોકરાંઓનું ટયુશન કરવાનું પણ શરૂ કરી દીધું હતું. હું ત્યારે દશમામાં ભણતી હતી. સાંજે ટ્યુશન કરી પિતાજી મોડેથી ઘરે આવતા. એક દિવસ રાતના દશ વાગી ગયા. પિતાજી ઘરે પાછા ન આવ્યાં. હું અને બા ખૂબ જ ચિંતાતુર હતાં. ત્યાં કેટલાક લોકો પિતાજીને રિક્ષામાં લઇ ને આવ્યાં. પિતાજીને અકસ્માત થયો હતો. પિતાજી બેભાન હતાં. એમને માથા પર ખૂબ જ વાગ્યું હતું. એમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં. બા ખૂબ જ રડ્યાં. ગૌરવભાઇ આવી ગયા. પિતાજે બે અઠવાડિયાં સુધી બેભાન રહ્યા. પૈસા પાણીની જેમ ખર્ચ્યા છતાં ડૉક્ટરો તેમને બચાવી ન શક્યા. પિતાજી અમને રડતાં મૂકીને ચાલ્યા ગયા.

ગૌરવભાઇને અભ્યાસમાં ખૂબ જ તકલીફ પડી. પરંતુ તે ત્રીજા વર્ગમાં પાસ થઇ ગયાં. હજુ એમના અભ્યાસનું પૂરું એક વર્ષ બાકી હતું. બાએ એક-એક કરીને બધા દાગીના વેચી માર્યા. કોઇ પણ રીતે ભાઇનો અભ્યાસ ચાલુ રહ્યો. ભાઇએ પત્ર લખ્યો કે, એમને ખૂબ અશક્તિ વર્તાય છે, પરંતુ તેઓ કોઇ પણ રીતે પરિક્ષા આપી રહ્યા છે. અમારા ખરાબ દિવસો અહીં જ પૂરા થયા નહોતા. પરીક્ષા સમયે અમને ખબર પડી કે એમને કમળો થઇ ગયો છે. તેઓ પરીક્ષા આપી ના શક્યા. એમની તબિયત એટલી બગડી ગઇ હતી કે બા ત્યાં જઇને એમને લઇ આવ્યાં. બાની પાસે પૈસા ખલાસ થઇ ગયા હતા. છતાં બા હિંમત ના હાર્યા. એમણે ઘરનું ફર્નિચર વગેરે સામાન વેચીને ભાઇની દવા કરી અને સારા ખોરાક માટેની વ્યવસ્થા કરી. ગૌરવભાઇ ને સારું થઇ ગયું. હવે એમને નોકરીની શોધ હતી, પણ નોકરી ક્યાં હતી? આ બેકારીના જમાનામાં જાણે નોકરી તો નહિવત છે. એ માટે પણ લાગવગ કે ઘૂસણખોરી જોઇએ.

બિલ ના ભરાવાના કારણે વીજળી અને પાણીનું જોડાણ કપાઇ ગયું. દેવાનાં ભારથી અમે દબાઇ ગયાં. અમને જોઇ પાડોશીઓ તેમનાં બારી-બારણાં બંધ કરી લેતા હતા. ક્યાંક એમની પાસે અમે કશુંક માંગી ના બેસીએ. મકાન-માલિક પણ મકાન ખાલી કરવાની ધમકી આપી ગયો હતો.

છેવટે ભગવાને અમારી વાત સાંભળી. એક દિવસ ગૌરવભાઇ ઘરે આવ્યા, તો તે ખૂબ જ ખુશ હતા. એમણે બાને કહ્યું, ‘મને નજીકની ફેક્ટરીમાં એક કોન્ટ્રાક્ટરને ત્યાં કામ મળી ગયું છે. મહિને બે હજાર રૂપિયા આપશે.’ એક મહિનો થઇ ગયો, ભાઇ કામ કરતાં પણ કોન્ટ્રાકટર પૈસા આપતો નહોતો. બહુ માગે ત્યારે કોઇક વાર સો-બસો પકડાવી દેતો. ભાઇ શું કરે? અને ક્યાંય બીજે કામ પણ નહોતું મળતું. આમ જ ત્રણ માસ વીતી ગયા. ભાઇ એક્લા બેસી રડયા કરતા.

એક દિવસ તેઓ કામથી ઘરે પાછા આવ્યા તો બોલ્યા- “બા, કામ બંધ થઇ ગયું. ફેકટરીવાળા પાસે ફંડ નથી.” ઘરમાં પાછું શોકનું વાતાવરણ છવાઇ ગયું. બાએ કહ્યું –‘ બેટા, કોન્ટ્રાકટર પાસે જઇ પૈસા તો માગી આવ. આ કોન્ટ્રાકટરો નો શો ભરોસો?’ ગૌરવભાઇ રોજ પૈસા લેવા જતા. એક દિવસ ખબર પડી કે કોન્ટ્રાકટર પૈસા અને બધો સામાન લઇ ભાગી ગયો.

હું, બા અને ગૌરવભાઇ બિલકુલ સૂનમૂન થઇ ગયાં. અમે બધા પાસેથી ઉધાર લઇ ચૂક્યા હતા. ઘરનો બધો સામાન વેચાઇ ગયો હતો. મકાન માલિક વિધુર હતો. બાને ધમકી આપી ગયો હતો.– “ચાર માસનું ભાડું આપી દો, નહિતર તમારી દીકરીનાં લગ્ન મારી સાથે કરી દો.” એમ કહી એણે એનાં દાંત ખાટા કરી દીધાં હતાં. ભાઇએ આ સાંભ્ળ્યું તો એને મારવા માટે તૈયાર થઇ ગયા. બા વચ્ચે પડ્યાં, નહીંતો એ ગુંડો ભાઇને મારી જ નાખત.

અમારી સ્થિતિ ઘણી ખરાબ હતી. બેકારીએ અમને મોતના મોં સુધી લાવી દીધા હતા. બાને હવે સીવણનું કામ પણ મળતું ન હતું, કારણ મશીન જ વેચી માર્યુ હતું. થોડાક સમય પછી તો એવી સ્થિતિ આવી ગઇ કે, ઘરમાં ખાવા માટે પણ કંઇ ન રહ્યું હતું. બા પથારીવશ થઇ ગયાં. ગૌરવભાઇ પણ બહુ અશકત થઇ ગયા હતા. અમારી સહનશકિત પણ ખતમ થઇ ગઇ હતી. ગૌરવભાઇ કહેતા- ‘હું તને અને બાને કેવી રીતે બચાવી શકીશ?’

ખૂબ જ વિચાર કર્યા પછી એ રાતે અમે આત્મહત્યા કરવાનો પાકો નિર્ણય કર્યો. બા કશું ન બોલ્યા. એમનામાં એટલી શકિત જ નહોતી કે તે વિરોધ કરે. મેં વિરોધ કર્યો –“આત્મહત્યા, ભાઇ, એ ભાગેડુવૃત્તિ છે પાપ છે” ભાઇએ ખૂબ જ સ્પષ્ટ રીતે કહ્યું.-“આ તો બેકારીનો મૃત્યુદંડ છે, પાપ નથી.” ચારે બાજુથી નિરાશ થઇને અમે પથારીમાં જઇને સૂતાં. દિવસના લગભગ અગિયાર વાગ્યા હશે ને કોઇએ બારણું ખખડાવ્યું. અમે તો ગભરાયાં. ક્યાંક મકાન-માલિક તો નહી આવ્યો હોય?

ગૌરવભાઇએ બારી ખોલીને જોયું. એમનો કોલેજનો સહાધ્યાયી વિનય દેસાઇ ઉભો હતો. બાએ પુછ્યું- ‘કોણ છે?’
‘બા. મારો કોલેજનો સહઅધ્યાયી છે.’ ગૌરવભાઇને બારણું ખોલ્યું. વિનય હસતો હસતો અંદર આવ્યો. ‘દોસ્ત, તેં બારણું ખોલતાં બહુ વાર લગાડી’


ભાઇને એને બેસવાનું કહ્યું. ભાઇને જોઇને વિનયે કહ્યું – ‘ગૌરવ, તને શું થયુ છે? તું તો માંદો હોય તેમ લાગે છે?’ ભાઇ શું જવાબ આપે કે માંદગી તો બીજા કારણે છે. ત્રણ દિવસથી પાણી પીધા સિવાય કંઇ ખાવાનું મળ્યું નથી. ફક્ત એટલું જ કહ્યું – ‘હા’.

હું ટ્રેમાં પાણીનો ગ્લાસ લઇને અંદર આવી. વિનય ભાઇને કહી રહ્યો હતો, ‘હું તારા માટે અમિત અને તેજસ પાસેથી ભાળ મેળવીને આવી રહ્યો છું. મને ખબર નહોતી કે તને આવો જોઇશ.’ ભાઇ સરખું ન બોલ્યા. વિનય તો એની ધૂનમાં બોલ્યે જતો હતો – ‘અમિતે કહ્યું કે તું કોઇ કોન્ટ્રાકટરની પાસે કામ કરતો હતો. એણે તને ત્રણ માસનો પગાર ના આપ્યો. ગૌરવ, તને તો ખબર છે કે મારા પપ્પા બિલ્ડર છે. અમારી કંપની આ શહેરમાં મોટું કામ મળ્યું છે. અમે અહીં અમારી ઓફીસ ખોલી છે.’


મને લાગ્યું કે, ગૌરવભાઇ પર એમના મિત્રની કોઇ વાતની અસર થઇ રહી નથી. કદાચ તેઓ એમના આત્મહત્યાના નિર્ણય પર મક્ક્મ જ હતા અને પછી બધાં દુ:ખોમાંથી મુક્ત થઇ જવામાં લીન. એમણે ફક્ત એક-બે વાર માથું હલાવ્યું.


વિનય કહી રહ્યો હતો ‘તારી નોકરી માટે મેં પપ્પાને વાત કરી લીધી છે. તું અમારી કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે કામ કરીશ.’ વિનયે એક કવર એની તરફ ધર્યું, ‘તારે આની જરૂરત છે. આ રાખી લે. કાલે બીજી વ્યવસ્થા કરીશ.’


ગૌરવભાઇને સમજતાં વાર ન લાગી. ‘તારા આ ઉપકારનો બદલો હું કેવી રીતે વાળી શકીશ ?’ ભાઇના મોંમાંથી પહેલું વાક્ય નીકળ્યું હતું. મેં હિંમત કરીને પાણી ધર્યું. વિનય મારા હાથમાંથી ગ્લાસ લઇને ગટગટાવી ગયો.


જતાં જતાં એ ભાઇને કહેતો ગયો, ‘ગૌરવ, સવારે ઓફીસ આવવા માટે તૈયાર રહેજે. હું તને લેવા આવીશ.

એના ગયા પછી ભાઇએ કવર ખોલ્યું. એમાં આઠ હજાર રૂપિયા હતા. મેં ભાઇની આંખમાં એક અદભુત ચમક દેખી. બાના હાથમાં પૈસા આપતાં ભાઇએ કહ્યું – ‘બા, કાલથી હું પૂરી મહેનતથી કામ કરીશ.’


બાના ચહેરા પર વર્ષો પછી સંતોષભર્યું હાસ્ય હતું.


મને થયું કે, શું આને ભાગ્ય પરિવર્તન કહેવાય કે પછી નસીબ આડેનું પાંદડું ખસી ગયું હતું !!

Total Page Visits: 236 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!