ગુરુ નાનકનો જન્મ સંવત 1526માં રાઈભોઇની તલવંડીમાં જે આજે (નાનકાના સાહેબ) તરીકે પ્રખ્યાત છે ત્યાં પિતા બેદી કાલૂચંદ પતવારી અને માતા તૃપ્તાજીને ઘેર થયો હતો.
ગુરુ નાનક દેવનું બાળપણ
નાનકજી શાંત સ્વભાવના હતા. તેમને ગોપાલ પંડિત પાસે હિન્દી ભણવા બેસાડયા તથા વૃજલાલ પંડિત પાસે સંસ્કૃત અને મૌલવી કુતબુદ્દીન સાહેબ પાસે ફારસી ભણવા બેસાડયા. પરંતુ ગુરુનાનકદેવે આ ત્રણેય ઉસ્તાદોને પોતાના આત્મિકબાલ દ્વારા પોતાના શિષ્યો બનાવી લીધા અને ત્રણેયને સમજાવ્યું કે વિદ્યાનું તત્ત્વ જાણ્યા વિના ભણેલ-ગણેલ મનુષ્ય મૂર્ખ છે.
ગુરુ નાનક દેવ સદૈવ હારી ચિંતનમાં જ નિમગ્ન રહેતા હતા. વ્યવહાર તરફ તેઓ બિલકુલ ધ્યાન આપતા નહીં. એકવાર પિતાજીએ થોડા રૂપિયા આપે અને બજારમાં મોકલ્યા અને કહ્યું કાંઇ સારો સોદો કરી આવો જેથી મોટો લાભ થાય. નાનકજીને બહાર બજારમાં જતાં રસ્તામાં ઘણાં દિવસોથી ભૂખ્યા એવા વિદ્વાન સંત મળી ગયા તો તેમને ખાવા પીવાનો સામાન આપવામાં બધા રૂપિયા ખર્ચી નાંખ્યા.
ગુરુ નાનક દેવ અને સંસાર
ઘેર આવી પિતાને કહ્યું આનાથી વધારે નફોર થાય તેવો કોઈ બીજો ધંધો નથી. તેથી મેં આ રૂપિયા સેવાના સોદામાં વાપરી નાંખ્યા. નાનક ના પિતાજી નારાજ થયા. નાનકને માર પણ મળ્યો. આ સમયે નાનકજીની બહેન નાનકીજી સાસરેથી આવેલી. ભાઈને માર પડતો જોઈ તે ખૂબ દુ:ખી થઈ અને પતિ જયરામજીને કહી નાનકને સાથે પોતાના ગામ સુલતાનપૂર લઈ ગઈ.
અહીં નાનકજીએ દૌલતખાં લોદીના મોદી ખાનાની જવાબદારી સ્વિકારી. સેવા ચાકરી મોદી ખાનાની હતી પરંતુ નાનકજી હરિચિંતનમાં જ તલ્લીન રહેતા અને મોદી ખાનામાંથી ઘણો બધો સામાન ગરીબો, સાધુ, ફકીરોને વહેંચી દેતા. પરંતુ જ્યારે તપાસ થાય ત્યારે સામાન બરાબર જ થતો હતો.
સવંત-1554માં આતો નાનક આતો જોખતા. એક, દો, તીન, ચાર કરતા તેરહ પર પહોંચ્યા તો ગિનતી-બિનતી ભૂલી ગાયા અને તેરા-તેરા કરતાં બધો આટો જોખી નાખ્યો. ત્યારે ખ્યાલ આવ્યો અને પછી મોદી ખાનાની નોકરી છોડી દીધી. ‘તેરા’નો અર્થ હે ભગવાન બધું તારું છે એમ ધ્યાન લાગી ગયું હતું.
ગુરુ નાનક દેવની ફિલસૂફી
ગુરુ નાનકદેવ કહેતા, “નથી કોઈ હિન્દુ, નથી કોઈ મુસલમાન. બધા જ સમાન છે” અને પોતાના અનંત પ્રકાશથી સંસારના અંધકારને મટાડવા માટે દ્વેષ, ઈર્ષા, વેર, વિરોધ વગેરેની પ્રચંડ આગથી સળગતા સંસારને હરિનામનું અમૃત પ્રદાન કરવા દેશાટન શરૂ કર્યું.
ગુરુ નાનક દેવે સિત્તેર વર્ષ આ ધરા પર રહી ધર્મ પ્રચાર કરી અનેક જીવોનો ઉદ્ધાર કરી સંવત 1596માં સ્થૂળ શરીરનો ત્યાગ કર્યો. ત્યારે તેમના અંતિમ સંસ્કાર માટે હિંદુ, મુસલમાનોમાં વિવાદ થયો. અંતે તેમનાં સ્થૂળ દેહ પર ઢાંકેલ વસ્ત્ર હટાવ્યું તો ગુરુદેવનું શરીર ત્યાં નહોતું. અર્ધુ વસ્ત્ર લઈ મુસલમાનોએ કબર બનાવી તો અર્ધુ વસ્ત્ર હિંદુ-શિષ્યોએ લઈ તેનાં અગ્નિ સંસ્કાર કર્યા.

આ લેખ સંત ભાગવત દર્શન
પ્રકાશક
શ્રી દિવ્યજીવન સંઘ-સુરેન્દ્રનગર, શિવાનંદ આશ્રમ, રતનપર, સુરેન્દ્રનગરમાંથી લેવામાં આવેલ છે.