પગરખાં : નટવર પંડ્યા

Spread the love

આ સૃષ્ટિમાં પ્રાણીમાત્રનું રક્ષણ કરનારો ભગવાન આ કળિયુગમાં તેના મંદિરે પડેલા ભક્તજનોનાં પગરખાંનું રક્ષણ કરી શકતો નથી. તેથી જ ઘણા ભક્તજાનો મંદિરમાં ભક્તિ કરતાં હોવા છતાં’ તેમનું મન તો મંદિરના દરવાજે પડેલી ચરણપાદુકાની ચિંતા કરતું હોય છે. ભગવાન જ્યારે ભક્તની ચિંતા કરતાં હોય છે ત્યારે ભક્ત પગરખાંની ચિંતા કરતો હોય છે.
આમ, પ્રભુભક્તિ કરતાં પગરખાં-ભક્તિ વધી જાય છે. ચરણપાદુકાની ચિંતાને કારણે ભક્તોના મન વિચલિત થવાથી અનેક ભક્તોની ભક્તિ પર પાણી ફરી જાય છે.

નરસિંહ, મીરાં કે તુલસીદાસના વખતમાં કદાચ ચરણપાદુકાની ચોરીની ચિંતા તેમણે નહીં સતાવતી હોય એટલે જ તેઓ શાંતચિત્તે ભક્તિ કરી પ્રભુને પામી શક્યા. સંસારની તમામ બાબતોમાં ભગવાન પર ભરોસો મૂકનાર ભક્ત આજકાલ ભગવાન ભરોસે પગરખાં મૂકી શકતો નથી. મંદિર એ પગરખાં માટે સૌથી મોટું ભયસ્થાન છે.

પ્રભુની પ્રેરણાથી પગના રક્ષણ માટે મનુષ્યે જે ચીજ બનાવી તેનું જ રક્ષણ કરનારો આ સૃષ્ટિમાં કોઈ નથી.

બાળપણમા હું જ્યારે ‘દો હંસો કા જોડા બિછડ ગયો રે…’ ગીત સાંભડતો ત્યારે તેનો બાળસહજ અર્થ કરી હું વિચારતો કે જોડાં (પગરખાં) તો પક્ષીઓના પણ સલામત નથી તો આપણા ક્યાંથી હોય ? પગરખાં એટલે ‘પગનું રક્ષણ કરનાર’ એવો સીધો-સાદો અર્થ થાય. પણ મારી દ્રષ્ટિએ આ અર્થ ખરેખર અધૂરો છે. (મારી દ્રષ્ટિએ આ સૃષ્ટિમાં બીજું ઘણું અધૂરું છે.) કારણ કે વખત આવ્યે પગરખાં માત્ર પગનં જ નહીં, આખે-આખા મનુષ્યનું રક્ષણ કરી શકવા સમર્થ છે.

ધારો કે તમે કઈ અજાયબી ગલીમાં ગયા અને ઓચિંતું તમારી સામે હુમલો કરવા ધસી આવે તો તમે શું કરશો? કશું જ હાથવગું ન હોય ત્યારે પગમાંથી પગરખું ઉઠાવી વીર યોધ્ધાની જેમ શત્રુ પર હુમલો કરવા ધસી જશે. આમ, વખત આવ્યે પગરખું અસ્ત્ર અને શસ્ત્ર બંનેનું કામ આપે છે.

પગરખાંને હાથમાં પકડેલું રાખીને જ કોઈ પર પ્રહાર કરવામાં અવવે ત્યારે તે શસ્ત્ર છે, જ્યારે મુક્ત પ્રહાર (છુટ્ટો ઘા) કરવામાં આવે ત્યારે તે અસ્ત્ર છે.


પગરખાં અસ્ત્ર –શસ્ત્ર જેવા ઘાતક હથિયારોનું જ નહીં પણ વખત આવ્યે પુષ્પનું સ્થાન પણ લઈ શકે એટલું કોમળ છે. કેટલાય મહાનુભાવોના ગળામાં લોકો પુષ્પોના હાર પહેરાવતા હોય છે. પણ અનુભવે તેમની અસલિયત સમજાતાં લોકો તેમને અથવા પ્રતિમાઓને પગરખાંનો હાર પણ પહેરાવે છે ત્યારે પગરખાં પુષ્પનું સ્થાન લે છે. ગાંધીજીએ મહાનુભાવોના ગળામાં સૂતરની આંટી પહેરાવવાની પ્રથા શરૂ કરી પણ તે પુષ્પના કે પગરખાંના હાર જેટલી પ્રભાવી નથી. (મારી દ્રષ્ટિએ !) પગરખાંનો વૈકલ્પિક ઉપયોગ પણ થઈ શકે છે. શ્રમજીવીઓ પગરખાંનું જ ઓશીકું બનાવીને સૂઈ જાય છે. આવી જ રીતે શ્રમજીવીની જેમ દોડાદોડી કરીની આપણે કોઈનું કામ કર્યું હોય છતાં ક્યારેક જશના બદલે જૂતાં મળે છે.


આમ છતાં આપણે આજ સુધી પગરખાંનું પારખું કર્યુ નથી. આપણે ત આપણાં મિથ્યાભિમાનમાં પાઘડીઓને જ મહત્વ આપતા રહ્યા. ભરતજીએ પણ સિંહાસન પર શ્રીરામની ચરણપાદુકા મૂકી હતી, મુકુટ નહીં. છતાં આપણે પગારખાનું મહત્વ સમજ્યા નહીં. એવું કહેવાય છે કે પગરખું સોનાનું હોય તોય માથે ન પહેરાય. તો શું પાઘડી સોનાની હોય તો પગમાં પહેરાય? આપણે સદીઓ જૂના પાઘડીયા પક્ષપાતને કારણે પગરખાંની સતત અવગણના કરતાં રહ્યા.
પાઘડીઓને કારણે તો કૈંક માથાં કારણ વગરના વધેરાય ગયાં.

આમ, પગરખાંનું મૂલ્ય પારખવાનો સમય હવે પાકી ગયો છે. આજે પગરખાં વિના એક પગલું પણ ભરી શકતું નથી. આપણે માથાં પર પાઘડી કે ટોપા-ટોપી પહેર્યા વિના નીકળીએ તો કોઈ ‘ઉઘાડ-મથ્થા’ કહેતું નથી. પગરખાં પહેર્યા વિના નીકળી પડીએ તો લોકો તરત જ આપની ‘ઉઘાડપગા’ તરીકે ગંભીર નોંધ લે છે. આપણે ભલે એકવીસમી સદીમાં ઘૂસી ગયાં છતાં કેટલાક પતિઓ પત્ની પર કાબૂ મેળવવા ખાનગી ખૂણે પગરખાં-પ્રહારના પ્રયોગો કરતાં હોવાનું માલૂમ પડ્યું છે. જો કે આવા કિસ્સાઓનું પ્રમાણ દિન-પ્રતિદિન ઘટતું જાય છે અને હવે તો ઊલટો પ્રવાહ શરૂ થયો છે, જે ચિંતાનો વિષય છે. (પગરખાં માટે નહીં – પતિઓ માટે). પગરખાંને આધારે જ તબીબી શાખાઓમાં ‘ઉઘાડપગા ડોકટરો’ એવી વિશિષ્ઠ ઉપાધિ ધરાવનાર તથા ઉપાધિ કરાવનાર તબીબોનો એક વિશિષ્ઠ વર્ગ અસ્તિત્વમાં આવ્યો છે.

આમ છતાં આવા ડોકટરસાહેબો મૂલ્યવાન પગરખાં પહેરે શકે એવી ધીકતી કમાણી કરી લેતા હોય છે. ડોકટર વિના પણ પગરખું ખુદ એક ઔષધિ છે. એટલે જ વાઇ આવે તેને પગરખું સૂંઘાડવામાં આવે છે. આખો દિવસ પગમાં જોડાં ઘાલી રાખનાર મહાશય સાંજે ઘરે આવી ઘરના દરવાજે પગરખાં ઉતારે ત્યારે કાચબા છાપ અગરબત્તી સામે વર્ષોથી લડનારા મજબૂત મચ્છરો પણ ઘરમાંથી સામૂહિક હિજરત કરી જાય છે.


ભક્ત કવિઓએ લખ્યું છે કે..


સરોવર તરુવર સંત જાન, ચોથા વરસે મેહ;
પરમારથ કે કારણે. ચારે ધરિયા દેહ.

આ ભક્ત કવિઓની પંક્તિમાં પગરખાંનો પણ સમાવેશ થવો જોઇએ. કારણ કે પગરખાં આપણાં માટે જાત ઘસી નાખે છે, પોતાના સંતાનોને સારી સ્કૂલમાં એડમિશન મેળવવા, (એડમિશન હવે એક ‘મિશન’ બની ગયું છે) ભણ્યા પછી નોકરી મેળવવા, નોકરી પછી છોકરી મેળવવા, છોકરી માટે સારો છોકરો મેળવવા – ટૂંકમાં બધુ સારું સારું મેળવવા લોકો કંઇ કેટલીયે હોડ પગરખાં ઘસી નાખે છે. અંતે મમ્મી-પપ્પાઓ ગૌરવભેર કહે છે ક ફલાણી-ઢીંકણી સ્કૂલમાં એડમિશન મેળવવા માટે અને પાંચ-પાંચ જોડી પગરખાં ઘસી નાખ્યાં. આપણી પાસેથી નાણાં ઉછીના લઈ જનારા ઉધારિયાને સાણસામાં લેવા માટે પણ આપણે પગરખાં ઘસી નાખવાં પડી છે.


આમ, પગરખાં પોતાની જાત ઘસીને આપણો સ્વાર્થ સાધવા માટે પરમાર્થ કરે છે. આપણા પગરખાં-ઉદ્યોગના વિકાસમાં સરકારી કચેરીઓનો બહુ મોટો ફાળો છે. નાના એવા કામ માટે પણ આપણા જેવા તુચ્છ માનવીએ સરકારી કચેરીએ અનેક ધક્કા ખાવા પડે છે. જેથી ઘણાંના પગરખાં ઘસાઈ જાય છે. એટલે ફરજિયાત નવાં ખરીદવા પડે છે. (ખરીદવાનો વેંત ન રહ્યો હોય છતાં!) આમ, પગરખાં-ઉદ્યોગને પરોક્ષ રીતે પ્રોત્સાહન મળતું રહે છે.

મોટરકાર મોટરસાઇકલ વગેરેની રિસેલ વેલ્યૂ છે, પણ ગમે તેવા મોંઘા જોડાંનીય રિસેલ વેલ્યૂ નથી. તેથી આપણે કોઈને કહી શકતા નથી કે ‘મારે આ વૂડલેન્ડની જોડી કાઢી નાખવી છે. કોઈ સારો ઘરાક હોય તો કહેજો. સત્તાવીસોમાં લીધા’તાં ને સાતસોમાં કાઢી નાખવા છે.


કેટલાક લોકો મંદિરોએ એક – એક પગરખું જુદી જુદી જગ્યાએ ઉતારે છે. તેથી સલામતી વધે છે. પણ લોકોના ઠેબાં ખાઈ – ખાઈ બને પગરખાં અંતે એકબીજાથી એટલાં બધાં દૂર જતાં રહે છે કે પગરખાં રિસેલરો બેઠેલો જોવા મળે છે. અહીં આપણને એક પગરખું મળે ને બીજા માટે ફાંફા મારતાં હોઇએ ત્યારે લોકો આપણા પર શંકા કરે છે.


લગ્નપ્રસંગોમાં પગરખાં અને દિલ આ બે ચીજોની ખાસ ચોરી થાય છે. ત્યાં સાળીઓ દ્વારા વરરાજાનાં પગરખાં ચોરવામાં આવે છે. વરરાજાનાં પગરખાં ચોરનાર સાળીઓનાં દિલ વળી બીજા કોઈ ચોરી જાય છે. જો કે આજકાલ દિલ ચોરાવનારાઓ પણ દિલાવર બન્યા છે. તેઓ ફક્ત એકને જ નહીં, અનેકને દિલ ચોરવા દે છે.

પ્રભએ અનેક અવતારો ધારણ કરી અસૂરોને હણવા તીર, તલવાર, ચક્ર, વગેરેનો સદુપયોગ કર્યો પણ ક્યારેય દાનવને પગરખાંનાં પ્રહારથી હણ્યો હોય એવી ‘પાદુકા-લીલા’ આજ સુધી કરી નથી. આશા રાખીએ કે પ્રભુ કલિકાલમાં ભક્તજનોનાં હ્રદયને સંતૃપ્ત કરશે.


એક અપૂજ્ય બાપુએ પ્રવચનમાં એવું કહેલું કે જ્યારે હળાહળ કળિયુગ આવશે ત્યારે દીકરો બાપને જોડો મારશે. આમ, પગરખાં કાળની ગતિવિધિ પણ દર્શાવે છે. કવિ-શાયરોએ સ્ત્રીના સુંદર મુખને ચંદ્રની ઉપમા આપી છે. પણ, બાળપણમાં હું જ્યારે મોં બગાડીને રિસાતો ત્યારે મારા મોટા ભાઈ કહેતા કે, ‘આ શું પગરખાં જેવુ ડાચું લઈને બેઠો છે?” ત્યારે હું એમ વિચારતો કે મોટાભાઇને ખરેખર ખબર નથી કે આજકાલ કેવા સુંદર પગરખાં મળે છે !

https://amzn.to/2VkGtxS

આ પુસ્તક Amazon પર નીચેની લિંક પર પ્રાપ્ય છે.

https://amzn.to/2VkGtxS

મકરંદ દવે – બ્રહ્મજ્ઞને શિરે શારદામ્બાની કૃપા

Total Page Visits: 859 - Today Page Visits: 1

1 comments on “પગરખાં : નટવર પંડ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!