પતરંગો – એક સુંદર પક્ષી – જોવાનું ચુકતા નહિ

પતરંગો
પતરંગો
Spread the love

નીલકંઠ નામ એક બીજા પંખીને પણ અપાયું છે. અને એની દાઢી ને ગળું વાદળી છે. પણ પતરંગો નામ જ વધારે ઠીક છે. કારણ કે એ ઉડવામાં એવું કુશળ છે કે કોઈ પતંગ પણ એવું સરસ ન ઊડી શકે.

આમ તો ૬ થી ૭ ઇંચનું (૧૫ થી ૧૭ સે.મી.નું), આખું લીલી-ચકલી જેવડું લાગતું પંખી તાર પર બેઠેલું જુઓ તો એ પતરંગો જ. પણ એની ઝીણી પાતળી વળેલી ચાંચ જ એક કે પોણા ઇંચની છે ને પૂંછડી સહેજ લાંબી હોવા ઉપરાંત એના વચલાં બે પીંછા લોઢાના કાળા તાર જેવાં બે ઇંચ લંબાયેલા હોય છે. આથી એની લંબાઈ લગભગ ૯ ઇંચ (૨૨ સે.મી.)ની થાય. પણ દેખાવે પાતળું ‘મોઈ’ જેવું છે. રમવાના ગીલ્લી દંડાની ગીલ્લી જેવું.

આખો રંગ પોપટની જેમ લીલો જ. પણ માથું ને ખભા પાસે પીઠ પર ચળકતો ત્રાંબા વરણો નારંગી પીળો રંગ છે તેથી બહુ સુંદર લાગે છે. દાઢીથી ગળું લીલાશ પડતાં વાદળી રંગનું. ગળાના આગલા ભાગે કાળો કાંઠલો, આંખમાં આંજણ જેવી પાછળ લંબાતી કાળી રેખા. જે આગળ ચાંચ સાથે ભળી જાય છે. આંખ લાલ છે. ચાંચ કાળી ને પગ રતુંમડા રાખોડી ટૂંકા. પણ એને ઓળખવાની મુખ્ય નિશાની પૂંછડીનાં લાંબા તાર જેવાં પીંછા !

ઝાડની ડાળીને છેડે કે તારનાં દોરડાં પર એકલાં કે પાંચ સાતના ટોળામાં બેસી ઊડી ઊડીને જીવાત પકડવી એ એનો ધંધો. ઊડે ત્યારે પહોળી પાંખથી હવામાં તરતો હોય એમ લાગે છે. જીવાત પકડવા જાતજાતની ગુલાંટો ને અણધાર્યા વળાંકો ખાતો પતરંગો જોવો એ પણ લ્હાવો છે. મચ્છર, માખી, મધમાખી, વાણીયા કે ભમરાં જે આવે તે પકડી ડાળી કે તાર પર પછાડીને સ્વાહા કરી જાય છે. શિયાળામાં તો એ ઘરના છાપરે પણ ટોળાબંધ બેસીને  ઉડાઉડ કરે છે.

ઉનાળામાં માળો  કરવા આઘાપાછા થઇ જાય છે. નદીની ભેખડ, કૂવાની પોચી દીવાલ વગેરે જ્યાં ઊંડા દરો ખોદી શકાય ત્યાં માળા કરે છે.  

આવા ઊંડા દર દોઢેક ઇંચ પહોળાં ને પાંચ-સાત ફૂટ ઊંડા હોય છે. ને છેડે મોટો ગોળ દડા જેવડો ઓરડો હોય છે.ત્યાં ૩ થી ૬ સફેદ ઈંડા મૂકે છે. એના પગ નબળા છે એટલે ભાગ્યે જ ચાલે છે પણ આવા માળામાં ભડકે ત્યારે ઝડપથી પાછા પગ ખસી શકે છે. સડકની બાજુમાં પણ માળો કરે છે.

પાંચ-સાત પંખી ધૂળમાં સાંજના નહાવા પણ ઊતરે છે, જમીનમાં કે ઢેફા પર ને વાડીના મોલ પર પણ ઉડતાં બેસતાં જોવા મળે છે. પંદર-વીસ કે બસો-પાંચસોના ટોળા ઝાડમાં રાતવાસો કરે છે. ‘ટ્રી ટ્રી ટ્રી’ એવો અવાજ કરે છે. પાણી વચ્ચે ઝાડ હોય તો વધુ પસંદ કરે, બૂચના ઝાડનો ખાસ શોખીન છે પણ ઇને ઝટ જોઈ લેજો, કારણ કે મુંબઈ તેમજ ગુજરાત સૌરાષ્ટ્રનાં કેટલાક પ્રદેશોમાં એ ઉનાળે ચારેક માસ અદ્રશ્ય થઇ જાય છે.

એનું પતરંગો નામ હિન્દી છે અંગ્રેજીમાં green bee eater કહે છે. આ નાનો પતરંગો આપણું એક  કાયમી રૂપાળું દવાની છટાવાળું પંખી છે.

બીજા બે પતારંગા પણ થાય છે. લંબાઈ ૧૨ ઇંચ (૩૦ સે.મી.) દાઢી પીળી, છાતી કાટ જેવી રાતા ધાબાવાળી, ગાલ વાદળી તેથી તે નીલગાલ પતરંગો – blue cheeked bee eater કહે છે. એક ઠેકાણે સ્થિર રહેતો નથી પણ આઘોપાછો થયાં કરે છે. સ્થાનિક સ્થળાંતર કર્યા કરે છે. આડા અવળા ફર્યા કરે છે.

Total Page Visits: 593 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!