પતિ એક વનસ્પતિ છે ~ નટવર પંડયા

નટવર પંડ્યા
Spread the love
પતિ  નટવર પંડયા

પતિ એ કયા પ્રકારની વનસ્પતિ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. એમ તો પતિ સામાજીક પ્રાણી કહેવાય છે. પણ ઘર બહાર એકલો હોય ત્યારે તે માત્ર પ્રાણી હોય છે પણ અત્રે પતિને વનસ્પતિના સંદર્ભે ચર્ચવાનો  ઉપક્રમ છે.          

વર્ષો પહેલા એક કુમળા છોડ જેવા લાગતા પતિને વર્ષો પછી ગાંડા બાવળની જેમ જામી ગયેલો જોયો એટલે “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા” ના ધોરણે આ વિષય હાથ લાગ્યો. જો બહેનો ધ્યાનથી જોશે તો તેમને  પતિમાં વનસ્પતિના વિવિધ સ્વરૂપો નજરે ચડશે. પણ ખાસ ધ્યાન એ રાખવું કે જોવામાં હેતુફેર ન થઈ જાય, ગુરુ કી કૃપા સે! વળી તમે(પત્ની) જેને જોશો એ વનસ્પતિ તો પાનખરમાં પણ લીલીછમ થઈ જશે.

વનસ્પતિની દ્રષ્ટિએ જોતા કેટલાંક પતિઓ કુમળા છોડ જેવા હોય છે. કુમળા છોડને ટકી રહેવા માટે ટેકાની જરૂર પડે છે. તેથી આવા કુમળા છોડ વધીને વટવૃક્ષ થઈ ગયેલી પત્નીની નિશ્રામાં જ પાંગરે છે કેટલાક તો ચાળીસી વટાવી ગયા પછી પણ કૂમળા છોડ જેવા લાગે છે તે ખરેખર કુમળા નહીં પણ અલ્પવિકસિત હોય છે. પૂરતા પોષક તત્વોના અભાવે  તેમનો વિકાસ રૂંધાઈ ગયો હોય છે. તે ઉપરથી કુમળા દેખાતા હોય છે.બાકી અંદરથી કઠોર હોય છે. તે જ રીતે કેટલીક બહેનોએ પતિને ઘર આંગણાના છોડ ધારીને “તમે ચંપો ને અમે કેળ” જેવું જોડાણ રચ્યું હોય છે (“તમે રે રગડો અને અમે ભેળ” એવું જોડાણ પણ જોવા મળે છે) સમય જતાં તે છોડ જંગલી વૃક્ષ જેવો બની જાય છે ત્યારે બિચારી નમણી નાગરવેલ ના પાંદડા ખરી પડે છે. અહીં પાંદડા એટલે અરમાનો જે લગ્ન પછી  મોટાભાગે ખરી પડ્યા હોય છે કારણ કે બહેનોના ખરીદી અંગેના કેટલાક પ્રસ્તાવ સમયે આ છોડ રણછોડ બનીને મેદાન છોડી જાય છે.

 

કેટલાક બહેનો જતનપૂર્વક આવા કુમળા છોડને વિકસાવવા મથતી હોય છે પણ એ તો જાણે કુંડાનો છોડ! ગમે તેટલા ખાતર પાણી આપો તો  પણ એ છોડ બે પાંદડે થાય જ નહીં. સાહેબે આવા પતિઓના વિકાસ માટે એકાદ યોજના લોન્ચ કરવી જોઈએ.

કેટલાક પતિઓ રણ પ્રદેશની કંટાળી વનસ્પતિ જેવા હોય છે તેમની જીભ, વાણી-વર્તન બધું જ કાંટાળું! અરે માથાના વાળ પણ કાંટા જેવા પણ એ તો કુદરતી રચના છે તેમાં તેનો દોષ નથી. રણપ્રદેશમાં વારંવાર આવતી આંધી સામે ટકી રહેવા માટે તેણે કાટાળા બનવું જ પડે. આંધીનો સામનો રણથી માંડીને નારણ સુધીના બધાએ કરવો પડે છે. આમ છતાં જો આવી સ્થિતિમાં તેઓ વર્ષોથી અડીખમ ઊભા હોય ને આંધીને કહેતા હોય  કે “મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીક ના બતાવો” બસ એ જ એમની મોટી સિદ્ધિ! સિદ્ધિ મેળવવા દર વખતે પરસેવે નાહવું પોસાય નહીં. આવી વનસ્પતિ સાથે  એક ચોક્કસ અંતર રાખવું. નહીં તો અચાનક બુલંદ સ્વરે ગવાઈ જશે….  “કાંટા લગા..આ.. આ..આ…” કેટલાક પતિઓ પરોપજીવી વનસ્પતિ જેવા હોય છે.  તેઓ ગમે  ત્યાં નજીક ની વનસ્પતિ સાથે વીંટળાઈ જાય છે એકવાર વીંટળાયા પછી એને જુદા પાડવા મુશ્કેલ છે.

તો કેટલાક જળકુંભી વેલ જેવા હોય છે તે આડેધડ ફેલાય છે તેથી આવા પતિ નો વિકાસ થયો છે એમ ન કહેવાય પણ તે વધ્યો છે એમ કહેવાય. વધવુ અને વિકાસવુ  એ બંનેમાં હાથી ઘોડાનો ફરક છે. આવો પતિ આજુબાજુની ગમે તે નાની-મોટી વનસ્પતિ પર પથરાઈ જાય છે જેને કારણે ઉપયોગી વનસ્પતિ નાશ પામે છે પણ અહીં ફરક એટલો જ કે નડતરરૂપ વનસ્પતિને કાઢી શકાય છે જ્યારે જળકુંભી સ્વરૂપ પતિ હટાવી શકતો નથી.એ તો મોટાભાગના નડતરરૂપ જ હોય છે છતાં તેને કાઢી નાખવાના કોન્ટ્રાક્ટ આપી શકાતા નથી. વળી નવામાં પણ કોઈ ગેરંટી વોરંટી હોતી નથી.

વળી, કેટલાક પતિઓ ઝાડ ની મોટી મજબૂત વાંકી ડાળીઓ જેવા હોય છે. વાંકી ડાળીઓ થાંભલા, ટેકા કે ફર્નિચર બનાવવાના લાકડા તરીકે કામ આવતી નથી. તે ફક્ત બળતણ તરીકે જ કામ લાગે છે. વાંકા, બાંગા પતિઓ પણ માથાકૂટ કરવા સિવાય કંઈ કામ લાગતા નથી. એનું બળતણ તરીકે ઉપયોગ કરી શકાતો નથી. કેટલાક પતિઓ ફળ -શાકભાજી વિનાના વેલાઓ  જેવા હોય છે  આવા પતિઓ વેલની માફક જ ગમે ત્યાં ફેલાય છે પણ કોઈ ઉપયોગી ફળ આપતા નથી (સંતાનોને ફળમાં ગણવા નહીં) તો કેટલાક એવા હોય છે જે ફળ આપે છે પણ તે કોઈ કામમાં આવતા નથી. આવા વનસ્પતિ સ્વરૂપ પતિને બહેનોએ “કર્મનાં ફળ” ગણીને સ્વીકારી લેવા.

લમણે લખાયુ હોય તે ભૂંસી શકાતું નથી. કેટલાક વળી સાગના ઝાડ જેવા એકદમ સીધા અને મજબૂત. કિંમતી પણ ખરા. તેમાં ક્યારેય ઉધઈ લાગતી નથી. તેના મોટા મોટા પાન વરસાદમાં રક્ષણ આપે. પણ આવા ઓછા! બાકીનાને તો ક્યાંક ને ક્યાંક ઉધઈ લાગેલી હોય જ! પત્નીઓ સારી રીતે જાણે છે કે એકવાર ઉધઈ લાગે પછી કેડો ના મેલે એટલે તો કેટલીક બહેનો ઉધઈ લાગ્યા પહેલા દવા છાંટયા કરે છે.

કેટલાક પતિઓ ને તાડના વર્ગમાં મૂકવામાં આવે છે. આવા તાડ સ્વરૂપમાં ઘણીવાર શારીરિક અને માનસિક ઊંચાઈ વ્યસ્ત પ્રમાણમાં હોય છે આવા મનુષ્ય માટે કબીરજીએ કહ્યું છે …“બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહીં ફલ લાગે અતિ દૂર…” તેથી આવી અસાધારણ ઊંચાઈ ધરાવનારાઓની ઊંચાઈ નડવા સિવાય કોઈ કામ આવતી નથી.જાહેર કાર્યક્રમોમાં તેમનું માથું  પાછળ વાળા માટે “માથાનો દુખાવો” બની જાય છે. બહુ બહુ તો તેઓ ઘરમાં અભેરાઈ ઉપરથી ડબ્બા ઉતારવાના  કામમાં આવે છે તે સિવાય ખાસ કોઈ કામ લાગતા નથી. તેમાં ફળ લાગે છે પણ ફળ એટલા બધા દૂર હોય છે કે ત્યાં પહોંચીશ શકાતું નથી અને તે ફળ નીચે પડતા પડે છે ત્યારે સડી ગયા હોય છે એટલે ખવાલાયક રહેતા નથી. કેટલાકમાં એવું હોય છે કે પતિ  રૂપી વનસ્પતિ વર્ટિકલ સ્વરૂપે વધે છે અને પત્ની હોરીઝોન્ટલ  સ્વરૂપે વધે છે. તેથી એ જોડું ઘટાદાર ઝાડની સાથે તાડ ઉગ્યો હોય એવું લાગે છે.

કેટલાકમાં પતિ-પત્ની બંને અંતિમ ધ્રુવો પર હોય છે પતિ ઊંચા તાડ સ્વરૂપ લાગે છે અને પત્ની બોન્સાઇ. આમ છતાં આવી વનસ્પતિ જોડે જે કોઈ વનિતાનું વાવેતર થયું હોય તેણે નિશાસા નહીં નાખતા ગૌરવ લેવું જોઈએ કારણ કે ગમે તેટલા નિશાસા નાખવા છતાં કુદરતની એ કરામત માં કોઇ ફેરફાર થવાનો નથી. તેથી ગૌરવ લેવું સસ્તું પડે વળી આવું હોય ત્યારે ગૌરવપૂર્વક સૌને કહેવું કે અમે તો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીએ છીએ અમે ઉંચનીચના ભેદભાવોમાં માનતા નથી.

કેટલાક પતિઓ કડવા લીમડા જેવા પણ ગુણકારી હોય છે પણ પત્નીઓ તેમાં ઊંડી ઊતરતી જ નથી અને ઉપરથી જ કડવાણી ચાખીને દૂર ભાગે છે બાકી લીમડા જેવું શીતળ બીજું કોઈ નહીં તેથી જ તેના ગુણોનો લાભ બીજા લઈ જાય છે જો લીમડા સાથે થોડો સમય ટકી જવાય તો પછી એવું જામી જાય કે બીજે ક્યાંય ફાવે નહીં. થોડો કડવો લીમડો ખૂબ  વફાદાર હોય છે કારણ કે તેના ક્યાંરાં માં  બીજો કોઈ છોડ રોપી શકાતો નથી. વળી આવા કડવા લીમડાની એક ડાળ મીઠી હોય જ!બસ એ ડાળ શોધતા આવડવું જોઈએ. બાકી ડાયાબિટીસ તો તેની ભાષાથી જ મટી જાય. જે બહેનો એ પાંચે ય આંગળીએ પૂજ્યા હોય, નાગલા પૂરેપૂરા ચડાવ્યા હોય ,ગૌરીશંકર જેના પર મહેરબાન હોય તેને કલ્પવૃક્ષ જેવો પતિ સાંપડે છે દરેક બહેનોને કલ્પવૃક્ષ જેવા પતિની કલ્પના હોય છે. પણ મોટાભાગે કલ્પનાઓ ફળીભૂત થતી નથી જો કલ્પવૃક્ષ જેવો મળી જાય તો ન્યાલ થઈ જવાય.

જે કંઈ ઈચ્છા કરો કે તરત જ હાજર! પાણીમાં માંગો ત્યાં દૂધ હાજર ! અત્રે બહેનો એ તેમની ઈચ્છાઓને સાકાર કરવા માટે રિસાવું ,ઝગડવું કે વાસણ પછાડવા જેવા ત્રાગા કરવા પડતા નથી. તેથી આવા કલ્પવૃક્ષની છાયામાં ઊછરેલી બહેનો સમય જતાં વધીને વટવૃક્ષ બની જાય છે. જો કલ્પવૃક્ષ જેવો પતિ ના મળે તો પણ કેટલીક બહેનો મળેલા પતિને કલ્પવૃક્ષ બનાવવાની કુશળતા ધરાવે છે તમે જોશો કે પ્રભુતામાં પગલા પાડયા પછી શરૂઆતમાં આડો ચાલનારો અને બરડ પતિ પણ કેટલાક વર્ષો પછી એકદમ કહ્યાંગરો થઈ જાય છે. આવો પતિ પાકી ગયેલો ગણાય. (ઉંમર અને સ્વભાવ બંને રીતે)

ખેર..કલ્પવૃક્ષ જેવો ન મળે તો કંઈ નહીં પણ આંબા જેવો હોય તો પણ ઘણું.એક તો ઘટાદાર આંબો નીચો હોય ,તેમાં લૂમે ઝૂમે કેરીઓ પાકે ત્યારે આંબો વધારે નીચો નામે છે પછી તેને પત્નીઓ ધારે એટલી વાર વેડી શકે છે. અને એ ‘આમ’ આદમી (આમ સ્વરૂપ આદમી) ઝુકેલો જ રહે છે આવા પતિરૂપી આંબાની ડાળે પત્નીરૂપી કોયલ કાયમ ટહુકા કરે  છે.

જો કે આજકાલ આંબા ઓછા થતા જાય છે કેટલીક બહેનો આંબા ને એટલો બધો વેડે છે કે આંબો ઠૂઠૂ થઈ જાય છે માટે ભલે મીઠો આંબો મળ્યો હોય પણ મીઠા ઝાડના મૂળ ન ખોદાય. થોડું-ઘણું ખાતર-પાણી આપ્યા કરો ને વેડયા કરો. વળી આંબો વેડવામાં ઉતાવળ ન કરો, ધીરજ રાખો, કેરીઓ બરાબર પાકે પછી જ વેડો. હજુ તો આંબે મોર આવ્યો હોય અને તમે ઘોંચપરોણો  કરો તો કેરીઓ નહી પામો. ટૂંકમાં પતિરૂપી વનસ્પતિ ને પ્રેમથી ખાતર પાણી આપો તો તે ભવિષ્યમાં મીઠા ફળ આપશે જ! પણ આ કામ બહુ ધીરજ માંગી લે તેવું છે.અને ધીરજના ફળ મીઠા છે.

Total Page Visits: 761 - Today Page Visits: 1

1 comments on “પતિ એક વનસ્પતિ છે ~ નટવર પંડયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!