પાબ્લો પિકાસો : જગવિખ્યાત વિદ્રોહી ચિત્રકાર

પાબ્લો પિકાસો
પાબ્લો પિકાસો
પાબ્લો પિકાસો
Spread the love


પાબ્લો પિકાસો એટલે 20મી સદીનો, અદ્યતન કળાનો માંધાતા. તે 91 વર્ષ જીવ્યો અને છેવટ સુધી કામ કર્યું. પાબ્લોએ ત્રણ પેઢી સુધી વિશ્વના કલાકારોને પ્રેરણા આપી. તે આમ, દંતકથા બની ગયો.

ઘનવાદ


‘દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાળા ચાહયે.’ આ સૂત્ર એને માટે સત્ય બની ગયું. પ્રેમક્ષેત્રે એ તોફાની માણસ અને એ જ એનું પ્રેરણાક્ષેત્ર. પાબ્લોએ સ્ત્રીઓનાં અસંખ્ય ચિત્રો કર્યા છે. બહુ ઓછા કલાકારો તેની અસરમાંથી મુક્ત રહ્યા છે. ચિત્રમાં સુકૃતિને બદલે વિકૃતિકરણ એ એનું પ્રદાન છે. તેના વિખ્યાત ચિત્ર ‘ગાર્નિકા’માં વિકૃતિ દ્વારા યુદ્ધની ભીષણતા તેને બતાવી. તેની રજૂઆતને ગતિવિધિ અજબ-ગજબની છે. તેને અનેક શૈલીમાં કામ કર્યું. અને ચીજોને કલામાં પરિવર્તિત કરી. કલામાં ઘનવાદ વિકસાવવામાં તેનો મોટો ફાળો છે. તેમાંથી આજની અમૂર્ત-કલા સર્જાઈ. તેની ખ્યાતિની જ્યોત આજ સુધી ઝળહળતી રહી. કિર્તિ સાથે આટલું ધન દુનિયાના કોઈ કલાકારની મળ્યું નથી.


જગતના મોટા શ્રીમંતોમાંનો તે એક હતો. 20 વર્ષનો થયા પછી તેને ક્યારેય પૈસાની ચિંતા કરવી પડી નથી. તેનું એક સામાન્ય ચિત્ર 80,000 (એંસી હજાર)માં વેચાયેલું. તેની કૃતિઓ તેના નામથી ઓળખાય છે કે આ ચિત્ર પાબ્લો પિકાસોનું છે.’


તેને લોકો જુદાં જુદાં વિશેષણો આપે છે. કોઈ તેને જીનીયસ કહે તો કોઈ તેને ગાંડો કહે. પિકાસો એટલે પ્રચારક અને નાટકિયો. તેને મળવું હોય તો સમય માગવો પડે. મળે ત્યારે પુરો સમય આપે. તે મહિનાઓ સુધી આઉટહાઉસમાં રહે ને ચીતરે.

પિકાસોનું બાળપણ


પાબ્લો પિકાસોનો જ્ન્મ સ્પેનમાં 1881માં નેલાગા નામના નાના ગામમાં થયેલો. પિતાનું નામ મારિયા પિકાસો હતું. પિતા કલા-અધ્યાપક અને ગામના નાનકડા મુઝિયમના ક્યુરેટર હતા. તે કહેતો : “ હું ચૌદ વર્ષની વયે રફાયેળ જેવુ ચીતરી શકતો.” 15 વર્ષની વયે તેને તેની માતાનું પેસ્ટલ પોટ્રેટ કર્યું છે જે પૂરું પક્વ લાગે.

તેને દસ વર્ષની ઉંમરે કરેલું ચિત્ર તેના ગામના મ્યુઝિયમમાં સંગ્રહ માટે લેવાયેલું છે. 14 વર્ષની ઉંમરે બાર્સિલોનિયાની કલા-શાળામાં પ્રવેશ માટે એક ચિત્ર કરવાનું થયું. મહિનો આપેલો પરંતુ તેને તે કામ એક દિવસમાં પૂરું કર્યું. 16 વર્ષને વયે તે મેડ્રિડ એકેડમીમાં સન્માન સાથે દાખલ થયો અને સીધો ઉપલા વર્ગમાં લેવાયો. તેની શક્તિ જોઈ પિતાએ પીંછી મૂકી દીધી – વીંચીના ગુરુ વેરોકિયોની જેમ.

1895માં તેનું કુટુંબ બાર્સિલોનિય જાય છે. બાર્સિલોનિયામાં તેને લેખકો, ચિત્રકારો, પત્રકારો મિત્રો થાય છે. તેમની સાથે ચર્ચાઓ કરે છે. તે મોડી રાત્રે સંગીત માણવા જાય, રેડલાઈટ વિસ્તારમાં જાય. વેશ્યાઓના ચિત્રો પણ એણે કર્યા છે. તે સખત સ્કેચિંગ કરે એ સ્વાભાવિક હતું. આ કેટેલોનીયાનું જીવન તેનાં ચિત્રોમાં દેખાય છે. ચિત્રકલાનાં આરંભનાં વર્ષોમાં પ્રણાલિગત પોટ્રેટ કરે છે. સમયાંતરે તે પરીક્ષાને તિલાંજલિ આપે છે. હવે તેને માટે શીખવા મ્યુઝિયમમો સિવાય કોઈ સ્થળ જ નહોતું. બાર્સિલોનિયાને મેડ્રિડનાં કલાસંગ્રહમાથી જ શીખતો.

‘ધ મેઇડ ઓવ ઓનર’


સ્પેનનો ચિત્રકાર વિલેસિક્વઝ તેનો પ્રિય ચિત્રકાર હતો. પાછલી ઉંમરમાં તેને જૂના ચિત્રકારોનાં ચિત્રો પરથી પોતાની શૈલીમાં ચિત્રો કરેલાં તેમાં વિલેસિક્વઝનાં ‘ધ મેઇડ ઓવ ઓનર’ પરથી ઘણાં ચિત્રો કરેલાં. બે વર્ષ પૂર્વે ફ્રેંચ સરકારનાં સહયોગથી સરયૂ દોશીનાં આયોજનથી (નેશનલ ગેલેરીનાં ઓનરરી ડિરેક્ટર) કાવસજી જહાંગીર હૉલ મુંબઈમાં પિકાસોનાં ચિત્રો, શિલ્પ, ડ્રોઈંગ, સિરામિક, ઇચિંગ વગેરેનું પ્રદર્શન થયેલું.


સ્પેન તો વહેમ અને અંધશ્રદ્ધામાં ડૂબેલો દેશ હતો. પિકાસો મુક્ત વિચારવાળો અને બળવાખોર હતો. પરિણામે તે સ્પેન છોડી ફ્રાંસને વતન બાનવે છે. ફ્રાંસમાં રહેવા છતાં તેનું સ્પેનિશપણું જતું નથી. તેને મૃત્યુ પૂર્વ એક વાર સ્પેન જવું હતું. પરંતુ જનરલ ફ્રાંકોનાં જીવતા એ શક્ય નહોતું. ફ્રાંસમાં તેને એકલાપણું સાલતું હતું.

સ્ત્રીઓનાં ચિત્રો


પાબ્લો પિકાસો 1900ની સાલમાં ફ્રાંસમાં જય કલાનગરી પેરિસમાં રહે છે. શરૂઆતમાં બાર્સિલોનિયા અને પેરિસમાં એ આવનજાવન કરે છે. પેરિસ, લુવ્રમાં તે દિવસોના દિવસો ગાળે છે. ગ્રીક, રોમન ઈજીપ્શિયન ઓરડાઓમાં તે તેની કલા જુએ છે. સાથે બોનાર્દ, ડેનિશ, તુલુસ લાત્રેક વગેરેનું કામ પણ જોતો રહે છે. પેરિસમાં ઊંચામાં ઊંચી કોટિના કલાકારો હોય છે. પાબ્લો પિકાસો પ્રત્યેક ચિત્રકારનું આગળ હોવાનું કારણ તારવતો ને ઝડપથી કલાતત્વ પામતો.
સ્ત્રીઓની બાબતમાં તેની વાત ન્યારી હતી. તે સ્ત્રીઓને ચાહતો. તે જ તેની પ્રેરણા. તેને અનેક સ્ત્રીઓનાં ચિત્રો પોતાની શૈલીમાં કર્યા છે.

તે વારંવાર પરણ્યો છે. એક નહીં, સાત વખત. પિકાસોની પત્નીઓ કહે છે ‘પિકાસો પ્રેમમાં ને ચિત્રમાં હંમેશ જુવાન હતો.’ પિકાસોની પહેલી પતિની ઓલ્ગા કોકલેવા હતી. તે રશિયન નૃત્યાંગના હતી. સુંદર તો ખરી જ. તે પછી તેની મોડેલ અને મિસ્ટ્રેટ મારિયા હતી. તે જ્યારે પ્રથમ વખત એક શેરીમાં મળે છે ત્યારે પિકાસો કહે છે, “તારો ચહેરા રસ પડે છે. મારે પોટ્રેટ કરવું છુ.’ બાદ ઈવા, જિલોટ, ડોરા. જેકવેલીન જેવાં પાત્રો તેના જીવનમાં આવે છે.

વિપુલ સર્જન


1961માં તે છેલ્લે જેક્વેલીનને પરણે છે.ત્યારે બંને વચ્ચે ઉંમરનો ઘણો ભેદ હતો. પિકાસોનાં અંતિમ વર્ષોમાં જેકવેલીને તેને ખૂબ શાંતિ આપી. 1950થી 60નાં ગાળામાં તેણે ખૂબ ચિત્રો કર્યા. હવે તેની સર્જનશક્તિ ઘટતી હતી. તેણે હવે વિલેસિક્ઝ, જેવા માસ્ટર્સને લઈ પોતાની શૈલીમાં ચીતર્યા. તેમનાં ચિત્રો પરથી નવસર્જનો કર્યા. તેનું મૃત્યુ પ્રોસ્ટેટના ઓપરેશનમાં થયું. છેલ્લે તે આંખોનું તેજ ગુમાવે છે. 8 એપ્રિલ, 1973એ 91 વર્ષ જીવીની, વિપુલ સર્જન સાથે વિરમ્યો.
ઘનવાદનાં ચિત્રોમાં વાસ્તવિક સૃષ્ટિ નથી.

તે ચિત્રોમાં બારીમાંથી જોતાં હોઇએ તેવું ત્રિપરિમાણ નથી. દ્રશ્યનું સાતત્ય નથી. કેન્વાસની દ્વિપરિમાણ સપાટી પર જુદી જુદી સપાટીઓનું વણાટ છે. કાચને એકબીજાની પાછળ ગોઠવ્યા હોય તેમ, સેઝાંએ જે વાતનો આરંભ કર્યો હતો તે વાર અહીં વિકસે છે. આકાર બેકગ્રાઉંડ સાથે સપાટીઓનો સહયોગ સાધે છે. આ ઘનતા ત્રિપરિમાણવાળાં જૂનાં ચિત્રો જેવી નથી.

કોલાજ


ક્યારેક પિકાસો વસ્તુને ચારેબાજુથી રજૂ કરે છે, પણ તે સપાટીઓથી. અહીં વસ્તુના પ્રચલિત અર્થેને દૂર કરી નવો અર્થ આપવામાં આવે છે. અહીં ‘પ્લે ઓવ ફોર્મ્સ’ છે. હવે ચિત્રોમાં ટાઇટલ હોય તો પણ અર્થે રહેતો નથી. અર્થે બાબતે પિકાસો કહે છે ‘ચકલી શું ગાય છે તે પૂછો ખરા?” હવે ચિત્રની સૃષ્ટિ છાયા પ્રકાશવિહીન બને છે. વાર્તા નીકળી જાય છે. પ્રસંગ નહીં પણ પ્રતીકો છે. પિકાસો છાપાના ટુકડાને ચોંટાડી કોલજ કરે છે, છાપું શીશી બની જાય છે.

બીજા વિશ્વયુદ્ધ સુધી પિયાસો કળાતખ્તા પર સવાર રહે છે. ક્યુબિઝમ પછી સિંથેટિક ક્યુબિઝમ આવે છે, તેમાં અલંકરણનું તત્વ વધે છે. પિકાસોને લાગ્યું કે ક્યુબિઝમ નિર્જીવ છે ત્યારે તેણે તે વાદ છોડી દીધો. પિકાસો સરરિઆલિઝમ વાદમાં પણ મનના પડઘા ચીતરે છે

ગ્રીક વાઝ પર રેખાચિત્રો હોય છે. તેનાથી પ્રેરાઈને પિકાસો મોડેલ રાખીને અને તે સિવાય વાયરલાઇનથી ગ્રીક ક્લાસિક જેવાં રેખાચિત્રો કરે છે. એમ્બ્રોઝ વોલાર્દ નામના આર્ટ ડીલરઆ કલાકારના 100 જેટલા આવાં રેખાંકનો સમૂહ પ્રકટ કરે છે. શુધ્ધ રેખા અને લયબધ્ધતાવાળાં માનવપાત્રો તેમાં નિરુપાયાં છે. આ એચિંગ ધાતુની પ્લેટ પર તૈયાર થયા પછી તેની પ્રિન્ટ નીકળે. પિકાસોનું એક પણ ચિત્ર વસ્તુવિહોણું નથી.

પિકાસો મ્યુઝિયમમાં આફ્રિકન કલા જુએ છે. તેણે પોતે આ પ્રથમ વખત જોઈ ત્યારે ભારે આંચકો અનુભવેલો. પોલેનિશિયન શિલ્પ અને માસ્ક તથા ટોટેમ પોલ અને તેનાં પાત્રો જોતાં તેની કલામાં અદભૂત નાવીન્ય પ્રકટયું. આફ્રિકન કલાના વિકૃતિકરણમાં ખૂબ સહજતા છે.

પિકાસોએ અનેક પ્રયોગો કરી કલાક્ષેત્રે સુંદરતાની નવી વ્યાખ્યા બાંધી. કલાનાં સ્વરૂપ અને સમજણ બદલી નાખ્યાં. સદીના સમગ્ર કલાવિકાસ પર તેનો પ્રભાવ વર્તાયો. કલા સ્વાયત્ત બની. નોન-એકેડેમીક બની. સીમાઓ તૂટી ગઈ. કેન્વાસ પર માત્ર ધાબાં કે ગણેલા લીટા મૂકી ચિત્રકાર નામ લખતો થઈ ગયો. કોરા કેન્વાસને પણ પ્રદર્શિત કર્યો. પરિણામે કલામાં પાછું નેરેશન પ્રવેશ્યું. જેને નેરેટિવ કલામાં કહે છે. ત્રણ પેઢી સુધીના મબલક સર્જનનાં આ પિતા સમક્ષનાં આ પિતા સમક્ષ માથું ઝૂક્યા વિના રહેતું નથી.   

આ લેખ ‘વિશ્વના મહાન ચિત્રકારો’માંથી લેવામાં આવેલ છે.

લેખક : નટુ પરિખ, હરિત પંડ્યા

અક્ષરા પ્રકાશન

વિતરક : ગુર્જર સાહિત્ય ભવન, અનડા પ્રકાશન.

Total Page Visits: 1159 - Today Page Visits: 1

1 comments on “પાબ્લો પિકાસો : જગવિખ્યાત વિદ્રોહી ચિત્રકાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!