પ્રભાતની તાજગી – કાકાસાહેબ કાલેલકર

પ્રભાતની તાજગી
કાકાસાહેબ કાલેલકર
Spread the love

પ્રભાતની તાજગી – નિબંધ – કાકાસાહેબ કાલેલકર

બે ત્રણ રાત્રે આકાશમાં વાદળાં હોવાથી તારા દેખાતા ન હતા એને લીધે અડવું અડવું લાગતું હતું. જાણે જીવન અલૂણું થઇ ગયું છે, દિવસની સંપૂર્ણતામાં કાંઇક વસ્તુ બાકી રહી ગઈ છે. આજે પરોઢીયે શ્રવણ એટલો ઉપર ચાલ્યો ગયો હતો કે બંધ બારણાના સળિયામાંથી એને બહુ કષ્ટથી હું જોઈ શકાતો હતો. હંસની એક જ પાંખ દેખાતી હતી. મધ્ય ભાગમાં ધનિષ્ઠા અને શતતારાકાનું સૌંદર્ય ફેલાયું હતું. શનિની સાથે મંગલ અને બુધ કોઈક જગ્યાએ હોવા જ જોઈએ. એ અપેક્ષા કેમે કરી મનમાંથી ખસતી નથી. અને તે તો દર્શન આપતા નથી, પંચાંગ આવ્યે તે લોકોની માહિતી મળશે. એ જો સંધ્યાકાશમાં ગયા હશે તો તો તેમનાં દર્શનની આશા આ બરાકમાં છીએ ત્યાં સુધી નકામી છે. ભાદ્રપદાના ચોરસનું ચોકઠું હજુ બરાબર બેઠું નથી.

આજે સવારે ઓરડી મોડી ઊઘડી તેથી ભારે નુકશાન થયું. સવારનું બધું જ સોનું મેં ગુમાવ્યું. સોનું મને ન મળ્યું તેથી પાકોળીઓને તે વધુ પ્રમાણમાં મળ્યું હશે, કારણ તેઓ મોટા ટોળામાં મળીને આકાશમાં ફેરા ફરતી હતી. પાકોળીઓની ગતિ એ ફરી વ્હીલ સાઈકલ જેવી હોય છે. આ લોકો જરાક પાંખ મારે છે અને પછી પાંખોને આરામ આપી આકાશમાં શરીર વહેતું મૂકે છે. લાંબા વખત સુધી એમનું આ ઊડણ જોઇને મને માલિની છંદ યાદ આવ્યો “ननम यय युतेयं ‘मालिनी’ भोगी-लौके:” આમાં પહેલા ભાગમાં જોરથી પાંખ મારવાની ઉતાવળ છે અને અંતે यंનાં યતિ પર થોડો વખત સ્તબ્ધ રહી પછી માલિનીને છૂટી વહેતી મૂકી દેવામાં આવે છે. પાકોળીઓ, બરાબર આ જ રીતે ઊડે છે.

કોઈ સોગનપૂર્વક કહી ન શકે કે આકાશ સાવ ચોખ્ખું છે એટલા માટે જ જાણે આજે દક્ષિણ તરફ અને ઉત્તર તરફ આછાં વાદળાઓની વીચિ છે. સિંહાસન ઉપર બેઠેલા રામચંદ્રના મુખ ઉપરનું જાણે સૌમ્ય સ્મિત જ.

જેલ બહારનાં ઝાડ કાલના વરસાદથી તાજાં થઇ પ્રસન્ન ગીતો ગાય છે. આગળનાં ભાગમાં કોકના ઘરમાંથી ધુમાડો નીકળે છે. એનો ભૂખરો રંગ ઝાડના લીલા રંગમાં ઘુસીને પોતાનું સૌંદર્ય વધારે છે.

પણ આજે આ કાગડા આટલા ચિંતાગ્રસ્ત કેમ દેખાય છે ? તેમને વરસાદની જરૂર ન હતી કે શું! બિચારાના માળા રાત્રે ભીંજાયા હશે. બીજું શું હોય ?

ઝાડમાંથી સૂર્ય  બહાર આવતાં જ કેટલાક કેદીઓએ ઇને નમસ્કાર કર્યા. ગામડાંના લોકો સૂર્યને નમસ્કાર કરવાનું હજુ ભૂલ્યા નથી. અને તેમ કરતાં તેઓ શરમાતા પણ નથી. ‘અમે સૂર્યને નમસ્કાર નથી કરતા પણ સૂર્ય દ્વારા પ્રગટ થતા સનાતન પુરુષને એટલે કે પરમાત્મા-તત્ત્વને નારાયણરૂપે નમસ્કાર કરીએ છીએ.” એમ કહેવાની પણ એમને આવશ્યકતા નથી લાગતી. તત્ત્વજ્ઞાનના ઊંડા પાણીમાં તેઓ ઉતરતા ન હોવાને કારણે તેમને કશી મુશ્કેલી નથી ઉદભવતી.

કાકાસાહેબ કાલેલકર (પ્રકૃતિનું હાસ્ય)

Total Page Visits: 42 - Today Page Visits: 1

1 comments on “પ્રભાતની તાજગી – કાકાસાહેબ કાલેલકર

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!