બાઝ બહાદુર બેઠા છે ડેલીએ – ભરત ખેની

Spread the love

( માંડવ(માંડુ)ના સુલતાન બાઝ બહાદુર અને રૂપમતીના પ્રેમ અને સંગીતપ્રેમની કથા પ્રખ્યાત છે. ઈ.સ. ૧૫૬૧માં અધમખાને (અકબરનો પાલક ભાઈ, મહામ અંગાનો નાનો પુત્ર) માળવા પર આક્રમણ કર્યું અને બાઝ બહાદુર હારે છે. આ ઘટનાની આગલી સાંજ કૈક આવી હતી.)

ગીત

બાઝ બહાદુર બેઠા છે ડેલીએ.
સવા શેર સુંઠ કોની માએ ખાધી કે આવે રૂપારાણીની હવેલીએ.
બાઝ બહાદુર બેઠા છે ડેલીએ.

સંભળાવો રાગ હવે મિયા મલ્હાર અને છુટ્ટી મૂકી દો સ્વર લહેરી,
પડ્યું રહે ભલે ખાનદેશ અને માળવુ, ભરવી નથી રે એની પહેરી.
રૂહ અને મજહબ છે મોસીકી અમારો, કહો હાથથી રબાબ કેમ મેલીએ?
સવા શેર સુંઠ કોની માએ ખાધી કે આવે રૂપારાણીની હવેલીએ.
બાઝ બહાદુર બેઠા છે ડેલીએ.

રાજ કામકાજ બધા મેલી દો માળિયે, નાચગાનની મહેફીલો લગાવો,
તોળાતી રહેવા દો તલવાર્યું મ્યાન, જરા સુરા- સુરાહી મંગાવો.
સમજી લો છેલ્લી આ વારકું સલામ, ખાન અધમની સાથ જંગ ખેલીએ.
સવા શેર સુંઠ કોની માએ ખાધી કે આવે રૂપારાણીની હવેલીએ.
બાઝ બહાદુર બેઠા છે ડેલીએ.

ભરત ખેની

માળવામાં બાજ બહાદુર અને રૂપમતીની કથા લોકજીભે રમતી હોય છે. રૂપમતીમાં નામ જેવા ગુણ હતા, ઉપરાંત તે કાવ્યો રચતી અને ગાતી. બાજ બહાદુરના પરાજય પછી રૂપમતીએ પોતાનો જીવ લીધાનું કહેવાય છે.ઈ.સ. ૧૫૯૯માં તુર્કોમને તેની કથા ફારસીમાં લખી અને રૂપમતીએ રચેલાં છવીસ કાવ્યો પુસ્તકમાં સમાવ્યાં.

આ ગીતમાં અર્થબોધ સરળતાથી થાય છે.મોગલ સેનાનો ભય તોળાતો હોવા છતાં બાજ બહાદુર સંગીતની મહેફિલોમાં ગુલતાન રહે છે. અંતે રણસંગ્રામે જતાં ‘ઝૂઝીએ’ નહિ પણ ‘ખેલીએ’ કહે છે જેમાં એની નફિકરાઈ અને જિંદાદિલી વરતાય છે. યોદ્ધો હતો ન હતો થઈ ગયો છતાં ગીતની અંતિમ પંક્તિ છે, ‘બાઝ બહાદુર બેઠા છે ડેલીએ’ કારણ કે આવાં પ્રેમશૌર્યાંકિત પાત્રો લોકમાનસમાં અડિંગો જમાવીને બેઠા હોય છે.

ગીતમાં પાત્રોચિત ઉર્દૂ શબ્દોની વરણી કરાઈ છે- રૂહ, મજહબ, મોસીકી, રબાબ, છેલ્લી વારકું સલામ, જંગ… સાથે સવા શેર સૂંઠ ખાવી,ડેલી, હવેલી જેવા પદપ્રયોગોથી પારંપરિક ગીતનું ભાવવિશ્વ જળવાયું છે.

રાજાઓ પર સંગીતની અસરનાં અન્ય દ્રષ્ટાંતો પણ ઇતિહાસમાં જડશે. જેમ કે માંડુ પર જીત મેળવીને હુમાયુંએ કત્લેઆમનો હુકમ આપ્યો હતો. રાજગવૈયા મન્ઝુએ ગાયકીથી તેમને રીઝવ્યા અને ઘણાના જીવ બચાવ્યા. સિકંદરે ઇરાનના પાદશાહ દરાયસને પરાસ્ત કર્યો. ત્યાર પછી કોઈ કવિએ ગીતો દ્વારા સિકંદરને ઉશ્કેર્યો, શાંત કર્યો, પ્રસન્ન કર્યો- એની કથા જ્હોન ડ્રાઇડનના અંગ્રેજી કાવ્યમાં મળે છે.

ઇતિહાસનો પ્રસંગ ગીતનો વિષય બને તે અપવાદરૂપ અને આવકારદાયક છે. કાવ્યસાહિત્યના પ્રારંભે મહાકાવ્યો (એપિક્સ) રચાતાં. (રામાયણ, મહાભારત, ગ્રીસનાં ઇલિયડ અને એડિસી, ઇટલીનાં ઇનિયડ અને ડિવાઇન કોમેડી, બેબિલોનનું ગિલ્ગામેશ ઇત્યાદિ.) સાથોસાથ કથાકાવ્યો (નેરેટિવ પોએમ્સ) રચાતાં. (ચોસરનું કેંટરબરી ટેલ્સ, પ્રેમાનંદનાં આખ્યાનો, કોલરિજનું ‘ટેઇલ ઓફ ધ એન્સિયંટ મરીનર.’) આજના સમયે રચાતાં કાવ્યોમાં ૯૫% તો ઊર્મિકાવ્યો (લિરિક) જ હોય છે, કથાકાવ્યો જવલ્લે રચાય છે.

પ્રસ્તુત ગીતમાં કથાતત્ત્વ છે. આવાં કાવ્યો રચતા કવિની સામે પડકાર હોય છે કે માત્ર નેરેટિવ ન રહે પણ નેરેટિવ પોએમ બને. લોર્ડ બાયરને ૧૬,૦૦૦ પંક્તિઓમાં વિસ્તરતું કથાકાવ્ય (કહો કે મહાકાવ્ય) રચ્યું છે- ‘ડોન જુઆન.’ એમાં પ્રણય અને સાહસમાં શૂરાપૂરા યુવાનની કાલ્પનિક કથા છે. સાથોસાથ બાયરન મુક્ત જાતીયતા, દેશભક્તિ, સમાજોની વિશિષ્ટતાઓ વગેરે પર અભિપ્રાયો આપતા જાય છે. પોતાના હરીફ કવિઓ (વર્ડ્સવર્થ, સાઉથી, કોલરિજ)ની વારંવાર ઠેકડી ઉડાવવાનું યે ચૂકતા નથી. કથાથી ઊર્ધ્વગમન કરીને કાવ્ય બનતા ‘ડોન જુઆન’ ની સમકક્ષ રચના કોઈ સમકાલીન ભારતીય કવિ કરી શક્યો નથી.

ઉદયન ઠક્કર

આ લેખ ‘હસ્તાક્ષર’માંથી લેવામાં આવેલ છે. 

 

Total Page Visits: 892 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!