બ્રાહ્મી શરબત, મુખવાસ વટી, ચંદ્રોદયની ગોળીઓ, દ્રાક્ષાસવ, મૃત્યુંજય રસ, બ્રાહ્મી તેલ

Spread the love

આજના જમાનામાં વૈધક શિક્ષણ અને સમજણના અભાવે આપણા દેશમાં અનેક પ્રકારના રોગો ફેલાય છે અને તેથી લાખો લોકો અકાળે મરણ ને શરણ થાય છે વળી અનેક મનુષ્યો રોગથી પીડાય છે તેમજ સમય અને પૈસાનો ખર્ચ પણ ઘણો મોટો એ દિશામાં થઈ જાય છે, આ સર્વ થતું અટકાવવાનો મુખ્ય ઉપાય એજ છે કે આરોગ્ય અને વૈધક શિક્ષણનો પ્રચાર જેમ બને તેમ મોટા પ્રમાણમાં કરવાની જરૂર છે.

આશા છે કે અહિ  બતાવેલ વૈધક જ્ઞાન આપને  ઉપયોગી થશે. 

બ્રાહ્મી શરબત

બનાવટ : સુકાં બ્રાહ્મી ના પાન ૮૦ તોલા ને સાફ કરી લેવા, તેમજ સાકર શેર અઢી (પાંચ રતલ), સ્વચ્છ પાણી શેર ૪. 

રીત : પ્રથમ એક સારા કલઈ કરેલ તપેલામાં બ્રાહ્મીના  સાફ  કરેલાં પાન લઈ તેમાં પાણી શેર ચાર નાંખી  તેનો ધીમી આંચે ઉકાળો તૈયાર કરવો. ચતુર્થાંશ પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળી લેવું. ગાળેલો ક્વાથ હોય તેમાં સાકર નાંખી શરબત જેવી કડક ચાસણી કરી લઈ ઉતારી કપડે ગાળી ઠંડુ થયે બાટલી ભરી રાખવી. આશરે ૫ થી ૬ રતલ શરબત થશે.

 પ્રમાણ : સવા તોલો, આખા દિવસમાં અઢી તોલો.

સમય : સવાર સાજ બે વખત

અનુપાન : પાણી સાથે મેળવીને લેવું.

ઉપયોગ :  મગજની, જ્ઞાનતંતુઓની તેમેજ લોહીની નબળાઈ, યાદશક્તિની ખામી, માથાનું દરદ, ચક્કરી, ઉન્માદ, હિસ્ટીરીયા, વાયુ, ગાંડપણ વગેરે બુદ્ધિ વર્ધક તથા ઉત્તેજક તરીકે વપરાય છે.

સૂચના :  આ દવા વાપરતાં જો ગરમ જણાય તો એક અઠવાડિયું દવા વાપરી ત્રણ ચાર દિવસ બંધ કરી ફરી પાછું શરૂ કરવું. આ પ્રમાણે વાપરવાથી ગરમ નહિ જણાય.

મુખવાસ વટી

બનાવટ : તજ, જાવંત્રી, લવિંગ, શુંઠ, અકરકરો, જાયફળ, કેશર, એલચી, જેઠીમધનો શીરો, કબાબચીની, કપૂર, પીપર્મેન્ટના ફૂલ, સાકર, એ દરેક વસ્તુ સમ ભાગે.

રીત : દરેક વસ્તુઓનું બારીક ચૂર્ણ કઈ કપડછાણ કરી લઈ તેને ખરલમાં નાંખી પાણી સાથે ગોળી મગના દાણા  જેવડી બનાવી સૂકવી બાટલી ભરી રાખવી.

પ્રમાણ : એક વખતે ૨ થી ૪ ગોળી આખા દિવસમાં ૨૫ ગોળી. સુધી પાન સાથે અથવા એમ જ જમ્યા પછી કોઈ પણ વખતે મુખવાસ તરીકે વાપરવી.

ગુણ : ખાંસી, વાયુ, શરદી, મોળ, ઊલટી, ચકરી માથાનો દુખાવો, કફ, પેટનું દરદ, સાદ બેસી જવો, અપચોમ શૂળ વગેરે મટી શરીર સતેજ બને છે.

ચંદ્રોદયની ગોળીઓ

બનાવટ : ચંદ્રોદય ઘૂંટેલો તોલો ૧, કાળા મરી તોલો ૧. લવિંગ તોલો,૧, જાયફળ તોલો ૧, જાવંત્રી તોલો ૧, ભીમસેની કપૂર તોલો ૧, અકલકરો તોલો ૧, કસ્તુરી  અર્ધો તોલો.

રીત : દરેક વસ્તુઓનું બારીક કપડછાણ  ચૂર્ણ લેવું અને પ્રથમ એક ખરલમાં ઘૂંટેલો ચંદ્રોદય નાંખી તેમ ઉપરનું ચૂર્ણ થોડું થોડું મેળવતા જવું. પછી તે જ્યારે બરાબર ઘૂંટાઈ જાય ત્યારે તેમાં નાગરવેલના પાનનો રસ જોઇતા પ્રમાણમાં નાંખી ત્રણ કલાક ઘૂંટી ચણા જેવડી ગોળી વાળી, સૂકવી બાટલી ભરી રાખવી.

પ્રમાણ : 2 થી 4 ગોળી દિવસમાં બે વખત સવાર સાંજ.

અનુપાન : દૂધ સાથે અથવા પાનમાં ખાઈ ઉપર દૂધ પીવું.

ઉપયોગ : ધાતુની નબળાઈ, વીર્યસ્ત્રાવ, નસોનું સીથીલપણું, મદાગ્નિ, વાયુ, શરદી, ખાંસી, ક્ષય, દમ, પ્રમેહ, મગજની નબળાઈ, વગેરે મટાડી વીર્યનો વધારો કરે છે તથા વાજીકરણ શક્તિ વધારે છે.

પથ્ય : સારો અને પૌષ્ટિક ખોરાક લેવો, બજારની મીઠાઇ વાયડાં કે ખાટાં અને ગરમ પદાર્થોનો ઉપયોગ ન કરવો તે જ બ્રહ્મચર્ય પાળવું ખાસ જરુરી છે. 

દ્રાક્ષાસવ

બનાવટ : કાળી દ્રાક્ષ, તોલા ૨૦૦ પાણી તોલા ૨૦૦૦માં કવાથ બનાવી ચતુર્થાંશ પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળી લેવું.

રીત : ઉપરના ગાળેલા ક્વાથમાં સાકર તોલા ૧૫૦ તથા મધ તોલા ૧૫૦ નાખી મેળવી તેમાં ધાવડીનાં ફૂલ તોલા ૩૨ ચણકબાબ, લવંગ , જાયફળ, મરી, તાજ, એલચી, પીપર, નાગકેસર, તમાલપત્ર, રેણુકબીજ, ચવક, ચિત્રક, પીપરમૂળ. એ તેર ઔષધો દરેક બેબ તોલા લઈ એ સર્વને ખાંડી જરા જાડી ચાળણીથી ચાળી બરણીમાં ઉપરના મિશ્રણ સાથે મેળવી દોઢ માસ ભરી રાખવું અને પછી ગાળી લઈ પંદર દિવસ છણવા દઈ ફરી વાર ગાળી કઈ પછી ઉપયોગમાં લેવું.

પ્રમાણ : બે થી અઢી તોલા જરૂર પડે ત્યારે.

અનુપાન : પાણી સાથે મેળવીને પીવો.

ઉપયોગ – ઉરક્ષત, ખાંસી, સંગ્રહણી, મંદાગ્નિ, અર્શ, ગુલ્મ, કૃમિ , ઉદરરોગ, નબળાઈ, અરુચિ, સુસ્તી, થાક, જવર, નેત્રરોગ, પાંડુરોગ, અનિદ્રા વગેરે મટાડી ભૂખ લગાડે તથા દસ્ત સાફ લાવે છે.

મૃત્યુંજય રસ

બનાવટ : મરી, પીપર, ટંકણખાર, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, એ દરેક એકેક તોલો તથા લીંબુના રસમાં શોધેલો હિંગળો બે તોલા લઈ સાથે ઘૂંટી તેને આદુના રસમાં તથા લીંબુના રસમાં જુદું જુદું વાટી ભાવના આપી ગોળી વાળવા  જેવુ થતાં મગ જેવડી ગોળી બનાવી સૂકવી બાટલી ભરી રાખવી.

પ્રમાણ : ૨ થી ૪ ગોળી દિવસમાં ત્રણ વખત

અનુપાન : સ્વચ્છ પાણી સાથે અથવા મધ સાથે તુળશીનાં પાનના રસ સાથે, ખડસલીઆના સ્વરસ સાથે કે આદુના રસ સાથે દોષ જોઇ યોગ્ય અનુપાનમાં આપવો,

ઉપયોગ  : નવીન જવર ટાઢિયો તાવ, મેલેરીયા, તાવ વિષય જવર, અણઉતાર તાવ, વાત જવર, જીર્ણ જવર, ત્રિદોષ, ન્યુમોનિયા, અતિસાર, ક્રમીજવર, વગેરેમાં ઉત્તમ કામ આપે છે.

સૂચનાં : બરલ મોટી  થઈ હોય તેને, સગર્ભા સ્ત્રીને, નાના બાળકને અતિદુર્બળ રોગીને, હેડકી, શ્વાસવાળા દરદીને આ દવા ન આપવી જોઈએ. અથવા બહુ જ સાંભળથી સૂક્ષ્મ માત્રામાં  આપવી જોઇએ.

બ્રાહ્મી તેલ

બનાવટ :  બ્રાહ્મી વીસ તોલા,  અઢી તોલા નસોતર,  અઢી તોલા દંતીમૂળ,  અઢી તોલા કચૂરો,  પાંચ તોલા વાળો, 1 તોલા મરી, અઢી તોલા વાડીંગ, એક તોલા ઘહુંલા, ચંદન  બે તોલા, ગરમાળો પાંચ તોલા, આમળા 2 તોલા, તલનું તેલ પાંચ શેર, આઠ શેર પાણી.

રીત :એક મોટા વાસણમાં ઉપરની વસ્તુઓનું  જુદું ચૂર્ણ નાખી પાણીમાં કવાથ કરવો. ચતુર્થાંશ બાકી રહે ત્યારે ઉતારી ગાળી લઈ તે પાણીમાં તેલ નાંખી ધીમે તાપે પાક કરતાં પાણી બળી જાય ત્યારે ઉતારી ઠંડુ થયે છાણી લઈ બાટલીઓ ભરી રાખવી.

ઉપયોગ : માથાની ગરમી, અપસ્માર, વાઇ, ઉન્માદ, યાદશક્તિની નબળાઈ, હિસ્ટીરીયા, વાયુ, માથાનું દરદ, વાળ ખરી જવા, ખોડો થવો, વગેરે મટી વાળ વધારે છે અને બુદ્ધિની વૃદ્ધિ કરે છે.

વાપરવાની રીત : માથામાં ઘસવું.

Total Page Visits: 699 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!