ભરત વિંઝુડા : પોતાની જાતમાં કલમ બોળીને લખનાર કવિ ~ રમેશ પારેખ

Spread the love

આઠમા દાયકામાં ગુજરાતી સાહિત્યના આકાશમાં ચમકવા માંડેલી નવી અને સશક્ત કલમોમાં જેને મોખરાની હરોળમાં મૂકવી પડે તેવી એક કલમ ભરત વિંઝુડાની છે.

ભરત વિંઝુડા

ભરત વિંઝુડા આમ તો અછાંદસ આદિ પણ લખે છે પરંતુ તેને વિશેષ રૂપે ફળી છે ગઝલ. એનું કારણ સ્પષ્ટ છે. આ કવિ પોતાની જાતમાં કલમ બોળીને લખે છે. શૂન્યતા, એકાંત, અંધારું, રેતી,સૂરજ, મૃગજળ અને આવા વપરાઈ વપરાઈને નિર્માલ્ય થઈ ગયેલ શબ્દોથી અને “હું” વિશેની કાવ્યાભાસી કૃતક રચનાઓથી અલગ પાડીને લખે છે. એમની રચનાઓ વાંચતા તરત જ થાય કે તે શબ્દને સૂંઘીને અને પોતે નિપજાવેલી ભાષામાં લખે છે. કેટલીક વાર તો એવું ઝીણું નકશીકામ કરે છે કે જોનારના ચશ્માના નંબર બરાબર ન હોય તો તે કાવ્યપદાર્થથી વંચિત રહી જાય. ઉદાહરણ તરીકે આ શે’ર-

ચશ્માના કાચ જેમ મને વીંધતું રહ્યું,
તે દ્રશ્ય એની મૂળ જગાએ જતું રહ્યું.

અહીં જોઈ શકાય છે તેમ આ શેરમાં તેમણે અત્યંત લાઘવથી એક વિશિષ્ટ પરિસ્થિતિનું અને પરિસ્થિતિજન્ય સંવેદનનું બયાન ખૂબસૂરતીથી કર્યું છે મૂળ જગ્યાએ જતા રહેવાની વાતમાં દ્રશ્ય સચેતન છે. તેની વાત અને ક્યારેક ‘ આવ્યું પણ હતું ‘ની વાત પણ વ્યંજિત છે.દ્રષ્ય માટે અરુઢ ક્રિયાપદ ‘ વીંધવું ‘ યોજાયો છે તેમાં પણ ઘણી વ્યંજના પ્રચ્છન્ન છે. મરમી જોઈ શકે.

અન્ય ગઝલનો એક ચિત્રાત્મક શેર પણ જોવા જેવો છે.

આ શ્વાસ કોઈ ફૂલકુંવરબાની વારતા,
વરસોથી એક ક્ષણની પ્રતીક્ષા ઝરૂખડે.

ભરત વિંઝુડા – ગઝલ રસિકોએ યાદ રાખી લેવા જેવું આ નામ છે. અગાઉ કંવલ કુંડલાકરના નામે ગઝલ લખતા આ કવિએ તખલ્લુસ છોડીને હવે મૂળ નામ ધારણ કર્યું છે. -ભરત વિંઝુડા. તેમની રચનાઓ ‘કવિતા’ ‘ કવિલોક ‘ જેવા શિષ્ટમાન્ય સામયિકોમાં પ્રગટ થતી રહે છે.

ઉમાશંકર જોશીની ‘ સ્વપ્નોને સળગવું હોય તો..’ એ શીર્ષકની લાંબી રચના જાણીતી છે. એમાંથી પસંદ કરેલી થોડી પંક્તિઓ અહીં ઉતારું છું.

એક સદીમાં- અર્ધીકમાં- બે વિશ્વયુદ્ધ.
સરવૈયામાં વકરેલું નિર્માનુષિકરણ
ભસ્મપુંજીભૂત હીરોશીમાની ખાક લલાટે
લગાવેલી અણુસંસ્કૃતિનું કંકાલ હાસ્ય.
દસકાઓની ભેખડોએ પડઘાય.
ભીતિના પેંતરા સર્વનાશસજ્જતામાં પરિણમે.
સજ્જનો અકિંચિત્કર‌.
સર્વગ્રાહી બજારમૂલ્યોનું ડાકલું બજી રહે,
સુજનતાની સેર, પ્રેમની સરવાણી
સણસણી રહે દ્વેશજ્વાલાઓ વચ્ચે…

આ રચનામાં ઉમાશંકરે મનુષ્યના વર્તમાનપણામાં, બીભત્સ અતીતના ઓળાઓ ક્ષણેક્ષણે તલવાર વીંઝીને વૈયક્તિક ચેતનાને લોહીલુહાણ કરી મૂકે છે તેની વાત કરી છે. આવી જ વાત ભરત વિંઝુડાએ વધુ કાવ્યાત્મક સમર્થતાથી અને લાઘવથી આ રીતે કહી છે –

ચકલીના ઈંડા પર પૃથ્વીને ચીતરવી,
એમ અમારે યુગના યુગ એક પળ પર જનમે

૧૯૫૬માં સાવરકુંડલામાં જન્મેલા આ કવિ એક દસકાથી ગઝલ ઈત્યાદિ લખે છે. ગુજરાતી સાથે સ્નાતક થયા પછી હાલ અમરેલીની કલેકટર કચેરીમાં કામ કરે છે. હું જાણું છું ત્યાં સુધી તેની ઓફિસમાં કોઈ કવિ તરીકે તેમને ઓળખતું નથી. ઓળખશે ત્યારે તેને ભરતનો જ શે’ર કહેશે –

ઓળખી પણ શકાયા નહીં ભીડમાં,
એમ દરિયા મહીં એ નદી થઈ ગયા

એક મટકું જ માર્યું હતું આભ પર,
એ દરમિયાનમાં વીજળી થઈ ગયા

ભરત વિંઝુડા ની ગઝલો વાંચતા ક્યારેક એવુંયે થાય કે આ કવિ ક્યારેક લખતાં લખતાં પ્રમાદી પણ થઈ જાય છે. એક ગઝલમાં – એક શે’ર બહુ ઊંચાઈએ ઊડ્યો હોય – જેમ કે –

નદીની જેમ નીકળવા સુધી આવી ઊભો છું હું,
અહીં બે હાથના કાંઠાને ફેલાવી ઊભો છું હું

તો એ જ ગઝલમાં પ્રમાદવશ આ કવિએ આવોય શે’ર લખી નાખ્યો હોય છે.

કોઈ પંખીની માફક ચાલતા થાકી ગયો છું હું,
કોઈ પંખીની માફક પાંખ ફફડાવી ઉભો છું હું

પંખીના સંદર્ભે ‘ ઊડવું ‘ નહીં ને ‘ ચાલવું ‘ ક્રિયાપદ બેસતું નથી. શાહમૃગ કે કૂકડા જેવા પંખીની વાત હોય તો તેનો સંકેત શે’રમાં નથી. શેરિયત શિથિલ થાય છે. આવું બધે જ બનતું નથી છતાં કવિને આવું ન બને તેની સતર્કતા તો રાખવી જ જોઈએ ને ?

આ કવિની એક સરસ અને સશક્ત ગઝલ જુઓ :

સતત ઘડિયાળના કાંટા ફર્યા તે ગૌણ બાબત છે
પળોનાં મુડદાં ટપટપ ખર્યા તે ગૌણ બાબત છે

છે બાબત બંધ મુઠ્ઠીથી ટપકતાં ઝાંઝવાઓની
હથેળીમાં કંઈ રણ વિસ્તર્યાં તે ગૌણ બાબત છે

ઝીલે છે કે નહીં વાતાવરણ પડઘા અવાજોના
ખીણો કંપી, પહાડો થરથર્યા તે ગૌણ બાબત છે

તમે કયા કારણોસર સાંભર્યા તે મુખ્ય બાબત છે
અચાનક-અણઅચાનક સાંભર્યા તે ગૌણ બાબત છે

ખરેખર મોરમા આશ્ચર્ય જેવું હોય તો ટહુકો
ને એના કેટલાં પીછાં ખર્યાં તે ગૌણ બાબત છે

અને એક બીજી ગઝલ પણ જોઈ લઈએ. આ ગઝલમાં કેટલાક શેર ભાષાની દૃષ્ટિએ જોવા જેવા છે.

કોઈ રીટાદાસ, કોઈ ભક્ત ગીતાના,
શ્લોક ક્યાં જઈ વાંચવા છાતી સંહિતાના.

એક ધોબીખોર પાનામાંથી ઊડીને,
આંખમાં ટપકી પડે છે કષ્ટ સીતાનાં.

સર્પ જેવું ચાલવું તારું ને શેરીનું,
ને સીધી લીટી સમાં અંગો કવિતાનાં.

એક ધરતીકંપ મારા પર થયો પાછો,
વ્હેણ બદલાઈ ગયાં પાછાં સરિતાનાં.

હું કલાકોની ઉદાસી બાદ ‌ કાગળ પર,
પેન માંડું ને રચાતાં હોઠ સ્મિતાના.

આવી આવી તો અનેક ગઝલ અહીં ઉતારી શકાય પરંતુ આપણે એમાંથી થોડા મનપસંદ શેરો વીણી લઈને માણીએ.

નામ દીધા વગર મેં ધર્યું ફૂલ જ્યાં
હાથ ફેલાયેલા ત્યાં ઘણા નીકળ્યા.

આપણાથી છે એક દી આગળ
એ સહુ લોકને ધૂળેટી છે.

પંખીઓ ઉડતા જોઈ રહ્યો વૃક્ષ જેમ હું
ને ડાળ જેમ હાથને ઊંચોનીચો કર્યો.

એક ઘટના ન ચૂંટાયેલા ફૂલની
સ્હેજ આગળ વધી તૂટતી ડાળમાં.

જે જગ્યાએ અવાજ તારો આવીને અટક્યો
ત્યાં સુધી જઈને તારી સાથે બોલવા દોડું.

પડ્યા કપાઈને બે હાથ તોય આંગળીઓ
વીણ્યા કરે છે હજી આસપાસની સળીઓ‌.

હું વીતી ગયો સાવ અરીસા ની વચોવચ
તું અટકી ગઈ, ભીંત એ તસવીર બતાવે.

કુત્તી પોતાની છાતી ધાવે એ રીતે
કોઈ ડાયરી વાંચે છે કમરાની વચ્ચે.

કોઈ રસ્તા ઉપર નીકળી અને સીટી વગાડે
ને મેડી પર ઘડીભર બંધ થઈ જાતો પિયાનો.

ઊચકી માથાની કાવડ
જાતરા કરવા ગયું ધડ.

ના ગમે તો વાત સાંભળવી નથી
કાન એ કોઈની થૂકદાની નથી.

હબસીના નહીં જન્મેલા બાળક નું પહેલું રૂદન
હોઈ શકે છે કોઈ દિવસ એક શક્તિશાળી ગઝલ.

દ્વાર ખખડે એ રીતે ધબકે છે
એમ લાગે કે ખુલી જશે છાતી.

આ કવિનો હજુ કાવ્યસંગ્રહ પ્રગટ થયો નથી એ માટે આપણને બહુ રાહ નહીં જોવડાવે એવી આશા રાખીએ.

” હોંકારો આપો તો કહું “જનસત્તા પૂર્તિ તારીખ 8-8-84.

કવિશ્રી ભરત વિંઝુડાની સમગ્ર કવિતાનો સંગ્રહ “ભરતકામ” ટૂંક સમયમાં પ્રગટ થનાર છે.


અગાઉ કવિના પ્રગટ થયેલ નવ ગઝલ સંગ્રહની ૮૮૨ ગઝલ તેમજ પ્રસ્તાવનાઓ અને તેમની ગઝલ વિશે લખાયેલ વિશિષ્ટ લેખો આ દળદાર પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે.


પ્રવીણ પ્રકાશન, રાજકોટથી પ્રગટ થનાર આ પુસ્તકની કિંમત રૂપિયા ૭૫૦/- રાખવામાં આવેલ છે. જેનાં આગોતરાં ગ્રાહક થનારને Riyaz online books મોબાઇલ નંબર ૯૭૩૭૬ ૯૪૦૦૩ અથવા ૮૭૮૦૨ ૯૩૧૨૦નો સંપર્ક કરવાથી રૂપિયા ૫૦૦/-માં મળશે. એ માટે તેમનો સંપર્ક કરવા વિનંતી.

Total Page Visits: 1560 - Today Page Visits: 2

2 thoughts on “ભરત વિંઝુડા : પોતાની જાતમાં કલમ બોળીને લખનાર કવિ ~ રમેશ પારેખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!