ભાષા એટલે શું ? એક રસપ્રદ ચર્ચા

ભાષા
Spread the love

માણસની એક વિશિષ્ટ સિદ્ધિ તે ભાષા. ભાષા એ માનવનું સર્જન છે. માનવ દુનિયામાં જન્મ લે છે ત્યારે એની ભાષસિદ્ધિ શૂન્ય હોય છે, પણ ચાર-પાંચ વરસના ગાળામાં, એને પોતાને ભાષા આત્મસાત થઈ ગયેલી લાગે છે અને એ એટલી સરળતાથી બોલતો થઈ જાય છે કે થોડા વખત પહેલાં પોતાને આવી શક્તિ હતી જ નહીં એનો ખ્યાલ પણ એને રહેતો નથી.

ભાષા આનુવંશિક સંસ્કાર તો નથી જ, એ શીખવી પડે છે. માણસ શ્રવણ અને એના અનુકરણથી શીખે છે. જે સમાજમાં એ ઉછેરે છે એ સમાજની ભાષા એ શીખે છે. અનેક સંસ્કારો દ્વારા જે-જે ઘટનાઓ સમાજના સહવાસથી એ શીખે છે, તેમાં ભાષા અગ્રસ્થાને છે. વ્યક્તિના મનોભાવ વ્યક્ત કરવાનું, સામી વ્યક્તિ સુધી વાગ્વ્યહારથી તેને પહોંચાડવાનું કામ ભાષા કરે છે. ભાષા શબ્દ ‘भाष’ એટલે બોલવું પરથી બનેલો છે.

ભાષા એટલે અભિવ્યક્તિ અને અવગમન-અવાજોનું બનેલું વાણીમય માધ્યમ. માણસ જ્યારે આદિમ અવસ્થામાં હતો ત્યારે પોતાની લાગણીઓ, ભૂખ, તરસ, ભી, ક્રોધ વગેરે દર્શાવવા માટે જુદા જુદા અવાજોનો ઉપયોગ કરતો. ધીમે ધીમે તે પરિવાર સાથે રહેતો થયો, સામાજિક અને માનસિક રીતે વિકાસતો ગયો, તેમ તેમ તેને પોતાની લાગણીઓ અને વિચારો દર્શાવવા માટે ભાષાની જરૂર પાડવા માંડી. પછી તેમાંથી ભાષા ઘડાતી ગઈ અને વિકસતી ગઈ.

ભાષાનો વિકાસ એ માનવ-ઉત્ક્રાંતિનો એક ભાગ છે. સમાજમાં પરસ્પર વ્યવહાર માટે ભાષા એ અતિ મહત્ત્વનું સાધન છે. એનાથી સમાજ ટકી શક્યો છે. આમ જુઓ તો ભાષા એ વ્યક્તિને સમાજ સાથે જોડનારી કડી છે. ભાષા વિના માનવસમાજનું અસ્તિત્વ સંભવી શકે નહીં. પરંતુ આ સાથે એમ પણ કહેવું પડે છે કે ભાષા કેવળ અભિવ્યક્તિનું જ નહીં પણ જ્ઞાન મેળવવાનું સાધન પણ છે.

ભાષા માત્ર વિચારવિનિમયનું જ સાધન નથી, વિચારનું એ એકમાત્ર વાહન પણ છે. ભાષા અને વિચાર એક જ વસ્તુનાં પરસ્પર ભિન્ન અને અવિછિન્ન એવાં બે પાસાં છે. સૂક્ષ્મ દ્રષ્ટિએ જોતાં ભાષા એ ધ્વનિ અને વિચાર બંને સાંકળનાર એક માધ્યમ છે. મનમાં વિચાર આવતાં આકૃતિ સ્પષ્ટ થાય છે જે પછીથી ભાષામાં ઉદગાર કે ધ્વનિરૂપે અવતરે છે. મનોગત વિચારોમાં એનું ધ્વનિરૂપે અવતરણ સાધિત છે.

ભાષા ની ઉત્પત્તિ

ભાષાનો જન્મ કેવી રીતે થયો, ભા ષા ક્યાંથી આવી, આદિમ મનુષ્યે ભા ષા કોની પાસેથી ગ્રહણ કરી એ વિશે પ્રશ્નાર્થ જ છે. ભાષાની ઉત્પત્તિ વિશે ભાષાશાસ્ત્રીઓ જાતજાતની કલ્પનાઓ કરે છે.

સૃષ્ટિનાં આરંભકાળમાં જ્યારે મનુષ્ય છૂટોછવાયો વસી એકલો વિચરતો હતો ત્યારે તેને વ્યક્ત ભાષાની જરૂરિયાત સ્વાભાવિક રીતે જ નહોતી. તે વખતે તેનામાં હર્ષ કે શોકના ઉદગારો કાઢીને પોતાનો જે-તે આવેશ દર્શાવતો. ભાષાજ્યારે અવ્યક્ત, અસ્પષ્ટ, અવિકસિત અપૂર્ણ હોય ત્યારે ચેષ્ટાની મદદથી પણ જરૂરત રહે જ. એ સમયે ભિન્નભિન્ન લાગણીઓ દર્શાવવા તેને વ્યવસ્થિત ભાષાની જરૂરત ન હતી. પરંતુ જેમ જેમ માણસની અવસ્થા વિકસતી ગઈ, તેની પરિસ્થિતિમાં પરીવર્તન આવતું ગયું તેમ તેમ તેને વ્યક્ત ભાષાની ખાસ જરૂરત પડવા માંડી.

અર્થાત તે એકમેકની સમીપ ‘સમૂહ’ કે ‘સમાજ’ રચી રહેતો થયો. ઇશારા, સંકેતો, ચિત્રોની જગ્યા ભાષાએ લેવા માંડી. પહેલાં તેનો ધ્વનિ ગૂંચવણભર્યો હતો, તે ધીમે ધીમે સુધારતો ગયો અર્થાત મનુષ્યના વિકાસની સાથે તેની સમજશક્તિ અને ઉચારના અવયવોનો પણ વિકાસ થતો ગયો. પછી તો ઘર, કુટુંબ અને સમાજના બંધારણના પરિણામે આરંભની ગૂંચવણભરી, બદલાતી અને અનિશ્ચિત ભાષા ક્રમે ક્રમે સ્પષ્ટ, સ્થિર અને વિકસિત બનતી ગઈ. ભાષા માત્રાનું મૂળ ધ્વનિમાં છે અને એ અવ્યક્ત ધ્વનિમાંથી વિકાસ પામી મનુષ્યની ભાષા બંધાઈ છે.

હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે ગીર્વાણગિરા સંસ્કૃત જ આદિ ભાષા છે, જેનું પરમેશ્વરે સૃષ્ટિના આરંભકાળે ઋષિઓને જ્ઞાન આપ્યું હતું. એમાંથી કાળક્રમે ભાષા- ઉપભાષાઓ ઉત્પન્ન થઈ. રોમન-કેથલિક પંથના અનુયાયીઓના મતાનુસાર પ્રાચીન હિબ્રૂ એ જ આદિમ ભાષા હતી, એ માનવસર્જિત નહીં પણ ઈશ્વરદત્ત વાણી હતી. બૌદ્ધો પાલીને અને જૈનો પ્રાકૃત કે અર્ધમાગધીને માનવની મૂળભાષા ગણાવે છે. પ્રાચીન ગ્રીક દાર્શનિકોમાંથી પણ કેટલાક, ભાષા ઈશ્વરદત્ત હોવાનું માનતા હતા. જ્યારે સૉક્રેટિસ જેવા આની પ્રસિદ્ધ દાર્શનિકો એ મતથી વિરુદ્ધ હતા.

માણસે પહેલાં ઇશારાની ભાષા વિકસાવી, જેની સાથે કેટલીકવાર અનુકરણાત્મ્ક ધ્વનિઓ સંકલિત થયેલા હતા. પછી ધીમે ધીમે એમાંથી ધ્વન્યાત્મ્ક ભાષા જ સવિશેષ કાર્યસાધક બની ગઈ.

ભાષાની વ્યાખ્યા

જે. બી. કેરોલ જણાવે છે કે :

“ભાષા યાદૃચ્છિક વાચિક ધ્વનિઓ અને ધ્વનિશ્રેણીઓની એક સંઘટનાયુક્ત વ્યવસ્થા છે, જે માનવ-વ્યક્તિઓના કોઈ જૂથ દ્વારા પારસ્પરિક સંદેશાવ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે કે લઈ શકાય છે અને જે માનવ પરિવેશમાં જોવા મળતાં પદાર્થો, બનાવો અને પ્રક્રિયાઓને લગભગ પૂર્ણપણે નોંધી આપે છે. “

ભાષા

એડવર્ડ સેપિર વધુ સ્પષ્ટા કરતાં જણાવે છે કે,

“ભાષા એ માનવીએ કેવળ અંત:પ્રેરણાથી નહીં, પણ સ્વપ્રયત્ને સિદ્ધ કરેલી, પોતાના વિચારો, લાગણીઓ અને ઈચ્છાઓ વ્યક્ત કરવાને સ્વૈછાપૂર્વક યોજેલા ધ્વનિસંકેતોની વ્યવસ્થા છે.”

સેપિરે આ જ બાબત સ્પષ્ટ કરતાં સક્ષેપમાં ફરી કહ્યું છે કે,

“ભાષા એટલે સ્વૈચ્છિક રીતે ઉપજાવેલા સંકેતો દ્વારા વિચારો, લાગણીઓ અને એષણાઓનું સંક્રમણ કરવાની કેવળ માનવીય અને બિનસાહજિક પદ્ધતિ.”

આર. એ. હૉલ નામના ભાષાવિજ્ઞાનીએ પણ કહ્યું છે કે,

“ભાષાઓ એટલે યાદૃચ્છિક સંકેતપદ્ધતિ દ્વારા સંદેશ-વયવહાર કરવાની, માનવો વડે ઉપયોગમાં લેવાતી વાચ્યશ્રાવ્ય ટેવોની વ્યવસ્થાઓ.”

પ્રો. સ્તુર્તેવાંએ આપેલી ભાષાની વ્યાખ્યા આ સર્વમાં ચઢિયાતી છે. એ કહે છે,

“ભાષા યાદૃચ્છિક સંકેતોની એક વ્યવસ્થા છે, જેના વડે કોઈ પણ એક સામાજિક જૂથના સભ્યો એકબીજાનો સહકાર સાધે છે અને એકબીજાના સંપર્કમાં આવે છે.”

એટલે કે ભાષાએ ધ્વનિરૂપ સંકેતોની વ્યવસ્થા છે, દરેક ભાષાને પોતીકી ધ્વનિવ્યવસ્થા હોય છે. આવી વ્યવસ્થા ન હોય તો ડચકારાને ને તાળીના અવાજને જુદા પાડવા મુશ્કેલ બને. એ યાદ રાખવાનું છે કે ભાષા વાચિક ધ્વનિરૂપ યાદૃચ્છિક સંકેતોની વ્યવસ્થા છે, ચિત્રરૂપ સંકેતોની વ્યવસ્થા નથી. અરસપરસ વ્યવહાર કરતા સામાજિક જૂથમાં જ એ અસ્તિત્વમાં આવે છે, રૂઢ બને છે અને સ્વીકાર પામે છે. સામાજિક જૂથ બદલાય તેમ ભાષાની સંકેતવ્યવસ્થા પણ કેટલેક અંશે બદલાય છે.

ભાષા આ રીતે મેળવવા-કેળવવાની બાબત છે. વ્યક્તિ આપમેળે ભાષાનો ઉપયોગ કરે અને તે શીખીની કરે એ બેમાં ફેર છે. વ્યક્તિએ ભાષાના રચતા વ્યવહારથી ટેવાવાનું અને તેથી ભાષાતંત્ર સમજવા શિક્ષિત થવાનું છે.

Total Page Visits: 679 - Today Page Visits: 2

1 comments on “ભાષા એટલે શું ? એક રસપ્રદ ચર્ચા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!