એક પટેલ હતા. એમને ત્યાં દૂઝણું નહોતું, તેથી પટલાણીને ઘણો અશાંગળો રહેતો હતો, એક દિવસ એમના પડોશીને ત્યાં ભેંશ બાંધેલી જોઈને પટલાણીને નવાઈ લાગી, કેમ કે એને ત્યાં પણ દુઝાણું નહોતું તેની એને ખબર હતી. પડોશીને પૂછતાં એને ખબર આપ્યા કે ગામને ગોંદરે ભેંશોનું ખાંડું વેચાવ આવ્યું છે, ને આસપાસના ગામોવાળા ભેંશો લેવા ત્યાં જાય છે.
એ સાંભળીને પટલાણીએ પટેલને કહ્યું કે ઘર આંગણે ભેંશો વેચવા આવી છે, ને આપણે ત્યાં ઢોર નથી એ તમે જાણો છો તો યે શીદ ખબર કાઢતા નથી, માટે સારી, મઝાની જોઈને ભેંશ લઈ આવો, તો છોકરાં છાશભેગા થાય.
પટેલની આ વાત પસંદ પડી, ને ધણીધણિયાણી ભેંશની વાતે વળગ્યાં. ભેંશ આવશે, પછી અહીં બાંધીશું, આવી રીતે એને રાખીશું. એને માટે ચારની વ્યવસ્થા, કપાસિયા તથા ખોલની ખરચ, છાશવારે કેટલું ઘી ડે તેની અટકળો ઇત્યાદિ વાત કરતાં પટેલે વાત મૂકી કે “મારા ભાઈનાં છોકરાંને બચારાને છાશ નથી મળતી, ને વૈતરું દી આખો કરે છે તેથી શરીરમાં કસ નથી આવતો; ને એમની આંખોમાં ફુલાન પડ્યાં છે. એટલે એમને આપણે બોલાવીશું. એમને સારી મઝાની ઘાટી છાશ આપીશું.”
આ સાંભળ્યું ને બાઈને પિયર યાદ આવ્યું. પટેલના ભત્રીજા જાડી છાશ પીશે, ત્યારે શું પટલાણીનાં ભાણિયા પાતળી પીશે? એટલે તરત મોં મરડ્યું કે, “તમારા ભાઈનાં છોકરાં ટીલું લઈને આવ્યાં હશે ને મારી બેનનાં છોકરાં વધારાનાં હશે ! પહેલાં મારી બેનનાં છોકરાને બોલાવવા પડશે. પછી બીજાની વાત.”
પટેલને આવી આડાઈ ન ગમી. એણે તો પહેલાં પોતાના ભાઈનાં છોકરાંને જ બોલાવવાની વાત પકડી રાખી. બાઈનું કહેવું એવું હતું કે ભેંશની ટાઈ બધી હું કરું, ને જાડી છાશ પીએ તમારા ભાઈનાં છોકરાં, એ નહીં બને.
રકઝક વધી. જોતજોતામાં ભાષાનો પ્રકાર ઉગ્ર થયો તે આદાન ઉછળવા સુધી વાત આવી. આ તમાશો પડોશનો વાણિયો જોતો હતો, એ એકદમ લાલપીળો થઈને દોડી આવ્યો, પટેલ –પટલાણીને ધમકાવવા માંડ્યો કે, “તમે બે વઢી મરો છો, પણ તમારી પાડીએ માથું મારીને મારી વંડી પાડી નાખી છે, તે પહેલાં સમી કરી જાઓ; ને પછી કજિયો કરો,”
આ સાંભળીને ધણી-ધણિયાણી બંનેનો ગુસ્સો ઉઆતરી ગયો, ને પડોશીને પટેલ કહેવા લાગ્યો કે ભેંશ તો હજુ આવી છે જ ક્યાં તે તમારી વંડી પાડી નાખે?”
વાણિયાએ હસીની જવાબ દીધો, “ત્યારે પછી ભેંશ ભાગોળે, છાશ છાગોળે ને ઘરમાં આ શી ધમાધમ માંડી છે?”
1 comments on “ભેંશ ભાગોળે, છાસ છાગોળે, ને ઘેર ઘમાધમ”